ચાલો ત્યારે શરૂઆતથી માંડીને વાત કરીએ...
પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (પારી - PARI) 2014 થી ભારતની વિવિધતાની જે મહાકથા કહી રહ્યું છે, એની શરૂઆત થાય છે ભારતીય ભાષાઓથી - ગ્રામીણ ભારતના 83.3 કરોડ લોકો દ્વારા બોલાતી 700 થી વધુ ભાષાઓ અને 86 લિપિઓ, અને કેટલીક તો કે લિપિ વિનાની પણ ખરી. ભારતની સાંસ્કૃતિક વિવિધતાના હાર્દમાં છે આ ભાષાઓ. અને એટલે જ એમના વિના કોઈ લોકસંગ્રહના અસ્તિત્વની વાત તો દૂર રહી, એની કલ્પના સુદ્ધાં ન થઈ શકે. વિવિધ ભારતીય ભાષાઓમાં થતા અનુવાદો પારીની એકેએક વાર્તાની સફરમાં એક વિશેષ ભૂમિકા ભજવે છે.
સ્મિતા ખાતોર કહે છે, “પારી પત્રકારત્વના ક્ષેત્રમાં આગવી રીતે અગ્રણી બની રહ્યું છે; આ આર્કાઇવ અનુવાદને સામાજિક ન્યાયની દ્રષ્ટિએ જુએ છે. આજે જયારે મોટાભાગના ગ્રામીણ ભારતીયો હજી પણ અંગ્રેજી ભાષાથી કંઈ કેટલાય પ્રકાશ વર્ષો દૂર વસે છે ત્યારે આ આર્કાઇવ જ્ઞાનનું ઉત્પાદન અને પ્રસાર એ માત્ર અંગ્રેજી-શિક્ષિત, અંગ્રેજી બોલતા વર્ગોનો ઈજારો ન બની રહે એ સુનિશ્ચિત કરે છે."
ભાષા સંપાદકો અને અનુવાદકોની અમારી ટીમ અવારનવાર શબ્દોના સાંસ્કૃતિક સંદર્ભ અને શબ્દસમૂહોની યોગ્યતા બાબતે વિચારોની આપ-લે કરે છે, દલીલો કરે છે અને ચર્ચા-વિચારણા કરે છે. થોડા જ દિવસ પહેલાની વાત છે…
સ્મિતા: યાદ છે પુરુષોત્તમ ઠાકુરની પેલી વાર્તા? જેમાં તેમણે એક દ્રશ્યનું વર્ણન કર્યું છે, તેલંગાણામાં (ઈંટોના) ભઠ્ઠામાં કામ કરતા કુરુમપુરી પંચાયતના સ્થળાંતરિત શ્રમિકો તેમને જોઈને ખૂબ ખુશ થઈ ગયા હતા? એક વડીલ તેમને કહે છે, ‘ઘણા વખત પછી હું કોઈ એવી વ્યક્તિને મળ્યો જે ઓડિયા બોલતી હોય. તમને મળીને હું ખૂબ રાજી થયો!''
અને જ્યોતિ શિનોલીની મહારાષ્ટ્રની પેલી વાર્તા, રઘુ નામના સ્થળાંતરિત શ્રમિકના દીકરાની? આ છોકરાનો સૌથી મોટો પડકાર હતો એક એવી નવી શાળાથી ટેવાવાનો જ્યાં શાળાના શિક્ષકો અને મિત્રો એ બિલકુલ સમજતો જ નહોતો એવી ભાષામાં વાતો કરતા હતા. વાર્તામાં છોકરાની માતા ગાયત્રી કહે છે, “માત્ર ત્રણ અઠવાડિયા સુધી ચેન્નાઈની એ શાળામાં ગયા પછી એક દિવસ રઘુ રડતો રડતો ઘેર પાછો આવ્યો. તેણે કહ્યું કે હવે એને શાળામાં જવું જ નથી. એને ત્યાં કંઈ જ સમજણ પડતી નથી અને એને લાગે છે કે બધા તેની સાથે ગુસ્સે થઈને વાત કરે છે.
ગ્રામીણ ભારતના લોકો માટે ભાષાકીય ઓળખ ખૂબ મહત્વની છે, ખાસ કરીને જ્યારે તેઓને આજીવિકાની શોધમાં દૂર-દૂરના સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડે છે ત્યારે.








