અંબાપાનીના રહેવાસીઓને સંસદ સભ્ય બનાવાની મહેચ્છા રાખતા ઉમેદવારોની યજમાની કરીને તેમને ઘરગંટીમાં દળેલા મકાઈના તાજા લોટમાંથી બનાવેલી ભાખરી કે રમત રમતમાં ઝાડ પર ચઢી જતા બાળકો દ્વારા તોડવામાં આવેલા ચરોલીના મધમીઠા ફળો પીરસવાનું ગમશે.
અહીં કોઈ પણ નોંધપાત્ર રાજકીય પ્રતિનિધિએ ક્યારેય પગ મૂક્યો નથી, પાંચ દાયકા પહેલાં લોકોએ અહીં સૌપ્રથમવાર વાંસ, કાદવ અને છાણનાં ઘરો બાંધ્યાં ત્યારથી તો એકે વાર નહીં. ખડકાળ અને પથરાળ સતપુરાના ઢોળાવની શ્રેણીમાં વસેલું આ ગામ સૌથી નજીકના વાહન ચલાવવા યોગ્ય રસ્તાથી 13 કિલોમીટર ઉપર ટેકરી પર આવેલું છે.
2011ની વસ્તી ગણતરી મુજબ, 818 લોકોની વસ્તી ધરાવતા અંબાપાનીમાં ન તો સારો રસ્તો છે, ન વીજ જોડાણ છે, ન વહેતું પાણી છે, ન તો મોબાઈલ ફોન નેટવર્ક છે, ન કોઈ વાજબી ભાવની દુકાન છે, ન કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે કે ન કોઈ આંગણવાડી કેન્દ્ર છે. અહીંના બધા રહેવાસીઓ પવારા સમુદાયના છે, જેઓ રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે. અહીંના 120 ઘરોમાંથી મોટાભાગના પરિવારોનો વંશ મધ્ય પ્રદેશમાં મૂળ ધરાવતા ચાર કે પાંચ મોટા કુળોમાં છે, જેનું અહીંથી સૌથી ટૂંકું અંતર 30 કિમી ઉત્તરમાં છે.
નેટવર્ક શેડો ઝોનમાં સ્થિત આ વિસ્તારમાં, ન તો ટેલિવિઝન સેટ છે અને ન તો સ્માર્ટફોન. મહિલા મંગલસૂત્રો વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચેતવણીઓથી માંડીને બંધારણની સુરક્ષા અંગે કોંગ્રેસના ઉપદેશો સુધી, 2024ના લોકસભા અભિયાનના સૌથી ગરમાગરમ અને ગંભીર બનાવો પણ અંબાપાનીના મતદારો સુધી પહોંચી નથી.
ઉંગ્યા ગુર્જા પવારા કોઈ આકર્ષક ચૂંટણીના વાયદા વિશે કહે છે, “કદાચ, એકાદ પાકો રસ્તો.” 56 વર્ષીય ઉંગ્યા આ ગામડાના મૂળ વસાહતીઓમાંથી એકનાં વંશજ છે. લગભગ એક દાયકા પહેલાં, જ્યારે તેમણે તેમના ઘર માટે સ્ટીલની એક તિજોરી ખરીદી હતી, ત્યારે ચાર માણસો 75 કિલોની એ તિજોરીને “સ્ટ્રેચરની જેમ” ચઢાણ પર ઉંચકીને લઈ ગયા હતા.
ખેત પેદાશોને ઢોળાવ પરથી 13 કિમી નીચે આવેલા મોહરાલેના બજારમાં દ્વિચક્રી વાહનો દ્વારા લઈ જવામાં આવે છે. આ સફરમાં એક સમયે લગભગ એક ક્વિન્ટલ જેટલી ઉપજને તીવ્ર ઢોળાવવાળા જોખમી માટીના માર્ગ પર, શ્રેણીબદ્ધ ખાડાટેકરા, ઓચિંતા વળાંકો, કાંકરીઓ, પર્વતીય ઝરણાં અને પ્રસંગોપાત જોવા મળતા સ્લોથ રીંછનો ભેટો થાય એ પાછું વધારાનું.
ઉંગ્યા વિચારે છે, “જો કે, બીજી બાજુ, એ વિચારવું રહ્યું કે રસ્તો બનશે તો ગેરકાયદેસર થતા લાકડાના વેપારને વેગ તો નહીં મળે ને!”



















