અમારી કામગીરીના કેન્દ્રમાં અમારા સ્વયંસેવકો છે, જેઓ અમારા દ્વારા સંગ્રહિત કરાયેલા દરેક અહેવાલ માટે સારાંશરૂપ ‘ફોકસ એન્ડ ફેક્ટોઇડ્સ’ (મુખ્ય મુદ્દા અને તથ્યો) તૈયાર કરે છે. અમારી સાથે કોલેજના વિદ્યાર્થીઓ, નોકરિયાત તેમજ નિવૃત્ત વ્યાવસાયિકો જોડાયેલા છે, જેઓ ગહન અને વિસ્તૃત વિષયોને સરળ વાંચનમાં ફેરવે છે. તેઓ આપણને તેમનો સમય અને કુશળતા આપે છે, અને એ સુનિશ્ચિત કરે છે કે આ આર્કાઇવ સુલભ રહે અને તેની વિદ્વતામાં વિવિધતા જળવાઈ રહે.
અત્યારે, પારી લાઇબ્રેરીમાં લગભગ 450 સ્વયંસેવકો છે જેઓ શરૂઆતથી જ અમારી સાથે કામ કરી રહ્યા છે.
જ્યારે આપણે 2025 પૂરું કરી રહ્યા છીએ ત્યારે, અમને અમારા કેટલાક નિયમિત સ્વયંસેવકોના અવાજો રજૂ કરતાં આનંદ થાય છે, જેઓ તેમના અનુભવો અને મુખ્ય શીખ વિશે વાત કરે છે.
યાઝિની સત્યમૂર્તિ
IIT બોમ્બેમાં પર્યાવરણ વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં MTech કરી રહ્યાં છે
મેં જે પણ અહેવાલ માટે ‘ફોકસ અને ફેક્ટૉઇડ્સ’ તૈયાર કર્યાં છે, તેણે મને એક નવો દૃષ્ટિકોણ આપ્યો છે જે મારી સાથે રહી જાય છે. દાખલા તરીકે, ‘ટેઈન્ટેડ કાર્પેટ્સ: સ્લેવરી એન્ડ ચાઇલ્ડ લેબર ઇન ઇન્ડિયાઝ હેન્ડ-મેડ કાર્પેટ સેક્ટર’ અથવા ‘ક્લાઈમેટ ઇન્ડિયા 2024: એન એસેસમેન્ટ ઓફ એક્સ્ટ્રીમ વેધર ઈવેન્ટ્સ’ જેવા કેટલાક અહેવાલો વાંચીને હું વિચલિત થઈ ગઈ હતી, અને તેમાંથી બહાર આવતાં મને ઘણા દિવસો લાગ્યા હતા. પરંતુ હું જે ભણી રહી છું તેને જોતાં, આ અહેવાલો પર કામ કરવાથી મને વિષયોને વધુ સારી રીતે સમજવાની તક મળી છે.
ભલે તે એક પાનાનું પોસ્ટર હોય કે 500 પાનાનો આંકડાકીય રિપોર્ટ, પારી લાઇબ્રેરીના ‘ફોકસ અને ફેક્ટૉઇડ્સ’નો સંરચિત સમૂહ તમને મુદ્દાના મૂળ સુધી લઈ જાય છે. કમનસીબે, આમાંના ઘણા અહેવાલો હજુ સુધી મુખ્ય પ્રવાહમાં ચર્ચામાં આવ્યા નથી.
અબીઝાર શેખ
૩૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા કોમ્યુનિકેશન્સ અને ફાઇનાન્સિયલ સર્વિસના નિષ્ણાત.
મારી પાસે ફાજલ સમય હતો અને મારે કંઈક સાર્થક કરવું હતું. પારી લાઇબ્રેરી સાથે સ્વયંસેવક તરીકે જોડાવું એ એક શ્રેષ્ઠ તક હતી. પારી જે કામ કરે છે તે મારા માટે એકદમ યોગ્ય હતું, કારણ કે તે હંમેશાં મારા અંગત રસનો વિષય રહ્યો છે.
એક વાચક તરીકે, હું લાઇબ્રેરીમાં વિષયોનું વધુ સારું વર્ગીકરણ અને શોધક્ષમતામાં સુધારો જોવા માગીશ.
જેરી જોસે
કોટ્ટયમ, કેરળના આબોહવા વૈજ્ઞાનિક
પારી સાથે મારો પરિચય વેબસાઈટ લોન્ચ થવાના સમયે પી. સાઈનાથના એક લેક્ચર દ્વારા થયો હતો. ગ્રામીણ ભારત, જે “એક ઉપખંડની અંદર એક ખંડ” છે, તેને આર્કાઇવ કરવાનો પ્રયાસ પ્રેરણાદાયી અને અનોખો હતો. સ્વયંસેવક બનવું એ સતત વિસ્તરતી પારી લાઇબ્રેરીમાં દૂરથી રહીને પણ યોગદાન આપવાની મારી રીત હતી.
એ પ્રશંસનીય છે કે લાઇબ્રેરી સરળ ‘ફોકસ અને ફેક્ટૉઇડ્સ’ સાથે ક્યુરેટ કરેલા અહેવાલો રજૂ કરે છે. મને આ વિસ્તૃત વ્યાપ પારીની પત્રકારત્વ શૈલીનો ખૂબ જ પૂરક લાગે છે. મને મારા નિપુણતાના ક્ષેત્રમાં અને તેની બહારના અહેવાલો પર કામ કરવામાં આનંદ આવ્યો, જ્યાં સંશોધન પોતે જ એક શીખવા જેવો અનુભવ હતો.