જુલાઈ 2021ની તે ધુમ્મસભરી સવાર હતી જ્યારે ખેડૂત શિવરામ ગવારી ભીમાશંકર વન્યજીવ અભયારણ્યની સરહદે આવેલા તેમના ખેતરોમાં પહોંચ્યા. તેમણે જોયું કે તેમના પાંચ ગુંઠા (લગભગ 0.125 એકર) ના ખેતરમાં વાવેલો ડાંગરનો અડધો પાક ખવાઈ ગયો હતો, જ્યારે બાકીનો પાક જમીન પર કચડી નાખવામાં આવ્યો હતો.
તે આઘાત તેમના ચિત્તમાં હજુ પણ તાજો છે, તેઓ કહે છે, “મેં આવું પહેલાં ક્યારેય જોયું નહોતું.” તેમણે પ્રાણીઓનાં પદચિહ્નોને અનુસર્યાં જે તેમને જંગલ તરફ લઈ ગયાં, અને ગવા (બોસ ગૌરસ, જેને કેટલીક વાર ભારતીય જંગલી ભેંસ તરીકે ઓળખાતું) અચાનક દેખાયા. ગાયની પ્રજાતિમાં સૌથી મોટું એવું આ પ્રાણીની કદકાંઠી બિહામણી છે — તેના નર છ ફૂટથી વધુ ઊંચા હોય છે અને તેમનું વજન 500 થી 1,000 કિલોગ્રામની વચ્ચે હોય છે.
જ્યારે ભારે વજનવાળી આ જંગલી ભેંસોનું ઝૂંડ ખેતરોને કચડી નાખે છે, ત્યારે ખેતરમાં મોટા મોટા ખાડા બને છે જે પાક અને રોપાઓ બંનેનો સંપૂર્ણપણે નાશ કરે છે. શિવરામ કહે છે, “ગવાએ ત્રણ વર્ષથી દરેક ઋતુમાં મારો પાક નષ્ટ કર્યો છે. હવે મારી પાસે ખેતી છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી નથી રહ્યો.” તેઓ ડોન ખાતે આવેલા તેમના પતરાંવાળા ઘરની સામે બેસેલા છે, જ્યાં ગવાનું ઝૂંડ 2021થી પડાવ નાખી રહ્યું છે.
આ ગામ મહારાષ્ટ્રમાં ભીમાશંકર વન્યજીવ અભયારણ્યની આસપાસની ઘણી વસાહતોમાંનું એક છે. આ અભયારણ્યમાં હરણ, ડુક્કર, સાબર, ચિત્તો અને દુર્લભ વાઘ વસે છે. સાઠ વર્ષથી વધુ વયે પહોંચેલા શિવરામે પોતાનું આખું જીવન અંબેગાંવમાં જ વિતાવ્યું છે. તેઓ કહે છે કે જંગલમાંથી ભટકીને આવતા જંગલી પ્રાણીઓને કારણે પાકનું નુકસાન ક્યારેય આટલું વિનાશક રહ્યું નથી. તેઓ કહે છે, “પ્રાણીઓને પકડીને લઈ જવાં જોઈએ.”
સતત ત્રીજા વર્ષે પણ તેમના કારણે પોતાનો પાક ગુમાવવાની ચિંતાથી તેમણે એક વર્ષ પહેલાં પોતાના ખેતરોમાં ખેતી કરવાનું બંધ કરી દીધું હતું. અન્ય ઘણા ખેડૂતોએ પણ તેમની જમીનને પડતર છોડી દીધી છે અને તેમની આવકના પ્રાથમિક સ્રોત તરીકે આયુર્વેદિક દવાઓમાં ઉપયોગમાં લેવાતાં ફળ, બળતણ અને હિરડા એકત્ર કરવા અને વેચવા તરફ વળ્યા છે. 2023ના કેન્દ્ર સરકારના અહેવાલ , ગાઈડલાઇન્સ ફોર હ્યુમન-ગૌર કૉન્ફ્લિક્ટ મિટિગેશન અનુસાર, પ્રાણીઓ દ્વારા પાકને કરાતું આ નુકસાન જંગલના ઘટાડા અને આબોહવા પરિવર્તનને થયેલા ખોરાક અને વન વસવાટના નુકસાનને આભારી છે.
*****
2021માં, ડોન ગામ નજીક માત્ર ત્રણથી ચાર પ્રાણીઓ જ ધાડ મારવા આવતાં હતાં. વર્ષ 2024માં તેમની સંખ્યા બમણી થઈ ગઈ છે અને તેમની ધાડની આવૃત્તિ પણ બમણી થઈ છે. ખેતરો ખાલી હોવાથી તેઓ ગામમાં જવા માંડે છે, જેનાથી સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ સર્જાય છે.
ગામના મોટાભાગના ખેડૂતો માત્ર રોકડ ખેતી કરે છે. તેઓ તળેટીમાં ઉપલબ્ધ જમીન પર ખેતી કરે છે, જે થોડા એકરથી વધુ નથી. કેટલાક ખેડૂતોએ પોતાના કૂવા ખોદ્યા છે અને માત્ર મુઠ્ઠીભર ખેડૂતો પાસે પોતાના બોરવેલ છે, કારણ કે અહીં ખેતી વરસાદ આધારિત છે. ભેંસના હુમલાઓએ તેમની વાર્ષિક લણણી અને ખાદ્ય સુરક્ષાને નુકસાન પહોંચાડ્યું છે.
બુદ્ધ ગવારી પોતાના ઘરની બાજુમાં ત્રણ ગુંઠા જમીન પર ખેતી કરે છે. ગામના અન્ય લોકોની જેમ તેઓ ચોમાસામાં રાયભોગ અને શિયાળામાં મસૂર અને હરબારા જેવી સ્થાનિક જાતના ચોખા ઉગાડે છે. આ 54 વર્ષીય ખેડૂત કહે છે, “હું મારા ખેતરમાં નવા ખેડેલા રોપાઓ રોપવા જઈ રહ્યો હતો. તેઓએ આ રોપાઓનો નાશ કર્યો અને મારો આખો પાક બગડી ગયો. મેં મારા પરિવારનો મુખ્ય પાક ગુમાવી દીધો. ચોખા વિના, આ આખું વર્ષ અમારા માટે મુશ્કેલ રહેશે.”
બુદ્ધ કોળી મહાદેવ સમુદાયના છે, જે રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે. તેઓ કહે છે, “હું મારી કોઈ પણ પેદાશ વેચતો નથી. મારી એટલી ઉપજ નથી થતી કે જેને હું વેચી શકું.” તેમને ખેતીમાંથી વર્ષે 30,000 થી 40,000 રૂપિયા જેટલી આવક થાય છે, જેના પાછળ 10,000 થી 15,000 જેટલો ખર્ચ થાય છે. જેટલો પાક બાકી રહ્યો છે તેનાથી આખા વર્ષ દરમિયાન તેમના પાંચ સભ્યોના પરિવારનું ભરણપોષણ થઈ શકે તેમ નથી. તેમણે જે ડાંગર ગુમાવ્યું હતું, તેનાથી આખા વર્ષ માટે તેમના પરિવારને ખાવાની સુવિધા થઈ હોત.
શિવરામ અને બુદ્ધ બંનેએ પાકને નુકસાન થયા પછી વન વિભાગનો સંપર્ક કર્યો અને પંચનામા (તપાસ અહેવાલ) નોંધ્યા. છ મહિનાથી વધુ સમય પછી શિવરામને વળતર તરીકે 5,000 રૂપિયા અને બુદ્ધને 3,000 રૂપિયા મળ્યા − જે તેમને થયેલા નુકસાનનો દસમો ભાગ પણ નથી. બુદ્ધ કહે છે, “મેં મારા નુકસાનની ભરપાઈ કરવા માટે એક સરકારી કચેરીથી બીજી સરકારી કચેરીના ધક્કા માટે ઓછામાં ઓછા 1,000-1,500 રૂપિયા ખર્ચ કરી દીધા હતા.” ઉપસરપંચ સીતારામ ગવારી કહે છે કે કૃષિ મંત્રાલય દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી.
બુદ્ધના પુત્ર બાલકૃષ્ણ ગવારી કહે છે, “આવકના વધારાના સ્રોત તરીકે મનરેગા અમારા માટે અત્યંત ફાયદાકારક રહી હોત. અમે પાણીના સંગ્રહ માટે કૂવા તૈયાર કરી શક્યા હોત.” ઓછા મનરેગા કામ (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી) એ ડોનના ખેડૂતોને મંચાર અને ઘોડેગાંવ જેવા નજીકના વિસ્તારોમાં અન્ય લોકોના ખેતરોમાં મજૂર તરીકે કામ કરવા માટે મજબૂર કર્યા છે. ત્યાં ખેતરો વધુ ફળદ્રુપ છે અને સહ્યાદ્રી ટેકરીઓના નીચલા પ્રવાહમાંથી પુષ્કળ પાણી મળે છે. વરાઈ અને સાવા જેવા પરંપરાગત પાકોની ઉપજ, જેની માવજત પણ ઓછી રાખવાની હોય છે, તેનાથી તેમનો જીવનનિર્વાહ થઈ જાય છે.
*****
સ્થાનિક કાર્યકર્તા અને અખિલ ભારતીય કિસાન સભાના પૂણે જિલ્લા પ્રમુખ ડૉ. અમોલ વાઘમારે કહે છે કે, વન આવરણમાં ઘટાડો, પ્રાણીઓની વધતી વસ્તી અને અકુદરતી આબોહવાની ઘટનાઓ ઘણા પ્રાણીઓ માટે ખોરાકની અછત સર્જી રહી છે. તેઓ ઉમેરે છે, “આ પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં જંગલના અન્ય ભાગોમાંથી સ્થળાંતર કરી શકે છે.” ડોનના રહેવાસીઓ કહે છે કે, ગવાને, પ્રસંગોપાત, 2021ના ઉનાળાના શરૂઆતના મહિનાઓમાં જોવા મળતી હતી, જે સમયે જંગલમાં સામાન્ય રીતે ખોરાકની અછત હોય છે.
ડૉ. વાઘમારે ઉમેરે છે, “ડોનની નજીકના અથવા આસપાસના વિસ્તારોમાં વન વિભાગની બહુ ઓછા ચોકીઓ છે. વન વિભાગના મોટાભાગના અધિકારીઓ તાલુકામાં રહે છે જે 60-70 કિલોમીટર દૂર આવેલું છે.” માનવ-પ્રાણી સંઘર્ષને ઘટાડવામાં વન વિભાગની ભૂમિકા વિશે વાત કરતાં તેઓ કહે છે, “કટોકટીના કિસ્સામાં, જેમ કે જ્યારે ચિત્તા લોકોના ઘરોમાં પ્રવેશી ગયા હોય, ત્યારે તેમને (અધિકારીઓને) પહોંચવામાં ઘણો સમય લાગ્યો છે. તેઓ રાત્રે ગામડાઓમાં આવવામાં પણ ખચકાય છે.”
ગામના નાયબ સરપંચ સીતારામ ગવારી, જેમના પાકને પણ ગવાના હુમલાને કારણે નુકસાન થયું હતું, કહે છે કે તેમણે આ મુદ્દો ઘણી વખત વન વિભાગ સમક્ષ ઉઠાવ્યો છે. વન વિભાગને સતત દબાણ કર્યા પછી તેમણે આ જંગલી ભેંસોની અવરજવરને પ્રતિબંધિત કરવા માટે ગામની નજીક વાડાબંધી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેઓ કહે છે, “તે અસ્વીકાર્ય હતું કારણ કે લોકોની આજીવિકા જંગલ સાથે જોડાયેલી છે.”
આ જંગલી ભેંસો ભૂખી હોય ત્યારે હજુ પણ આસપાસ ભટકતી હોય છે, અને તેના લીધે શિવરામ અને અન્ય લોકો આગામી પાકની મોસમ માટે તેમના ખેતરો તૈયાર કરશે નહીં. તેઓ કહે છે, “હું શું કામ દર વર્ષે આવી જ તબાહી વેઠતો રહું! મેં ઘણું સહન કર્યું છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ