બટર સરીન ગામને પાદરેથી બોલતા બિટ્ટુ માલન કહે છે, "તેઓએ અમારે માટે દિલ્હીના દરવાજા બંધ કરી દીધા હતા, હવે પંજાબના એકેએક ગામના દરવાજા તેમને માટે બંધ છે."
બિટ્ટુ માલન શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના મલાન ગામના પાંચ એકર ખેતીની જમીન ધરાવતા ખેડૂત છે. તેઓ 'તેઓએ' અને 'તેમને' દ્વારા ભાજપનો ઉલ્લેખ કરે છે, જે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ છે અને પંજાબમાં લોકસભાની ચૂંટણીમાં સાવ એકલો પડી ગયેલો દાવેદાર છે. જે 'અમારે માટે' દિલ્હીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, જે 'અમને' દિલ્હીમાં પ્રવેશ નકારવામાં આવ્યો હતો એ હતા નવેમ્બર 2020 માં રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરી ગયેલા હજારો ખેડૂતો.
કિસાન આંદોલન અને રાષ્ટ્રીય રાજધાનીના દરવાજે ઊભા કરેલા તેના કામચલાઉ કેમ્પ નગરોની યાદો પંજાબના જનમાનસમાં આજેય કોતરાયેલી છે. આ રાજ્યના હજારો ખેડૂતોએ ત્રણ ઉનાળા પહેલા આદરી હતી પ્રતિકાર અને આશાની એક લાંબી કૂચ. ટ્રેક્ટર અને ટ્રેલર્સના તેમના કાફલામાં સેંકડો માઇલની મુસાફરી કરીને તેઓ માત્ર એક માગણી સાથે દેશની રાજધાનીને દરવાજે એકઠા થયા હતા, એ માગણી હતી: તેમની આજીવિકાને જોખમમાં મૂકતા ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની.
દિલ્હીના દરવાજા પર પહોંચ્યા પછી તેઓને ઉદાસીનતાની એક મહાન દીવાલનો સામનો કરવો પડ્યો, આ દીવાલ ઊભી કરનાર હતી એ સરકારે જે તેમની અરજીઓ કાને ધરવા તૈયાર નહોતી. આ વિરોધ પ્રદર્શનમાં સહભાગી થનારા કહે છે તેમ લગભગ એક વર્ષ સુધી, ભલેને થર્મોમીટરમાં માત્ર 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હોય, કે પછી તાપમાનનો પારો 45 સે. સુધી પહોંચી ગયો હોય, તેમની રાતો તો એકાંતની ઠંડીથી અને અન્યાયની ગરમીથી જ ભરેલી હતી. લોખંડના ટ્રેલર જ તેમના ઘર બની ગયા હતા.
358 દિવસના એ ચડાવ-ઉતાર વચ્ચે દિલ્હીની આસપાસ ખેડૂતોએ ઊભી કરેલી વિરોધ-પ્રદર્શન શિબિરોમાં મૃત્યુ પામેલા 700 થી વધુ ખેડૂતોના મૃતદેહો પંજાબ પાછા ફર્યા હતા, એ દરેકેદરેક મૃતદેહ એ ખેડૂતોના સંઘર્ષની તેમણે ચૂકવવી પડેલી કિંમતનું મૌન પ્રમાણપત્ર હતું. પરંતુ તેમ છતાં આ આંદોલન અડીખમ રહ્યું. તેમના બલિદાન અને આ મોટા આંદોલને, એક વર્ષ સુધી નન્નો ભણ્યા પછી અને કોઈ પરિણામ વિનાની અનેક ઉગ્ર ચર્ચાઓ પછી, સરકારને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધી. 19 નવેમ્બર, 2021 ના રોજ વડાપ્રધાને આ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી.
પંજાબમાં હવે સમય છે એ જૂના બાકી હિસાબની પતાવટ કરવાનો. અને બિટ્ટુ માલન અને તેમના જેવા ઘણા ખેડૂતો દિલ્હીમાં તેમની સાથે જેવો વ્યવહાર કરવામાં આવ્યો બરાબર એવો જ વ્યવહાર હવે ભાજપના ઉમેદવારો સાથે કરવા તૈયાર હોય તેમ લાગે છે. 23 મી એપ્રિલના રોજ, બિટ્ટુ, જેઓ મૃત્યુ પામેલા એક-એક ખેડૂતના હિસાબની પતાવટ કરવાને પોતાની ફરજ માને છે, તેમણે બટર સરીન ગામમાં ફરીદકોટ લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર હંસ રાજ હંસનો હિંમતભેર સામનો કર્યો.







