સુબ્રત અડકે કહ્યું, “બંગાળના ઘણાં ખેડૂતોને આ કાયદાઓ વિષે જાણકારી નથી. આ કારણે હું મારા ગામમાંથી કેટલાક લોકોને લઈને અહિં આવ્યો છું, જેથી તેઓ અહિં નેતાઓની વાત સાંભળે, તેઓ જે કહી રહ્યા છે તે સમજે અને પછી ઘરે પરત ફરીને પડોશીઓ અને મિત્રોને કહે.”
૩૧ વર્ષના ખેડૂત સુબ્રત લગભગ ૧૦ કિલોમીટર દૂર તેમના ગામ બારા કમલાપુરથી ૧૪ માર્ચે સિંગુરની આ આંદોલન સભામાં આવ્યા હતા. ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલાં ખેડૂતો અને યુનિયનોના સમૂહ - સંયુક્ત કિસાન મોર્ચાના નેતા, આ કાયદાઓના ખતરા વિષે જાગૃતિ ફેલાવવા માટે માર્ચના મધ્યમાં પશ્ચિમ બંગાળ આવ્યા હતા. સિંગુર સિવાય, તેમણે આસનસોલ, કોલકાતા અને નંદીગ્રામમાં સભાઓ કરી હતી.
સિંગુરના નાબાપલ્લી વિસ્તારમાં સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી આયોજિત એક નાની સભામાં ભાગ લેવા વાળા ખેડૂતો અને સમર્થકોની સંખ્યા વિષે અલગ-અલગ અનુમાન લગાવવામાં આવ્યા હતા – જે ૫૦૦થી ૨,૦૦૦ વચ્ચે હતા. કોલકાતાથી લગભગ ૪૦ કિલોમીટર દૂર પશ્ચિમ બંગાળ સ્થિત આ શહેરમાં ટાટા મોટર્સની નેનો ગાડીના કારખાના માટે લગભગ ૯૯૭ એકર જમીનના અધિગ્રહણ વિરુદ્ધ ૨૦૦૬-૦૭માં એક ઐતિહાસિક આંદોલન જોવા મળ્યું હતું. વર્ષ ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ખેડૂતોની જમીન પરત કરવા આદેશ કર્યો હતો, પરંતુ આજે પણ ત્યાંની મોટા ભાગની જમીન પડતર છે.
“જાતે એક ખેડૂત હોવાને લીધે, હું ભારતમાં કૃષિની પરિસ્થિતિથી વાકેફ છું,” સુબ્રતે કહ્યું, જેઓ આઠ વીઘા જમીન પર બટાકા અને ડુંગળીની ખેતી કરે છે. (પશ્ચિમ બંગાળમાં ૧ વીઘા ૦.૩૩ એકર બરાબર થાય છે.) “ભારત જ્યારે આઝાદ નહોતું થયું, ત્યારે પણ અંગ્રેજોએ ગળીની ખેતી કરતાં ખેડૂતોનું શોષણ કર્યું હતું. આ સરકાર ફરીથી એવી પરિસ્થિતિ પેદા કરી રહી છે. બટાકાની ખેતીનો ખર્ચ વધી ગયો છે, બીજની પણ કિંમત વધી ગઈ છે. જો અમને આ બધી મહેનત માટે પૈસા નહીં મળે અને ફાયદો કોર્પોરેટ્સને થવા લાગશે, તો અમે જીવીશું કઈ રીતે?”








