રાજીવ કુમાર ઓજા જાણતા નથી કે વધારે તણાવભરી વાત કઈ છે: સારો પાક લણવો કે પછી એ વેચવાનો પ્રયત્ન કરવો. “તમને આ સાંભળીને નવાઈ લાગશે, પણ સીઝન પૂરી થાય અને સારો પાક થયા પછી મારી મુશ્કેલીઓ શરૂ થઇ જાય છે,” તેઓ ઉત્તર-મધ્ય બિહારના ચૌમુખ ગામમાં પોતાના જૂના ઘરનાં વરંડામાં બેસીને કહે છે.
મુઝફ્ફરપુર જીલ્લાના બોચહા તાલુકામાં આવેલ ગામમાં પોતાની પાંચ એકર જમીન પર ૪૭ વર્ષીય ઓજા, ખરીફ પાકની ઋતુ (જૂન-નવેમ્બર) માં ડાંગર, રવિ પાકની ઋતુ (ડીસેમ્બર-માર્ચ) માં ઘઉં અને મકાઈની ખેતી કરે છે. તેમણે મને નવેમ્બર ૨૦૨૦માં કહ્યું કે, “અમારે સારી ઉપજ પકવવા માટે ઋતુ, પાણી, મહેનત અને બીજી પણ ઘણી વસ્તુઓનો સુમેળ જરૂરી છે. પરંતુ, આ બધું થયા પછી પણ કોઈ બજાર જ નથી. મારે ગામમાં કમીશન એજન્ટને અનાજ વેચવું પડે છે, જે એના દ્વારા નક્કી કરેલી કિંમતે વેચવું પડે છે.” પછી કમીશન મેળવવા માટે તે એજન્ટ આ પાકને હોલસેલ વેપારીને વેચી દે છે.
ઓજાએ ૨૦૧૯માં પોતાનો ડાંગરનો સ્ટોક ૧,૧૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે વેચ્યો હતો – આ એ વખતની ૧,૮૧૫ રૂપિયા એમએસપી (ન્યુનતમ સમર્થન મુલ્ય) થી ૩૯ ટકા ઓછું હતું. તેમણે કહ્યું કે, “મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. એજન્ટો દરવખતે ઓછી કિંમતે ખરીદે છે કેમ કે એમને ખબર છે કે અમે [વેચાણ માટે] બીજે ક્યાંય જઈ શકીશું નહીં. આ કારણે અમને કંઈ નફો થતો નથી.”
બિહારના એક ખેડૂત એક એકરમાં ડાંગર ઉગાવવા માટે ૨૦,૦૦૦ રૂપિયા ખર્ચે છે, ઓજા કહે છે. “મને એક એકરમાં ૨૦-૨૫ ક્વિન્ટલ ઉપજ મળે છે. ૧,૧૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર, હું છેલ્લા છ મહિનાની સખત મહેનત પછી ૨,૦૦૦-૭,૦૦૦ રૂપિયા [પ્રતિ એકર] નફો રળું છું. શું તમને લાગે છે કે આ એક સારો સોદો છે?”
ઓજાની જેમ, બિહારના ઘણાં ખેડૂતો પોતાના પાકનો સારો ભાવ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ખાસ કરીને રાજ્ય દ્વારા ૨૦૦૬માં બિહાર કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ અધિનિયમ, ૧૯૬૦ ને હટાવી દીધા પછી. આ સાથે જ રાજ્યમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી) મંડી પ્રણાલીને ખતમ કરી દેવામાં આવી.
આ બતાવે છે કે સપ્ટેમ્બર ૨૦૨૦માં પસાર કરેલા ત્રણ કાયદાઓથી ભારતના બાકીના ખેડૂતોએ કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. લાખો ખેડૂતો ૨૬ નવેમ્બર, ૨૦૨૦એ દિલ્લીની સરહદો પર અને આખા દેશમાં બીજે પણ આ કાયદાઓનો વિરોધ કરી રહ્યાં છે.
ખેડૂતો જે કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે તે: કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020 ; કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો, 2020 ; અને આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020 છે. આ કાયદાઓ સૌપ્રથમ પાંચ જુને વટહુકમ તરીકે બહાર પાડવામાં આવ્યા, પછી ૧૪ સપ્ટેમ્બરે સંસદમાં ખરડા તરીકે રજુ કરવામાં આવ્યા અને એ જ મહિનાની ૨૦ તારીખે આ સરકાર દ્વારા ઉતાવળે મંજૂરી આપીને કાયદો બનાવી દેવામાં આવ્યા.
ખેડૂતો આ કાયદાઓને પોતાની આજીવિકા માટે ખતરા રૂપે જોઈ રહ્યા છે કેમ કે કાયદો મોટા નિગમોને ખેડૂતો અને ખેતી ઉપર વધારે સત્તા પ્રદાન કરશે. તેઓ ન્યુનતમ સમર્થન કિંમત, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, રાજ્ય દ્વારા થતી ખરીદી પ્રક્રિયાને કમજોર કરી નાખશે. આનો ઉદ્દેશ કૃષિ ક્ષેત્રને ઉદાર બનાવવાનો છે, અને આ કાયદાઓનું સમર્થન કરવા વાળા લોકોનો દાવો છે કે ખેડૂતોએ હવે વચેટીયાઓના માધ્યમથી પોતાનો પાક નહીં વેચવો પડે.
બિહારમાં આ જ વિચારથી એમના એપીએમસી કાયદા રદ કર્યા હતા, પરંતુ પછીના ૧૪ વર્ષોમાં ખેડૂતોની સ્થિતિ વધારે ખરાબ થતી ગઈ. રાષ્ટ્રીય સેમ્પલ સર્વે (૭૦મા રાઉન્ડ) અનુસાર, બિહાર ભારતના છ રાજ્યોમાંથી એક છે, જ્યાં ખેડૂત પરિવારોની માસિક આવક ૫,૦૦૦ રૂપિયાથી ઓછી છે.
ચંડીગઢ સ્થિત કૃષિ અર્થશાસ્ત્રી દેવિન્દર શર્મા કહે છે કે, “ઘણાં અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે બિહાર ભારતમાં એક નવી બજાર ક્રાંતિ તરફ ભણી રહ્યું છે. આ પાછળ એવો તર્ક લગાવવામાં આવતો હતો કે ખાનગી મૂડીરોકાણ ખેડૂતો માટે સારી કિંમત સુનિશ્ચિત કરશે. પરંતુ આવું કંઈ થયું નહીં.”
બિહારના કૃષિ મંત્રાલયના એક અધિકારીએ આ સ્થિતિની પુષ્ટિ કરી. “કમનસીબે, અમારી પાસે ૨૦૦૬ પછી [કૃષિક્ષેત્રમાં] આવેલ ખાનગી મૂડીરોકાણ વિષે ચોક્કસ આંકડા નથી. પરંતુ, એપીએમસી રદ કરવાથી બિહારમાં ખાનગી મોડલને સારી બઢત મળી છે. ઉદાહરણ તરીકે, પૂર્ણિયાના ખેડૂતો [રાજ્ય] બહારના એ વેપારીઓને પોતાના કેળા વેચે છે, જેઓ તેમના ઘરે આવે છે.”
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રીસર્ચ (એનસીએઈઆર) દ્વારા ૨૦૧૯માં પ્રકાશિત , ભારતના બિહાર રાજ્ય માટે કૃષિ નિદાન પર અધ્યયન ( Study on Agriculture Diagnostics for the State of Bihar in India) અનુસાર, બિહારમાં ઘઉં, ડાંગર, મકાઈ, દાળ અને કેળા સહીત લગભગ ૯૦ ટકા પાક ગામમાં કમીશન એજન્ટો અને વેપારીઓને વેચવામાં આવે છે. અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે, “૨૦૦૬માં એપીએમસી કાયદાઓ રદ કરવા છતાં, બિહારમાં નવા બજારોનું નિર્માણ અને અત્યારના બજારોની સુવિધાઓમાં વધારો કરવા માટે ખાનગી મૂડીરોકાણ થયું નથી, જેથી બજારમાં ઘનતા ઘટી ગઈ છે.”
એપીએમસી, જે ખેડૂતો, વેપારીઓ અને કૃષિ સહકારી સમિતિઓ જેવી એજન્સીઓની ચૂંટાયેલી સમિતિ છે, એનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે મોટા જથ્થામાં ખરીદનારાઓ નાના ખેડૂતોનું શોષણ ના કરે. “એને ખતમ કર્યા વગર એમાં સુધારો અને એમના નેટવર્કમાં વધારો કરવો જોઈતો હતો, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તેઓ ખેડૂતો પાસેથી વધારે ખરીદી કરે,” એપીએમસી વિશેષજ્ઞ અને આઇઆઇએમ અમદાવાદના કૃષિ વ્યવસ્થાપન કેન્દ્ર (સીએમએ) ના અધ્યક્ષ, પ્રોફેસર સુખપાલ સિંહ કહે છે. “કોઈ અન્ય વિકલ્પ તૈયાર ન હોવા છતાં એમને ખતમ કરી દેવાથી પરિસ્થિતિ વધારે ખરાબ થઇ ગઈ છે.”
બિહારમાં એપીએમસી અધિનિયમને રદ કરવાના લીધે પરિણામ દૂર સુધી અસર કરે એવા છે. એનસીએઈઆરના એક અહેવાલ અનુસાર, ૨૦૦૬ પછી મુખ્ય પાકની કિંમતો તો વધી છે, પરંતુ કિંમતમાં વધઘટ પણ વધી ગઈ છે. ઓજા કહે છે કે, “અમારે કિંમતોમાં સ્થિરતા જોઈએ છે, અસ્થિરતા નહીં. નહીંતર, અમારે ઉતાવળે વેચી દેવું પડશે.” દેવિન્દર શર્માને ડર છે કે નવા કાયદાઓ પૂરી રીતે લાગું થયા પછી આખા ભારતભરમાં બધાં ખેડૂતોએ આ રીતે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે.
કમીશન એજન્ટને વેચવા સિવાય, ઓજા રાજ્ય-સંચાલિત પ્રાથમિક કૃષિ ધિરાણ સમિતિ (પેક્સ) ને પણ પોતાની ડાંગર વેચે છે. પેક્સની રચના એપીએમસી અધિનિયમને રદ કર્યા પછી કરવામાં આવી હતી અને તે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત એપીએમસી પર ખરીદી કરે છે. પરંતુ, એનસીએઈઆરના ૨૦૧૯ના એક અભ્યાસ અનુસાર, બિહારમાં પેક્સ દ્વારા ખરીદી ખૂબજ ઓછી રહી છે – ૯૧.૭ ટકા ડાંગર કમીશન એજન્ટોને વેચવામાં આવ્યું છે.
ઓજા કહે છે કે, “પેક્સની ખરીદી ફેબ્રુઆરી સુધી ચાલે છે. હું નવેમ્બરમાં મારા પાકની લણણી કરું છું. રવિ સીઝન, જે ડીસેમ્બરમાં શરૂ થાય છે, એની તૈયારી કરવા માટે મારે પૈસાની જરૂરિયાત ઉભી થાય છે. જો હું ડાંગર સાચવી રાખું અને વરસાદ આવે તો મારો બધો પાક ખરાબ થઇ જાય.” સંગ્રહની પુરતી વ્યવસ્થાઓની કમી ઓજાને પોતાની ઉપજ પેક્સને વેચવા સુધી રોકવા દેતી નથી. “આ એક ખુબ મોટું જોખમ છે.”
પટનાના જીલ્લા મેજીસ્ટ્રેટ, કુમાર રવિએ કહ્યું કે પેક્સ કેન્દ્રમાં ખરીદ પ્રક્રીય નવેમ્બરમાં શરૂ થાય છે. તેઓ કહે છે કે, “ઠંડીના લીધે ઘણાબધા ડાંગરમાં ભેજ આવી જાય છે. જે ખેડૂતો પાકને સુકી રાખવાનો બંદોબસ્ત કરી લે છે, તેઓ પેક્સને વેચાણ કરે છે, જેની દેખરેખ જીલ્લા મેજીસ્ટ્રેટ અને રાજ્યના સહકારી વિભાગ દ્વારા કરવામાં આવે છે.”
ચૌમુખ ગામમાં પેક્સ કેન્દ્રના અધ્યક્ષ, અજય મિશ્રા કહે છે કે જીલ્લા મેજીસ્ટ્રેટ ખરીદી માટે લક્ષ્ય નક્કી કરે છે. “દરેક પેક્સ કેન્દ્રની એક મર્યાદા હોય છે, જેને તે વટાવી શકે નહીં. ગત સીઝન [૨૦૧૯-૨૦] માં, અમારી મર્યાદા ૧,૭૦૦ ક્વિન્ટલ ખરીદી કરવાની હતી. ચૌમુખ [ગ્રામ પંચાયત] માં લગભગ ૨૦,૦૦૦ ક્વિન્ટલ ઉત્પાદન થાય છે. હું ભયજનક સ્થિતિમાં છું. પાક પરત મોકલાવવાનું થાય એટલે ખેડૂતો મને ગાળો ભાંડે છે. પણ હું કંઈ કરી શકતો નથી.”
એનસીએઈઆરના એક અહેવાલ મુજબ, ૨૦૧૫-૧૬માં બિહારમાં લગભગ ૯૭ ટકા ખેડૂતો પાસે નાના અને ખુબજ ઓછા જમીનના ટુકડા હતા. આ આંકડો ભારતના સરેરાશ ૮૬.૨૧ ટકાના આંકડાથી ઘણો વધારે છે. મિશ્રા કહે છે કે, “નાના અને સીમાંત ખેડૂતોએ એજન્ટોથી સોદો કરવો પડે છે, જ્યારે કે મોટા ખેડૂતો પોતાનો પાક પેક્સને વેચે છે.”
પેક્સ ફક્ત ડાંગરની ખરીદી કરે છે, માટે ઓજા પોતાનો ઘઉં અને મકાઈનો પાક એમએસપી કરતાં પણ ઓછી કિંમતે એજન્ટોને વેચે છે. તેઓ કહે છે, “હું ચાર કિલો મકાઈ વેચીને માંડ એક કિલો બટાકા ખરીદી શક્યો. આ વર્ષે [૨૦૨૦માં] લોકડાઉનને લીધે મારી મકાઈ ૧,૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વેચવી પડી. ગત વર્ષે આની કિંમત ૨,૨૦૦ રૂપિયા હતી. અમે એજન્ટોની દયા પર આધારિત છીએ.”
પટના પાસે પાલીગંજ તાલુકાના ખપૂરા ગામમાં પાંચ એકર જમીનના માલિક ૪૦ વર્ષીય ખેડૂત કમલ શર્મા કહે છે કે, ઓછી કિંમત આપવા સિવાય, એજન્ટ ત્રાજવામાં પણ છેતરપિંડી કરે છે. તેઓ આગળ ઉમેરે છે કે, “તેઓ દરેક ક્વિન્ટલ માંથી પાંચ કિલો ચોરી લે છે. એપીએમસીના ત્રાજવા અને એજન્ટોના ત્રાજવા એક સરખા સ્ટોકનું અલગ-અલગ વજન દર્શાવે છે.”
“જો કોઈ એજન્ટ ખેડૂતને ધોકો આપે, તો ગ્રાહક અદાલતમાં જવું પડે છે. કેટલા ખેડૂતો આવું કરી શકે?,” સીએમએના સિંહ પૂછે છે. એપીએમસીમાં કામ કરવા વાળા વેપારીઓને લાઈસન્સ આપવામાં આવે છે માટે પોતાના કામો માટે એમને જવાબદાર ઠેરવી શકાય છે. તેઓ કહે છે કે, “બધા હિસ્સેદારોથી ઉચિત વર્તન કરવાના નિયમન સિવાય કૃષિ બજાર સંભવ નથી. એપીએમસી એ નિયમન લાવ્યું હતું.”
કપિલ શર્મા કહે છે કે એજન્ટો દ્વારા થતા ખરાબ સોદા ઘણાં લોકોને બિહારથી પલાયન કરવા મજબૂર કરે છે. “અમારી એટલી આવક નથી થતી કે અમે એમને કામે રાખી શકીએ. આજ કારણે તેઓ પંજાબ અને હરિયાણા જતા રહે છે.”
પંજાબ અને હરિયાણામાં ઉગાવવામાં આવતા મોટાભાગના ઘઉં અને ડાંગરની ખરીદી રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે છે. “ત્યાંના ખેડૂતોને બરાબર કિંમત મળે છે એ કારણે તેઓ મજૂરોને યોગ્ય મજૂરી આપી શકે છે,” ચૌમુખના એક કૃષિ કાર્યકર્તા, વિશ્વા આનંદ કહે છે. “અમે બિહારમાં કામ ન કરવા માટે મજૂરોને દોષ ન આપી શકીએ. જો ખેડૂતો એમનો પાક એમએસપી પર વેચી શકતા, તો તેઓ પલાયન ન કરતાં.”
બિહારના ઘણાં જિલ્લાઓમાં ખેડૂતો, જેમનાથી મેં ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૦માં વાત કરી હતી, કહે છે કે સરકારે એમએસપી પર પાકની ખરીદી કરવી ફરજીયાત કરી દેવી જોઈએ. અત્યારે દિલ્લીની બહાર ચાલી રહેલાં ખેડૂત આંદોલનમાં પણ આ જ માંગ દોહરાવવામાં આવે છે.
ખેડૂતો આ કાયદાઓને પોતાની આજીવિકા માટે ખતરા રૂપે જોઈ રહ્યા છે કેમ કે કાયદો મોટા નિગમોને ખેડૂતો અને ખેતી ઉપર વધારે સત્તા પ્રદાન કરશે. તેઓ ન્યુનતમ સમર્થન કિંમત, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, રાજ્ય દ્વારા થતી ખરીદી પ્રક્રિયાને કમજોર કરી નાખશે. આ કાયદાઓનો વિરોધ એટલા માટે પણ થઇ રહ્યો છે કારણ કે આનાથી દરેક ભારતીયને અસર થશે. આ ભારતના બંધારણની કલમ ૩૨માં દરેક નાગરિકને આપેલ કાયદાકીય ઉપચારની જોગવાઈને અવગણે છે.
આનંદ પૂછે છે કે, “[કેન્દ્ર] સરકાર કિંમત નક્કી કરે છે અને પછી એ ખેડૂતોને ભૂલી જાય છે જેઓ એપીએમસી પર નથી વેચી શકતા. જો કોઈ એપીએમસી નિર્ધારિત કિંમત કરતાં ઓછી કિંમત પર ખરીદી કરે તો સરકાર તેને અપરાધ કેમ નથી બનાવતી? જ્યારે વેપારીઓ એમને ધોકો આપે તો તેઓ ક્યાં જશે?”
ખપૂરામાં, કમલ શર્મા અને એમના પત્ની પૂનમ એક વેપારીને ૧૨ વર્ષ પહેલાં ઉધાર આપ્યાં હતા એ ૨,૫૦૦ રૂપિયા પરત મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. કમલ કહે છે કે, “આ અમારા ડાંગરના પાકને લઇ જવા માટે પહેલાં ચૂકવેલ કિંમત હતી.”
પૂનમ કહે છે કે, “આ અમારા માટે આજે પણ એક મોટી રકમ છે, પરંતુ એ સમયે તો ખુબ મોટી રકમ હતી. આજે ખાતરની એક થેલીની જેટલી કિંમત છે એ વખતે એનાથી પાંચમાં ભાગની રહેતી હતી. પરંતુ બિહારમાં આવા બનાવો બનતા રહે છે. હવે તો અમને નવાઈ પણ નથી લાગતી.”
અનુવાદક - ફૈઝ મોહંમદ