ઈન્ટરનેશનલ કમિશન ઑફ જ્યુરિસ્ટ્સ દ્વારા 2019 માં પ્રકાશિત અહેવાલ લિવિંગ વિથ ડિગ્નિટીમાં જણાવ્યા અનુસાર એલજીબીટીક્યુઆઈએ+ સમુદાયના સભ્યોને અટકાયત, બળજબરીથી લગ્ન, જાતીય અને શારીરિક હિંસા અને 'ઉપચારાત્મક' સારવાર જેવા જોખમો અને અનુભવોનો અવારનવાર સામનો કરવો પડે છે.
ઉદાહરણ તરીકે વિધિ અને આરુષ (નામો બદલ્યાં છે) નો જ કિસ્સો લઈએ તો તેમણે સાથે રહેવા માટે મહારાષ્ટ્રના થાણે અને પાલઘર જિલ્લામાંથી પોતપોતાના ઘર છોડીને મુંબઈ જવું પડ્યું હતું. વિધિ અને આરુષ (જે પોતાને ટ્રાન્સ પુરુષ તરીકે ઓળખાવે છે) મુંબઈમાં ભાડાના રૂમમાં રહે છે. આરુષ કહે છે, “મકાનમાલિકને અમારા સંબંધોની જાણ નથી. અમારે એ (સંબંધ) છુપાવવો પડશે. (મકાનમાલિકને એની જાણ થશે તો અમારે રૂમ ખાલી કરવા વારો આવશે.) અમારે રૂમ ખાલી નથી કરવો.”
ઘણી વાર એલજીબીટીક્યુઆઈએ+ વ્યક્તિઓને ઘર ભાડે આપવાનો ઈન્કાર કરવામાં આવે છે, તેમને બળજબરીથી ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે, અને પરિવાર, મકાનમાલિકો, પડોશીઓ અને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે. લિવિંગ વિથ ડિગ્નિટી અહેવાલ જણાવે છે કે આ સમુદાયના ઘણા લોકોને બેઘર થવા વારો આવે છે.
સામાજિક કલંકના બોજ અને સતામણીને કારણે, ખાસ કરીને ગ્રામીણ ભારતમાં, ઘણા ટ્રાન્સજેન્ડર લોકોને, પોતાનું ઘર છોડીને વધુ સલામત જગ્યા શોધવા મજબૂર થવું પડે છે. 2021માં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ) દ્વારા પશ્ચિમ બંગાળમાં કરાયેલ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે "પરિવાર લૈંગિક ઓળખ છુપાવવા માટે તેમના પર દબાણ કરે છે." અને લગભગ અડધા લોકોએ તેમના પરિવાર, મિત્રો અને સમાજના ભેદભાવભર્યા વર્તનને કારણે પોતાનું ઘર છોડી દીધું છે.
એક ટ્રાન્સ મહિલા શીતલ પૂછે છે, "અમે ટ્રાન્સજેન્ડર છીએ એનો અર્થ શું એ છે કે અમારી કોઈ ઈજ્જત નથી [અમને કોઈ આત્મસન્માન નથી]?" શીતલ શાળામાં, કામ પર, શેરીઓમાં, લગભગ દરેક જગ્યાએ વર્ષોથી કડવા અનુભવોનો ભોગ બનતા આવ્યા છે. ‘લોકો અમારી સામે એવી રીતે જોઈ રહે છે જાણે અમે કોઈ ભૂત-પલિત ન હોઈએ’ એ શીર્ષક હેઠળની વાર્તામાં તેઓ પૂછે છે, "શા માટે દરેક જણ અમારો તિરસ્કાર કરે છે?"






