એક બપોરે અશોક તાંગડે તેમના ફોન પર સ્ક્રોલ કરી રહ્યા હતા ત્યારે એક વોટ્સએપ નોટિફિકેશન આવ્યું. એ એક ડિજિટલ કંકોતરી હતી જેમાં કઢંગી રીતે એકમેકની આંખોમાં આંખો પરોવતાં નાની ઉંમરના વાર-વધૂના ચહેરા હતા. કંકોતરીમાં લગ્નનો સમય, તારીખ અને સ્થળની વિગતો પણ સામેલ હતી.
પરંતુ એ તાંગડેને આ લગ્નસમારંભમાં હાજરી આપવા માટેનું આમંત્રણ નહોતું.
આ કંકોતરી પશ્ચિમ ભારતમાં આવેલા તેમના જિલ્લામાંથી તાંગડેના એક બાતમીદારે મોકલી હતી. લગ્નની કંકોતરીની સાથે તેમણે કન્યાનું જન્મનું પ્રમાણપત્ર પણ મોકલ્યું હતું. તે 17 વર્ષની હતી, કાયદાની નજરમાં સગીર હતી.
કંકોતરી વાંચીને 58 વર્ષના તાંગડેને સમજાયું કે આ લગ્ન આગામી એક કલાકમાં થવાના હતા. તેમણે તરત જ તેમના સાથીદાર અને મિત્ર તત્ત્વશીલ કાંબળેને ફોન કર્યો અને તેઓ બંને ગાડીમાં ચડી બેઠા.
જૂન 2023 ની એ ઘટનાને યાદ કરતાં તાંગડે કહે છે, “અમે બીડ શહેરમાં જ્યાં રહીએ છીએ ત્યાંથી એ જગ્યા લગભગ અડધો કલાક દૂર હતી. જતા જતા રસ્તામાંથી અમે આ તસવીરો સ્થાનિક પોલીસ સ્ટેશન અને ગ્રામ સેવકને વોટ્સએપ કરી જેથી અમારે વધુ સમય ગુમાવવો ન પડે.”
તાંગડે અને કાંબળે બાળ અધિકાર કાર્યકરો છે, જે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વ્હિસલ બ્લોઅર (બાળલગ્નો અટકાવવા સત્તાવાળાઓનું તે તરફ ધ્યાન દોરતા કાર્યકરો) તરીકે કામ કરે છે.
બાતમીદારોની એક વિશાળ શ્રેણી તેમને તેમના હેતુમાં મદદ કરે છે: કન્યાને પ્રેમ કરતા ગામના છોકરાથી લઈને શાળાના શિક્ષક અથવા તો સામાજિક કાર્યકર સુધીની કોઈ પણ વ્યક્તિ, જે સમજે છે કે બાળલગ્ન એ ગુનો છે તે એક બાતમીદાર હોઈ શકે છે. અને વર્ષો જતા આ બંને કાર્યકરોએ સમગ્ર જિલ્લામાં 2000 થી વધુ બાતમીદારોનું એક નેટવર્ક ઊભું કર્યું છે જેઓ તેમને બાળલગ્નો પર નજર રાખવામાં મદદ કરે છે.












