ઉત્તર-પશ્ચિમ મહારાષ્ટ્રની સાતપુડા પહાડીઓ વચ્ચે આવેલા ફલાઈ ગામમાં એક ઘાસ છાયેલી ઝૂંપડીમાં આઠ વર્ષની શર્મિલા પાવરા મોટી કાતર, કાપડ, સોય અને દોરા લઈને તેના 'સ્ટડી ટેબલ' પર બેઠી છે.
ટેબલ પર એક જૂનું સિલાઈ મશીન છે, તેમાં તેના પિતાએ આગલી રાત્રે અધૂરું છોડી દીધેલું કપડું પડેલું છે. શર્મિલા તે ઉપાડે છે અને દરેક સાંધાનો બરોબર મેળ બેસાડી સીવવાનું શરૂ કરે છે, છે અને તેની સિલાઈકામની કુશળતાની મદદથી પેડલિંગ શરૂ કરે છે.
મહામારીના પગલે લોકડાઉનને કારણે માર્ચ 2020 માં તેની રહેણાક શાળા બંધ થઈ ત્યારથી નંદુરબાર જિલ્લાના તોરણમલ પ્રદેશના તેના દૂરના ગામમાં આ ટેબલ તેને માટે શીખવાનું સ્થળ બની ગયું છે. તે કહે છે, "મા અને બાબાને સિલાઈકામ કરતા જોઈને હું જાતે જ મશીન ચલાવતા શીખી ગઈ."
જો કે 18 થી ય વધુ મહિનાના અંતરાલ પછી શર્મિલા શાળામાં શું શીખી હતી તે તેને ભાગ્યે જ યાદ છે.
ફલાઈમાં કોઈ શાળા નથી. પોતાના બાળકોને શિક્ષણની તક આપવાની આશાએ જૂન 2019 માં શર્મિલાના માતાપિતાએ તેને તેમના ગામથી આશરે 140 કિલોમીટર દૂર નંદુરબાર શહેરમાં આવેલી અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલમાં દાખલ કરાવી હતી. આ શાળા જિલ્લા પરિષદ દ્વારા સંચાલિત અને મહારાષ્ટ્ર ઇન્ટરનેશનલ એજ્યુકેશન બોર્ડ સાથે સંલગ્ન લગભગ 60 આશ્રમશાળાઓ (આખા મહારાષ્ટ્રમાં અનુસૂચિત જનજાતિ સમુદાયના બાળકો માટેની વિશેષ શાળાઓ) પૈકીની એક છે. 2018 માં રચાયેલ આ બોર્ડે 'આંતરરાષ્ટ્રીય સ્તરનું' શિક્ષણ પ્રદાન અપાતું હોવાનો દાવો કર્યો હતો, અભ્યાસક્રમ સ્થાનિક રીતે તૈયાર કરવામાં આવ્યો હતો અને શિક્ષણ મરાઠી માધ્યમમાં અપાતું હતું. (દરમિયાન બોર્ડને વિઘટિત કરી નાખવામાં આવ્યું છે અને હવે શાળાઓ રાજ્ય બોર્ડ હેઠળ આવે છે.)
પરંતુ જ્યારે શર્મિલા શાળાએ જવા લાગી ત્યારે મરાઠી તેના માટે નવી ભાષા હતી. તે પાવરા સમુદાયની છે અને તેના ઘરમાં પાવરી બોલાય છે. મારી નોટબુકમાં મરાઠી શબ્દો જોઈને તેને પોતે શીખેલા કેટલાક મૂળાક્ષરો યાદ આવે છે, પરંતુ મને હિન્દીમાં કહે છે, "મને બધા (મૂળાક્ષરો) યાદ નથી..."
તેને શાળામાં માંડ 10 મહિના થયા હશે.. કેમ્પસ બંધ થયું ત્યારે તે પહેલા ધોરણમાં ભણતી હતી અને અકરાણી તાલુકા (જ્યાં તેનું ગામ આવેલું છે) ના શાળાના 476 વિદ્યાર્થીઓને ઘેર પાછા મોકલવામાં આવ્યા હતા. તે કહે છે, "મને ખબર નથી કે શાળા ફરી ક્યારે શરૂ થશે."
શાળામાં તેના દિવસો રાષ્ટ્રગીત અને સવારની પ્રાર્થનાથી શરૂ થતા હતા. ઘેર તેનું સમયપત્રક સાવ અલગ છે: “સૌથી પહેલા હું બોર [તેના ઘરની બહારના બોરવેલ]માંથી પાણી ભરું છું. પછી મા રસોઈ બનાવે ત્યાં સુધી રિંકુ [તેની એક વર્ષની બહેન]ની સંભાળ/નું ધ્યાન રાખું છું. હું તેની સાથે આસપાસમાં ફરું છું અને તેને બધી વસ્તુઓ બતાવું છું. અને જ્યારે તેના માતા-પિતા મશીનોથી દૂર (કોઈ અન્ય કામમાં વ્યસ્ત) હોય ત્યારે તે પોતાનો 'સ્વ-અભ્યાસ' - તેણીના સિલાઈકામના 'પાઠ' ફરી શરૂ કરે છે.
શર્મિલા ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે - તેનો ભાઈ રાજેશ પાંચ વર્ષનો છે, ઉર્મિલા ત્રણ વર્ષની છે, અને પછી રિંકુ છે, તેના પિતા 28 વર્ષના રાકેશ કહે છે, "તે કવિતાઓ બોલી/સંભળાવી શકતી, [મરાઠી મૂળાક્ષરો] લખતી." તેમને હવે તેમના બીજા બાળકોના શિક્ષણની ચિંતા છે - રાજેશ અને ઉર્મિલા છ વર્ષની ઉંમરે જ (શાળામાં) પ્રવેશ મેળવી શકે છે. તેઓ કહે છે, "જો એ (શર્મિલા) વાંચી-લખી શકતી હોત તો તે તેના નાના ભાઈ-બહેનોને શીખવી શકત." પોતાની દીકરીને ચપળતાથી સિલાઈ મશીન ચલાવતી જોઈ તેઓ ઉમેરે છે, "દો સાલ મેં બચ્ચે કી જીંદગી કા ખેલ બન ગયા હૈ. [આ બે વર્ષોમાં મારા બાળકનું જીવન એક રમત બની ગયું છે]."
શર્મિલાની માતા 25 વર્ષની સરલા કહે છે, “અમે તેને પઢા-લિખા [ભણેલી-ગણેલી], અફસર [અધિકારી] બનાવવા માગીએ છીએ, અમારા જેવી દરજી નહીં. જો તમે વાંચી-લખી શકતા ન હો તો લોકો તમને માન આપતા નથી.”
સરલા અને રાકેશ મળીને તેમના કપડા સીવવાના કામમાંથી મહિને 5000-6000 કમાય છે. કેટલાક વર્ષો પહેલા સુધી રાકેશ અને સરલા ખેતરોમાં દાડિયા મજૂરી માટે ગુજરાત અથવા મધ્યપ્રદેશમાં સ્થળાંતર કરતા હતા. તેઓ (રાકેશ) કહે છે, "શર્મિલાના જન્મ પછી અમે (સ્થળાંતર કરવાનું) બંધ કરી દીધું કારણ કે [અમે તેને સ્થળાંતરના મહિનાઓમાં સાથે લઈ જતા હતા ત્યારે] તે ઘણીવાર બીમાર રહેતી હતી, અને બીજું કે અમે તેને શાળાએ મોકલવા માગતા હતા."
નાની ઉંમરે, તેણે તે જ ગામમાં રહેતા તેના કાકા ગુલાબ (તેનું 2019 માં અવસાન થયું) પાસેથી સિલાઈ શીખી. તેમની મદદથી રાકેશે સિલાઈ મશીન ખરીદ્યું અને સરલાને કામ શીખવવાનું શરૂ કર્યું.
યુવાનીમાં ઉંમરે તેઓ (રાકેશ) તેમના કાકા ગુલાબ પાસે સિલાઈ કામ શીખ્યા હતા, તેમના કાકા તે જ ગામમાં રહેતા હતા (અને 2019 માં તેમનું અવસાન થયું હતું). તેમની મદદથી રાકેશે સિલાઈ મશીન ખરીદ્યા અને સરલાને પણ સિલાઈ કામ શીખવવાનું શરૂ કર્યું.
સરલા કહે છે, "અમારી પાસે કોઈ ખેતીની જમીન નહોતી, તેથી અમે 2012માં 15000 રુપિયામાં બે સેકન્ડ-હેન્ડ મશીનો ખરીદ્યા." આ માટે તેઓએ તેમની આખી બચત અને રાકેશના માતા-પિતા પાસેથી મળેલા થોડા પૈસા ખરચી નાખ્યા, એ પૈસા તેમણે તેમની જિંદગીભરની ખેત મજૂર તરીકેની કમાણીમાંથી બચાવેલા હતા. તેમના કાકા ગુલાબે પોતાના કેટલાક ગ્રાહકોને રાકેશ અને સરલા તરફ વાળવામાં મદદ કરી.
રાકેશ કહે છે, “અમારી પાસે રેશનકાર્ડ નથી; 3000-4000 રૂપિયા માત્ર રેશન ખરીદવામાં જાય છે." સરલા તેમને જરૂરિયાતોની યાદી આપે છે - ઘઉંનો લોટ અને ચોખા, દાળ, મીઠું, મરચું પાવડર... તેઓ (સરલા) કહે છે. "તેઓ ઊગતા છોકરાં છે, તેમના ખાના-પીના [રોજિંદા આહાર] માં હું બાંધછોડ ન કરી શકું."
બાળકોના શિક્ષણ માટે નાણાં બચાવવા તેમના માટે અશક્ય છે અને તેઓ આશ્રમશાળાઓ માટે આભારી છે. સરલા કહે છે, "બીજું કંઈ નહિ તો ત્યાં ઓછામાં ઓછું બાળકો અભ્યાસ કરે છે અને તેમને ખાવાનું પણ મળે છે." પરંતુ હજી પરિસર ધોરણ 1 થી 7 (ના બાળકો) માટે બંધ છે.
ઓનલાઈન શિક્ષણ એ અંતરિયાળ અકરાણી તાલુકામાં એ બીજી દુનિયાની વસ્તુ છે. આશ્રમશાળાના શિક્ષકો 476 વિદ્યાર્થીઓમાંથી શર્મિલા સહિત-190 વિદ્યાર્થીઓનો સંપર્ક સાધી શક્યા નથી અને તે વિદ્યાર્થીઓ ઔપચારિક શિક્ષણથી સંપૂર્ણપણે દૂર થઈ ગયા છે.
નંદુરબારના રહેવાસી અને આશ્રમશાળાઓના શિક્ષક 44 વર્ષના સુરેશ પાડવી કહે છે, "90 ટકાથી વધુ માતા-પિતા પાસે સાવ સાદો હેન્ડસેટ પણ નથી." તેઓ શાળાના નવ શિક્ષકોમાંના એક છે જેઓ મહામારીની શરૂઆતથી વિદ્યાર્થીઓને શોધીને તેમને ભણાવવા માટે અકરાણીના ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે.
સુરેશ કહે છે, “અમે [અઠવાડિયામાં] ત્રણ દિવસ માટે અહીં આવીએ છીએ, ગામના કોઈ એક ઘરમાં રાત વિતાવીએ છીએ. દરેક મુલાકાત દરમિયાન શિક્ષકો ધોરણ 1 થી 10 ના 10 થી 12 બાળકોને ભેગા કરી શકે છે. તેઓ કહે છે, " તેમાં એક બાળક પહેલા ધોરણનું હોય ને બીજું સાતમા ધોરણનું. પરંતુ અમારે [તેમને બધાને એકસાથે] ભણાવવું પડે."
જો કે તેમનું શિક્ષકોનું જૂથ શર્મિલા સુધી પહોંચ્યું નથી. સુરેશ કહે છે, “ઘણા બાળકો ફોન કે રોડ કનેક્ટિવિટી વિનાના દૂર-દૂરના અને અંતરિયાળ સ્થળોએ રહે છે. તેમને શોધી કાઢવા મુશ્કેલ છે.”
ફલાઈમાં શર્મિલાના ઘેર પહોંચવું મુશ્કેલ છે; સૌથી ટૂંકા રસ્તે જવું હોય તો પણ ટેકરીનો ઢોળાવ ચડવો પડે છે અને પછી વહેળો પાર કરવો પડે છે, જ્યારે બીજો રસ્તો કાદવવાળો રસ્તો છે જે વધુ સમય માગી લે છે. રાકેશ કહે છે, “અમારું ઘર અંતરિયાળ ભાગમાં છે. શિક્ષકો ક્યારેય આ બાજુ આવ્યા નથી."
આનો અર્થ એ થયો કે શર્મિલા જેવા બીજા ઘણા વિદ્યાર્થીઓ શાળાઓ બંધ થયા પછી શિક્ષણથી સંપૂર્ણપણે દૂર થઈ ગયા છે. જાન્યુઆરી 2021 નો અભ્યાસ નોંધે છે કે મહામારીને પગલે શાળાઓ બંધ થવાને કારણે 92 ટકા જેટલા બાળકોએ - ચિત્ર અથવા તેમના અનુભવોને મૌખિક રીતે વર્ણવવાની; પરિચિત શબ્દો વાંચવાની; સમજણ સાથે વાંચન કરવાની; અથવા પાછલા વર્ષોના ચિત્રના આધારે સરળ વાક્યો લખવાની આ બધામાંથી - ઓછામાં ઓછી એક ક્ષમતા ગુમાવી દીધી છે
*****
શર્મિલાની પાડોશી અને રમતની સાથી આઠ વર્ષની સુનીતા પાવરા કહે છે, "હું શાળામાં પેન્સિલથી મારું નામ લખવાનું શીખી ગઈ હતી." ગયા વર્ષે શાળા બંધ થઈ ત્યાં સુધી એ શર્મિલાની જ શાળામાં પહેલા ધોરણમાં ભણતી હતી.
પોતાના માટીના ઘરની બહાર કપડા સૂકવવાની દોરી પર લટકેલા તેના ગણવેશ તરફ ઉત્સાહપૂર્વક ઈશારો કરતા તે (સુનીતા) કહે છે, “હું શાળામાં આ ડ્રેસ પહેરતી હતી. (હવે) હું ક્યારેક ઘેર એ પહેરું છું." યાદ કરવાનો ખૂબ પ્રયત્ન કરતા તે કહે છે, "બાઈ [શિક્ષક] પુસ્તક [ચિત્રવાળા પુસ્તક]માંથી ફળો બતાવતા હતા. રંગબેરંગી ફળો. તે લાલ હતું. મને નામ ખબર નથી." તેના માટે શાળા એ ધૂંધળી થતી જતી યાદોનો સમૂહ બની ગઈ છે.
સુનીતા હવે તેની નોટબુકમાં નથી કંઈ લખતી કે નથી કોઈ ચિત્ર દોરતી, પરંતુ તે શર્મિલા સાથે પગથિયાંની રમત રમવાની તૈયારી કરવા તેના ઘરની નજીકના ડામરના રસ્તા પર સફેદ પથ્થરથી થોડા ચોરસ દોરે છે. તેને ત્રણ ભાઈ-બહેન છે - દિલીપ છ વર્ષનો, અમિતા પાંચ વર્ષનો અને દીપક ચાર વર્ષનો છે. આઠ વર્ષની સુનીતા સૌથી મોટી છે, અને તે એકલી જ શાળાએ જાય છે, જો કે તેના માતા-પિતા આગળ જતાં તેમના બીજા બાળકોને પણ (શાળામાં) દાખલ કરવા માગે છે.
તેના માતા-પિતા ગીતા અને ભાકીરામ ચોમાસા દરમિયાન એક એકરની સીધા ચઢાણવાળા ઢોળાવવાળી જમીન પર ખેતી કરે છે અને પરિવારના ભોજન માટે 2 થી 3 ક્વિન્ટલ જુવાર ઉગાડે છે. 35 વર્ષની ગીતા કહે છે, “માત્ર આટલા પર નભવું શક્ય નથી. એટલે અમે કામ માટે બહાર જઈએ છીએ."
દર વર્ષે ઑક્ટોબરની લણણી પછી તેઓ ગુજરાત સ્થળાંતર કરે છે અને એપ્રિલ-મે સુધી વર્ષમાં આશરે 200 દિવસ માટે કપાસના ખેતરોમાં 200 થી રૂ. 300 રુપિયાની દાડિયા મજૂરી પર કામ કરે છે. 42 વર્ષના ભાકીરામ કહે છે, “જો અમે બાળકોને અમારી સાથે લઈ જઈએ તો તેઓ અમારી જેમ અનપઢ રહી જાય. અમે જ્યાં જઈએ છીએ ત્યાં કોઈ શાળા નથી."
ગીતા કહે છે, “આશ્રમશાળાઓમાં બાળકો રહે છે અને અભ્યાસ પણ કરે છે. સરકારે આ શાળાઓ ફરીથી ખોલવી જોઈએ."
15 મી જુલાઇ 2021 ના સરકારી ઠરાવમાં નોંધવામાં આવ્યું છે: "રાજ્યમાં કોવિડ-મુક્ત વિસ્તારમાં સરકાર સહાયિત રહેણાક અને એકલવ્ય મોડેલ રહેણાક શાળાઓને માત્ર 8 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે 2જી ઓગસ્ટ 2021 થી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે."
નંદુરબાર જિલ્લા પરિષદના સભ્ય ગણેશ પરાડકેનો અંદાજ છે કે , "નંદુરબારમાં 22000 વિદ્યાર્થીઓ સાથે 139-સરકારી રહેણાક શાળાઓ છે." આ શાળાઓમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ડુંગરાળ અને જંગલ આચ્છાદિત અકરાણી તાલુકાના છે. તેઓ ઉમેરે છે, "જો કે હવે ઘણાએ અભ્યાસમાં રસ ગુમાવી દીધો છે અને મોટાભાગની છોકરીઓને પરણાવી દેવાઈ છે."
*****
શર્મિલાના ઘરથી લગભગ 40 કિલોમીટર દૂર અકરાણી તાલુકાના સિંદીદિગર ગામ પાસે 12 વર્ષનો રહીદાસ પાવરા અને તેના બે મિત્રો તેમના પરિવારની માલિકીની 12 બકરીઓ અને પાંચ ગાયો ચરાવી રહ્યા છે. રહીદાસ કહે છે, “અમે થોડા સમય માટે અહીં રોકાઈએ છીએ. અમને અહીં ગમે છે. અહીંથી તમે બધી ટેકરીઓ, ગામડાઓ, આકાશ…બધું જોઈ શકો છો." જો ગયા વર્ષે - લગભગ 150 કિલોમીટર દૂર - નવાપુર તાલુકામાં આવેલી તેની શાળા કાઈ ડી જે કોંકણી આદિવાસી છાત્રાલય શ્રાવણી બંધ ન થઈ હોત તો રહીદાસ છઠ્ઠા ધોરણના વર્ગખંડમાં બેસી ઈતિહાસ, ગણિત, ભૂગોળ અથવા બીજા વિષયોનો અભ્યાસ કરતો હોત.
રહીદાસના 36 વર્ષના પિતા પ્યાને, 32 વર્ષની માતા શીલા ચોમાસા દરમિયાન તેમની બે એકર જમીનમાં મકાઈ અને જુવારની ખેતી કરે છે. રહીદાસ કહે છે, “મારો મોટા ભાઈ રામદાસ તેમને ખેતરમાં મદદ કરે છે."
વાર્ષિક લણણી પછી પ્યાને, શીલા અને 19 વર્ષનો રામદાસ – જેણે ચોથા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે – શેરડીના ખેતરોમાં કામ કરવા પડોશી ગુજરાતના નવસારી જિલ્લામાં સ્થળાંતર કરે છે. ડિસેમ્બરથી મે સુધી વર્ષમાં આશરે 180 દિવસ માટે તેઓને દરેકને 250 રુપિયા દાડિયું મળે છે.
રહીદાસ કહે છે, “ગયા વર્ષે તેઓ કોરોનાથી ડરીને ગયા ન હતા. પરંતુ આ વર્ષે હું પણ તેમની સાથે જવાનો છું." કુટુંબના ઢોર (પરિવારની) આવકનો સ્ત્રોત નથી; બકરીના દૂધનો ઉપયોગ ઘરમાં પીવા માટે થાય છે. ક્યારેક તેઓ ઢોરના કદ અને આરોગ્યના આધારે 5000 થી 10000 રુપિયામાં તેમની એકાદ બકરી સ્થાનિક કસાઈને વેચે છે. પરંતુ આવું ભાગ્યે જ બને છે, અને તે પણ જ્યારે પૈસાની ખૂબ જરૂર હોય ત્યારે જ.
ઢોર ચારતા ત્રણ મિત્રો એક જ શાળા અને વર્ગમાં અભ્યાસ કરે છે. રહીદાસ કહે છે, “હું અગાઉ પણ [મહામારી પહેલા] ઉનાળાની અને દિવાળીની રજાઓમાં જ્યારે પણ ઘેર આવતો ત્યારે અમારા ઢોર ચરાવવા લઈ જતો. એમાં કંઈ નવું નથી."
નવું એ છે કે તેનું મનોબળ સાવ ભાંગી પડ્યું છે. તે કહે છે, "મને શાળાએ પાછા જવાનું મન જ નથી થતું." તેમની શાળા ફરી શરૂ થવાની સંભાવનાના સમાચારો તેમનામાંના કોઈને પણ ઉત્સાહિત કરતા નથી. રહીદાસ ઉમેરે છે, "મને કંઈ યાદ પણ નથી. અને જો તેઓ શાળા ફરીથી બંધ કરી દીધી તો શું?"
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક