“કોઈ પણ માતા-પિતા એ પોતાના બાળકને ખોવાનું દુઃખ સહન ન કરવું પડે,” સરવિક્રમજીત સિંહ હુંડલ કહે છે, જેમના દીકરા નવરિત સિંહનું મૃત્યુ ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયું હતું.
ઉત્તર પ્રદેશના ડીબડીબા ગામમાં એમના ઘરે, નવરિતની છબી એક દીવાલ પર લટકી રહી છે, જ્યાં ૪૫ વર્ષીય સરવિક્રમજીત અને એમના પત્ની, ૪૨ વર્ષીય પરમજીત કૌર સંવેદના વ્યક્ત કરવા માટે આવી રહેલા મહેમાનોને બેસાડે છે. એમના દીકરા ના મૃત્યુ ના લીધે માતા-પિતાના જીવનમાં એક અફર ખોટ પેદા થઈ ગઈ છે. “તે ખેતીમાં મારી મદદ કરતો હતો. તે અમારી દેખભાળ રાખતો હતો. તે એક જવાબદાર દીકરો હતો,” સરવિક્રમજીત કહે છે.
૨૫ વર્ષીય નવરિત, દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રેલીમાં ભાગ લેવા માટે દિલ્હી-યૂપી સરહદ પર આવેલ ગાઝીપુર ગયા હતા. એમના દાદા, ૬૫ વર્ષીય હરદીપ સિંહ ડીબડીબા ૨૬ નવેમ્બર ૨૦૨૦થી દિલ્હીની સરહદો પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન શરૂ થયું ત્યારથી ત્યાં જ છે. નવરિત ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા, જે દિનદયાળ ઉપાધ્યાય માર્ગ પર દિલ્હી પોલીસ દ્વારા લગાવવામાં આવેલા સુરક્ષા બેરીકેડ પાસે પલટી ખાઇ ગયું હતું.
પોલીસનું કહેવું છે કે નવરિતની મૃત્યુ ટ્રેક્ટર પલટી ખાવાને લીધે થયેલી ઈજા ના કારણે થઇ હતી, પરંતુ એમના પરિવાર નું માનવું છે કે એ દુર્ઘટના દરમિયાન એમને ગોળી મારવામાં આવી હતી. “અમે આને કોર્ટમાં સાબિત કરીશું,” સરવિક્રમજીત દિલ્હી હાઈકોર્ટમાં હરદીપ સિંહ દ્વારા દાખલ કરેલ યાચિકાનો હવાલો આપીને કહે છે, જેમાં તેમણે નવરિતની મૃત્યુની સત્તાવાર તપાસ કરવાની માંગ કરી છે.
આ દુઃખદ ઘટના પછી, ઉત્તર પશ્ચિમી યૂપીની સરહદ પર આવેલા રામપુર જીલ્લો – જ્યાં ડીબડીબા આવેલું છે – ત્યાંના ખેડૂતો સપ્ટેમ્બર ૨૦૨૦માં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ ત્રણ નવા કૃષિ કાયદા ને રદ કરવાની માંગ વધારે દૃઢતાથી કરવા લાગ્યા છે. રામપુરની સરહદની પેલે પાર, ઉત્તરાખંડના ઉદ્યમસિંહ નગર અને કાશીપુર જિલ્લામાં, કુમાઉ વિસ્તારમાં, ખેડૂતો નું મનોબળ એટલું જ મજબૂત છે.







