“શાળેત જાયચાય … શાળેત… વૈભવ… વૈભવ… શાળેત… [શાળાએ જવું છે… શાળાએ…].”

પ્રતીક વારંવાર આ વાક્યનું પુનરાવર્તન કરે છે અને એના વર્ગના એક મિત્રને બૂમ પાડે છે, જે ત્યાં નથી. તે તેના એક ઓરડાના માટીના ઘરને ઉંબરે બેઠો બેઠો  બાળકોના એક જૂથને નજીકમાં હસતા - રમતા જોઈ રહ્યો છે. 13 વર્ષનો પ્રતીક સવારથી સાંજ સુધી ત્યાં બેસી રહે છે. અથવા ઘરના આંગણામાં એક ઝાડને અઢેલીને તેની દુનિયાને - જે લગભગ 11 મહિનાથી ઉંબરા, ઝાડવાળા આંગણા અને ગાયોની ગમાણને ઓળંગીને ભાગ્યે જ આગળ વધી છે - જોતો ઊભો રહે છે.

રાશીન ગામના બીજા  બાળકો પ્રતીક સાથે રમતા નથી. તેની માતા 32 વર્ષના  શારદા રાઉત સમજાવે છે, “અહીંનાં બાળકોને તે  (પ્રતીક) શું કહે છે એ સમજાતું નથી. તે એકલવાયો જ રહે છે.” પ્રતીક ગામના બીજા છોકરાઓ કરતાં અને તેમના મોટા બાળક કરતા પણ અલગ હોવાના ચિહ્નો ખૂબ વહેલા જ તેમના (શારદાના) ધ્યાનમાં આવ્યા હતા. તે 10 વર્ષનો થયો ત્યાં સુધી  નહોતો સ્પષ્ટ બોલી શકતો કે નહોતો પોતાના કામ જાતે કરી શકતો.

જ્યારે પ્રતીક આઠ વર્ષનો હતો ત્યારે તેના ગામથી આશરે 160 કિલોમીટર દૂર અહમદનગર જિલ્લાના કરજત તાલુકાના સોલાપુરમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સર્વોપચાર ઋગ્ણાલયમાં  તેને માઇલ્ડ ડાઉન્સ સિન્ડ્રોમ હોવાનું નિદાન થયું હતું. શારદા યાદ કરે છે અને બોલી ઊઠે છે, "10 વર્ષનો થયો ત્યાં સુધી તે બોલી શકતો નહોતો. પણ પછી તેણે શાળામાં જવાનું શરૂ કર્યું  અને ત્યારથી તે મને આઈ [માતા] કહીને બોલાવે છે. તે સંડાસ જાય છે અને પોતાની જાતે નહાય છે. મારા છોકરા માટે શાળા અગત્યની છે. તે થોડા મૂળાક્ષરો શીખ્યો છે, અને જો તે (શાળાએ જવાનું) ચાલુ રાખે તો તે સુધરી શકે છે. પણ આ મહામારી [રોગચાળો]! ”

માર્ચ 2020 માં કોવિડ -19 મહામારીની શરૂઆતમાં પ્રતીક જ્યાં ભણતો હતો તે નિવાસી શાળાએ તેનું પરિસર બંધ કરી દીધું. તે 25 બૌદ્ધિક વિકલાંગ વિદ્યાર્થીઓમાંનો એક હતો - બધા 6 થી 18 વર્ષની વયના છોકરાઓ હતા - જેમને તેમના પરિવારો પાસે પાછા મોકલવામાં આવ્યા હતા.

Prateek Raut sometimes tried to write a few alphabets, but with the school break extending to 11 months, he is forgetting all that he learnt, worries his mother
PHOTO • Jyoti Shinoli
Prateek Raut sometimes tried to write a few alphabets, but with the school break extending to 11 months, he is forgetting all that he learnt, worries his mother
PHOTO • Jyoti Shinoli

પ્રતીક રાઉતે ક્યારેક ક્યારેક થોડા મૂળાક્ષરો લખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ  શાળામાં આ રજાઓ 11 મહિના સુધી લંબાવવામાં આવતા તે જે કંઈ શીખ્યો હતો તે બધું ભૂલવા માંડ્યો છે, એની તેની માતાને ચિંતા છે

જ્યારે કોઈ સંબંધીએ તેની માતાને સોલાપુર જિલ્લાના કર્માળા તાલુકામાં આવેલા બૌદ્ધિક વિકલાંગ બાળકો માટેના ધ્યાનપ્રબોધન મતિમંદ નિવાસી વિદ્યાલય અંગે માહિતી આપી ત્યારે,  2018 માં પ્રતીકે  શાળાએ જવાનું શરૂ કર્યું હતું . તે પ્રતીકના ગામથી આશરે 10 કિલોમીટર દૂર છે. થાણે સ્થિત એનજીઓ શ્રમિક મહિલા મંડળ સંચાલિત આ શાળા વિદ્યાર્થીઓ માટે નિ: શુલ્ક છે અને પરિવારો પર   કોઈ ખર્ચ નાખવામાં આવતો નથી.

વિદ્યાલયના ચાર શિક્ષકો સોમવારથી શુક્રવાર સવારે 10 થી સાંજ 4:30 સુધી ચાલતા વર્ગો દરમિયાન અને શનિવારે થોડા ઓછા કલાકો માટે વિદ્યાર્થીઓને સ્પીચ થેરેપી, શારીરિક કસરત, સ્વ-સંભાળ, કાગળ-કામ, ભાષાની કુશળતા અંગે, સંખ્યાઓ, રંગો અને વસ્તુઓ ઓળખવા માટે અને બીજી  પ્રવૃત્તિઓ અંગે  માર્ગદર્શન અને તાલીમ આપે છે.

પરંતુ પ્રતીકની શાળાનો નિયમિત ક્રમ અને નિયત સમયપત્રક, શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ સાથેની તેની ક્રિયાપ્રતિક્રિયા એ બધું લોકડાઉનને કારણે બંધ થઈ ગયું.  માર્ચ મહિનામાં શાળા બંધ થયા પહેલા  ત્યાં જે શીખ્યો હતો તેના પરથી તેણે ઘેર ક્યારેક ક્યારેક  મરાઠી અને અંગ્રેજીમાં થોડા મૂળાક્ષરો જાતે લખવાનો પ્રયત્ન  કર્યો  - અ, આ, ઇ ... એબીસીડી.

પરંતુ આ રજાઓ 11 મહિના સુધી લંબાવવામાં આવતા તે જે કંઈ શીખ્યો હતો તે બધું ભૂલવા માંડ્યો છે, એની તેની શારદાને ચિંતા છે. તેઓ કહે છે કે પ્રતીકે ડિસેમ્બરથી મૂળાક્ષરો લખવાનું બંધ કરી દીધું છે. તેઓ ઉમેરે છે, "જ્યારે તે માર્ચમાં પાછો ફર્યો, ત્યારે તે ખૂબ શાંત હતો. પણ જેમ જેમ મહિનાઓ વીતતા ગયા તેમ તેમ તે  ખૂબ જ ચીડિયો થઈ ગયો છે અને ગુસ્સે થઈને જ જવાબ આપે છે, પછી ભલેને મેં ગમે તેટલા પ્રેમથી કેમ ન કંઈ પૂછ્યું હોય."

પિડિયાટ્રિક-ન્યુરોલોજિસ્ટ, ડેવલોપમેન્ટ ડિસઓર્ડરના નિષ્ણાત અને ઉત્તર-મધ્ય મુંબઈમાં સાયન સ્થિત લોકમાન્ય તિલક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલના પ્રોફેસર ડો. મોના ગજરે કહે છે કે બૌદ્ધિક વિકલાંગ બાળકો માટે શાળાનું નિયત સમયપત્રક અને ત્યાં પૂરી પાડવામાં આવતી તાલીમ  ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યાં “દરેકેદરેક  કામ અનેક નાના નાના પગલામાં વહેંચી દેવાય છે” તેવી વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટેની શાળાઓનું મહત્વ સમજાવતા તેઓ કહે છે કે ધીરજપૂર્વક અને વારંવાર દરેક પગલાને  દર્શાવવાની પ્રક્રિયા "કામને યાદશક્તિમાં દ્રઢ કરવાનું અને કામની સામાન્ય વિગતો માટે મગજ ચલાવ્યા વિના તે કામ સહજપણે આપોઆપ કરવાનું સરળ બનાવે છે." જો સાતત્ય ન હોય તો [બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા] બાળકો કેટલીકવાર થોડા મહિનાઓમાં જ  શીખી ગયેલી બાબતો ભૂલી જાય છે."

પ્રતીકની શાળાએ બાળકોને તેમના ભણતર સાથે જોડાયેલા રાખવા વિદ્યાર્થીઓ ઘેર પાછા ફરતા હતા ત્યારે તેમની સાથે કેટલીક શૈક્ષણિક સામગ્રી મોકલી હતી. પરંતુ શારદાને પ્રતીકને શીખવાડવામાં તકલીફ પડે છે. તેઓ કહે છે, "તેના શિક્ષકે રંગ અને મૂળાક્ષરોના ચાર્ટ્સ આપ્યા છે પરંતુ તે અમારું કહ્યું માનતો નથી અને અમારે કામ પણ કરવું પડે ને." દસમા ધોરણ સુધી ભણેલા શારદા ઘરનાં કામ તો સંભાળે જ  છે, તે ઉપરાંત તેમના પતિ 40 વર્ષના દત્તાત્રેય રાઉતની સાથે પરિવારના બે એકરના ખેતરમાં કામ પણ કરે છે.

'His teacher gave colour and alphabets charts, but he doesn’t listen to us and we also have to work', says Sharada, who handles housework and farm work
PHOTO • Jyoti Shinoli
'His teacher gave colour and alphabets charts, but he doesn’t listen to us and we also have to work', says Sharada, who handles housework and farm work
PHOTO • Jyoti Shinoli

ઘરના કામની સાથે સાથે ખેતીનું કામ પણ સંભાળતા શારદા કહે છે, "તેના શિક્ષકે રંગ અને મૂળાક્ષરોના ચાર્ટ્સ આપ્યા છે પરંતુ તે અમારું કહ્યું માનતો નથી અને અમારે કામ પણ કરવું પડે ને"

તેઓ ખરીફ સીઝનમાં તેમના કુટુંબના વપરાશ માટે જુવાર અને બાજરીની ખેતી કરે છે. શારદા કહે છે, “નવેમ્બરથી મે સુધી, અમે મહિનાના 20-25 દિવસ બીજાના ખેતરમાં કામ કરીએ છીએ." તેમની કુલ માસિક આવક 6000 રુપિયાથી વધુ નથી. માબાપમાંથી કોઈ પણ  તેમના દીકરાને મદદ કરવા ઘેર બેસી શકે તેમ નથી - કારણ એમ કરવાથી તો તેમણે પહેલેથી જ તંગ નાણાંકીય પરિસ્થિતિમાં વેતન ગુમાવવાનો વારો આવે.

પ્રતીકનો મોટો ભાઈ 18 વર્ષનો વિકી  તાલુકાની કોલેજમાં 12 મા ધોરણમાં ભણે છે અને ભાઈને મદદ કરવા માટે તેની પાસે પણ સમય નથી. (લોકડાઉન પછી) તે ઓનલાઇન વર્ગોમાં હાજરી આપે છે, પરંતુ પરિવારમાં કોઈની પાસે સ્માર્ટફોન ન હોવાથી તે ગામમાં એક મિત્રના મોબાઈલ પર અભ્યાસ કરવા તેને ઘેર જાય છે.

ઓનલાઇન શિક્ષણ એ તમામ બાળકો માટે પડકારરૂપ તો રહ્યું જ છે (વાંચો Online classes, offline class divisions )પણ શાળામાં પ્રવેશ મેળવી શકનાર તેવા બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા  બાળકો માટે તે (ઓનલાઇન શિક્ષણ) વધુ અવરોધો ઊભા કરે છે. વસ્તી ગણતરી ૨૦૧૧ નોંધે છે કે (ભારતના કુલ 500000 લાખથી વધુ બૌદ્ધિક વિકલાંગ બાળકોમાંથી) 5 થી 19 વર્ષની વયજૂથના 400000 બૌદ્ધિક રીતે  વિકલાંગ બાળકોમાંથી ફક્ત 185086 બાળકો કોઈક શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરે છે.

લોકડાઉન દરમિયાન આમાંથી ઘણી સંસ્થાઓને સરકાર તરફથી સૂચનાઓ મળી હતી. 10 મી જૂન, 2020 ના રોજ વિકલાંગ વ્યક્તિઓ માટેના (મહારાષ્ટ્ર સરકારના) કમિશનરેટે સામાજિક ન્યાય અને વિશેષ સહાયતા વિભાગને પાઠવેલા પત્રમાં  મહામારી દરમિયાન વિશેષ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓના ઓનલાઇન શિક્ષણ માટે મંજૂરી માંગવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું: “બૌદ્ધિક વિકલાંગોના સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય સંસ્થા, ખારઘર, નવી મુંબઈ, થાણે જિલ્લા, ની વેબસાઇટ પર ઉપલબ્ધ શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરીને અને જરૂરિયાત મુજબ માતા-પિતાને આ શૈક્ષણિક સામગ્રી પૂરી પાડીને બાળકોને તેમના માતાપિતા દ્વારા વિશેષ શિક્ષણ આપવા અંગે કાર્યવાહી કરવી જોઈએ.”

પ્રતીકની શાળા ધ્યાનપ્રબોધન વિદ્યાલયે માતાપિતાને  - મૂળાક્ષરો, સંખ્યાઓ અને વસ્તુઓના ચાર્ટ, કવિતાઓ અને ગીતોના સ્વાધ્યાય, અને અન્ય શિક્ષણ સહાયક સાધનો જેવી - શૈક્ષણિક સામગ્રી મોકલી હતી અને માર્ગદર્શન આપવા માટે માતાપિતા સાથે ફોન પર વાતચીત કરી હતી. શાળાના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર રોહિત બાગડે કહે છે કે તેઓ નિયમિત બાળકો વિષયક અપડેટ લઈ રહ્યા છે અને માતા-પિતાને ફોન પર સૂચના આપી રહ્યા છે.

બાગડે કહે છે કે તમામ 25 વિદ્યાર્થીઓના વાલીઓ ઈંટના ભઠ્ઠામાં કામ કરે છે અથવા ખેતમજૂરો તરીકે કામ કરે છે અથવા તેઓ 2.5 એકરથી ઓછી જમીન ધરાવતા સીમાંત ખેડૂતો છે. તેઓ ઉમેરે છે, "માતાપિતાએ [શીખવાડવા માટે] બાળક  સાથે બેસવું જોઈએ, પરંતુ બાળક માટે ઘેર રહેવાથી તેમના રોજિંદા વેતનને અસર પહોંચે  છે. તેથી પ્રતીક અથવા બીજા બાળકો પાસે કંઈ કર્યા વિના બેસી રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી. દૈનિક પ્રવૃત્તિઓ અને રમતો તેમને આત્મનિર્ભર બનાવે છે અને તેમનું ચીડિયાપણું અને આક્રમકતા નિયંત્રિત કરે છે. આવી પ્રવૃત્તિઓ ઓનલાઇન કરવી મુશ્કેલ છે, કારણ કે તે માટે બાળકો પર વ્યક્તિગત ધ્યાન આપવું પડે તેમ હોય છે. "

With school shut, Prateek spends his days sitting at the threshold of his one-room mud house, watching a world restricted now to the front yard
PHOTO • Jyoti Shinoli
With school shut, Prateek spends his days sitting at the threshold of his one-room mud house, watching a world restricted now to the front yard
PHOTO • Jyoti Shinoli

શાળા બંધ થઈ જતા પ્રતીક તેના એક ઓરડાના માટીના ઘરને ઉંબરે બેસીને હવે આંગણા સુધી  જ પ્રતિબંધિત થઈને રહી ગયેલી દુનિયા જોવામાં દિવસો પસાર કરે છે

વિદ્યાલય બંધ થઈ જવાને કારણે રશીન - લગભગ 12600 લોકોની વસ્તીવાળા ગામ - માં બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા બીજા એક વિદ્યાર્થી, 18 વર્ષના સંકેત હમ્બેને પણ અસર પહોંચી  છે.  માર્ચથી તે આખો દિવસ તેના પાકા ઘરના આંગણામાં એસ્બેસ્ટોસની છત નીચે લોખંડના ખાટલા પર નીચે જોતો હતો બેસી રહે છે અને કલાકો સુધી સતત ગણગણ્યા કરે છે. (આ ઉપરાંત, શાળા ફક્ત 18 વર્ષની વય સુધીના વિદ્યાર્થીઓને જ લે છે; તે પછી તેઓ સામાન્ય રીતે ઘેર જ રહે છે. કરજત તાલુકામાં કેટલીક વ્યવસાયિક તાલીમ સંસ્થાઓ છે, પરંતુ આ માટે વાલીઓએ  ફી ચૂકવવી પડે છે જે ખેતીની સાધારણ આવકમાંથી તેમને પોસાય તેમ નથી હોતું.)

છ વર્ષની ઉંમરે જેને (તેના તબીબી અહેવાલોમાં નોંધાયા મુજબ) ‘ગહન માનસિક મંદતા’ નું નિદાન થયું હતું તે સંકેત બોલી શકતો નથી અને વારંવાર વાઈના હુમલાથી પીડાય છે જે માટે તેને નિયમિત દવાઓની જરૂર હોય છે. ગામના આશાવર્કરે  (માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર- ASHA - એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એકટીવિસ્ટ) સલાહ આપ્યા પછી 2017 માં જ્યારે તે 15 વર્ષનો હતો ત્યારે તેની માતા 39 વર્ષના મનીષાએ પહેલી વખત તેને શાળામાં મોકલ્યો.

મનીષા કહે છે, “પહેલા અમારે  તેને તેના કપડા પહેરાવવા પડતા,  નવડાવવો પડતો અને શૌચાલયનો ઉપયોગ કરવામાં મદદ કરવી પડતી. તેની આસપાસ લોકોને જોઈ તે ગભરાઈ જતો. પરંતુ શાળાએ ગયા પછી તેનામાં ઘણો સુધારો થયો હતો.”

હવે લગભગ 11 મહિનાથી શાળા બંધ હોવાથી તે શૌચાલયનો ઉપયોગ કરવાની સ્વ-સંભાળની તાલીમ ભૂલી ગયો છે. મનીષા કહે છે, “માર્ચમાં ઘેર આવ્યાના થોડા અઠવાડિયા પછી તે તેનું પાટલૂન બગાડતો અને  તેના શરીર પર અને દીવાલો પર  મળ લગાડતો."

પહેલા અઠવાડિયાઓ અને પછી મહિનાઓ સુધી શાળા બંધ રહેતા તેઓની (મનીષાની) ચિંતા વધતી ગઈ. સંકેત ઘણીવાર આક્રમક ને હઠીલો બની જાય છે અને ઊંઘતો પણ નથી. મનીષા કહે છે, “કેટલીકવાર તે આખી રાત ઊંઘતો નથી. બસ,  આગળ-પાછળ ઝૂલતો પલંગ પર બેસી રહે છે.”

તેમના ખેડૂત પતિ  2010 માં માત્ર 30 વર્ષની ઉંમરે આત્મહત્યા કરીને  મૃત્યુ પામ્યા  તે પછી તેઓ  તેમના દીકરા અને 19 વર્ષની દીકરી ઋતુજા સાથે રશીન ગામમાં તેમના માબાપને  ઘેર રહે છે, જ્યારે  (ઋતુજા બી.એ.ની ડિગ્રી માટે પત્રવ્યવહાર દ્વારા અભ્યાસ કરી રહી છે અને તે માટે થાણે જિલ્લાના બદલાપુર શહેરમાં મામાને ઘેર રહે છે). મનીષા તેના માબાપની સાત એકર જમીન પર આખું વરસ કામ કરે છે. કુટુંબ ખરીફ અને રવિ સીઝનમાં મજૂરોની મદદથી  મકાઇ અને જુવારની ખેતી કરે છે.

Sanket Humbe's mother Manisha tries to teach him after she returns from the farm. But he often becomes aggressive and stubborn: 'Sometimes he doesn’t sleep through the night. Just sits on the bed, swaying back and forth'
PHOTO • Jyoti Shinoli

સંકેત હમ્બેની માતા મનીષા ખેતરમાંથી પાછી ફરીને તેને શીખવવાનો પ્રયત્ન  કરે છે. પરંતુ તે ઘણીવાર આક્રમક અને હઠીલો બની જાય  છે: 'કેટલીકવાર તે આખી રાત ઊંઘતો નથી. બસ,  આગળ-પાછળ ઝૂલતો પલંગ પર બેસી રહે છે'

મનીષા કહે છે, “મારા માબાપ બંનેની ઉંમર 80 વર્ષથી વધુ છે, અને તેઓ સંકેતને સંભાળી શકતા નથી.  તેઓ ખૂબ પ્રેમથી તેને કંઈક પૂછે તો પણ તે તેમને ધક્કો મારે છે, ચીજવસ્તુઓ તેમની ઉપર ફેંકે છે અને મોટેથી ચીસો પાડે છે." પરંતુ  તેઓ (મનીષા) આખો દિવસ ઘેર તો ન રહી શકે. તેઓ પૂછે છે, “(જો હું આખો દિવસ ઘેર જ રહું ) તો પછી કામ કોણ કરે? અને અમે ખાઈએ શું? ” .

માર્ચમાં શાળાએથી પાછો આવ્યો ત્યારે સંકેત આટલો આક્રમક ન હતો. તેઓ ઉમેરે છે, “તે મારી સાથે ખેતરમાં આવતો અને અમારા પશુઓ માટે માથે ઊંચકીને ઘાસ લઈ  જવામાં  મદદ કરતો. પરંતુ સપ્ટેમ્બરમાં તેણે અચાનક આવવાનું બંધ કરી દીધું.” જો મનીષા તેને સાથે આવવાનો આગ્રહ કરે તો સંકેત તેમને લાત મારતો અથવા તેમને મારતો. તેઓ કહે છે, “હું તેની પર ગુસ્સે નથી થઈ શકતી. એક મા માટે તો તેના બધા બાળકો સરખા  છે. એ જેવો છે તેવો, એ મારા કાળજાનો કટકો છે."

મનીષાએ દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને શાળામાંથી આપવામાં આવેલા પિક્ચર ચાર્ટની મદદથી (તેઓ સંકેતને) વસ્તુઓ કેવી રીતે ઓળખી શકાય તે શીખવવાનો પ્રયત્ન  કરે છે. તેઓ ખેતરમાંથી પાછા આવીને ઘરના કામ કરતા કરતા આ શીખવાડે  છે. તેઓ ફરિયાદ કરે છે, “જો હું ચાર્ટ બતાવું  તો તે મારાથી દૂર  ભાગી જાય છે, અને બીજે ક્યાંક જઈને બેસે છે. તે કહ્યું નથી માનતો.”

રોહિત બાગડે કહે છે કે ઘેર, નિયમિત પ્રવૃત્તિઓ, શાળામાં અન્ય બાળકો સાથે રમતો રમવી, શૈક્ષણિક સાધનોથી શીખવું અને સતત સ્વ-સંભાળની તાલીમ લેવી એ, શાળાના નિયમિત ક્રમની ગેરહાજરીમાં ગંભીર અને ગહન બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા બાળકોમાં વર્તનને લગતી તકલીફો ઊભી થઈ  શકે છે.

તેઓ કહે છે  બૌદ્ધિક વિકલાંગ બાળકોના પરિવારો પાસે સ્માર્ટફોન અથવા લેપટોપ અને સ્થિર નેટવર્ક એક્સેસ હોય તો પણ આ બાળકોને  માટે વાસ્તવિક વર્ગોમાં ભાગ લેવો મહત્વપૂર્ણ છે. બાગડે વધુમાં ઉમેરે છે, "ઉપરાંત, વિશેષ જરૂરિયાતવાળા બાળકને ભણાવવા માટે ખૂબ ધીરજની જરૂર હોય છે, અને બાળક કોઈ ખાસ કામ સમજે ત્યાં સુધી વાત કર્યા કરવી અથવા બાળકને સમજાવવું એ માબાપ માટે મુશ્કેલ હોય  છે. માતાપિતા આ માટે ટેવાયેલા નથી હોતા, તેથી તેઓ ધીરજ ગુમાવી દે છે અને બાળક એમનું સાંભળતું/કહ્યું માનતું  નથી એમ કહીનેછૂટી જાય છે."

મુંબઈની લોકમાન્ય તિલક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલના ગજરે સમજાવે છે કે,   "બૌદ્ધિકરૂપે વિકલાંગ  બાળકોના શિક્ષણ માટે સુસંગતતા એ મુખ્ય પરિબળ છે."  પરંતુ તેઓ નોંધે છે કે મહામારીને કારણે બંધ થઈ ગયેલી શાળાઓએ વિકલાંગતા ધરાવતા ઘણા બાળકોને તેમના વિશેષ શિક્ષણથી વંચિત રાખ્યા છે, તેઓને  વધુને વધુ પરાધીન બનાવ્યા છે, અને તેમના અધવચ્ચે શાળા છોડવાના દરમાં વધારો કર્યો છે.  હોસ્પિટલના ઓટિઝમ ઈન્ટરવેન્શન સેન્ટરમાં નોંધણી અંગે ડો.ગજરે ઉમેરે છે કે, “ઓનલાઇન શિક્ષણ એ ઓફલાઇન ઉપચાર અને તાલીમનું સ્થાન ક્યારેય ન લઈ શકે, ખાસ કરીને બૌદ્ધિક રૂપે વિકલાંગ બાળકોમાં. માર્ચની શરૂઆતથી અમે  વિશેષ જરૂરિયાતવાળા 35 બાળકોને ઓનલાઇન તાલીમ આપવાનું શરૂ કર્યું. અમે નોંધ્યું  કે ઓક્ટોબર સુધીમાં બાળકોની સંખ્યામાં નોંધપાત્ર [આશરે 8-10 જેટલો] ઘટાડો થયો છે."

Rohit Bagade, the programme coordinator at the Dnyanprabodhan Matimand Niwasi Vidyalaya, says that an absence of the school routine and continuous self-care training can trigger behavioural issues among children with intellectual disability
PHOTO • Jyoti Shinoli
Rohit Bagade, the programme coordinator at the Dnyanprabodhan Matimand Niwasi Vidyalaya, says that an absence of the school routine and continuous self-care training can trigger behavioural issues among children with intellectual disability
PHOTO • Jyoti Shinoli

ધ્યાનપ્રબોધન મતિમંદ નિવાસી વિદ્યાલયના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર રોહિત બાગડે  કહે છે કે શાળાના નિયમિત ક્રમની અને સતત સ્વ-સંભાળની તાલીમની ગેરહાજરીમાં બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા બાળકોમાં વર્તનને લગતી તકલીફો ઊભી થઈ  શકે છે

યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન (બિન સરકારી ટ્રસ્ટ) ના ડિસેબિલિટી રાઇટ્સ ફોરમના સંયોજક વિજય કાન્હેકરના અંદાજ મુજબ મહારાષ્ટ્રમાં નેત્રહીન, શ્રવણ વિકલાંગતા ધરાવતા, બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા અથવા અન્ય વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટે લગભગ 1100 સરકાર સહાયિત અને બિન-સહાયિત વિશેષ વિશેષ જરૂરિયાતવાળા બાળકો નિવાસી શાળાઓ છે. કન્હેકર કહે છે કે, મહારાષ્ટ્રમાં હાલમાં આ બધી શાળાઓ બંધ છે.

પ્રતીક અને સંકેતની શાળા માટે અગાઉની જેમ શાળાઓ અને વાસ્તવિક વર્ગો ફરીથી શરૂ કરવા પણ મુશ્કેલ બનશે કારણ કે તેમને સંચાલન માટે રાજ્ય સરકારની પરવાનગી મળી છે પરંતુ આ સહાય માંગતા  સંખ્યાબંધ પત્રો લખવા છતાં  રાજ્યના શિક્ષણ અને રમતગમત વિભાગ તરફ્થી કોઈ સહાય મળી નથી.  માર્ચથી શાળાને (કેટલાક ટ્રસ્ટ અને વ્યક્તિઓ તરફથી) કોઈ નવા અનુદાન પણ મળ્યા નથી પરિણામે ફરીથી શાળા શરૂ કરવાનું વધુ મુશ્કેલ બન્યું છે.

બાગડે કહે છે, “અમે માબાપ પાસેથી કોઈ ફી લેતા નથી, તેથી અનુદાનો અગત્યના છે. અને ખાસ કરીને મહામારી દરમિયાન અમારા સહાયકો અને શિક્ષકો માટે પીપીઇ કીટ જેવા સલામતીના પગલાંથી શાળા સજ્જ હોવી જોઈએ, કારણ કે અમારા બાળકોને પહેલેથી જ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો છે.”

વિજય કન્હેકર ઉમેરે છે,  "ગ્રામીણ મહારાષ્ટ્રની તમામ નિવાસી શાળાઓ  હાલમાં બંધ છે, અને બાળકો કોઈ પ્રવૃત્તિ વિના ઘેર છે. આ પરિસ્થિતિ બાળકોને આક્રમક બનાવે  છે, અને વિશેષ જરૂરિયાતવાળા બાળકને સંભાળવા માટે સંઘર્ષ કરી રહેલા માબાપના માનસિક સ્વાસ્થ્યને પણ અસર પહોંચાડે  છે.”

કન્હેકર કહે છે કે તેમના ફોરમને વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટે સલામત શાળાઓ - "વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટે કોવિડ કેન્દ્ર-સ્તરની શાળા, જેમાં તમામ પ્રોટોકોલ અને સલામતીના પગલાં લેવાતા હોય" - ઊભી કરવા મદદની જરૂર  છે અને તેમણે મહારાષ્ટ્રના સામાજિક ન્યાય અને વિશેષ સહાયતા વિભાગને અરજી પણ કરી છે. કન્હેકરે ભારપૂર્વક એમ પણ જણાવે છે કે કોવિડ -19 રસી મેળવનારાઓમાં વિકલાંગતા ધરાવતા બાળકો અગ્રતા ક્રમે  હોવા જોઈએ.

હાલ નથી કોઈ શાળા, નથી નિયમિત પ્રવૃત્તિઓ, નથી કોઈ મિત્રો, અને નથી ખાસ કંઈ નવું કરવાનું કે શીખવાનું, પરિણામે પ્રતીક અને સંકેત  તેમના આંગણાની આસપાસ મોટે ભાગે સાવ એકલા બેસી રહીને દિવસો પસાર કરે છે. તેમને કદાચ મહામારીની સાચી સમજ નથી, જો કે પ્રતીક ક્યારેક  ટીવી પર કોવિડ સંબંધિત સલાહ જુએ છે અને “કોલોના… કોલોના… કોલોના…” બોલે છે.

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

Jyoti Shinoli is a Senior Reporter at the People’s Archive of Rural India; she has previously worked with news channels like ‘Mi Marathi’ and ‘Maharashtra1’.

Other stories by Jyoti Shinoli
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik