હરફતેહ સિંહ મગરની સ્ટાઈલવાળી લીલા રંગની હુડી અને ઉનના મોજા પહેરી, રાજસ્થાન-હરિયાણા સરહદ પર એક મોટા વાસણમાં વટાણા છોલવામાં તેના પિતાની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. દિલ્લી-જયપુર હાઇવે પર રાજસ્થાનના અલવાર જીલ્લાના શાહજહાંપુરમાં આ ૧૮ મહિનાનું બાળક નિશ્ચિતપણે સૌથી ઓછી વયના પ્રદર્શનકારીઓમાંથી એક છે. હરફતેહ સિંહ અત્યારે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં શાકભાજી છોલીને પોતાનું યોગદાન આપી રહ્યો છે. આવું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બની શકે કે તે આ કામ સારી રીતે કે કુશળતાથી ન કરી શકતો હોય, પરંતુ તેણે ઉત્સાહ બતાવવામાં કે પ્રયાસ કરવામાં કોઈ કમી નથી રાખી.
ઘણા રાજ્યોના લાખો ખેડૂતો પોતાની આજીવિકા માટે વિનાશકારી પુરવાર થાય એવા ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ સાથે દિલ્લી અને હરિયાણાની અલગ-અલગ સરહદો પર એકઠા થયા છે. સૌ પ્રથમ પાંચ જૂને વટહુકમ તરીકે બહાર પાડેલ આ કાયદાઓ ૧૪ સપ્ટેમ્બરે સંસદમાં ખરડા તરીકે રજુ કરવામાં આવ્યા અને એ જ મહિનાની ૨૦ તારીખે મંજૂરી આપીને કાયદો બનાવી દેવામાં આવ્યા.
હું જ્યારે ૨૫ ડિસેમ્બરે હરફતેહને મળી ત્યારે શાહજહાંપુરના પ્રદર્શન સ્થળે મહારાષ્ટ્રના લગભગ એક હજાર ખેડૂતો ત્યાં પહેલાથી જ હાજર પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અન્ય ખેડૂતો સાથે શામેલ થયા હતા. મહારાષ્ટ્રના આ ખેડૂતો અને ખેતમજૂરો એ ઘણા પ્રદર્શન સ્થળોએ એકઠા થયેલા પોતાના સાથી ખેડૂતો સાથે ભેગા થવા માટે ટેમ્પો, જીપ અને નાની ગાડીઓમાં સવાર થઈને નાસિકથી અહિયાં સુધી લગભગ ૧,૨૦૦ કિલોમીટરથી વધુ મુસાફરી કરી હતી.
મહારાષ્ટ્રમાં ખેડૂતોનું સ્વાગત કરવાવાળા પરિવારોમાં એક હરફતેહનો પરિવાર પણ હતો – જેમાં લગભગ ૧૦૦ લોકોને બટાકા-વટાણાનું શાક બનાવવાનું કામ સોંપાયું હતું. હરિયાણાના કુરુક્ષેત્ર જીલ્લાના છાજુપુર ગામના રહેવાસી અને એક બાળકના પિતા ૪૧ વર્ષીય જગરૂપ સિંહ કહે છે કે, “અમે અમારા બાળકોના ભવિષ્ય માટે ઠંડીના દિવસોમાં અહિં આવ્યા છીએ. જો આજે અમે ખેડૂતો વિરોધ નહીં કરીએ, તો ફતેહનું કંઈ ભવિષ્ય નહીં હોય.”




