દૂર જાઉં છું પરદેશ જાઉં છું દૂર જાઉં છું પરદેશ જાઉં છું
લાંબી સફર કુંજવાલા દૂર જાઉં છું

નવપરિણીતા દ્વારા ગવાયેલું ગીત ડેમઝલ ક્રેનને સંબોધીને ગવાયું છે, જે કચ્છમાં કુંજ પક્ષી તરીકે ઓળખાય છે. સાસરાના ઘર માટે તેના પરિવારને છોડીને જતી નવી વહુ તેની યાત્રાને પક્ષીની જેમ જ જુએ છે.

મધ્ય એશિયામાં તેમના સંવર્ધન સ્થાનોથી દર વર્ષે હજારો નાજુક, રાખોડી પીંછાવાળા પક્ષીઓ પશ્ચિમ ભારતના, ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના શુષ્ક પ્રદેશો તરફ પ્રયાણ કરે છે. તેઓ 5,000 કિલોમીટરથી વધુ મુસાફરી કરે છે અને પાછા ફરતાં પહેલાં લગભગ નવેમ્બરથી માર્ચ સુધી અહીં રહે છે.

એન્ડ્રયુ મિલહામ તેમના પુસ્તક, સિંગિંગ લાઇક લાર્ક્સમાં લખે છે, "પક્ષીવિષયક લોકગીતો એક વિલુપ્ત થવાના આરે ઊભેલી પ્રજાતિ છે - જેમનું આજની ઝડપી ગતિશીલ તકનીકી દુનિયામાં સ્થાન નથી." તે ટિપ્પણી કરે છે કે પક્ષીઓ અને લોકગીતોમાં કંઈ સામ્ય હોય તો એ છે કે - તેમની પાંખો પર લઈને આપણને આપણા  ઘરની બહારની દુનિયામાં લઈ જવાની તેમની ક્ષમતા.

આપણે એવા યુગમાં જીવીએ છીએ જેમાં લોકગીતો એ એક ઝડપથી વિસરાઈ જઈ રહેલું સાહિત્ય સ્વરૂપ છે. આજે એ ભાગ્યે જ એક પેઢી પાસેથી બીજી પેઢી સુધી પહોંચે છે, જવલ્લે જ ગવાય છે. પરંતુ જે લોકોએ આ ગીતો બનાવ્યા, શીખ્યા અને ગાયા છે તે સૌએ આકાશ સામે જોયું હશે, અને તેમની આસપાસની દુનિયા ભણી, પ્રકૃતિ ભણી પણ, જેમાંથી એમણે મનોરંજન માટેનું, સર્જનાત્મક પ્રેરણા માટેનું, જીવનના પાઠ શીખવા માટેનું ભાથું મેળવ્યું હશે.

અને તેથી જ એ આશ્ચર્યની વાત નથી કે આ પ્રદેશમાં આવતા પક્ષીઓ ઊડીને કચ્છી ગીતો અને વાર્તાઓમાં પણ વસ્યા છે. મુન્દ્રા તાલુકાના ભદ્રેસર ગામના જુમા વાઘેર દ્વારા થયેલી આ ગીતની પ્રસ્તુતિ તેની સુંદરતા અને અસરમાં કંઈક વિશેષ ઉમેરે છે.

ભદ્રેસરના જુમા વાઘેરે ગાયેલું લોકગીત સાંભળો

કચ્છી

ડૂર તી વિના પરડેસ તી વિના, ડૂર તી વિના પરડેસ તી વિના.
લમી સફર કૂંજ  મિઠા ડૂર તી વિના,(૨)
કડલા ગડાય ડયો ,વલા મૂંજા ડાડા મિલણ ડયો.
ડાડી મૂંજી મૂકે હોરાય, ડાડી મૂંજી મૂકે હોરાય
વલા ડૂર તી વિના.
લમી સફર કૂંજ વલા ડૂર તી વિના (૨)
મુઠીયા ઘડાઈ ડયો વલા મૂંજા બાવા મિલણ ડયો.
માડી મૂંજી મૂકે હોરાઈધી, જીજલ મૂંજી મૂકે હોરાઈધી
વલા ડૂર તી વિના.
લમી સફર કૂંજ વલા ડૂર તી વિના (૨)
હારલો ઘડાય ડયો વલા મૂંજા કાકા મિલણ ડયો,
કાકી મૂંજી મૂકે હોરાઈધી, કાકી મૂંજી મૂકે હોરાઈધી
વલા ડૂર તી વિના.
લમી સફર કૂંજ વલા ડૂર તી વિના (૨)
નથડી ઘડાય ડયો વલા મૂંજા મામા મિલણ ડયો.
મામી મૂંજી મૂકે હોરાઈધી, મામી મૂંજી મૂકે હોરાઈધી
વલા ડૂર તી વિના.

ગુજરાતી

દૂર જાઉં છું પરદેશ જાઉં છું દૂર જાઉં છું પરદેશ જાઉં છું
લાંબી સફર કુંજવા'લા દૂર જાઉં છું (2)
દાદી મારી મને વળાવશે,  દાદી મારી મને વળાવશે,
હું દૂર જઈ રહી છું
બંગડી ઘડાવી દો, વ્હાલા મારા બાપાને મળવા દો.
માતા મારી મને વળાવશે, મારી  મીઠડી મા વળાવશે
હું દૂર જઈ રહી છું.
લાંબી સફર કુંજવા'લા દૂર જાઉં છું (2)
હારલો ઘડાવી દો, વ્હાલા મારા કાકા મળાવી દો.
કાકી મારી મને વળાવશે, કાકી મારી મને વળાવશે
હું દૂર જઈ રહી છું
લાંબી સફર કુંજવા'લા દૂર જાઉં છું (2)
નથણી ઘડાવી દો, વ્હાલા મારા મામા મળાવી દો
મામી મારી મને વળાવશે, મામી મારી મને વળાવશે
હું દૂર જઈ રહી છું.
કડલા ઘડાવી દો, વ્હાલા મારા દાદા મળાવી દો.
લાંબી સફર કુંજ મીઠા દૂર જાઉં છું (2)

ગીતનો પ્રકાર : પરંપરાગત લોકગીત

ગીતગુચ્છ : ગીતો લગ્નના

ગીત : 9

ગીતનું શીર્ષક : ડૂર તી વિના પરડેસ તી વિના, ડૂર તી વિના પરડેસ તી વિના

સંગીતકારઃ દેવલ મહેતા

ગાયક : જુમા વાધેર ભદ્રેસર ગામ, મુન્દ્રા તાલુકો

વાજિંત્રો : ડ્રમ, હાર્મોનિયમ, બાંજો

રેકોર્ડિંગનું વર્ષ : 2012, KMVS સ્ટુડિયો

લોકસમુદાય  સંચાલિત રેડિયો, સૂરવાણી દ્વારા રેકોર્ડ કરાયેલા આ 341 ગીતો કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) દ્વારા પારી પાસે આવ્યા છે.

આ પ્રસ્તુતિમાં સમર્થન બદલ PARI પ્રીતિ સોની, અરુણા ધોળકિયા, સેક્રેટરી, KMVS, આમદ સમેજા, KMVS પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો તેમજ ગુજરાતી અનુવાદમાં એમની અમૂલ્ય મદદ બદલ ભારતીબેન ગોરનો ખાસ આભાર.

Text : Pratishtha Pandya

प्रतिष्ठा पांड्या, पारी में बतौर वरिष्ठ संपादक कार्यरत हैं, और पारी के रचनात्मक लेखन अनुभाग का नेतृत्व करती हैं. वह पारी’भाषा टीम की सदस्य हैं और गुजराती में कहानियों का अनुवाद व संपादन करती हैं. प्रतिष्ठा गुजराती और अंग्रेज़ी भाषा की कवि भी हैं.

की अन्य स्टोरी Pratishtha Pandya
Illustration : Atharva Vankundre

अथर्व वानकुंद्रे, मुंबई के क़िस्सागो और चित्रकार हैं. वह 2023 में जुलाई से अगस्त माह तक पारी के साथ इंटर्नशिप कर चुके हैं.

की अन्य स्टोरी Atharva Vankundre