મલિયામાના દૂર દૂર આવેલા આ બૌદ્ધ કસ્બામાં કદાચ આ એક બીજી શાંત બપોર હોત, પણ ત્યાં જ એ શાંતિને ભેદતું, જયઘોષ કરતું અને આનંદથી બૂમો પાડતું એક 'સરઘસ' નીકળે છે. હા, આ ઓક્ટોબર મહિનો છે, પણ અહીં નથી પૂજા કે નથી પંડાલ. 'સરઘસ' માં જોડાયા છે 2 થી 11 વર્ષની વયના આઠ થી દસ મોન્પા બાળકો, બાળકો ઘેર છે કારણ કે તેમની શાળાઓએ દુર્ગા પૂજા નિમિત્તે રજા જાહેર કરી છે.
બીજો કોઈ દિવસ હોત તો અત્યારે તેમના વિરામના સમયની જાહેરાત કરતો શાળાનો ઘંટ વાગ્યો હોત. બે ખાનગી શાળાઓ અને સૌથી નજીકની સરકારી શાળા લગભગ 7 થી 10 કિલોમીટર દૂર દિરાંગમાં છે. અને આ બધી શાળાઓ - જ્યાં બાળકોને દરરોજ ચાલીને જવું પડે છે તે - લગભગ દસ દિવસ માટે બંધ છે. પરંતુ પ્રમાણમાં બંધન વિનાના, સ્વતંત્રતાના આ સમયગાળા દરમિયાન બાળકોને રમવાનો સમય ક્યારે થાય છે એનો ખ્યાલ આપોઆપ આવી જાય છે. એ છે બપોરે 2 વાગે, બપોરના ભોજન પછી. એક એવો સમય જ્યારે દરિયાની સપાટીથી 1800 મીટરથી વધુ ઊંચાઈએ આવેલા આ કસ્બામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખૂબ જ ખરાબ હશે અને બાળકોએ માતાપિતાના મોબાઈલ તેમને પાછા આપી દેવા પડશે. આ સમય છે મંખા લાઈદા (શાબ્દિક અર્થ પ્રમાણે 'અખરોટની રમત') રમવા માટે મુખ્ય રસ્તા પર ભેગા થવાનો.
આ કસ્બાની આસપાસના જંગલોમાં અખરોટ પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. અરુણાચલ પ્રદેશ ભારતમાં આ સૂકા મેવાનું ચોથું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. પશ્ચિમ કમેંગના આ જિલ્લાના અખરોટ ખાસ કરીને તેમની 'નિકાસ' ગુણવત્તા માટે જાણીતા છે. પરંતુ આ કસ્બામાં કોઈ અખરોટ ઉગાડતું નથી. બાળકોને જે અખરોટ મળે છે તે જંગલમાંથી મળેલા હોય છે. મલિયામામાં 17 થી 20 મોન્પા પરિવારો રહે છે, પરંપરાગત રીતે આ પરિવારો તિબેટના પશુપાલકો અને શિકારીઓના સમુદાયના છે, તેઓ ઘર-વપરાશ માટે વન પેદાશો એકઠી કરે છે. 53 વર્ષના રિંચિન ઝોમ્બા કહે છે, "ગામલોકો દર અઠવાડિયે ભેગા થઈને જૂથોમાં જંગલમાં જાય છે અને મશરૂમ, અખરોટ, બેરી, બળતણ માટે લાકડા અને બીજી વન્ય પેદાશો લઈ આવે છે." બાળકો દરરોજ બપોરે શેરીઓમાં આવતા પહેલા પોતાની મુઠ્ઠીઓ અને ખિસ્સા અખરોટથી ભરી દે છે.
શેરીમાં અખરોટ એક હારમાં ગોઠવવામાં આવે છે. દરેક ખેલાડી એ હારમાં ત્રણ-ત્રણ અખરોટ મૂકે છે. પછી તેઓ હારમાં ગોઠવેલા અખરોટને નિશાન બનાવી વારાફરતી પોતાના હાથમાં પકડેલું એક અખરોટ તે તરફ ફેંકે છે. તમે જેટલા અખરોટ હરોળમાંથી બહાર કાઢી શકો તેટલા અખરોટ તમે જીતી જાઓ. ઇનામ તરીકે તમને એ અખરોટ ખાવા મળે! આ રમતના અસંખ્ય રાઉન્ડ પછી એકવાર અખરોટ ખાઈને ધરાઈ જાય પછી તેઓ બીજી રમત, થા ખ્યાંદા લાઈદા (દોરડા ખેંચ) રમવા માંડે છે.
આ રમત રમવા માટે એક દોરડાની જરૂર પડે છે - અહીં બાળકો દોરડાની જગ્યાએ કાપડનો ટુકડો વાપરે છે. અહીં ફરી એકવાર બાળકો સરસ મજાનો સાવ નવો મૌલિક વિચાર લઈ આવે છે. આ કાપડનો ટુકડો એ પરિવારના લાંબા આયુષ્ય માટે વાર્ષિક પૂજા કર્યા પછી ઘરો પર લહેરાતી ધજાઓના બચેલા ટુકડા હોય છે.
દર થોડા કલાકે રમતો બદલાતી રહે છે. ખો-ખો, કબડ્ડી, દોડ કે પછી ખાબોચિયામાં ધુબાકા મારવા. આ એ દિવસો છે જ્યારે બાળકો રમકડાના જેસીબી (એક્સવેટર) રમકડા સાથે રમે છે, માતાપિતા મનરેગાના કામના સ્થળો પર 'જોબ કાર્ડ વર્ક' માટે જાય ત્યારે જે રીતે ખોદકામ કરે એ જ રીતે બાળકો માતાપિતાની જેમ જ આ રમકડાથી ખોદકામ કરે છે.
કેટલાક બાળકો માટે દિવસ નજીકના નાના ચુગ મઠની મુલાકાત સાથે પૂરો થાય છે, તો કેટલાક બાળકો તેમના માતાપિતાને મદદ કરવા માટે ખેતરે જઈને દિવસ પૂરો કરે છે. સાંજ સુધીમાં આ 'સરઘસ' રસ્તામાં ઝાડ પરથી નારંગી અથવા પર્સિમોન તોડી, એ ખાતાં ખાતાં પાછું ફરે છે. અને આમ દિવસ પૂરો થાય છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક