લુકોર કથા નુહુનિબા,
બાતોત નાગોલ નાચાસિબા

[લોકોનું કહેવું સાંભળશો નહીં,
રસ્તા પર હળને ઘસશો નહીં.]

આસામી ભાષામાં ઉપરોક્ત અલંકારનો ઉપયોગ વ્યક્તિના કામ પર ધ્યાન રાખવાના મહત્ત્વને વર્ણવવા માટે થાય છે.

ખેડૂતો માટે હળ બનાવનાર લાકડાના કારીગર હનીફ અલી કહે છે કે આ કહેવત તેમને અને ખેતી માટે ચોકસાઈવાળાં સાધનો બનાવવાના તેમના કાર્યને લાગુ પડે છે. તેમની આસપાસના મધ્ય આસામના દારંગ જિલ્લામાં આવેલી લગભગ બે તૃતીયાંશ જમીન પર ખેતી થાય છે અને આ અનુભવી કારીગર પાસે ખેતકામ માટે ઉપયોગી ઓજારોની એક મોટી શ્રેણી છે.

તેઓ ઓજારોને ગણાવતાં કહે છે, “હું ખેતીનાં તમામ ઓજારો બનાવું છું જેમ કે નાંગોલ [હળ], ચોંગો [વાંસની સીડી], જુવાલ [ધૂંસરી], હાથ નૈંગલે [ખંપાળી], નૈંગલે [દાંતી], ઢેકી [પગથી અનાજને છડવા માટેનું ઓજાર], ઇટામાગુર [હથોડો], હારપાટ [વાંસની લાકડી સાથે જોડાયેલ અર્ધ-ગોળાકાર લાકડાનું સાધન જે સૂકવ્યા પછી ડાંગરને એકઠા કરવા માટે વપરાય છે] અને અન્ય ઓજારો પણ.”

તેમને દરવાજા, બારીઓ અને પથારી બનાવવા માટે વપરાતું ફણસના ઝાડનું લાકડું પસંદ છે − જેને સ્થાનિક બંગાળી બોલીમાં કાઠોલ અને આસામીમાં કોઠાલ કહેવાય છે. હનીફ કહે છે કે તેઓ જે લાકડું ખરીદે છે તેને બગાડવું તેમને પોસાય તેમ નથી અને તેથી તેઓ લાકડાના દરેક ટુકડામાંથી શક્ય તેટલાં વધુ ઓજારો બનાવે છે.

હળ એ ચોકસાઈવાળું સાધન છે. તેઓ ઉમેરે છે, “જો હું લાકડા પર જે નિશાનીઓ કરું છું તેમાં એક ઇંચ જેટલી પણ ગડબડ થાય, તો તે આખો ટુકડો કશા કામનો નહીં રહે.” તેઓ કહે છે કે તેનાથી તેમને અંદાજે 250-300 રૂપિયા જેટલું નુકસાન થાય છે.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ડાબેઃ પોતાની બનાવેલી ધૂંસરી પકડીને ઊભેલા હળ બનાવનાર હનીફ અલી. હળ સાથે જોતરાતાં બે પ્રાણીઓની ગોઠવણી જાળવવા માટે બળદ અથવા આખલાના ખભા પર ધૂંસરીને મૂકવામાં આવે છે. જમણેઃ હળના ભાગોનું લેબલ કરેલું ચિત્ર

તેમના ગ્રાહકો મોટાભાગે જિલ્લાના સીમાંત ખેડૂતો છે જેમના ઘરે બળદ છે. તેઓ તેમની જમીન પર ફૂલકોબી, કોબીજ, રીંગણ, નોલ-ખોલ, વટાણા, મરચાં, કાકડી, દૂધી, કારેલું, ટામેટાં અને કાકડી જેવાં શાકભાજી તેમજ સરસવ અને ડાંગરના પાક ઉગાડે છે.

60 વર્ષીય આ અનુભવી કારીગર પારીને કહે છે, “જેને પણ હળની જરૂર હોય તે મારી પાસે આવે છે. આશરે 10-15 વર્ષ પહેલાં આ વિસ્તારમાં માત્ર બે જ ટ્રેક્ટર હતાં અને લોકો તેમની જમીન ખેડવા માટે હળ પર આધાર રાખતા હતા.”

મુકદ્દસ અલી સાઠ વર્ષની વય વટાવી ચૂકેલા એક ખેડૂત છે અને એવા કેટલાક લોકોમાંના એક છે જેઓ હજુ પણ ક્યારેક ક્યારેક લાકડાના હળનો ઉપયોગ કરે છે. “હું હજી પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે મારા હળનું સમારકામ કરાવવા માટે હનીફ પાસે જાઉં છું. તે એકમાત્ર વ્યક્તિ છે જે જરૂર પડે ત્યારે હળનું સમારકામ કરી શકે છે. તેમના પિતાની જેમ, તેઓ સારાં હળ બનાવી શકે છે.”

જોકે અલી કહે છે કે તેઓ બીજા હળમાં રોકાણ કરશે કે કેમ તે નક્કી નથી. લોકોએ કામનું ભારણ ઘટાડવા માટે શા માટે ટ્રેક્ટર અને પાવર ટિલર તરફ સ્થળાંતર કર્યું છે તે સમજાવતાં તેઓ કહે છે, “બળદ મોંઘા થઈ ગયા છે અને ખેતમજૂરો સરળતાથી ઉપલબ્ધ નથી, અને બીજું એ કે હળનો ઉપયોગ કરવામાં ટ્રેક્ટર કરતાં પણ ઘણો વધુ સમય લાગે છે.”

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ડાબેઃ તેમના વાંસના ઘરની બહાર, હનીફ અલી હળના ટુકડાઓની બાજુમાં બેસેલા છે, જેમાં એક લાકડાના ટુકડાનો સમાવેશ થાય છે, જેમાંથી તેઓ દાંતી બનાવશે. જમણેઃ હનીફ અલી કુથી (હળનો હાથો) પકડીને ઊભા છે. હળનો મુખ્યભાગ પૂરતો લાંબો ન હોય ત્યારે કુથી તેની સાથે જોડવામાં આવે છે

*****

હનીફ બીજી પેઢીના કારીગર છે; તેમણે આ કળા નાનપણમાં શીખી હતી. તેઓ કહે છે, “હું શાળામાં ગણ્યાગાંઠ્યા દિવસો માટે જ ગયો હતો. ન તો મારાં માતા કે ન તો મારા પિતાને શિક્ષણમાં રસ હતો, અને હું પણ ભણવા જવા માંગતો ન હતો.”

તેમના પિતા હોલુ શેખ, એક આદરણીય અને કુશળ કારીગર હતા; હનીફે તેમના પિતાના કામમાં મદદ કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓ ખૂબ નાની વયના હતા. “બાબાયે સારા બોસ્તિર જોન્ને નાંગોલ બનાઈતો. નાંગોલ બનબાર બા ઠીક કોરબાર જોન્ને અંગોર બારિત શોબ ખેતીઓક [મારા પિતા ગામમાં બધા લોકો માટે હળ બનાવતા હતા. દરેક વ્યક્તિ તેમનું હળ બનાવવા માટે અથવા તેનું સમારકામ કરાવવા માટે અમારા ઘરે આવતી હતી].”

જ્યારે તેમણે મદદ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમના પિતા તેમને ચિહ્નો કરી આપતા – આ ચોક્કસ ચિહ્નો હળને કોઈ પણ અડચણ વિના કામ કરવા માટે જરૂરી હતાં. તેઓ લાકડાના જે ટુકડા પર કામ કરી રહ્યા છે તેના પર તેમનો જમણો હાથ ફેરવતાં હનીફ કહે છે, “તમારે કયા ચોક્કસ બિંદુએ છિદ્રો બનાવવાનાં છે એ તમને જાણ હોવી જોઈએ. તમારે એ ખાતરી કરવી પણ જરૂરી છે કે બીમ યોગ્ય ખૂણા પર મુરિકાઠ [હળના મુખ્ય ભાગ] સાથે જોડાય.”

તેઓ સમજાવે છે કે જો હળમાં ખૂણો વધુ પડતો મોટો હોય, તો કોઈ તેને ખરીદશે નહીં કારણ કે પછી માટી શેરમાં [હળની ધારમાં] પ્રવેશી જાય છે; આનાથી એક ગેપ રચાય છે અને કામ ધીમું પડી જાય છે.

તેમને તેમના પિતાને કહેવા માટે પૂરતો આત્મવિશ્વાસ મેળવવામાં એક વર્ષનો સમય લાગ્યો, “ચિહ્નો ક્યાં કરવા એ હવે હું જાણું છું. હવે તમે નિશ્ચિંત રહો.”

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ડાબેઃ આ અનુભવી કારીગરને દરવાજા, બારીઓ અને પથારી બનાવવા માટે વપરાતું ફણસના ઝાડનું લાકડું પસંદ છે. હનીફ કહે છે કે તેઓ જે લાકડું ખરીદે છે તેને બગાડવું તેમને પોસાય તેમ નથી અને તેથી લાકડાના દરેક ટુકડામાંથી શક્ય તેટલાં વધુ ઓજારો બનાવે છે. જમણેઃ તેઓ ચોક્કસ જગ્યા બતાવે છે કે જ્યાંથી તેમણે લાકડાને કાપવાનું હોય છે

તેમણે ‘હોલુ મિસ્ત્રી’ તરીકે જાણીતા તેમના પિતાની સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમના પિતા દુકાનદાર અને હુઈતેર તરીકે કામ કરતા હતા. હુઈતેર એટલે એવી વ્યક્તિ જે સુથારકામમાં — ખાસ કરીને હળ બનાવવામાં — નિષ્ણાત હોય. તેઓ યાદ કરે છે કે કેવી રીતે તેઓ તેમના ખભા પર એક લાકડી પર પોતાની રચના લઈને ઘરે ઘરે જતા હતા.

છ સભ્યોના પરિવારમાં એકમાત્ર પુત્ર એવા હનીફ તેમના પિતા સાથે થોડા વર્ષો કામ કર્યા પછી કહે છે કે તેમની બહેનોના લગ્નની જવાબદારી તેમના શિરે હતી. “લોકો અમારા ઘરને પહેલેથી જ જાણતા હતા અને મારા પિતા બધા ઓર્ડરને પૂરા કરવામાં અસમર્થ હોવાથી, હું પણ હળ બનાવવામાં લાગી ગયો.”

તે ચાર દાયકા પહેલાંની વાત છે. આજે હનીફ એકલા રહે છે અને તેમનું ઘર કહો કે કાર્યસ્થળ, તે નંબર 3 બરુઆઝાર ગામમાં એક જ ઓરડો છે. તેમના જેવા ઘણા બંગાળી મૂળના મુસ્લિમો આવાં ઘરમાં રહે છે. આ વિસ્તાર દલગાંવ વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. તેમનું એક ઓરડાનું વાંસથી ભરેલું ઘર એક નાનો પલંગ, રસોઈના થોડા વાસણો − ચોખા રાંધવા માટે એક ઘડો, એક તવો, સ્ટીલની બે પ્લેટ અને એક ગ્લાસથી સજ્જ છે.

તેમના પડોશી એવા ઘણા ખેડૂતો વિશે વાત કરતાં તેઓ કહે છે, “મારા પિતા અને મારું કામ આ વિસ્તારના લોકો માટે ખૂબ મહત્ત્વનું છે.” તેઓ પાંચ પરિવારોની સહિયારી માલિકીના આંગણામાં બેઠા છે, તેઓ પણ તેમના જેવાં એક ઓરડાના ઘરોમાં રહે છે. અન્ય ઘરો તેમનાં બહેન, તેમના સૌથી નાના પુત્ર અને તેમના ભત્રીજાઓનાં છે. તેમનાં બહેન લોકોના ખેતરોમાં અને તેમના ઘરોમાં વેતનનું કામ કરે છે; તેમના ભત્રીજાઓ ઘણી વાર દક્ષિણનાં રાજ્યોમાં સ્થળાંતર કરે છે.

હનીફને નવ બાળકો છે, પરંતુ તેમાંથી કોઈ પણ આ કળામાં પ્રવૃત્ત નથી, જેની માંગ હવે ઘટી રહી છે. મુકદ્દસ અલીના ભત્રીજા અફાજ ઉદ્દીન કહે છે, “યુવા પેઢી તો પરંપરાગત હળ કેવું દેખાય છે તે પણ ઓળખી શકશે નહીં.” 48 વર્ષીય અફાજ એક ખેડૂત છે, જેમની પાસે છ વીઘા સિંચાઈ વગરની જમીન છે. તેમણે 15 વર્ષ પહેલાં હળનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

હનીફ દારંગ જિલ્લાના દલગાંવ વિધાનસભા મતવિસ્તારના નંબર 3 બરુઆઝાર ગામમાં નાની ઝૂંપડીમાં એકલો રહે છે. તેમના જેવા ઘણા બંગાળી મૂળના મુસ્લિમો આવાં ઘરમાં રહે છે

*****

સ્થાનિક લોકોમાં તેમની ઓળખ છતી કરતાં તેઓ કહે છે, “જ્યારે હું કોઈ એવા ઘરની પાસેથી પસાર થાઉં કે જેની બહાર વળેલી ડાળીઓવાળું મોટું વૃક્ષ હોય, ત્યારે હું ઘરના માલિકને કહું છું કે તે વૃક્ષ કાપવાનું વિચારે ત્યારે મને જણાવે. હું તેમને કહું છું કે વળેલી અને નક્કર ડાળીઓમાંથી સારું હળ બને છે.”

સ્થાનિક લાકડાના વેપારીઓ પણ જ્યારે તેમની પાસે લાકડાનો વળેલો ટુકડો હોય ત્યારે તે ટુકડાને હનીફ પાસે પહોંચાડી દે છે. તેમને સાત ફૂટ લાંબી બીમ અને સાલ (શોરિયા રોબસ્ટા), શિશુ (ભારતીય રોઝવુડ), તિતાસાપ (મિશેલિયા ચમ્પાકા), શિરીશ (અલ્બેઝિયા લેબ્બેક) અથવા અન્ય સ્થાનિક રીતે ઉપલબ્ધ લાકડાનું 3 x 2 ઇંચ પહોળું પાટિયું જોઈએ છે.

તેમણે કાપીને બે ભાગમાં વહેંચેલી ડાળને પારીને બતાવતાં તેઓ કહે છે, “વૃક્ષ 25-30 વર્ષ જૂનું હોવું જોઈએ. તેમાંથી બનેલી હળ, ધૂંસરી અને દાંતી લાંબા સમય સુધી ચાલશે. લાકડું સામાન્ય રીતે થડ અથવા નક્કર શાખાઓનું હોય છે.”

જ્યારે પારીએ ઑગસ્ટના મધ્યમાં તેમની મુલાકાત લીધી, ત્યારે તેઓ લાકડાને કાપીને હળને આકાર આપી રહ્યા હતા. 200 રૂપિયા ચૂકવીને ખરીદેલા લાકડાના ટુકડા તરફ નિર્દેશ કરતાં તેઓ કહે છે, “જો હું એક હળ બનાવવા ઉપરાંત બે હાટ નૈંગલે [લાકડાની ખંપાળી] બનાવી શકું, તો હું આ ટુકડામાંથી વધારાના 400-500 રૂપિયા કમાઈ શકું છું.”

તેઓ ઉમેરે છે, “હું દરેક લાકડામાંથી શક્ય તેટલા ભાગનો ઉપયોગ કરું છું. એટલું જ નહીં, તેનો આકાર બરાબર એવો જ હોવો જોઈએ જેવો ખેડૂતોને જોઈએ છે.” ચાર દાયકા અને તેથી વધુ સમયથી તેઓ આ કામ કરી રહ્યા છે. તેઓ જાણે છે કે હળ માટે સૌથી લોકપ્રિય કદ 18 ઇંચનું તળિયું (હળને સ્થિર રાખવા માટે) અને 33 ઇંચનો મુખ્ય ભાગ છે.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ડાબેઃ હનીફ વળેલી ડાળીઓ શોધવા માટે નજીકના ગામડાઓમાં ફરે છે. કેટલીક વાર, ગ્રામવાસીઓ અને લાકડાના વેપારીઓ જ્યારે એ પ્રકારની ડાળીઓવાળું વૃક્ષ કાપે ત્યારે તેમને જાણ કરે છે. તેઓ તેમાંથી એક પાટિયું બતાવે છે જેનો ઉપયોગ તેઓ હળનો મુખ્ય ભાગ બનાવવા માટે કરશે. જમણેઃ તેઓ પોતાનાં સાધનોને પોતાના ઘરની અંદર એક ઊંચા લાકડાના મંચ પર રાખે છે

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ડાબેઃ હળ અને અન્ય કૃષિ ઓજારો ચોકસાઈવાળાં સાધનો છે. હનીફ એ ખૂણો દર્શાવે છે જ્યાં તેમણે હળમાં બીમ ફિટ કરવા માટે છિદ્ર બનાવવાનું છે. જો છિદ્ર ચોક્કસ ન હોય, તો હળ ખૂબ વક્રાકાર બની શકે છે. જમણેઃ તેઓ તેમના 20 વર્ષ જૂના અદ્ઝે અને 30 વર્ષ જૂની કુહાડીનો ઉપયોગ લાકડાની ટોચ અને ડાળીઓને કાપવા માટે કરે છે

એક વાર તેમને લાકડાનો આખો ટુકડો મળી જાય, એટલે તેઓ સૂર્યોદય પહેલાં કામે લાગી જાય છે; કુહાડી મારવા, કાપવા, આકાર આપવા અને વળાંક આપવા માટે તેમનાં સાધનોને હાથવગા મૂકે છે. તેમની પાસે કેટલીક છીણીઓ, એક એદ્ઝ, બે આરીઓ, એક કુહાડી, એક રંદો અને કેટલાક કાટ લાગેલા સળિયા પણ છે જેને તેઓ ઘરે લાકડાના ઊંચા મંચ પર રાખે છે.

કરવતની સપાટ બાજુનો ઉપયોગ કરીને, તેઓ ચોક્કસ કાપ કરવા માટે લાકડા પરની રેખાઓને ચિહ્નિત કરે છે. તેઓ પોતાના હાથથી અંતર માપે છે. એક વાર નિશાનીઓ અંકિત થઈ જાય પછી, તેઓ તેમની 30 વર્ષ જૂની કુહાડીથી લાકડાની બાજુઓને કાપી નાખે છે. આ પીઢ કલાકાર કહે છે, “પછી હું અસમાન સપાટીને સરખી કરવા માટે ટેશા [એદ્ઝા, કુહાડી જેવું સાધન]નો ઉપયોગ કરું છું.” મુખ્ય ભાગનો નાંગોલ અથવા તળિયાનો ભાગ ચોક્કસપણે એવી રીતે વળતો હોવો જોઈએ કે જેનાથી માટી બંને બાજુ સરળતાથી ખસેડી શકાય.

તેઓ કહે છે, “તળિયાનું પ્રારંભિક બિંદુ [મુખ્ય ભાગ કે જે જમીન પર ઘસડાય છે] લગભગ છ ઇંચ જેટલું હોય છે, તે અંત તરફ જતાં ધીમે ધીમે 1.5 થી 2 ઇંચ જેટલો ઘટી જાય છે.” તળિયાની જાડાઈ 8 અથવા 9 ઇંચની હોવી જોઈએ, જે લાકડા સાથે તેને જોડવામાં આવે છે તે અંત સુધી જતાં જતાં બે ઇંચ જેટલી થઈ જાય છે.

તળિયાના ભાગને ફાળ અથવા પાળ કહેવામાં આવે છે અને તેની 9-12 ઇંચ અને પહોળાઈ 1.5-2 ઇંચ હોય છે; તે લોખંડની પટ્ટીથી બનેલો હોય છે, જેમાં બંને છેડા પર તીક્ષ્ણ ધાર હોય છે. “બંને ધાર તીક્ષ્ણ છે, કારણ કે જો એક છેડો કટાઈ જાય, તો ખેડૂત બીજા છેડાથી કામ ચલાવી શકે છે.” હનીફ તેમના ઘરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર બેચિમારી બજારમાં સ્થાનિક લુહારો પાસેથી ધાતુનો કાચો માલ મેળવે છે.

લાકડાની બાજુઓને કાપીને આકાર આપવામાં ઓછામાં ઓછા સતત પાંચ કલાક સુધી કુહાડી અને અદ્ઝેને ઠોકવી પડે છે. પછી તેને રંદા વડે સુંવાળી કરવામાં આવે છે.

જ્યારે મુખ્ય ભાગ તૈયાર થાય છે, ત્યારે હુઈતેર છિદ્ર બનાવવા માટે ચોક્કસ નિશાન બનાવે છે જ્યાં હળની બીમ ફિટ થશે. હનીફ કહે છે, “છિદ્ર ઇશ [લાકડાના બીમ]ના કદની શક્ય તેટલી નજીક હોવું જોઈએ, કારણ કે તે ખેડતી વખતે ખૂલે નહીં તેવું હોવું જોઈએ. તે સામાન્ય રીતે 1.5 અથવા 2 ઇંચ પહોળું હોય છે.”

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ડાબેઃ હનીફ છ મહિના જૂના લાકડાની ખરબચડી સપાટીને કાપી રહ્યા છે. હળના મુખ્ય ભાગને  આકાર આપવા માટે લાકડાની અસમાન બાજુઓને કાપવામાં ઓછામાં ઓછો એક દિવસ લાગે છે. જમણે: તેમના ઘરની બહાર વિરામ લેતા પીઢ કારીગર

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ડાબેઃ હનીફની હળ અને તેના હેન્ડલથી ભરેલી સાયકલ. કેટલાક ભારમાં ધૂંસરીઓ અને દાંતીનો પણ સમાવેશ થાય છે અને તેમણે બજાર સુધી પહોંચવા માટે પાંચથી છ કિલોમીટર ચાલવું પડે છે. જમણેઃ સોમવારની સાપ્તાહિક હાટમાં

હળની ઊંચાઈને વ્યવસ્થિત કરવા માટે હનીફ બીમના ઉપરના છેડા પાસે પાંચથી છ ફટકા મારે છે. આ અવરોધોનો ઉપયોગ કરીને, ખેડૂતો તેમની જરૂરિયાત મુજબ હળને વ્યવસ્થિત કરતા હતા કે તેઓ જમીનને કેટલી ઊંડી ખેડવા માગે છે.

હનીફ કહે છે કે લાકડાને મશીનથી કાપવું ખર્ચાળ અને કંટાળાજનક છે. “જો હું 200 રૂપિયામાં લાકડું ખરીદું છું, તો મારે કાપનારને વધુ 150 રૂપિયા ચૂકવવા પડે છે.” એક હળને પૂર્ણ કરવામાં લગભગ બે દિવસ લાગે છે અને તેઓ એક હળને વધુમાં વધુ 1,200 રૂપિયામાં વેચી શકે છે.

કેટલાક લોકો તેમનો સીધો સંપર્ક કરે છે, તો બાકીનાં ઉત્પાદનોને વેચા માટે હનીફ દારંગ જિલ્લાના બે સાપ્તાહિક બજારો — લાલપૂલ બજાર અને બેચિમારી — બજારમાં પણ જાય છે. તેમના ખરીદદારો હવે તેમનાં હળ ભાડે આપનારાઓ અને એકલદોકલ ખેડૂતો જ વધ્યા છે એ પાછળના તીવ્ર ખર્ચ તરફ ધ્યાન દોરતાં તેઓ કહે છે, “એક ખેડૂતને હળ અને તેની ઍક્સેસરીઝ માટે આશરે 3,500 થી 3,700 રૂપિયા ચૂકવવા પડે છે. ખેડાણની પરંપરાગત પદ્ધતિનું સ્થાન ટ્રેક્ટરોએ લઈ લીધું છે.”

પણ હનીફ અહીં અટકતા નથી. બીજા દિવસે તેઓ તેમના ઉત્પાદનને તેમની સાયકલ પર સજાવે છે — હળનો મુખ્ય ભાગ અને એક કુઠી (હળનું હેન્ડલ). તેઓ કહે છે, “જ્યારે ટ્રેક્ટરો માટીને હદ બહારનું નુકસાન પહોંચાડશે… ત્યારે લોકો હળ બનાવનારા પાસે પાછા આવશે.”

આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમ.એમ.એફ.)ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Mahibul Hoque

Mahibul Hoque is a multimedia journalist and researcher based in Assam. He is a PARI-MMF fellow for 2023.

Other stories by Mahibul Hoque
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad