દીપિકા કમાનની ટેવાઈ ગયેલી આંખો લગભગ એકસરખાં દેખાતાં નર અને માદા રેશમનાં ફૂદાં વચ્ચે તફાવત કરી શકે છે. તેઓ લગભગ 13 સેન્ટિમીટર પાંખવાળા ભુરા અને આછા સફેદ રંગના રેશમના ફૂદા તરફ ધ્યાન દોરતાં કહે છે, “તેઓ એકસરખાં દેખાય છે, પરંતુ એક બીજા કરતાં લાંબું છે. તે નર છે. ટૂંકું અને જાડું છે એ માદા છે.”
દીપિકા આસામના માજુલી જિલ્લાના બોરુન ચિતાદર ચુક ગામનાં રહેવાસી છે અને તેમણે લગભગ ત્રણ વર્ષ પહેલાં એરી રેશમના ફૂદાં (સામિયા રિસિની)નો ઉછેર કરવાનું શરૂ કર્યું હતું.Top of Form તેમણે આ કળા તેમનાં માતા અને દાદી પાસેથી શીખી હતી.
એરી એ આસામની બ્રહ્મપુત્ર ખીણ અને પડોશી અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય અને નાગાલેન્ડમાં ઉગાડવામાં આવતું રેશમ છે. મિસિંગ (જે મિશિંગ તરીકે પણ ઓળખાય છે) સમુદાય પરંપરાગત રીતે પોતાના ઉપયોગ માટે રેશમના કીડાનો ઉછેર કરતો આવ્યો છે અને એરી રેશમનું કાપડ વણતો આવ્યો છે, પરંતુ વ્યાવસાયિક વેચાણ માટે રેશમવણાટ એ આ સમુદાય માટે પ્રમાણમાં નવી પ્રથા છે.
28 વર્ષીય દીપિકા કહે છે, “હવે સમય બદલાઈ ગયો છે. આજકાલ નાની છોકરીઓ પણ રેશમના કીડા ઉછેરવાનું શીખે છે અને પ્રેક્ટિસ કરે છે.”
રેશમના કીડાઓનો ઉછેર શરૂ કરવા માટે, લોકો માજુલીમાં રેશમ ઉત્પાદન વિભાગમાંથી ઈંડાં ખરીદી શકે છે — જે અમુક જાતિઓ માટે પેકેટ દીઠ 400 રૂપિયામાં મળે છે — અથવા તો તેમને આ વ્યવસાય કરતા ગામના લોકો પાસેથી મેળવે છે. દીપિકા અને તેમના પતિ ઉદય સામાન્ય રીતે ગામના લોકો પાસેથી ખરીદી કરવાનું પસંદ કરે છે, કારણ કે તે રીતે તેમને મફતમાં ઈંડાં મળે છે. આ દંપતિ એક સમયે ફૂદાંની ત્રણ જોડીથી વધારે નથી રાખતાં, કારણ કે તેના માટે તેમણે ઉકાળેલા લાર્વાને ખવડાવવા માટે વધુ એરા પાટ (એરંડાનાં પત્તાં)ની વ્યવસ્થા કરવી પડે છે. તેમની પાસે એરા બારી (વાવેતર) ન હોવાથી, તેઓએ પત્તાં જાતે એકઠાં કરવાં પડે છે.
તેઓ ઉમેરે છે, “તેમાં ઘણી મહેનત પહોંચે છે. તે [એરંડાનાં પત્તાં] જમીનના નાના ભાગોમાં ઉગાડી શકાતાં નથી. અમારે વાંસની વાડ બાંધવી પડશે અને ખાતરી કરવી પડશે કે બકરાં તેને ખાઈ ન જાય.”
રેશમની ઇયળો પેટભરીને ખાનારા જીવ છે અને ટૂંક સમયમાં જ તેમના માટે પૂરતા પ્રમાણમાં જૂનાં પત્તાં મેળવવાં મુશ્કેલ બની જાય છે. “અમારે રાત્રે પણ જાગવું પડે છે અને તેમને ખવડાવવું પડે છે. તેઓ જેટલું વધુ ખાય છે, તેટલું વધુ રેશમ ઉત્પન્ન કરે છે.” ઉદય એ પણ ઉલ્લેખ કરે છે કે તેઓ કેસેરું (હેટરોપેનાક્સ ફ્રેગ્રાન્સ) ખાય છે. પરંતુ તેઓ ગમે તે એક જ પ્રકારનું પાંદડું ખાય છે: “તેઓ તેમના જીવનકાળમાં અન્ય બધાંને બાદ કરતાં માત્ર એક જ ચોક્કસ પાંદડું ખાય છે”
જ્યારે તેઓ પોતાનો કોશેટો બનાવવા તૈયાર થઈ જાય છે, ત્યારે પોકા પોલુ (ઇયળો) યોગ્ય સ્થળોની શોધમાં આમતેમ ફરવા લાગે છે. રૂપાંતર થાય તે માટે તેમને કેળાનાં પાંદડાં અને સૂકા ઘાસ પર રાખવામાં આવે છે. દીપિકા કહે છે, “એક વાર તેઓ રેસા બનાવવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ માત્ર આગામી બે દિવસ સુધી જ નજરે પડે છે. તે પછી તેઓ કોશેટાની અંદર ગાયબ થઈ જાય છે.”
*****
રેશમના રેસા કાઢવાની પ્રક્રિયા કોશેટા બનવાની પ્રક્રિયા શરૂ થયાના લગભગ 10 દિવસ પછી શરૂ થાય છે. દીપિકા કહે છે, “જો અમે તેમને તેનાથી વધુ સમય સુધી રાખીશું, તો ઇયળો ફૂદાંમાં ફેરવાઈ જાય છે અને ઉડી જાય છે.”
રેશમની લણણીની બે રીતો છેઃ કાં તો રૂપાંતર પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુઓ કે જેથી કીડો રેસાને પાછળ છોડીને ઉડી જાય કાં તો પરંપરાગત મિસિંગ પ્રથાને અનુસરો જેમાં કોશેટાને ઉકાળવામાં આવે છે.
દીપિકા કહે છે કે જ્યાં સુધી કોશેટા ઉકાળવામાં ન આવે ત્યાં સુધી હાથથી રેસા કાઢવા મુશ્કેલ હોય છે. જ્યારે ફૂદાં બહાર આવવા લાગે એટલે તે ઝડપથી સડી જાય છે. ઉદય ઉમેરે છે, “ઉકાળતી વખતે, અમે તેમને તપાસીએ છીએ કે તેઓ નરમ થઈ ગયા છે કે કેમ. આગ પર લગભગ અડધો કલાક લાગે છે.”
પોલુ પોકા (ઇયળ) એક સ્વાદિષ્ટ વાનગી છે, જે બાફેલા કોશેટામાંથી તેને કાઢ્યા પછી ખાવામાં આવે છે. દીપિકા કહે છે, “તેનો સ્વાદ માંસ જેવો હોય છે. તેને તળીને કે પાટોટ દીયા [એક વાનગી જેમાં કોઈ પણ શાકભાજી, માંસ અથવા માછલીને કેળાના પાનમાં લપેટીને ચૂલા પર પકવવામાં આવે છે] તરીકે ખાઈ શકાય છે.”
કાઢેલા રેસાને ધોઈને કાપડમાં લપેટીને છાંયડામાં સૂકવવામાં આવે છે. પછી ટાકુરી અથવા પોપી (ધરી)નો ઉપયોગ કરીને રેસાને કાંતવામાં આવે છે. દીપિકા કહે છે, “250 ગ્રામ એરીનો દડો બનાવવામાં ત્રણથી ચાર દિવસ લાગે છે.” દીપિકા તેમનું ઘરનું રોજિંદું કામ પૂરું કર્યા પછી રેશમ કાંતે છે. પરંપરાગત સાડોર-મેખેલા (બે ટુકડાવાળો પોશાક) માટે લગભગ એક કિલોગ્રામ રેશમના તાંતણાની જરૂર પડે છે.
જ્યારે તેમને પહેલીવાર કાંતવામાં આવે છે ત્યારે રેસા સફેદ હોય છે, પરંતુ પછીથી, વારંવાર ધોવાથી તેઓ રંગ બદલીને એરીનો વિશિષ્ટ પીળો રંગ ધારણ કરી દે છે.
તેઓ ઉમેરે છે, “જો અમે સવારે કામ કરવાનું શરૂ કરીએ અને આખો દિવસ કામ કરીએ તો એક દિવસમાં એક મીટર એરી રેશમ વણી શકીએ છીએ.”
રેશમના દોરાને સુતરાઉ દોરા સાથે પણ મિશ્રિત કરવામાં આવે છે. દીપિકા કહે છે કે આ કાપડનો ઉપયોગ આસામી મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા ઉપલા વસ્ત્ર, સાડીઓ અને પરંપરાગત વસ્ત્રો બનાવવા માટે થાય છે. હવે તો સાડીઓ પણ એરીમાંથી બનાવવામાં આવી રહી છે, જે એક નવો ટ્રેન્ડ છે.
આવા નવા ટ્રેન્ડ્સ આવ્યા હોવા છતાં, રેશમના વ્યવસાયને જાળવી રાખવા માટે ઘણી મહેનત કરવી પડે છે. રેશમની ખેતીમાંથી વિરામ લઈ ચૂકેલાં દીપિકા કહે છે, “રેશમના કીડાઓને ઉછેરવામાં અને પછી કાપડ વણવામાં ઘણો સમય લાગે છે.” ઘરકામ, મોસમી ખેતીકામ અને તેમના ચાર વર્ષના પુત્રનો ઉછેર કરવા પછી, તેમની પાસે એના માટે કોઈ સમય જ નથી બચતો.
*****
જામિની પાયેંગ 40 વર્ષીય પીઢ વણકર છે અને તેમને ક્રાફ્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા આપવામાં આવી છે. તેઓ લગભગ એક દાયકાથી એરી રેશમના કાપડનું વણાટકામ કરી રહ્યાં છે અને હસ્તકલામાં લોકોને રસ ઘટવાને લઈને ચિંતિત છે. “આજકાલ ઘણા લોકો એવા છે જેમણે ક્યારેય વણાટકામમાં હાથ સુદ્ધાં નથી અજમાવ્યો. તેમને સાચા એરી અને કૃત્રિમ એરી વચ્ચે ફરક પણ નહીં ખબર હોય. આવી હાલત છે.”
જામિની જ્યારે દસમા ધોરણમાં હતાં ત્યારે તેમણે કાપડ અને વણાટકલા વિષે જ્ઞાન મેળવ્યું હતું. કોલેજમાં જોડાવા માટે આ કામ છોડતા પહેલાં તેમણે થોડા વર્ષો સુધી આની પ્રેક્ટિસ કરી હતી. સ્નાતક થયા પછી, તેઓ એક બિન-સરકારી સંસ્થામાં જોડાયાં અને પરંપરાગત રેશમ વણાટકામ કરવા માટે માજુલીના ગામડાઓની મુલાકાત લેવાનું શરૂ કર્યું.
માજુલીનાં જામિની કહે છે, “જે ઘરોમાં એરી ઉછેરવામાં આવે છે, ત્યાં બાળકો તેમની માતાઓ પાસેથી આને શીખી લે છે. મને તાટ-બાટી [વણાટ] કરવાનું કે બોબિન ફેરવવાનું કોઈએ નહોતું શીખવ્યું. હું મારી માતાને તે કરતાં જોઈ જોઈને શીખી હતી.”
તેઓ કહે છે કે મોટાભાગની સ્ત્રીઓ પાસે હજુ પણ તેમની હાથશાળ પર બનાવેલાં રેશમનાં કપડાં છે, કારણ કે મશીનથી બનેલાં કપડાં આજે ઉપલબ્ધ છે તેટલા વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ નહોતાં. સ્ત્રીઓ એરી, નૂની અને મુગા રેશમથી બનેલા સાડોર-મેખેલા પહેરતી. “સ્ત્રીઓ જ્યાં પણ જતી ત્યાં તેમની ટાકુરી [ધરી] લઈ જતી.”
જામિની આનાથી પ્રેરિત થયાં હતાં. “મેં ત્યારે નક્કી કર્યું કે હું એરી રેશમના કીડાઓ ઉછેરીશ અને અન્ય લોકોને તે કેવી રીતે કરવું તે શીખવીશ.” હાલમાં, તેઓ માજુલીની લગભગ 25 મહિલાઓને વણાટકલા અને કાપડ વિષે તાલીમ આપે છે. તેમનું કાર્ય દેશ અને બહાર પણ પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જેમાં બ્રિટિશ મ્યુઝિયમમાં એક કૃતિનો પણ સમાવેશ થાય છે.
જામિની કહે છે, “એરી કાપડની માંગ વધારે છે, પરંતુ અમે તેને પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને બનાવીએ છીએ.” અન્યત્ર, એરીનું કાપડ મશીનો પર વણવામાં આવે છે; અને બિહારના ભાગલપુરનું રેશમ આસામનાં બજારોમાં ધૂમ મચાવી રહ્યું છે.
હાથથી બનાવેલી વસ્તુઓની કિંમત દોરાઓના પ્રકાર અને ઉપયોગમાં લેવાતી તકનીકો તેમજ ડિઝાઇનની જટિલતા પર આધાર રાખે છે. પરંપરાગત ડિઝાઇન સાથે હાથથી વણેલા એરીના ખેસની કિંમત 500 રૂપિયા હોય છે. હાથથી વણાયેલા સાડોર-મેખેલાની બજાર કિંમત આશરે 8,000 રૂપિયા અને સ્થાનિક બજારમાં 15,000 થી 20,000 રૂપિયા છે.
તેઓ કહે છે, “અગાઉ આસામની છોકરીઓ તેમના પ્રેમીઓ માટે ગમસા, રૂમાલ અને ઓશીકું વણતી હતી અને અમારી મિસિંગ છોકરીઓ પણ ગાલુક વણતી હતી.” જામિની માને છે કે જો લોકો પરંપરાગત પદ્ધતિઓને પુનર્જીવિત નહીં કરે અને તેમને આગામી પેઢી સુધી નહીં પહોંચાડે, તો આ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અદૃશ્ય થઈ જશે. “તેથી જ હું તેને એક જવાબદારી તરીકે લઈને, મારાથી થઈ શકે તેટલું કરી રહી છું.”
આ વાર્તાને મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમ.એમ.એફ.)ની ફેલોશિપ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
અનુવાદ: ફૈઝ મોહંમદ