"અમે અમારી આખી જિંદગી દસ્તાવેજો રજૂ કરવામાં અને સરકાર અને સાથી નાગરિકો આગળ અમે અહીંના બીજા કોઈની પણ જેમ આ જ દેશના નાગરિકો છીએ એમ સાબિત કરવામાં જ વિતાવી છે."

બહારુલ ઇસ્લામ કચરો અલગ કરવામાં વ્યસ્ત છે. તેઓ પ્લાસ્ટિકની બાટલીઓ, ભીનો કચરો, પૂંઠા અને થર્મોકોલ બધાના અલગ-અલગ ઢગલાઓ કરે છે, દરેકને પ્લાસ્ટિકની અલગ-અલગ બોરીઓમાં નાખે છે. 35 વર્ષના બહારુલ આસામના બારપેટા, બોંગાઈગાંવ અને ગોલપારા જિલ્લાના 13 સ્થળાંતરિત પરિવારોનો ભાગ છે. તેઓ બધા હરિયાણાના અસાવરપુર નગરમાં જમીનના એક પ્લોટ પર એકસાથે રહે છે, અને કચરો વીણવો અને અલગ કરવો એ તેમની આજીવિકાનું સાધન છે.

બહારુલ કહે છે, "અહીંયા હોય કે પછી આસામમાં બંને જગ્યાએ લોકો હંમેશા અમારી ઓળખ પર સવાલ ઉઠાવે છે." તેઓ કહે છે કે અધિકારીઓ અવારનવાર તેમની ઝૂંપડપટ્ટીમાં આવીને દરેક જણની પાસેથી દસ્તાવેજોની માગણી કરતા રહે છે. તેઓ ઉમેરે છે, “અમે કચરો વીણવા જઈએ ત્યારે લોકો અમને પૂછે છે કે અમે ક્યાંના છીએ. આસામ સાંભળીને તેઓ માની લે છે કે અમે બાંગ્લાદેશી છીએ." તેઓ ઉમેરે છે કે અમારો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી એની ખાતરી કરવા પોલીસ ઘણી વાર અમને આસામથી પોલીસ વેરિફિકેશન લઈ આવવાનું કહે છે. બહારુલ કહે છે, "અમે શું કહીએ છીએ એનાથી કોઈ ફરક પડતો નથી." તેઓ આસામમાં નેશનલ રજિસ્ટર ફોર સિટિઝન્સ (એનઆરસી) ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તેનાથી વાકેફ છે પરંતુ તેઓ કહે છે કે તેઓ એ બાબતે ચિંતિત નથી કારણ કે તેમની પાસે જમીનની માલિકીના દસ્તાવેજો છે.

એ જ કમ્પાઉન્ડમાં રહેતા ભાઈઓ રિયાઝ અને નૂર ઈસ્લામનું કહેવું છે કે બ્રહ્મપુત્રા નજીક આવેલી તેમની જમીનમાં સતત (પૂરના) પાણી ભરાતા ખેતી પર આધાર રાખવાનું અશક્ય બની જતા તેઓએ આસામ છોડી દીધું હતું. આ તરફ બરપેટામાં તેમના માતાપિતા 800 ચોરસ ફૂટ જમીન પર ખેતી કરે છે, જ્યાં તેઓ લીલા મરચાં, ટામેટાં અને બીજા શાકભાજીની ખેતી કરે છે. આ ભાઈઓ કહે છે, “ભારે વરસાદ દરમિયાન નદીનું પાણી અમારા ઘરોમાં ઘૂસી જાય છે, અને અમારે ઘર છોડીને ત્યાંથી નીકળી જવું પડે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અમે કેળાના ઝાડના થડિયાનો ઉપયોગ કરીએ છીએ." નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (એનઆરએસસી ) અનુસાર 1998 અને 2015 વચ્ચે આસામ રાજ્યમાં લગભગ 28.75 ટકા જમીન પૂરથી અસરગ્રસ્ત થઈ છે.

PHOTO • Harsh Choudhary
PHOTO • Najam Sakib

ડાબે: બહારુલ ઈસ્લામ વીણેલા કચરાને અલગ કરવા માટે જમીન પર ઠાલવી રહ્યા છે. જમણે: હરિયાણાના અસાવરપુર ગામમાં બહારુલના ઘરની બાજુમાં એકની ઉપર એક ઢગલો કરેલી કચરાની બોરીઓ

PHOTO • Najam Sakib
PHOTO • Harsh Choudhary

રિયાઝ ઈસ્લામ (ડાબે) અને તેમના ભાઈ નૂર (જમણે) હરિયાણાના સોનીપતમાં રહેવા ગયા કારણ કે આસામમાં તેમના વતનમાં વારંવાર આવતા પૂરને કારણે ખેતી ચાલુ રાખવાનું અશક્ય બની ગયું હતું

હાલ બહારુલ, રિયાઝ અને નૂર બીજા 11 સ્થળાંતરિત પરિવારોની જેમ જ આસામમાં આવેલા તેમના ઘરોથી હજારો કિલોમીટર દૂર રહે છે - આ બધા આસામના બારપેટા, બોંગાઈગાંવ અને ગોલપારા જિલ્લાના છે. તેઓ બધા સાથે કામ કરે છે અને સાથે રહે છે, આ પરાયા વાતાવરણમાં એકબીજાની પડખે ઊભા રહે છે અને સ્થળાંતરને કારણે સહેવી પડતી રોજબરોજની નિંદાઓનો સામનો કરવામાં એકબીજાની મદદ કરે છે.

બહારુલ કહે છે, “અહીં કોઈને પૈસાની જરૂર હોય તો અમે એકબીજાને ઉધાર આપીએ છીએ. માત્ર થોડા જ લોકોને આસામ અને તેમના પરિવારો પાછા ફરવાનું [પોસાય તેમ] હોવાથી અમે મીઠી ઈદ અને બકરી ઈદ જેવા તહેવારો અહીં સાથે મળીને ઉજવીએ છીએ. રમઝાન દરમિયાન અમે ક્યારેક ક્યારેક સેહરી પણ વહેંચીએ છીએ.

મોટાભાગના પરિવારો 2017 માં મહામારી પહેલા આવ્યા હતા, અને બાકીના 2021 માં આવ્યા હતા. તેઓએ સાથે મળીને આ જગ્યા મહિને 17000 રુપિયામાં ભાડે લીધી હતી, દરેક પરિવારે ભાડા પેટે એક હજાર રૂપિયાથી થોડો વધારે ચૂકવવા પડે છે. બહારુલની પત્ની મોફિદા જેવી મહિલાઓ પણ મદદ કરે છે. મોફિદા પણ બોંગાઈગાંવના છે, તેઓ 10 મા ધોરણ સુધી ભણેલા છે અને આસામી ઉપરાંત અંગ્રેજી વાંચી અને લખી શકે છે. તેઓ દરેક કુટુંબ દ્વારા વીણવામાં આવેલ કચરાનો હિસાબ રાખવામાં અને તેને એક નાની ચોપડીમાં નોંધવામાં મદદ કરે છે.

બધા પરિવારો કચરાને લગતાં કામ જ કરે છે: કેટલાક રહેણાંક વિસ્તારોમાંથી કચરો વીણે છે, જ્યારે બહારુલ જેવા બીજા કેટલાક નજીકની ફેક્ટરીઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાંથી કચરો વીણે છે. નાના બાળકો પણ કચરો છૂટો પાડવા જેવા કામમાં મદદ કરે છે અને ક્યારેક કચરો વીણવામાં મદદ કરવા તેઓ પુખ્ત વયના લોકો સાથે પણ જાય છે.

PHOTO • Harsh Choudhary
PHOTO • Harsh Choudhary

ડાબે: બહારુલ અને તેમની પત્ની મોફિદા બંને વેપારીઓને વેચવા માટે કચરાને અલગ કરવાનું કામ કરે છે. મોફિદા કમ્પાઉન્ડમાં રહેતા દરેક પરિવાર દ્વારા વીણવામાં આવેલ કચરાનો હિસાબ રાખવામાં અને તેને નોંધવામાં મદદ કરે છે. જમણે: બહારુલનું કામચલાઉ ઘર વાંસના થાંભલા પર તાડપત્રી ખેંચીને બનાવવામાં આવ્યું છે

PHOTO • Harsh Choudhary
PHOTO • Najam Sakib

ડાબે: નૂર સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી શહેરમાં ચારે તરફથી કચરો વીણવાનું કામ કરે છે. જમણે: આ વિસ્તારના રહેવાસીઓ વેપારીઓને વેચવા માટે પ્લાસ્ટિકનો કચરો ભેગો કરી રહ્યા છે

નૂર ઇસ્લામ કહે છે, “અમે અમારો દિવસ સવારે 7 વાગ્યે શરૂ કરીએ છીએ, કચરો વીણવા અમે શહેરની અંદર જઈએ છીએ અને પછી લગભગ 3 વાગ્યે પાછા આવીએ છીએ." પરંતુ તેઓ ઉમેરે છે કે જો કામનું ભારણ વધુ હોય તો તેઓને પાછા ફરતા રાતના 9 પણ વાગી જાય છે. એકવાર કચરો વીણાઈ જાય પછી તેને લગભગ 30-35 શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે: વપરાયેલી બાટલીઓ, પ્લાસ્ટિકની કોથળીઓ, રોટલીઓ, થર્મોકોલ, કાચની વસ્તુઓ વિગેરે. બહારુલ કહે છે, "ત્યારબાદ અમે સ્થાનિક વેપારીઓને કચરો વેચીએ છીએ." આ વેપારી માંગના આધારે કિંમત નક્કી કરે છે અને કચરો વીણનારાઓએ એ કિંમત સ્વીકારવી પડે છે. એક કિલો થર્મોકોલની કિંમત 15 થી 30 રુપિયાની વચ્ચે હોય છે."

એક પરિવારની કમાણી મહિને 7000 થી 10000 રુપિયા જેટલી હોય છે - અહીં ઉનાળામાં પ્લાસ્ટિકની બોટલોમાં વેચવામાં આવતા પાણીનો વધારે વપરાશ થાય છે ત્યારે વધારે કમાણી થાય છે.

બહારુલ કહે છે, “અમારી આવકનો લગભગ અડધો ભાગ ભાડા, વીજળી અને પાણીના બિલમાં ખર્ચાઈ જાય છે. વીજળી અને પાણીના બિલ અલગથી આવે છે. વીજળીનું બિલ લગભગ 1000 રુપિયા સુધી પહોંચે છે." આ પ્લોટમાં ઉપલબ્ધ નળનું પાણી વપરાશમાં લેવા માટે અયોગ્ય હોવાથી આ પરિવારોને પીવાનું પાણી પણ સપ્લાયર પાસેથી ખરીદવું પડે છે.

બહારુલ ઉલ્લેખ કરે છે કે ખાધાખોરાકી પરના ખર્ચથી તેમના ખર્ચમાં વધારો થાય છે. પીડીએસ (પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ - જાહેર વિતરણ પ્રણાલી) દ્વારા આપવામાં આવતા અનાજનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે, "[આસામમાં] અમને ઘેર રાશન મળે છે. પરંતુ અહીં [હરિયાણામાં] રાશન માટે હરિયાણા આઈડી કાર્ડ જરૂરી છે, જે અમારી પાસે નથી."

બહારુલ ઓએનઓઆરસી (વન નેશન વન રેશન કાર્ડ) વિશે જાણતા નથી – ઓએનઓઆરસી એ 2019 થી અમલમાં મૂકવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી પોર્ટેબિલિટી સ્કીમ (યોજના) છે જેનો હેતુ ભારતમાં આંતરિક સ્થળાંતરિત કરનારાઓ સહિત તમામ માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તેઓ આ પત્રકારને કહે છે, "હું એ વિષે કશું જાણતો નથી."

PHOTO • Harsh Choudhary
PHOTO • Harsh Choudhary

પ્લાસ્ટિકની બાટલીઓ (ડાબે) ના સારા પૈસા આવે છે. કચરાને વપરાયેલી બોટલો, પ્લાસ્ટિકની કોથળીઓ, રોટલીઓ, થર્મોકોલ, કાચની વસ્તુઓ, પૂંઠા વિગેરે જેવી વિવિધ શ્રેણીઓમાં વર્ગીકૃત (જમણે) કરવામાં આવે છે

PHOTO • Najam Sakib
PHOTO • Harsh Choudhary

બાળકો (ડાબે) ઘણીવાર મદદ કરે છે. આ પરિવારોનું કહેવું છે કે (સરકારી) અધિકારીઓ અવારનવાર તેમને ઘેર આવીને દરેક જણની પાસેથી દસ્તાવેજોની માગણી કરતા રહે છે

તેમના કામચલાઉ ઘરો વાંસના થાંભલાઓ તાડપત્રી ખેંચીને બનાવવામાં આવે છે. તેમના ઘરો અને વિભાજીત અને અવિભાજીત કચરાના ઢગલા એકબીજા સાથે ભળી જાય છે અને તેમના બાળકો એ બધાની વચ્ચે થઈને દોડાદોડી કરતા રહે છે. આ અહેવાલ મુજબ જેઓ પોતાના માતાપિતા સાથે શહેરોમાં સ્થળાંતર કરતા બાળકોમાંથી  માત્ર 55 ટકા બાળકો શાળામાં જાય એવી શક્યતા છે. આ વિસ્તારમાં રહેતા ઘણા બાળકો તેમનો અભ્યાસ ચાલુ રાખવાને બદલે કામ કરવાનું પસંદ કરી રહ્યા છે. રિયાઝના 12 વર્ષના દીકરા અનવરે ત્રીજું પૂરું કર્યા પછી શાળાએ જવાનું છોડી દીધું છે. હવે તે રિયાઝને કચરો વીણવામાં અને છૂટો પાડવામાં મદદ કરે છે. અનવર કહે છે, “કોઈ કબાડીવાલાના છોકરાની નજીક આવવા માગતું નહોતું. મારે કોઈ મિત્રો નહોતા. મારા પિતાને મદદ કરવા માટે મેં અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો."

સોનીપત આવતા પહેલાં બહારુલે ચેન્નાઈમાં ત્રણ વર્ષ સુધી એક કોલેજના ચોકીદાર તરીકે કામ કર્યું હતું. તેઓ કહે છે, "અમારા ગામના એક સાથીનું જોઈને હું અહીં આવ્યો છું."

બહારુલ કહે છે, "મારા માતા-પિતાને અને ગામના લોકોને હું આવું કામ કરું છું એમ કહેતા મને શરમ આવે છે. હું તેમને કહું છું કે હું શાળાઓમાં નાનુંમોટું કામ કરું છું." તેઓ કહે છે કે સ્થળાંતર કરવામાં તેઓને બીજા ઘણા પ્રકારના પડકારોનો સામનો પણ કરવો પડે છે: “આસામમાં માછલી એ અમારા આહારનો મુખ્ય ભાગ છે. જો કે અહીં અમે માછલી ખાઈએ તો કેટલાક પડોશીઓ અમારી તરફ નીચી નજરે જુએ છે; અમારે ખૂબ જ છાનેમાને માછલી રાંધીને ખાવી પડે છે."

તેમનું સ્વપ્ન આસામમાં જમીનનો એક નાનો પ્લોટ ખરીદવા માટે પૂરતા પૈસા કમાવવાનું અને પોતાના લોકો સાથે રહેવા માટે પાછા ફરવાનું છે. તેઓ કહે છે, " પોતાના પરિવારના સભ્યો આગળ જૂઠું બોલવાનું કોઈનેય ગમતું નથી, બધા માનભેર જીવન જીવવા માગે છે."

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Student Reporter : Harsh Choudhary

Harsh Choudhary is a student at Ashoka University, Sonipat. He has grown up in Kukdeshwar, Madhya Pradesh.

Other stories by Harsh Choudhary
Editor : PARI Desk

PARI Desk is the nerve centre of our editorial work. The team works with reporters, researchers, photographers, filmmakers and translators located across the country. The Desk supports and manages the production and publication of text, video, audio and research reports published by PARI.

Other stories by PARI Desk
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik