ચૂંટણી પ્રચાર સભામાં ખુરશી પર બેઠેલા એક વૃદ્ધ મોટેથી ફરિયાદ કરે છે, "અમારા જેવા વૃદ્ધોને કોણ પેન્શન આપવાનું છે? કોઈ નહીં." ઉમેદવાર જવાબ વાળે છે, "તાઉ, તમને પેન્શન મળશે અને તાઈને પણ મહિને 6000 રુપિયા મળશે." ઉમેદવાર પોતાનું ભાષણ પૂરું કરે છે કે તરત જ આ વાતચીત સાંભળી રહેલ બીજા એક વૃદ્ધ પોતાની પાઘડી ઉતારીને ઉમેદવારના માથા પર મૂકીને તેમને આશીર્વાદ આપે છે. આ ઉત્તરીય રાજ્યમાં આ રીતે પાઘડી બાંધવી એ સન્માનનું પ્રતીક મનાય છે.

આ ઉમેદવાર હતા દીપેન્દ્ર સિંહ હૂડા, તેઓ પોતાના મતવિસ્તાર રોહતકમાં 2024ની લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. લોકોએ તેમની વાત સાંભળી. તેમાંના કેટલાકે પ્રશ્નો પૂછ્યા અને પોતાના મનમાં ચાલી રહેલા વિચારો પણ તેમની આગળ વ્યક્ત કર્યા.

(છેલ્લી માહિતી: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર દીપેન્દ્ર સિંહ હૂડા 783578 મતોથી આ બેઠક જીતી ગયા છે. પરિણામો 4 થી જૂન, 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.)

*****

મે મહિનાનીની શરૂઆતમાં, આ મતવિસ્તારમાં 25 મી મેના મતદાનની તારીખના ઘણા સમય પહેલા, ક્રિષ્ન પારીને પૂછે છે, "જે પક્ષ ખેડૂતોની જમીન છીનવી લેવાનો પ્રયાસ કરે અને પછી તેને સુધારણા રુપકડું નામ આપી દે એવા પક્ષને શા માટે મત આપવો જોઈએ?" અમે રોહતક જિલ્લાના કલાનૌર બ્લોકના ગામ નિગાનામાં છીએ. લણણીની મોસમ છે. ઘઉંના પાકની લણણી થઈ ગઈ છે અને ખેડૂતો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, આગામી ડાંગરની મોસમ માટે તેમના ખેતરો તૈયાર કરી રહ્યા છે. ક્યાંય વાદળોનું નામોનિશાન નથી, રસ્તાઓ પરની ધૂળ અને બળતા ખેતરોનો ધુમાડો, પવન સાથે ચોતરફ ફેલાઈ રહ્યા છે.

તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી રહ્યો છે; ચૂંટણીનો માહોલ પણ ગરમાઈ રહ્યો છે. ઉંમરના ચાલીસમા દાયકાની આસપાસ પહોંચેલા ક્રિષ્ન એક ઇલેક્ટ્રિશિયન છે અને હાલમાં નજીકના એક ઘરમાં કામ કરે છે. એક અઠવાડિયું ચાલનારા આ કામ માટે તેમને રોજનું 500 રુપિયા દાડિયું મળે છે. તેઓ દાડિયા મજૂરીના બીજા કામ પણ કરે છે અને નાનકડી દુકાન ચલાવે છે. રોહતક જિલ્લાના આ ભાગમાં મોટાભાગના લોકો તેમની આજીવિકા માટે ખેત મજૂરી, બાંધકામ સ્થળો પરના કામ અને મનરેગા (એમએનઆરજીએ - મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એક્ટ - મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી અધિનિયમ) પર આધાર રાખે છે.

PHOTO • Amir Malik
PHOTO • Amir Malik

ક્રિષ્ન (ડાબે) નિગાના ગામના એક દાડિયા મજૂર છે. તેઓ કહે છે, 'જે પક્ષે ખેડૂતોની જમીન છીનવી લેવાનો પ્રયાસ કર્યો અને પછી તેને વિકાસનું નામ આપી દીધું એવા પક્ષને શા માટે મત આપવો જોઈએ?' રોહતક જિલ્લાના આ ભાગમાં મોટાભાગના લોકો ખેત મજૂરી, બાંધકામના સ્થળો પરના કામ અને મનરેગા પર નિર્ભર છે

તેમના ઘર તરફ જતાં અમે એક ચાર રસ્તા પર પહોંચીએ છીએ. તેઓ કહે છે, "ખેડૂતો અને કામદારો એક જંક્શન પર આવીને ઊભા છે, અને સામ - દામ - દાંડ - ભેદ બધુંય અજમાવીને ચારે તરફથી તેમના પર હુમલા થઈ રહ્યા છે." ક્રિષ્ન કૌટિલ્ય દ્વારા અર્થશાસ્ત્રમાં જણાવવામાં આવેલા શાસનના ચાર મુખ્ય સિદ્ધાંતો - ધીરજ, ભેટો અથવા પૈસા આપીને સમજાવટ, સજા અને ઘાતકી બળપ્રયોગ - નો ઉલ્લેખ કરે છે. ચાણક્ય તરીકે પણ ઓળખાતા કૌટિલ્ય, એક ભારતીય શિક્ષક, મુત્સદ્દીગીરીના પ્રણેતા અને શાહી સલાહકાર હતા, તેઓ ઈસવી સન પૂર્વેની ત્રીજી સદીમાં થઈ ગયા).

જોકે, ક્રિષ્ન આધુનિક ચાણક્યની વાત કરી રહ્યા છે!

2020 ના ઐતિહાસિક ખેડૂત વિરોધ-પ્રદર્શનોનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે, "દિલ્હીના દરવાજે થયેલા 700 થી વધુ ખેડૂતોના મૃત્યુની કોઈ જ જવાબદારી શાસક પક્ષ [ભાજપ] એ લીધી નથી." અને તેઓ ભાજપ દ્વારા પસાર કરવામાં આવેલા અને એક વર્ષ કરતાં વધુ સમય બાદ પાછા ખેંચી લેવામાં આવેલા, ખૂબ ટીકાપાત્ર બનેલા (ખેડૂત વિરોધી) કૃષિ કાયદા માટે ભાજપની નિંદા કરે છે.

“યાદ છે, કેવી રીતે ટેની [ભાજપના નેતાના દીકરા] એ લખીમપુર ખેરીમાં ખેડૂતોને કચડીને મારી નાખ્યા હતા? યે મારને મેં કંજૂસી નહીં કરતે. [હત્યાની વાત આવે ત્યારે તેઓ જરાય પાછી પાની કરતા નથી].” ઉત્તર પ્રદેશની 2021ની એ ઘટના તેમના મગજમાં કોતરાઈ ગઈ છે.

ભાજપે તેના પોતાના ધારાસભ્ય અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ) ના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ, જેમની પર જાતીય સતામણીનો આરોપ છે, તેમની સામે કોઈ પગલાં લીધાં નથી એ હકીકત ક્રિષ્ન જેવા લોકો પચાવી શક્યા નથી. તેઓ કહે છે, “સાક્ષી મલિક અને ઘણા પ્રખ્યાત કુસ્તીબાજોએ ગયા વર્ષે નવી દિલ્હીમાં મહિનાઓ સુધી વિરોધ કર્યો હતો. તેઓ એક સગીર સહિત અનેક મહિલાઓની કથિત રીતે જાતીય સતામણી કરવા બદલ બ્રિજ ભૂષણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા હતા.

2014 માં ભાજપે (પોતના ચૂંટણી ઢંઢેરામાં) મહિલાઓ સામેની હિંસા ઘટાડવાનું વચન આપ્યું હતું. ક્રિષ્ન પૂછે છે, "એ બધા વચનોનું શું થયું? એ લોકોએ સ્વિટ્ઝર્લેન્ડમાંથી કાળું નાણું પાછું લાવીને અમારા ખાતામાં 15 લાખ નાખવાનું વચન આપ્યું હતું. આખરે અમને મળ્યું શું? ભૂખ અને રાશન.”

PHOTO • Amir Malik
PHOTO • Amir Malik

બબલી (ડાબે) હરિયાણાના રોહતક જિલ્લાના નિગાનાના 42 વર્ષના શ્રમિક છે. તેઓ કહે છે, 'એક દાયકા પહેલા જીવન બહુ સરળ નહોતું પરંતુ તે સમયે જીવન આટલું મુશ્કેલ પણ નહોતું.' (ભાલાફેંકની રમતમાં) વિશ્વ વિજેતા નીરજ ચોપરાની તસવીર સાથેનું જાહેરાતનું પાટિયું (જમણે), જેમાં તેઓ લોકોને લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માં મત આપવાની વિનંતી કરતા જોવા મળે છે

ક્રિષ્નને ઘેર તેમના ભાભી બબલીએ હમણાં જ ચૂલા પર સવારનો નાસ્તો બનાવવાનું પૂરું કર્યું છે. છ વર્ષ પહેલા બબલીના પતિ લીવરની બિમારીને કારણે મૃત્યુ પામ્યા હતા. ત્યારથી 42 વર્ષના બબલી મનરેગાની સાઇટ્સ પર કામ કરી રહ્યા છે.

તેઓ કહે છે, “મને આખા મહિનાનું કામ ભાગ્યે જ મળે છે. જો કામ મળી પણ રહે તો મને સમયસર ચૂકવણી કરવામાં આવતી નથી. જો સમયસર ચૂકવણી કરવામાં આવે તો પણ એ એટલી તો ઓછી હોય છે કે એમાંથી ઘર ચલાવવાનું મુશ્કેલ છે." માર્ચ 2024 માં તેમણે સાત દિવસ (મનરેગાનું) કામ કર્યું હતું પરંતુ તેમના વેતનના 2345 રુપિયા હજી સુધી ચૂકવવામાં આવ્યા નથી.

છેલ્લા ચાર વર્ષમાં હરિયાણામાં મનરેગા હેઠળ ઉપલબ્ધ કામમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. 2020-21 માં આ રાજ્યના 14000 થી વધુ પરિવારોને આ કાયદા હેઠળ વચન મુજબ 100 દિવસનું કામ મળ્યું હતું. 2023-2024 માં આ સંખ્યા ઘટીને 3447 થઈ ગઈ. રોહતક જિલ્લામાં 2021-22 માં 1030 ની સરખામણીમાં 2023 માં માત્ર 479 પરિવારોને 100 દિવસનું કામ મળ્યું હતું.

બબલી કહે છે, “એક દાયકા પહેલા જીવન બહુ સરળ નહોતું પરંતુ તે સમયે જીવન આટલું મુશ્કેલ પણ નહોતું.

PHOTO • Amir Malik
PHOTO • Amir Malik

કેસુ પ્રજાપતિ (ડાબે) કહે છે કે આ ચૂંટણીઓમાં મોંઘવારી મહત્ત્વનો મુદ્દો છે. રામરતિ (જમણે) સરકારી શાળામાં રસોઈયા તરીકે કામ કરે છે અને તેઓ કહે છે કે તેમને જે વેતન મળે છે તે પૂરતું નથી

નિગાનાથી માત્ર છ કિલોમીટર દૂર કહનૌર ગામના કેસુ પ્રજાપતિ માટે આ ચૂંટણીઓમાં મોંઘવારી સૌથી મહત્ત્વનો મુદ્દો છે. 44 વર્ષના કેસુ ઘરો અને ઇમારતોમાં ફર્શ પર ટાઇલ્સ ફિટ કરવાનું કામ કરે છે. તેઓ મીઠું અને ખાંડ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવને આધારે ફુગાવાનો અંદાજ કાઢે છે. દાડિયા મજૂર અને રોહતકમાં એક શ્રમિક સંગઠન, ભવન નિર્માણ કારીગર મજદૂર યુનિયનના સભ્ય કેસુ કહે છે કે દસ વર્ષ પહેલા દૂધ રૂ. 30 - 35 રુપિયે લિટર મળતું હતું. હવે 70 રુપિયે લિટર થઈ ગયું છે. એક કિલોગ્રામ મીઠું જે એ વખતે16 રુપિયામાં મળતું હતું, એના હવે 27 રુપિયા થાય છે.

તેઓ કહે છે, “રેશન તો અમારો અધિકાર હતો. હવે તો એ આપીને પણ સરકાર અમારી પર અહેસાન કરતી હોય એવું લાગે છે, જેને માટે અમારે સરકારની આગળ નમવું પડે છે." હાલમાં, પીળા કાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં, એક કિલો ખાંડ અને એક કિલો ખાદ્ય તેલ મળે છે, જ્યારે ગુલાબી કાર્ડ ધારકને મહિને 35 કિલો ઘઉં મળે છે. તેઓ ઉમેરે છે, “પહેલાં સરકાર રાશન પર કેરોસીન આપતી હતી. એ બંધ કરી દેવામાં આવ્યું છે અને એલપીજી [લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ] સિલિન્ડરને રિફિલ કરાવવાનું મુશ્કેલ છે. અમને ચણા અને મીઠું પણ મળતા હતા." પરંતુ હવે એ બે વસ્તુઓ પણ મળતી નથી"

(મફત મળતા રેશનની) યાદીમાંથી હવે મીઠું હટાવી દીધું હોવાથી તેઓ કહે છે, “ઓછામાં ઓછું, હવે અમે 'હમને સરકાર કા નમક નહીં ખાયા' એટલું તો કહી શકીએ [અમે સરકારનું મીઠું ખાધું નથી અને તેથી અમારે શાસક સરકારને વફાદાર રહેવાની કોઈ જરૂર નથી]."

કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપના શાસન સાથે હરિયાણાની 'ડબલ એન્જિન' સરકારે કહનૌરની સરકારી શાળામાં રસોઈયાનું કામ કરતા રામરતિ જેવા મતદારો માટે જોઈએ તેટલું કામ કર્યું નથી. 48 વર્ષના રામરતિ સરકારી શાળામાં મધ્યાહન ભોજન બનાવે છે. તેઓ કહે છે, "આટલી સખત ગરમીમાં, જ્યારે આગની સામે એક મિનિટ પણ ઊભા રહેવું અસહ્ય હોય છે ત્યારે, હું મહિનાની લગભગ 6000 રોટલીઓ બનાવું છું." તેમને આ કામ માટે માસિક વેતન પેટે 7000 રુપિયા મળે છે. તેમને લાગે છે કે તેમને તેમની અડધી જ મહેનતના પૈસા મળે છે, બાકીની અડધી મહેનત કોઈ મહેનતાણા વગર નકામી જાય છે.  મોંઘવારીએ તેમના છ જણના પરિવારનું ગુજરાન ચલાવવાનું ખૂબ જ મુશ્કેલ બનાવી દીધું છે. તેઓ કહે છે, "સૂરજ ઊગે છે ને આથમી જાય છે તોય પણ મારું કામ પૂરું થતું નથી." અહીં તેઓ પોતાના ઘરના કામકાજને તો ગણતા જ નથી.

PHOTO • Amir Malik

હરિયાણામાં છેલ્લા ચાર વર્ષમાં મનરેગા હેઠળ ઉપલબ્ધ કામમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.  રોહતક જિલ્લામાં 2021-22 માં 1030 ની સરખામણીમાં 2023 માં માત્ર 479 પરિવારોને 100 દિવસનું કામ મળ્યું હતું. ડાબેથી જમણે: શ્રમિકો હરીશ કુમાર, કલા, પવન કુમાર, હરિ ચંદ, નિર્મલા, સંતોષ અને પુષ્પા

હરીશ કુમાર કહે છે, “હું મંદિર [રામ મંદિર] ના નામે મત નહીં આપું. કે નથી મારે કાશ્મીર સાથે કોઈ લેવાદેવા." પોતાની જે બે સિદ્ધિઓ પર ભાજપને ગર્વ છે તે - અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ અને બંધારણની (જમ્મુ અને કાશ્મીરને લગતી) કલમ 370 ની નાબૂદી - એનાથી આ દાડિયા મજૂરની જિંદગીમાં કોઈ ફેર પડતો નથી.

હરીશ કહનૌરથી 30 કિલોમીટર દૂર મકરૌલી કલાનમાં રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યાં કામમાં વ્યસ્ત છે. હરીશ અને કેટલાક પુરુષો અને મહિલાઓ કાળઝાળ ગરમીમાં કામ કરે છે ત્યારે ભારે વાહનો ત્યાંથી પસાર થતા રહે છે. મહિલાઓ એક પછી એક કોંક્રીટ બ્લોક્સ ઉપાડીને એકબીજાને આપી આગળ પસાર કરે છે. પુરુષો લાલ, ભૂખરા અને પીળા રંગના બ્લોક્સ જોડીને પાકો રસ્તો બનાવે છે.

હરીશ કલાનૌર તહેસીલના સાંપલ ગામના છે. તેમને આ કામ માટે રોજના 500 રુ. મળે છે. તેઓ કહે છે, “અમારા દૈનિક વેતનનો મોંઘવારી સાથે તાલમેળ નથી. મજબૂરી મેં મહેનત બેચને કો મઝદૂરી કહેતે હૈ [મજબૂરીમાં જે નાછૂટકે માત્ર પોતાની મજૂરી વેચીને જીવે તે મજૂર].”

PHOTO • Amir Malik
PHOTO • Amir Malik

રોહતક તહેસીલના મકરૌલી કલાન ખાતે દાડિયા મજૂરી કરતી મહિલાઓ પાકો રસ્તો બનાવવા માટે કોંક્રિટના બ્લોક્સ ઉપાડે છે. બીજાઓની જેમ નિર્મલા (જમણે) ને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ કામ કરવું પડે છે

PHOTO • Amir Malik
PHOTO • Amir Malik

હરીશ અને પવન (લાલ શર્ટમાં) ટ્રેક્ટરમાંથી સિમેન્ટ ઉપાડે છે. તેઓ કહનૌરથી 30 કિલોમીટર દૂર મકરૌલી કલાન ખાતે રસ્તો બનાવવા નું કામ ચાલી રહ્યું છે ત્યાં કામ કરી રહ્યા છે

તેઓ લાસલૂસ ખાઈને પોતાનું બપોરનું ભોજન જેતમતેમ ઉતાવળે પૂરું કરે છે કારણ કે તેમને કોંક્રિટ મિક્સ કરવાના તેમના કામે પાછા ફરવાનું છે. ભારતમાં તેમના જેવા લગભગ બધા જ શ્રમિકોની જેમ તેમને પણ આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તનતોડ મહેનત કરવી પડે છે અને મહેનતના પ્રમાણમાં નજીવું મહેનતાણું મળે છે. તેઓ કહે છે, “મારા કામના પહેલા દિવસે મેં વિચાર્યું હતું કે હું પૈસા કમાઈશ તો લોકો મને માન આપશે. પણ એ માનનો એક નાનકડો અંશ પણ હજી આજ સુધી મારે નસીબ થયો નથી."

"વધારે વેતન એ અમારી એકમાત્ર માંગ નથી. અમારે સમાનતા પણ જોઈએ છે.”

એક સદી કરતાં પણ વધુ સમય પહેલાં કલાનૌર તહેસીલ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સીમાચિહ્નરૂપ એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની હતી. મહાત્મા ગાંધી અને મૌલાના અબુલ કલામ આઝાદે કલાનૌરમાં એક જાહેર સભાને સંબોધી હતી. 8 મી નવેમ્બર, 1920 ના રોજ, રોહતકમાં એક સત્રમાં,આ પ્રદેશમાં અસહકાર ચળવળને પ્રોત્સાહન આપવા માટેનો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ભારતના સ્વાતંત્ર્ય એ સંગ્રામમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થયો હતો.

2024 માં રોહતકના લોકો ફરી એકવાર એક જંક્શન પર આવીને ઊભા હતા અને લોકશાહી બચાવવા માટેના તેમના રાષ્ટ્રના પ્રયાસમાં અને તેમના પોતાના અસ્તિત્વ માટેના સંઘર્ષમાં તેઓ એક બીજા વળાંકની રાહ જોઈ રહ્યા હતા.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Amir Malik

Amir Malik is an independent journalist, and a 2022 PARI Fellow.

Other stories by Amir Malik
Editor : Medha Kale

Medha Kale is based in Pune and has worked in the field of women and health. She is the Translations Editor, Marathi, at the People’s Archive of Rural India.

Other stories by Medha Kale
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik