સફેદ અને પીળા રંગે રંગાયેલો ચહેરો, ત્રણ લાલ ટપકાં - એક નાક પર અને બે ગાલ પર, માથા પર કામચલાઉ રંગલા-ટોપી તરીકે આકાશી વાદળી રંગની પ્લાસ્ટિકની થેલી, હોઠ પર એક રમુજી ગીત અને હાથપગમાં એક બેફિકર લય - તેઓ હાસ્ય-હુલ્લડ જેવા દેખાતા. ઘોંઘાટ સામાન્ય હતો. યેળિલ અન્નાની કલા શિબિરો આ રીતે શરૂ થાય છે, પછી એ જવ્વાદ પહાડીઓની નાનકડી સરકારી શાળામાં હોય, કે પછી ચેન્નાઈની કોઈ મોંઘીદાટ આધુનિક ખાનગી શાળામાં, આદિવાસી બાળકો માટે સત્યમંગલમના જંગલોમાં દૂરસ્થ શિબિર હોય કે પછી હોય વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટેની શિબિર. અન્નાએ એક ગીત ગાવાનું શરુ કર્યું છે, એક નાનકડું પ્રહસન, જે બાળકોને તેમનો સંકોચ છોડી અન્ના સાથે દોડતા, રમતા અને હસતા-ગાતા કરી દેવામાં મદદ કરે છે.
એક પ્રશિક્ષિત કલાકાર, અન્નાને શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓની ક્યારેય પડી નથી હોતી. તેઓ કંઈ માગતા નથી. ન કોઈ અલગ હોટેલ કે રહેવાની વ્યવસ્થા, ન કોઈ ખાસ સાધનો. તેઓ વીજળી, અથવા પાણી અથવા વિશિષ્ટ હસ્તકલા-સામગ્રી વિના પણ તેમનું કામ કરી લે છે. તેમને તો ફક્ત બાળકોને મળવું હોય છે, તેમની સાથે વાતો કરવી હોય છે અને તેમની સાથે કામ કરવું હોય છે. બાકીનું બધું ગૌણ છે. તમે બાળકોને તેના જીવનમાંથી દૂર ન કરી શકો. બાળકોની વાત કરીએ તો, તેમને માટે તો અન્ના તેમના ખૂબ ચહીતા અને ખૂબ ઉત્સાહી વ્યક્તિ છે.
એકવાર સત્યમંગલમના એક ગામમાં તેમણે એવા બાળકો સાથે કામ કર્યું કે જેમણે તેમની જિંદગીમાં આજ પહેલા ક્યારેય રંગો જોયા જ નહોતા. આ બાળકોને તેમની કલ્પના મુજબનું કંઈક બનાવવા માટે જિંદગીમાં પહેલી જ વાર રંગો વાપરવામાં, તેમને એક સાવ નવો, નોખો અનુભવ લેવામાં અન્નાએ તેમની મદદ કરી. તેમણે તેમની કલા શાળા કળિમન વિરલગલ [માટીની આંગળીઓ] શરૂ કરી ત્યારથી છેલ્લા 22 વર્ષથી અખૂટ ઉત્સાહથી તેઓ બાળકો માટે આવા અનુભવો સર્જી રહ્યા છે. મેં તેમને ક્યારેય માંદા થઈને ખાટલે પડેલા જોયા નથી. તેમની માંદગીનો ઈલાજ છે બાળકો સાથેનું તેમનું કામ અને બાળકોની વચ્ચે પહોંચી જવા માટે તેઓ હંમેશ તૈયાર હોય છે.
અન્નાએ લગભગ 30 વર્ષ પહેલાં, 1992 માં ચેન્નઈ ફાઈન આર્ટસ કોલેજમાંથી ફાઈન આર્ટ્સમાં સ્નાતકની પદવીનો અભ્યાસક્રમ પૂરો કર્યો. તેઓ યાદ કરે છે, “કોલેજમાં મારાથી આગળના વર્ષમાં ભણતા ચિત્રકાર તિરુ તમિળસેલ્વન, કોસ્ચ્યુમ ડિઝાઈનર શ્રી પ્રભાકરન અને ચિત્રકાર શ્રી રાજમોહન મારા કોલેજકાળમાં મને ખૂબ મદદરૂપ કાળમાં થયા હતા, અને તેમણે મને મારો સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂરો કરવામાં મદદ કરી હતી. ટેરાકોટા શિલ્પના અભ્યાસક્રમ પછી હું કલાત્મક કૃતિઓ સાથે પ્રયોગાત્મક કામ કરવા ચેન્નઈની લલિતા કલા અકાદમીમાં જોડાયો હતો.” તેમણે થોડા સમય માટે પોતાના શિલ્પ સ્ટુડિયોમાં પણ કામ કર્યું હતું.
તેઓ કહે છે, "પરંતુ મારી કલાકૃતિઓ વેચાવા લાગી ત્યારે મને સમજાયું કે એ સામાન્ય લોકો સુધી તો પહોંચતી જ નથી. અને ત્યારે મેં જનસામાન્ય સાથે કલાત્મક પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કર્યું, અને તમિળનાડુના પાંચ ભૂસ્વરૂપો [પહાડો, દરિયા, રણ, જંગલ, ખેતરો] ના ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચવાનું નક્કી કર્યું. મેં મારા બાળકો સાથે મળીને માટીના અને હસ્તકલાના રમકડા બનાવવાનું કામ શરૂ કર્યું.” તેમણે બાળકોને પેપર માસ્ક, ક્લે માસ્ક, ક્લે મોડલ બનાવતા શીખવ્યું, ડ્રોઈંગ, પેઈન્ટિંગ્સ, ગ્લાસ પેઈન્ટિંગ્સ, ઓરેગામિ શીખવ્યા.