જુહુ બીચ પરની સાંજની ભીડભાડમાં તેમનો અવાજ એક રહસ્યમય મંત્રની જેમ ગૂંજે છે, "આઓ આઓ સુનો અપના ભવિષ્યવાની, સુનો અપની આગે કી કહાની..." ઉપનગરીય મુંબઈના આ ધમધમતા બીચ પર આથમતા સૂર્યની પૃષ્ઠભૂમિમાં લગભગ 27 વર્ષના ઉદય કુમાર લોકોને કેટલીક ભવિષ્યવાણી સાંભળવા બોલાવી રહ્યા છે.

તેઓ કોઈ જાતે બની-બેઠેલા જ્યોતિષી નથી કે નથી કોઈ હસ્તરેખાશાસ્ત્રી, કે પછી નથી પોપટને સાથે લઈને બેઠેલા કોઈ ટેરો કાર્ડ રીડર. તેઓ તો ત્યાં એક ચાર ફૂટ ઊંચા ફોલ્ડેબલ ટેબલ પર એક રહસ્યમય કાળા ખોખા પર શણગારાત્મક લાઇટમાં લપેટેલો એક નાનો, આશરે એક ફૂટ-લાંબો રોબોટ લઈને બેઠા છે. તેઓ આ પત્રકારનો રોબોટ સાથે પરિચય કરાવતા કહે છે, "આ રોબોટને જ્યોતિષ કોમ્પ્યુટર લાઈવ સ્ટોરી કહેવામાં આવે છે."

કૂતુહલપૂર્વક હમણાં જ તેમની પાસે પહોંચેલા એક ગ્રાહકને આ મશીન સાથે જોડાયેલા હેડફોન સોંપતા તેઓ સમજાવે છે આ ઉપકરણ વ્યક્તિના સ્પંદનોનું વિશ્લેષણ કરી શકે છે. થોડા વિરામ પછી હિન્દીમાં બોલતી એક મહિલાનો અવાજ ભવિષ્યના રહસ્યો ખોલશે. માત્ર 30 રુપિયામાં.

ઉદય આ તકનીકી અજાયબીના એકમાત્ર સંરક્ષક છે જે તેમણે એમના કાકા રામ ચંદર પાસેથી વારસામાં મેળવી છે. આ કાકા દાયકાઓ પહેલાં બિહારના એમના ગેંધા ગામમાંથી મુંબઈ આવ્યા હતા (અને આ શહેરમાં રાજુ તરીકે ઓળખાતા હતા).  જ્યારે જ્યારે તેમના કાકા ઘેર પાછા ફરતા ત્યારે તેઓ તેમની સાથે શહેરની વાતો લઈ આવતા. ઉદય યાદ કરે છે, “ચાચા [કાકા] એ અમને કહ્યું હતું કે તેમની પાસે એક અજુબા [એક અવનવી વસ્તુ] છે, જે ભવિષ્ય કહી શકે છે, અને એ રીતે તેઓ પૈસા કમાઈ રહ્યા છે.   ઘણા લોકોએ આ વાતને હસી કાઢી હતી અને વિચાર્યું હતું કે એ કોઈ મજાક હતી. હું મંત્રમુગ્ધ થઈ ગયો હતો!” શહેરના જીવનની તેમજ મશીનની અજાયબીઓ સાથે રાજુએ તેમના 11 વર્ષના ભત્રીજાનો પરિચય કરાવ્યો હતો.

PHOTO • Aakanksha
PHOTO • Aakanksha

ભાવિ- ભાખનાર રોબોટ સાથે બીચ પર ઉદય કુમાર, આ રોબોટને તેઓ 'જ્યોતિષ કોમ્પ્યુટર લાઈવ સ્ટોરી' કહે છે

ઉદયના માતા-પિતા પોતાની થોડાક વીઘા જમીન પર કાળી મજૂરી કરતા ખેડૂતો હતા, તેઓ ઘણીવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરતા હતા, આ આર્થિક મુશ્કેલીએ જ ઉદયને 4 થા ધોરણ પછી તેમનું શિક્ષણ છોડી દેવા મજબૂર કર્યા હતા. જ્યારે તેમણે બિહારના વેશાલે જિલ્લામાં આવેલું પોતાનું ગામ છોડીને મુંબઈ શહેરમાં તેમના કાકા રાજુ સાથે કામ કરવાનું નક્કી કર્યું ત્યારે પરિવારને આર્થિક રીતે મદદ કરવાનો વિચાર પણ તેમના મનમાં હતો. તેઓ કહે છે કે તેઓ તેમની કિશોરાવસ્થામાં હશે. “વો મશીન દેખના થા ઔર મુંબઈ ભી [મારે મશીન જોવું હતું, અને મુંબઈ પણ]!” ઉદય ઉત્તેજિત જણાય છે.

ઉદય યાદ કરે છે, તેમના કાકા જે મશીન વાપરતા હતા તે ચેન્નાઈ અને કેરળના કારીગરોએ બનાવ્યું હતું અને 90 ના દાયકાના અંતમાં મુંબઈમાં એ વાપરવાની શરૂઆત થઈ હતી. રાજુ ચાચા એક કલાકારને મળ્યા હતા અને આ ધંધામાં હાથ અજમાવવા માટે મશીન ભાડેથી મેળવ્યું હતું.

ઉદય કહે છે, "આ ધંધામાં લગભગ 20-25 લોકો હતા. તેમાંના મોટાભાગના દક્ષિણના રાજ્યોના હતા, થોડા બિહાર અને ઉત્તર પ્રદેશના હતા. તેમની પાસે આવું જ મશીન હતું."

રાજુની જેમ તેઓ બધા આ અવનવા ઉપકરણ સાથે શહેરમાં ફરતા રહેતા અને જુહુ બીચ આ ફેરિયાઓ માટે એક વિશેષ સ્થાન હતું. ઉદયના કાકા આખા શહેરમાં ભટકતા હતા ત્યારે ઉદય પણ કાકાની સાથે સાથે શહેરમાં ફરતા. તેમના કાકાની કમાણીનો ચોથો ભાગ મશીનનું ભાડું ચૂકવવામાં જતો હતો.  ઉદયના કાકા રાજુએ તેમનો ધંધો શરૂ કર્યો ત્યારે મશીન ખરીદવા માટે ખૂબ મોંઘું હતું, લગભગ 40000 રુપિયા. પરંતુ આખરે તેમણે એ મશીન ખરીદી લીધું હતું.

PHOTO • Aakanksha
PHOTO • Aakanksha

ઉદય તેમના અવનવા ઉપકરણ સાથે મુંબઈ શહેરમાં આસપાસ ફરતા રહે છે પરંતુ જુહુ બીચ તેમના માટે એક વિશેષ સ્થાન હતું

ઘણા પ્રયત્નો છતાં ઉદય ક્યારેય આ રોબોટ બનાવવાની યુક્તિઓ શીખી શક્યા નહીં. ઘણા વર્ષો પહેલા રાજુનું અવસાન થયું ત્યારે જ તેમને રોબોટિક ભવિષ્ય ભાખનાર મશીન વારસામાં મળ્યું હતું. ઉદયે પોતાની જાતને એ પરંપરાને આગળ વધારતા જોયા જેણે એક સમયે તેમની કલ્પનાને મોહિત કરી લીધી હતી.

એક દાયકા પહેલા લોકો પોતાના નસીબમાં શું લખ્યું છે એની ઝલક મેળવવા માટે 20 રુપિયા ચૂકવતા, આ આંકડો છેલ્લા ચાર વર્ષમાં વધીને 30 રુપિયા સુધી પહોંચ્યો છે. કોવિડ -19 મહામારીને કારણે તેમના વ્યવસાયને ફટકો પડ્યો હતો. ઉદય કહે છે, "સમય જતાં ઘણા લોકોએ આ ધંધો છોડી દીધો હતો." મહામારી પછી આ રહસ્યમય અવશેષના તેઓ એકમાત્ર કબજેદાર છે.

ઉદયને પણ માત્ર આ મશીનથી તેઓ જે કમાણી કરે છે તેના પર ટકી રહેવું મુશ્કેલ જણાય છે. તેમના પત્ની અને પાંચ વર્ષનો દીકરો ગામમાં રહે છે, અને તેઓ તેમના દીકરાને મુંબઈમાં ભણાવવાની આશા રાખે છે. તેઓ સવારે જુદા જુદા નાનામોટા કામ - કારકુનનું કામ અને પેમ્ફલેટ વેચવાનું કામ પણ - કરે છે. તેઓ જે કોઈ કામ મળે તે કરવા તૈયાર છે. તેઓ કહે છે, "જ્યારે મને સવારનું કોઈ કામ ન મળે ત્યારે હંમેશા આ રોબોટ સાથે હું અહીં ઊભો રહી શકું છું અને મારા પરિવારને મોકલવા માટે થોડાઘણા પૈસા કમાઈ શકું છું."

ઉદય સાંજે 4 વાગ્યાથી મધરાત સુધી જુહુ બીચના કિનારે ઊભા રહે છે. તેમને ડર છે કે જો તેઓ બીજી કોઈ જગ્યાએ ઊભા રહેશે તો તેમને દંડ થશે અને બીજી જગ્યાએ મશીન લઈ જવાનું પણ મુશ્કેલ બને. શનિ-રવિ તેમના ધંધા માટેના સારામાં સારા દિવસો છે, ત્યારે તેમને સામાન્ય કરતાં વધુ સંખ્યામાં પોતાનું ભવિષ્ય જાણવાનું કૂતુહલ ધરાવતા લોકો માટે કોસ્મિક સંદેશાઓ ડીકોડ કરવા માટે મળી રહે છે. તે દિવસોમાં તેમની કમાણી 300 - 500 રુપિયાની વચ્ચે ક્યાંય પણ હોઈ શકે છે. આ બધું થઈને તેઓ મહિને કુલ 7000-10000 રુપિયા કમાય છે.

PHOTO • Aakanksha
PHOTO • Aakanksha

ઉદય કુમારને આ મશીન તેમના કાકા પાસેથી વારસામાં મળ્યું હતું. મુંબઈ પ્રત્યેનું આકર્ષણ અને આ મશીન તેઓ માંડ કિશોરાવસ્થામાં પહોંચ્યા હતા ત્યારે તેમને આ શહેરમાં લઈ આવ્યું હતું

ઉદય તેમના ગામના સાથી બિહારીઓને મશીનની રહસ્યમય શક્તિ વિશે સમજાવવા માટેના પોતાના નિષ્ફળ પ્રયોગો વિશે વાત કરતા કહે છે, "ગામના લોકોને જ્યોતિષીઓ પર શ્રદ્ધા હોય છે, મશીન પર નહીં તેથી ત્યાં ખાસ કમાણી થતી નથી." તેમનો દાવો છે કે મુંબઈ જ તેમના ધંધા માટેનું સ્થળ છે, જો કે ભવિષ્ય ભાખનારું ઉપકરણ એ વધુ તો મનોરંજનનું સાધન છે અને બીચ પર લોકો તેને શંકાની નજરે જુએ છે.

ઉદય કહે છે, “કેટલાકને તે રમુજી લાગે છે અને તેઓ તેની પર હસે છે; કેટલાક ચોંકી જાય છે. તાજેતરમાં એક માણસ અવિશ્વાસથી હસતો હતો કારણ કે તેના મિત્રએ તેને તે સાંભળવા માટે દબાણ કર્યું હતું પરંતુ પછીથી તે પ્રભાવિત થયો હતો. એ માણસે મને કહ્યું કે રોબોટ જાણતો હતો કે તેઓ પેટની કોઈ સમસ્યાથી પરેશાન છે અને તેમણે વધારે ચિંતા ન કરવી જોઈએ. એ માણસે કહ્યું કે તેમને હકીકતમાં પેટની સમસ્યા હતી. એટલે આવા ઘણા લોકો મને મળ્યા છે. જેમને વિશ્વાસ કરવો હોય તેઓ વિશ્વાસ કરી શકે છે."

આ મશીનની ક્યારેક બગડી જાય તો પછી ઝડપથી ફરી કામ કરતું થવાની એની રહસ્યમય ક્ષમતા બાબતે સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા ઉદય દાવો કરે છે, "મશીન ક્યારેય ખોટકાઈ ગયું નથી."

શું એ ક્યારેય કામ કરતું બંધ થઈ ગયું છે?

ઉદય જણાવે છે કે જો તેમ થાય તો આસપાસના વાયરિંગને ઠીક કરવા માટે શહેરમાં એક મિકેનિક છે.

ઉદય કહે છે, "મશીન જે કહે છે તે હું માનું છું. એને કારણે મને મારું કામ ચાલુ રાખવાની આશા બંધાઈ રહે છે."  જો કે તેઓ તેમના પોતાના જીવન વિશે ભાવિ ભાખનારના શબ્દો જાહેર કરવામાં બિલકુલ અચકાતા નથી. તેઓ હસીને કહે છે, "મશીનની અંદર જાદુ છે અને મશીન મારા વિશે જે કહે છે તેમાં મને ખૂબ રસ પડે છે. હું તમને તેના પર વિશ્વાસ કરવાનું નહીં કહું. તમે જાતે સાંભળીને નક્કી કરો."

PHOTO • Aakanksha

ભાવિ- ભાખનારું મશીન લોકો માટે વધુ તો મનોરંજનનું સાધન છે અને ઘણીવાર તેને શંકાની નજરે જોવામાં આવે છે

PHOTO • Aakanksha

ઉદય કહે છે, ' ગામના લોકોને જ્યોતિષીઓ પર શ્રદ્ધા હોય છે, મશીન પર નહીં.' મુંબઈ તેમને માટે તેમના ધંધા માટેનું ( યોગ્ય) સ્થળ છે

PHOTO • Aakanksha

ઉદય કહે છે કેટલાકને તેના ઉચ્ચારણ રમૂજી લાગે છે અને તેઓ તેની પર હસે છે; અને કેટલાક ચોંકી જાય છે, પરંતુ મશીન ક્યારેય ખોટું નથી હોતું

PHOTO • Aakanksha

તેમને માટે માત્ર મશીનને આધારે ટકી રહેવાનું શક્ય નથી. ઉદય સવારે જુદા જુદા નાનામોટા કામ કરે છે પરંતુ સાંજ સુધીમાં તેઓ તેમના રોબોટ સાથે બીચ પર પહોંચી જાય છે

PHOTO • Aakanksha

એક ગ્રાહક 30 રુપિયામાં પોતાના ભવિષ્યની ઝલક મેળવી રહ્યા છે

PHOTO • Aakanksha

કોવિડ -19 મહામારી દરમિયાન તેમના ધંધાને ફટકો પડ્યો હતો. પરંતુ તે પછી પણ તેમણે પોતાનો ધંધો ચાલુ રાખ્યો છે

PHOTO • Aakanksha

મશીન તેમના વિશે શું કહે છે તેનાથી ઉદય મંત્રમુગ્ધ છે. તેઓ કહે છે, ' મને એના પર ( મશીન કહે છે તેના પર) વિશ્વાસ છે'

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Aakanksha

Aakanksha is a reporter and photographer with the People’s Archive of Rural India. A Content Editor with the Education Team, she trains students in rural areas to document things around them.

Other stories by Aakanksha
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik