સૈયદ ફૈઝાન રઝા કહે છે, “પટનામાં અઠવાડિયા સુધી ચાલતી તિલંગી [પતંગ] સ્પર્ધાઓનું આયોજન થતું. લખનૌ, દિલ્હી અને હૈદરાબાદના પતંગબાજોને આમંત્રણ આપવામાં આવતું. એ એક તહેવાર હતો." તેઓ વાતો કરે છે ત્યારે અમે ગંગાના કિનારે ચાલીએ છીએ, નદીનો વિશાળ પટ ખુલ્લા આકાશને પ્રતિબિંબિત કરે છે, સૈયદના કહેવા પ્રમાણે એક સમયે એ આકાશમાં હજારો પતંગો ઉડતા હતા.

પટનામાં નદી કિનારે આવેલા દુલીઘાટ પર વર્ષોથી રહેતા આવેલા રઝા કહે છે કે ઉમરાવથી લઈને તવાયફ સુધી, તમામ સામાજિક વર્ગના લોકો આ રમતને પ્રોત્સાહન આપતા હતા. તેઓ ઝડપથી એક પછી એક નામ બોલે છે - “બિસ્મિલ્લા જાન [તવાયફ] પ્રોત્સાહન આપતા હતા, અને મીર અલી ઝામીન અને મીર કેફાયત અલી પતંગ-સાઝી [પતંગ બનાવવા] અને પતંગ-બાઝી [પતંગ ઉડાડવાની રમત] ના કેટલાક વખાણાયેલા ઉસ્તાદ [નિષ્ણાતો] હતા."

આ રમત માટે પતંગ પૂરા પાડવા પટનાના અશોક રાજપથ ખાતે ગુડહટ્ટા અને ખ્વાજાકલાન વચ્ચેનો વિસ્તાર (લગભગ 700-800 મીટરનું અંતર) એક સમયે પતંગના વેપારીઓથી ભરેલો હતો, લોકોને પતંગ તરફ આકર્ષિત કરતા હોય એમ તેમના રંગબેરંગી પતંગો દુકાનોની બહાર લહેરાતા રહેતા.  રઝા ઉમેરે છે, "પટનામાં પતંગો માટેનો દોરો સામાન્ય દોરા કરતાં જાડો રહેતો, અને એ સૂતર અને રેશમને ભેગા કરીને બનતો, જે નખ તરીકે જાણીતો હતો."

બેલુના માસિક સામયિકની 1868 ની એક નકલ પટના પતંગ માટે પ્રખ્યાત હોવાનો ઉલ્લેખ કરે છે. “કોઈપણ વ્યક્તિ, જે ઝડપથી પોતાનું નસીબ બનાવવા માગતી હોય તેણે અહીં પટના પતંગને અપનાવવી જોઈએ. આ બજારોમાં દર દસમી દુકાન એ પતંગની દુકાન છે, અને તમને લાગશે કે આખી વસ્તી પતંગ ઉડાડતી હશે. આ પતંગ હીરાના આકારનો, પીંછા જેવો હલકો હોય છે, એને પૂંછડી હોતી નથી અને શક્ય તેટલી હલકી રેશમની દોરી વડે એ ઉડાડવામાં આવે છે.”

સો કરતાં વધુ વર્ષો પછી, ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે, પરંતુ પટનાની તિલંગીએ તેમની અસામાન્ય વિશેષતા જાળવી રાખી છે - એ પૂંછડી વગરના પતંગો છે. પતંગ કારીગર શબીના હસતા હસતા કહે છે, “દૂમ તો કુત્તે કા હોતા હૈ ન જી, તિલંગી કા થોડે [પૂંછડી તો કૂતરાઓને હોય, પતંગોને નહીં].” ઉંમરના સિત્તેરના દાયકામાં પહોંચેલા શબીનાએ થોડા સમય પહેલા તેમની આંખો નબળી પડી ત્યારે તિલંગી બનાવવાનું બંધ કરી દીધું હતું.

PHOTO • Ali Fraz Rezvi
PHOTO • Courtesy: Ballou’s Monthly Magazine

ડાબે: પતંગના વિવિધ ભાગો દર્શાવતી આકૃતિ જમણે: બેલુના માસિક સામયિકની ની 1868 ની એક નકલમાંથી અવતરણ

PHOTO • Ali Fraz Rezvi

પટનામાં અશોક રાજપથ વિસ્તાર એક સમયે પતંગના વેપારીઓથી ભરેલો હતો, લોકોને પતંગ તરફ આકર્ષિત કરતા હોય એમ તેમના રંગબેરંગી પતંગો દુકાનોની બહાર લહેરાતા રહેતા

પટના હજી આજે પણ પતંગ બનાવવાનું અને એને ઠેકઠેકાણે પહોંચાડવાનું કેન્દ્ર બની રહ્યું છે - પતંગ અને તેને લગતી સામગ્રી અહીંથી સમગ્ર બિહાર અને પડોશી રાજ્યોમાં પણ જાય છે. પરેતી (ફીરકી) અને તિલંગી બંને અહીંથી સિલીગુડી, કોલકતા, માલદા, રાંચી, હજારીબાગ, જૌનપુર, કાઠમંડુ, ઉન્નાવ, ઝાંસી, ભોપાલ અને છેક પુણે અને નાગપુર સુધી જાય છે.

*****

અશોક શર્મા તેમના સ્વર્ગસ્થ પિતાને ટાંકીને કહે છે, “તિલંગી બનાને કે લિયે ભી ટાઈમ ચાહિયે ઔર ઉડાને કે લિયે ભી [પતંગ બનાવવા અને ઉડાડવા બંને માટે સમય જોઈએ]. અને ઉમેરે છે, "આજે આ શહેરમાં સમય મળવો એ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે."

શર્મા ત્રીજી પેઢીના તિલંગી (પતંગ) બનાવનાર અને વેચનાર છે. અશોક રાજપથ ખાતે બિહારના સૌથી જૂના ચર્ચ - પાદરી કી હવેલીથી 100 મીટરના અંતરે પટના શહેરની વચ્ચે માટીની દીવાલો અને માટીનાં નળિયાંવાળી તેમની સદીઓ જૂની દુકાન આવેલી છે. તેઓ પરેતી (પતંગ સાથે જોડાયેલ દોરાને વીંટવા માટેની વાંસમાંથી બનાવેલી ફીરકી) બનાવતા થોડા નિષ્ણાતોમાંના પણ એક છે.  માંઝા (માંજા) અથવા નખ-પતંગ ચગાવવા માટેની દોરી હવે ચાઈનીઝ અને ફેક્ટરીમાં બનેલી હોય છે અને પહેલા કરતા પાતળી અને હલકી હોય છે.

આગળ બેઠેલા શર્માજીના હાથ વ્યસ્ત છે, તેઓ એક ગામમાંથી મળેલો 50 પરેતીનો ઓર્ડર પૂરો કરવા ઉતાવળ કરી રહ્યા છે, આ ઓર્ડર એક કલાકમાં ડિલીવર કરવાનો છે.

લાકડાની સખત સળીઓને વાળી અને બાંધીને - પરેતી બનાવવી - એ પતંગ બનાવવા કરતાં તદ્દન અલગ કૌશલ્ય છે, અને એ કામ બહુ ઓછા લોકો કરી શકે છે, અને શર્મા આ કામમાં તેમની કુશળતા માટે જાણીતા છે. બીજા કેટલાક તિલંગી કારીગરોની જેમ તેઓ પતંગો કે પરેતી બનાવવાનું કામ પેટા કોન્ટ્રાક્ટ આપીને કરાવતા નથી, તેઓ પોતે જે બનાવે છે તે જ વેચવાનું પસંદ કરે છે.

PHOTO • Ali Fraz Rezvi
PHOTO • Ali Fraz Rezvi

અશોક શર્મા પરેતી અને તિલંગી માટે સળીઓ કાપી રહ્યા છે. તેઓ પરેતી (પતંગ સાથે જોડાયેલ દોરાને વીંટવા માટેની વાંસમાંથી બનાવેલી ફીરકી) બનાવતા થોડા નિષ્ણાતોમાંના એક છે

PHOTO • Ali Fraz Rezvi
PHOTO • Ali Fraz Rezvi

ડાબે: અશોક જીની વર્કશોપમાં નવી બનાવેલી પરેતી. જમણે: દુકાનમાં બેઠેલા અશોક જીના મિત્ર અને અનુભવી કારીગર

તિલંગી અને પરેતીથી ભરેલો નાનકડો ઓરડો અંધારિયો છે, માત્ર પાછળ, જ્યાં તેમના 30 વર્ષના પૌત્ર કૌટિલ્ય કુમાર શર્મા હિસાબનું કામ કરે છે ત્યાંના એક નાનકડા ખુલ્લા ભાગમાંથી થોડુંઘણું અજવાળું આવે છે. આ હસ્તકલા આ પરિવારમાં ઘણી પેઢીઓથી ચાલી આવે છે તેમ છતાં શર્મા કહે છે કે તેમના દીકરાઓ અને દીકરાઓના દીકરાઓ એ બનાવવાનું ચાલુ રાખે તેવી શક્યતા નથી.

શર્મા 12 વર્ષના કિશોર હતા ત્યારથી તેમણે તિલંગી અને પરેતી બનાવતા શીખવાનું શરૂ કર્યું હતું. પતંગ બનાવનાર આ પીઢ કારીગર કહે છે, “દુકાન પે આ કર બૈઠ ગયે, ફિર કૈસા બચપન કૈસી જવાની? સબ યહીં બીત ગયા. તિલંગી બનાઈ બહુત મગર ઉડાઈ નહિ [મેં નાનપણથી જ દુકાનમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને આ જ કામ કરતા કરતા મારી યુવાની પણ પસાર થઈ ગઈ. મેં ઘણી તિલંગી બનાવી છે પણ ક્યારેય ઉડાડી શક્યો નથી].

અશોક શર્મા કહે છે, “શહેરના ઉમરાવો પતંગ બનાવવાની પ્રક્રિયા પર દેખરેખ રાખતા. તેમના તરફથી અપાતું ઉત્તેજન પતંગ બનાવનારાઓ માટે એક વરદાન હતું. પટનામાં મહાશિવરાત્રી સુધી પતંગની મોસમ ચરમસીમાએ રહેતી હતી. પરંતુ આજકાલ તો સંક્રાંતિને દિવસે [લણણીનો ઉત્સવ, જ્યારે પરંપરાગત રીતે પતંગ ઉડાડવામાં આવે છે તે દિવસે] પણ તિલંગીના ગ્રાહક મળવા મુશ્કેલ છે.

*****

તિલંગીનો આકાર સમચતુર્ભુજ અથવા હીરા જેવો હોય છે. દાયકાઓ પહેલાં કાગળમાંથી તિલંગી બનાવતા, પરંતુ હવે તમામ ઉત્પાદન સંપૂર્ણપણે પ્લાસ્ટિક તરફ વળ્યું છે, અને કિંમત પણ ઘટીને અડધી થઈ ગઈ છે. કાગળની તિલંગી વધુ સરળતાથી ફાટી જાય છે અને બનાવવા માટે વધુ ખર્ચાળ છે કારણ કે કાગળને સંભાળવાનું મુશ્કેલ છે. કાગળનો સામાન્ય પતંગ 5 રુપિયામાં વેચાય છે જ્યારે પ્લાસ્ટિકનો 3 રુપિયામાં.

તિલંગીનું કદ સામાન્ય 12 x 12 અને 10 x 10-ઈંચની વચ્ચે હોય છે, પરંતુ 18 x 18 અને 20 x 20 ની તિલંગી પણ બને છે. કદ વધતું જાય અને ડિઝાઈન જટિલ થતી જાય એમ તિલંગીની કિંમત વધવા લાગે છે - ચોક્કસ કાર્ટૂન અથવા મૂવીના પાત્રો અથવા સંવાદો તિલંગીની કિંમત 25 રુપિયા સુધી પહોંચાડી દે છે. પરંતુ રાજ્ય બહારના ઓર્ડર માટે ખાસ ડિઝાઇન કરેલી શીટ અને સારી ગુણવત્તાના તીલી (કમાન) અને ખડ્ડા(ઢઢ્ઢા), તેમજ લેઇ (લાઈ/લાહી - રાંધેલા ચોખામાંથી બનાવેલો ગુંદર) સાથેની તિલંગીની કિંમતો 80 થી 100 રુપિયા જેટલી ઊંચી પહોંચે છે.

સંજય જયસ્વાલની તિલંગી વર્કશોપમાં, લાકડા કાપવાનું મશીન, વાંસની અનેક સળીઓ અને તિલંગી બનાવવા માટે જરૂરી બીજી સામગ્રી, એકપણ બારી વિનાના 8 ચોરસ ફૂટના ઓરડામાં ચારેતરફ વિખરાયેલી પડી છે.

PHOTO • Ali Fraz Rezvi
PHOTO • Ali Fraz Rezvi

ડાબે: મન્નાન (ખુરશી પર) તેમની વર્કશોપમાં, કારીગરો પર દેખરેખ રાખી રહ્યા છે. જમણે: મોહમ્મદ અરમાન પ્લાસ્ટિક શીટની ગણતરી કરી રહ્યા છે જે મહિલા કારીગરોને લેઇ (લાઈ/લાહી - રાંધેલા ચોખામાંથી બનાવેલો ગુંદર) વડે ખડ્ડા (રાંધેલા ચોંટાડવા માટે મોકલવામાં આવશે

PHOTO • Ali Fraz Rezvi
PHOTO • Ali Fraz Rezvi

ડાબે: સળીઓને બંડલમાં બાંધતા કારીગરો. જમણે: મશીન પર વાંસ કાપવામાં આવી રહ્યો છે

મન્નાનના નામે ઓળખાતા સંજય કહે છે, "આ વર્કશોપનું કોઈ નામ નથી." તેમને એ બાબતની કોઈ ચિંતા નથી કારણ કે તેઓ કદાચ આ શહેરમાં પતંગના સૌથી મોટા સપ્લાયર છે. તેઓ કહે છે, "બે-નામ હૈ, ગુમનામ થોડે હૈ [અમે નામ વગરના છીએ પણ જાણીતા છીએ]," તેઓ અને તેમની આસપાસના કારીગરો આ વાત પર હસી પડે છે.

મોહલ્લા દીવાનના ગુડહટ્ટા વિસ્તારમાં આવેલી મન્નાનની વર્કશોપ મુખ્યત્વે વાંસના થાંભલાઓને આધારે ટેકવેલ એસ્બેસ્ટોસની છત સાથેની ખુલ્લી જગ્યા છે અને એ ખુલ્લી જગ્યાને અડીને એક નાનકડો ઓરડો છે. તેઓ લગભગ 11 કામદારોને કામે રાખે છે અને "જરૂરિયાતો અનુસાર પોતાને ઘેર રહીને કામ કરતી" મહિલાઓને કેટલાક કામ પેટા કોન્ટ્રેક્ટ પર પણ આપે છે.

55 વર્ષની ઉંમરે મોહમ્મદ શમીમ અહીંના સૌથી વરિષ્ઠ કારીગર છે. પટનાના છોટી બજાર વિસ્તારમાંથી તેઓ કહે છે કે તેઓ કોલકતાના એક ઉસ્તાદ (નિષ્ણાત) પાસેથી પતંગ બનાવવાની કળા શીખ્યા હતા. તેમણે કોલકતા, અલ્હાબાદ, મુંબઈ અને બનારસમાં કામ કર્યું હતું અને કાયમી વર્કસ્પેસની શોધમાં તેઓ પોતાના શહેરમાં પાછા ફર્યા હતા.

વાતો કરતા કરતા તીલી ચોંટાડતા તેઓ કહે છે કે તેઓ છેલ્લા 22 વર્ષથી અહીં છે. તેઓ વાંસની સખત સળીઓને વાળવામાં અને ગુંદર વડે ચોંટાડવામાં નિષ્ણાત ગણાય છે. શમીમ એક દિવસમાં લગભગ 1500 સળીઓ વાળીને ચોંટાડી શકે છે, પરંતુ આ તો એક રેસ જેવું છે.

શમીમ કહે છે, “કોશિશ હોતા હૈ કે દિન કા 200 રુપિયા તક કમા લેં તો મહિને કા 6000 બન જાયેગા. [તેમનું લક્ષ્ય રોજના 200 રુપિયા કમાવવાનું છે જેથી મહિનેદહાડે 6000 રુપિયા મળી જાય],” સાંજ સુધીમાં તેઓ 1500 પતંગો પર તીલી ચોંટાડીને તેના પર ટેપ લગાડી તેને ખસી ન જાય એ રીતે સજ્જડ ચોંટાડે છે. તેઓ ઉમેરે છે, "ઈસ હિસાબ સે 200-210 રુપિયા બન જાતા હૈ [આ રીતે હું રોજના 200-210 કમાઈ શકું છું]."

પારીએ આ વર્ષે મે મહિનામાં તેમની મુલાકાત લીધી ત્યારે બહારનું તાપમાન પહેલેથી જ 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું. પરંતુ પતંગ બનાવવા માટે વપરાતી પ્લાસ્ટિકની પાતળી શીટને એ ઊડી ન જાય તેમ પકડી રાખવાની હોઈ પંખા ચલાવવાનો સવાલ જ ઊભો થતો નહોતો

PHOTO • Ali Fraz Rezvi
PHOTO • Ali Fraz Rezvi

ડાબે: કારીગરો તિલંગી માટે સળીઓ કાપી રહ્યા છે. જમણે: અશોક પંડિત (કાળા ટી-શર્ટમાં) પતંગો પર સળીઓ ચોંટાડી રહ્યા છે અને સુનીલ કુમાર મિશ્રા પ્લાસ્ટિકની શીટ કાપી રહ્યા છે

PHOTO • Ali Fraz Rezvi
PHOTO • Ali Fraz Rezvi

ડાબે: તીલી ચોંટાડતા મોહમ્મદ શમીમ. જમણે: સુનીલ પ્લાસ્ટિકની શીટ પર કામ કરી રહ્યા છે

પ્લાસ્ટિકને નાના-નાના ચોરસમાં કાપતા સુનીલ કુમાર મિશ્રા રૂમાલ વડે પરસેવો લૂછે છે. તેઓ અમને કહે છે, “પતંગ બનાવીને તમે જે કમાઓ તેનાથી તમે પરિવારનું ભરણપોષણ ન કરી શકો. અહીંના કારીગરોમાંથી એક પણ મહિને 10000 [રુપિયા] કરતાં વધારે કમાતા નથી."

હાજીગંજ મહોલ્લાના રહેવાસી સુનીલ કુમાર પતંગ બનતા જોઈને ઉછર્યા હતા કારણ કે આ વિસ્તાર એક સમયે શહેરના પતંગ બનાવનાર સમુદાયનું કેન્દ્ર હતો. કોવિડ-19 દરમિયાન ફૂલ વેચવાનું તેમનું કામ બંધ થઈ ગયું ત્યારે બાળપણમાં પતંગ જોયા હતા અને બનાવ્યા પણ હતા એ ઉપયોગી થઈ પડ્યું અને ત્યારે તેઓ પતંગ બનાવવા તરફ વળી શક્યા.

સુનીલ કાયમી કારીગર હોવા છતાં તેમને પણ પતંગની સંખ્યાને આધારે ચૂકવણી કરવામાં આવે છે. તેઓ ઉમેરે છે, "સવારે 9 થી રાત્રે 8 સુધી કામ કરીને દરેક કારીગર હજારો નંગ બનાવવા માટે બનતો પ્રયાસ કરી રહ્યો છે."

*****

મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ તેમના ઘરમાં પતંગ - કાં તો આખી અથવા તેના ભાગો -.  બનાવે છે. આયશા પરવીન તેમના ચાર જણના પરિવારનું ભરણપોષણ કરવા માટે તિલંગી બનાવવાની કળા શીખ્યા હતા. છેલ્લા 16 વર્ષથી આયશા તેમના એક રૂમ-રસોડાના ઘરમાં બે બાળકો અને પતિ સાથે રહે છે અને ત્યાં જ પતંગો બનાવે છે. તેઓ યાદ કરે છે, "થોડા સમય પહેલા હું અઠવાડિયાના 9000 થી વધુ તિલંગી બનાવતી હતી." તેઓ ઉમેરે છે, "હવે તો 2000 પતંગોનો ઓર્ડર મળે એય બહુ મોટી વાત છે."

આયશા કહે છે, "તિલંગીને સાત તબક્કામાં બનાવવામાં આવે છે અને દરેક તબક્કાનું કામ એક અલગ કારીગર કરે છે." એક કારીગર પ્લાસ્ટિકની શીટને જરૂરી કદ પ્રમાણે અનેક ચોરસ આકારમાં કાપે છે. દરમિયાન બે કારીગરો વાંસને નાની તીલી અને ખડ્ડામાં કાપી રહ્યા છે - તીલી માટેની સળી લાંબી અને પાતળી હોય છે જ્યારે એની સરખામણીમાં ખડ્ડાની સળી જાડી અને નાની હોય છે. બીજો એક કારીગર પ્લાસ્ટીકના કાપેલા ચોરસ પર ખડ્ડા ચોંટાડ્યા પછી વાળેલી તીલી ચોંટાડવા ખડ્ડા ચોંટાડેલા એ ચોરસ બીજા કારીગરને આપશે.

આખરે બે કારીગરો બાકીનું કામ પૂરું કરે છે, જેઓ તિલંગીને તપાસે છે અને સ્ટિકિંગ ટેપનું સ્તર ઉમેરે છે અને ત્યારબાદ કાણાં પાડીને અને કન્ના (કિન્ના) બાંધવા માટે છેલ્લા કારીગરને પસાર કરે છે.

PHOTO • Ali Fraz Rezvi
PHOTO • Ali Fraz Rezvi

તમન્ના પ્લાસ્ટિક શીટ પર ખડ્ડા ચોંટાડવામાં વ્યસ્ત છે (ડાબે). એકવાર તેમનું કામ પૂરું થઈ જાય પછી તેઓ પતંગને ઊંચે પકડીને સૂર્યના પ્રકાશમાં તપાસે છે (જમણે)

પ્લાસ્ટિક કાપનાર 1000 પતંગના 80 રુપિયા, જ્યારે વાંસ કાપનાર 100 રુપિયા કમાય છે. એસેમ્બલી લાઇન-અપમાંના બીજા લોકો એટલા જ (1000) પતંગના લગભગ 50 રુપિયા કમાય છે. કારીગરો સવારે 9 વાગ્યાથી શરુ કરીને, વચ્ચે નાના-નાના વિરામ સાથે, 12 કલાક કામ કરે ત્યારે રોજના 1000 પતંગો બનાવી શકે છે.

આયશા જણાવે છે, "કુલ સાત લોકો મળીને એક તિલંગી બનાવે છે જે બજારમાં બે થી ત્રણ રૂપિયામાં વેચાય છે." 1000 પતંગ બનાવવાનો કુલ ખર્ચ બધું મળીને 410 રુપિયા થાય છે, અને પૈસા સાત લોકો વચ્ચે વહેંચાય છે. તેઓ કહે છે, "હું નથી ઈચ્છતી કે રૂખસાના [તેમની દીકરી] પતંગ બનાવવાના આ ધંધામાં આવે."

પરંતુ બીજા ઘણા મહિલા કારીગરોની જેમ પોતે ઘરની બહાર ગયા વિના કમાણી કરી શકે છે એ વાતથી તેઓ ખુશ છે, પરંતુ તેઓ એ કમાણી ખૂબ ઓછી હોવાનું જણાવે છે. તેઓ કહે છે, "પરંતુ ઓછામાં ઓછું શરૂઆતમાં કામ તો નિયમિત મળતું હતું." આયશાને 2000 પતંગો પર ખડ્ડા ચોંટાડવા અને કન્ના બાંધવાના 180 રુપિયા ચૂકવવામાં આવ્યા હતા - 100 પતંગો માટે આ બંને કામ પૂરા કરવામાં તેમને લગભગ 4-5 કલાકનો સમય લાગ્યો હતો.

તમન્ના દીવાન મોહલ્લાના આ જ વિસ્તારમાં રહે છે અને તેઓ તિલંગી પણ બનાવે છે. 25 વર્ષના તમન્ના કહે છે, "આ કામ [મોટે ભાગે] મહિલાઓ દ્વારા કરવામાં આવે છે તેનું કારણ એ છે કે પતંગ ઉદ્યોગમાં આ કામમાં સૌથી ઓછું મહેનતાણું મળે છે. ખડ્ડા ચોંટાડવામાં કે કન્ના બાંધવામાં કંઈ ખાસ કરવાનું નથી, પરંતુ એક મહિલાને 1000 ખડ્ડા ચોંટાડવાના 50 રુપિયા મળે છે જ્યારે એક પુરુષ 1000 તીલી ચોંટાડવાના 100 રુપિયા કમાય છે."

PHOTO • Ali Fraz Rezvi

રુખસાના તેમણે બનાવેલી તિલંગી બતાવે છે

'આ કામ [ગુંદર ચોંટાડવાનું] [મોટે ભાગે] મહિલાઓ કરે છે તેનું કારણ એ છે કે પતંગ ઉદ્યોગમાં આ કામમાં સૈથી ઓછું મહેનતાણું મળે છે'

આયશાની 17 વર્ષની દીકરી રુખસાના એક ખડ્ડા-નિષ્ણાત છે - તે લપસણી પાતળી પ્લાસ્ટિકની શીટ પર વાંસની પાતળી સળી (ખડ્ડા) ચોંટાડે છે. શાળામાં 11 મા ધોરણમાં ભણતી આ વાણિજ્ય પ્રવાહની વિદ્યાર્થિની પોતાની માતાને પતંગ બનાવવામાં મદદ કરવા માટે વચ્ચે સમય કાઢી લે છે.

રુખસાના 12 વર્ષની ઉંમરે તેમની માતા પાસેથી આ કળા શીખ્યા હતા. આયશા કહે છે, "તે નાની હતી ત્યારે પતંગો ઉડાડવાની રમત રમતી હતી અને તેમાં એ હોશિયાર હતી." તેઓ આગળ કહે છે કે તેઓ હવે તેને સક્રિયપણે પતંગ ઉડાડતા રોકે છે અને કહે છે કે એ પુરુષો માટેની રમત છે.

આયશા મોહલ્લા દીવાનના શીશમહેલ વિસ્તારમાં તેમના ભાડાના રૂમના દરવાજા પાસે તાજી બનાવેલી તિલંગી ગોઠવી રહી છે. રુખસાના પતંગોને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. તેઓ ઠેકેદાર શફીક તિલંગી લેવા આવે તેની રાહ જોઈ રહ્યા છે.

આયશા કહે છે, "અમને 2000 પતંગોનો ઓર્ડર મળ્યો હતો પરંતુ હું મારી દીકરીને એ કહેવાનું ભૂલી ગઈ હતી અને તેણે બાકીની સામગ્રી સાથે 300 વધારે તિલંગી બનાવી દીધી."

અમારી વાતચીત સાંભળીને તેમની દીકરી રુખસાના કહે છે, "પરંતુ એમાં કશી ચિંતા કરવાની જરૂર નથી, આપણે આગામી ઓર્ડરમાં તેનો ઉપયોગ કરી લઈશું."

આયશા કહે છે, "જો બીજો ઓર્ડર મળશે તો."

આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમએમએફ) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Ali Fraz Rezvi

Ali Fraz Rezvi is an independent journalist and theatre artist. He is a PARI-MMF fellow for 2023.

Other stories by Ali Fraz Rezvi
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik