અધૂરા કાદવના રસ્તા કિલોમીટરો સુધી લંબાયેલા છે. આ રસ્તા પર, સોઉરામાં આવેલી હોસ્પિટલમાં જવું એ રોજની લડત છે. મુબીના અને અર્શીદ હુસૈન અખુને તેમના દીકરા મોહસીનની મેડીકલ સલાહ લેવા માટે મહિનામાં ઓછામાં ઓછું એક વખત હોસ્પિટલ જવું પડે છે. રખ-એ-અર્થ પુનર્વસવાટ કોલોનીની કાદવ અને પીગળતા બરફથી છલકાતા રોડ પરથી જતી વખતે નવ વર્ષના દીકરાને અર્શીદ ઊંચકીને લઇ જાય છે.
સામાન્ય રીતે ૨-૩ કિલોમીટર પગપાળા ચાલ્યા પછી તેમને રીક્ષા મળે છે. ઉત્તર શ્રીનગરમાં સોઉરા વિસ્તારમાં ૧૦ કિલોમીટર દૂર આવેલ શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ સુધી જવા માટે ૫૦૦ રૂપિયા ભાડું થાય છે. અમુક વખતે, આ પરિવારે હોસ્પિટલ જવા માટે આ બધું અંતર પગપાળા કાપવું પડે છે - ખાસ કરીને ગયા વર્ષે લોકડાઉન દરમિયાન. મુબીના કહે છે, “એમાં આખો દિવસ નીકળી જાય છે.”
મુબીના અને અર્શીદની દુનિયા ૯ વર્ષથી બદલાઈ ગઈ છે. મોહસીનને ૨૦૧૨માં જ્યારે બિલીરૂબિનના ઊંચા સ્તર સાથે તાવ અને કમળો આવ્યો ત્યારે તેની ઉંમર થોડા જ વર્ષ હતી. ત્યાર પછી ડોકટરો સાથે શ્રેણીબદ્ધ મુલાકાતો લેવામાં આવી. તેમણે શ્રીનગર સ્થિત રાજ્ય સંચાલિત જી.બી. પંત બાળકોની હોસ્પિટલમાં બે મહિના વિતાવ્યા. અંતે, તેમને કહેવામાં આવ્યું કે તેમનું બાળક ‘અસામાન્ય’ છે.
“જ્યારે તેની સ્થિતિ ન સુધરી, તો અમે તેને એક ખાનગી ડોક્ટર પાસે લઈ ગયા તેમણે અમને કહ્યું કે તેનું મગજ સંપૂર્ણ રીતે નુકસાન પામ્યું છે અને તે હવે ક્યારેય બેસી કે ચાલી શકશે નહીં,” આશરે ૩૦ વર્ષના મુબીના કહે છે.
અંતે, નિદાનમાં મોહસીનને સેરેબ્રલ પાલ્સી હોવાનું બહાર આવ્યું. નિદાન પછી, મુબીનાનો મોટા ભાગનો સમય એમના દીકરાની તબિયતની દેખરેખ રાખવામાં પસાર થયો છે. તેઓ કહે છે, “મારે એનો પેશાબ સાફ કરવો પડે છે, એની ચાદર અને કપડા ધોવા પડે છે અને એને બેસાડવો પડે છે. તે આખો દિવસ મારા ખોળામાં રહે છે.”
જો કે ૨૦૧૯ સુધી, તેમણે તૂટેલી દીવાલો અને અધૂરા ધાબાવાળા કોન્ક્રીટ ના ખાલી બાંધકામ વાળા વિસ્તાર રખ-એ-અર્થમાં પુનર્વસવાટ કોલોનીમાં સ્થળાંતર કર્યું એ પહેલાં તેમના સંઘર્ષ ઓછો તીવ્ર હતો.
તે દાલ લેકના મીર બેહરી વિસ્તારમાં રહેતા હતા. મુબીના પાસે કામ અને આવકનો સ્ત્રોત હતો. તેઓ કહે છે, “મહિનામાં ૧૦-૧૫ દિવસ, હું દાલ લેક માં ઘાસ કાપતી હતી.” એનાથી તે સાદડીઓ બનાવતા હતા જે બજારમાં ૫૦ રૂપિયે વેચાતી હતી. તે મહિનામાં ૧૫-૨૦ દિવસ લેકમાંથી કમળના ફૂલ પણ કાઢતાં હતા, અને ચાર કલાકના ૩૦૦ રૂપિયા કમાતા હતા. અર્શીદ ખેતીની સિઝનમાં દર મહીને ૧૫-૨૦ દિવસ માટે ખેત મજૂર તરીકે કામ કરીને પ્રતિદિન ૧,૦૦૦ રૂપિયા સુધી કમાણી કરતાં હતા, અને મંડીમાં ઓછામાં ઓછા ૫૦૦ રૂપિયાના નફા સાથે શાકભાજી વેચતા હતા.
આ પરિવારની માસિક આવક સારી હતી, તેમનું જીવન સારી રીતે પસાર થતું હતું. મોહસીન ના ઈલાજ માટે એમણે જે હોસ્પિટલ અને ડોક્ટર પાસે જવું પડતું હતું એ પણ મીર બેહરી થી નજીક હતા.
“પણ મોહસીન નો જન્મ થયા પછી મેં કામ કરવાનું બંધ કરી દીધું,” મુબીના કહે છે. “પછી મારા સાસુ કહેવા લાગ્યા કે હું આખો દિવસ મારા દીકરા માં જ વ્યસ્ત રહું છું અને તેમને ઘરકામમાં મદદ નથી કરતી. તો પછી અમને ત્યાં [મીર બેહરીમાં] રાખવાનો શું મતલબ હતો?”
આથી મુબીના અને અર્શીદ ને ઘર છોડવાનું કહેવામાં આવ્યું. તેમણે નજીકમાં એક પતરાનો નાનો શેડ બનાવ્યો. એ મામૂલી રહેઠાણ સપ્ટેમ્બર ૨૦૧૪ના પૂરમાં તૂટી ગયું હતું. પછી તે તેમના સંબંધીઓ સાથે રહેવા લાગ્યા, અને ફરી પાછા બહાર જતા રહ્યા - દર વખતે કામચલાઉ શેડમાં રહેતા હતા.
પણ દર વખતે, મોહસીનની નિયમિત તપાસ અને દવા માટેના હોસ્પિટલ અને ડોક્ટર નજીકમાં જ હતા.
પણ ૨૦૧૭માં, જે એન્ડ કે લેક્સ એન્ડ વોટર વેઝ ડેવલપમેન્ટ ઓથોરિટી (લાવડા) એ દાલ લેકમાં ‘પુનર્વસવાટ’ ઝુંબેશ શરૂ કરી. અધિકારીઓએ અર્શીદના પિતા, આશરે ૭૦ વર્ષીય, ગુલામ રસુલ અખૂન, કે જે લેકના ટાપુઓ પર ખેતી કરે છે તેમનો સંપર્ક કર્યો. તેમણે અધિકારીઓની દાલ લેક થી ૧૨ કિલોમીટર દૂર બેમિના વિસ્તારમાં આવેલ રખ-એ-અર્થમાં ૧ લાખ રૂપિયામાં લગભગ ૨,૦૦૦ ચોરસ ફૂટના પ્લોટમાં ઘર બનાવી આપવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો.
અર્શીદ કહે છે કે, “મારા પિતાએ કહ્યું કે તેઓ જઈ રહ્યા છે અને કાં તો હું એમની સાથે જઈ શકું છું કાં તો અત્યારે છું ત્યાં રોકાઈ શકું છું. એ વખતે મારે બીજો એક દીકરો થયો - અલીનો જન્મ ૨૦૧૪માં થયો હતો. પિતાએ અમને તેમના ઘરની [રખ-એ-અર્થમાં] પાછળ થોડી જગ્યા આપી જ્યાં અમે અમારા ચાર જણા માટે નાની ઝૂંપડી બનાવી શકીએ.”
આ ૨૦૧૯ની વાત છે, અને અખૂન પરિવાર એ ૧,૦૦૦ પરિવારો માંહેનો એક છે જેમણે આ દૂરની કોલોનીમાં સ્થળાંતર કર્યું હતું, જ્યાં ન તો સારા રસ્તા કે પરિવહન સુવિધા છે, ન તો શાળા, હોસ્પિટલ, અને આવકનો સ્ત્રોત છે - ત્યાં ફક્ત વીજળી અને પાણી છે. લાવડાના વાઇસ ચેરમેન તુફૈલ મટ્ટૂ કહે છે, “અમે પ્રથમ ક્લસ્ટર [કુલ ત્રણ માંથી] અને ૪,૬૦૦ પ્લોટ બનાવ્યા છે. અત્યાર સુધી, ૨,૨૮૦ પરિવારને પ્લોટ આપવામાં આવ્યા છે.”
રોજિંદુ કામ મેળવવા માટે અર્શીદ રખ-એ-અર્થથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલા મજૂરનાકા પર જાય છે. તે કહે છે, “ઘણાં લોકો અહિં સવારે ૭ વાગે આવી જાય છે, અને બપોર સુધી કામ શોધે છે. મને મોટેભાગે બાંધ કામના સ્થળે પથ્થર હટાવવાનું કામ મળે છે.” પણ આ કામ મહિનામાં ૧૨-૧૫ દિવસ માટે જ મળે છે અને તે પણ ૫૦૦ રૂપિયાની દૈનિક મજૂરી માટે, આ તેમને દાલ લેક માં થતી કમાણી માં મોટો ઘટાડો છે.
અર્શીદ કહે છે કે, જ્યારે કામ ઉપલબ્ધ ન હોય, ત્યારે તેઓ તેમની બચત માંથી ગુજારો કરે છે. “પરંતુ, જ્યારે અમારી પાસે પૈસા ન હોય, ત્યારે અમે મોહસીનને સારવાર માટે લઇ જઈ શકતા નથી.”
રખ-એ-અર્થમાં ફક્ત એક જ પેટા આરોગ્ય કેન્દ્ર છે જ્યાં ડાયાબિટીસ અને હાયપર ટેન્શન જેવા બિનચેપી રોગ, અને બાળકોની રોગપ્રતિકારકતા અને ગર્ભવતી મહિલાઓ માટે પ્રસુતિ પહેલાની તપાસ જેવી સુવિધાઓ જ ઉપલબ્ધ છે, શ્રીનગરના બતામાંલૂ પ્રાંતના ઝોનલ મેડીકલ ઓફિસર ડૉ. સમીના જૈન કહે છે. આ જ પ્રાંતમાં પુનર્વસવાટ કોલોની આવેલી છે.
રખ-એ-અર્થમાં એક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ બની રહી છે, અને “ઈમારત તૈયાર છે અને તે ક્યારેય પણ કાર્યરત થઇ શકે છે,” લાવડાના તુફૈલ મટ્ટૂ કહે છે. “અત્યારે, પેટા આરોગ્ય કેન્દ્રમાં એક નાનું દવાખાનું જ કાર્યરત છે. અહીં એક ડોક્ટર દિવસમાં અમુક કલાક માટે હાજર રહે છે.” માટે ઈમરજન્સી પરિસ્થતિમાં લોકોએ ૧૫ કિલોમીટર દૂર પંથ ચોકમાં આવેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં જવું પડે છે. અથવા, અખૂન પરિવારની જેમ, તેમણે સોઉરાની હોસ્પિટલમાં જવું પડે છે.
આ કોલોનીમાં સ્થળાંતર કર્યા પછી મુબીનાની તબિયત પણ લથડી ગઈ છે, અને તે પલ્પીટેશન (ર્હદયના ધબકારા)ની બીમારીથી પીડાય છે. “મારો દીકરો બીમાર છે, જેથી મારે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે,” તે કહે છે. “તેના હાથ-પગ કામ નથી કરતા, કે દિમાગ પણ કામ નથી કરતું. હું સવારથી લઇને સાંજ સુધી એને મારા ખોળામાં રાખું છું. દિવસના અંતે, મારા શરીરમાં સખત દુખાવો થાય છે. એની ચિંતા કરીને અને એનું ધ્યાન રાખીને હું પણ બીમાર થઈ ગઈ છું. જો હું ડોક્ટર પાસે જાઉં છું, તો તેઓ મને સારવાર કરવાનું અને બીજા ટેસ્ટ કરવાનું કહે છે. મારી પાસે સારવારના પૈસા ચુકવવા માટે ૧૦ રૂપિયાની આવક પણ નથી.”
તેમના દીકરાની દવાનું એક પત્તું ૭૦૦ રૂપિયાનું આવે છે અને ૧૦ દિવસ સુધી ચાલે છે. તેને તાવ, ગુમડું, અને ચકામા જેવી બીમારી સતત ચાલુ રહે છે અને તે માટે તેને દર મહિને હોસ્પિટલ લઈ જવો પડે છે. આદર્શ રીતે, આ સારવાર જમ્મુ અને કાશ્મીર બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વેલ્ફેર બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા મજૂર કાર્ડ પર મફતમાં થઈ જવી જોઈએ, જેમાં અર્શીદને અને તેમના આશ્રિતોને વાર્ષિક એક લાખ રૂપિયા સુધીની તબીબી સહાય પૂરી પાડે છે. પરંતુ, આ માટે તેમણે થોડી વાર્ષિક ફી ભરવી પડે છે, અને તે માટે રિન્યુઅલ સમયે ૯૦ દિવસ કામ કાર્યનું પ્રમાણપત્ર જોઈએ છે. અર્શીદ નિયમિતપણે આ કરી શક્યા નથી.
“મોહસીન ક્યારેય ચાલી કે રમી નહીં શકે, ન તો શાળાએ જઈ શકશે કે બાળકોની જેમ સામાન્ય ક્રિયાઓ કરી શકશે,” જી.બી.પંત હોસ્પિટલના ડૉ. મુદ્દસ્સીર રાથર કહે છે. ડોકટરો ચેપ, ખેંચ અને અન્ય સ્વાસ્થ્યલક્ષી સમસ્યા આવી પડે ત્યારે કે પછી તંગ સ્નાયુઓ માટે ફિઝીયોથેરાપી વખતે ફક્ત સહાયક સારવાર પૂરી પાડી શકે છે. “સેરેબ્રલ પાલ્સી બિન-સાધ્ય ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે,” શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજમાં બાળરોગ ચિકિત્સક ડૉ. આસીયા અંજુમ સમજાવે છે. “જો જન્મ સમયે નવજાત કમળાની યોગ્ય સારવાર કરવામાં ન આવે, તો તેનાથી આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તેનાથી મગજને નુકસાન, હલનચલનમાં અવ્યવસ્થા, તંગ સ્નાયુઓ અને મંદબુદ્ધિ જેવી તકલીફ થઇ શકે છે.”
કામ શોધવામાં મુશ્કેલી અને ડોકટરો બદલતા રહેવાની સાથે, મુબીના અને અર્શીદ પોતાનો મોટાભાગનો સમય અને પૈસા મોહસીન ની સારવાર કરવામાં અને તેમના નાના દીકરાની દેખભાળ રાખવામાં કરે છે. ૭ વર્ષીય અલી ફરિયાદ કરે છે કે, “તે બાયા [ભાઈ] ને આખો દિવસ તેના ખોળામાં રાખે છે. તે મને ક્યારેય એ રીતે નથી રાખતી.” તે પોતાના ભાઈની સાથે જોડાવામાં મુશ્કેલી અનુભવે છે કેમ કે, “તે મારી સાથે વાત પણ નથી કરતો કે મારી સાથે રમતો પણ નથી, અને તેની મદદ કરવા માટે હું ખૂબ નાનો છું.”
અલી શાળાએ જતો નથી. તે પૂછે છે, “મારા પિતા પાસે પૈસા નથી, હું કઈ રીતે શાળાએ જઈ શકું?” વધુમાં, રખ-એ-અર્થમાં એક પણ શાળા નથી. લાવડા દ્વારા વાયદો કરવામાં આવ્યો હતો એ શાળા હજુ પણ અધુરી છે. સૌથી નજીક આવેલ શાળા બે કિલોમીટર દૂર બેમિનામાં છે અને તે પણ ફક્ત મોટા બાળકો માટે છે.
“રખ-એ-અર્થમાં સ્થળાંતરિત થયાના છ મહિનામાં જ અમે પારખી લીધું હતું કે અમે અહીં વધુ સમય નહીં રહી શકીએ,” મુબીના કહે છે. “અહીંની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અમારી પાસે મોહસીન ને હોસ્પિટલ લઇ જવા માટે પરિવહન સુવિધાઓ પણ નથી. અને જ્યારે અમારી પાસે પૈસા ન હોય [તે માટે], તો અમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.”
“અહીં કામ મળતું નથી,” અર્શીદ ઉમેરે છે. “અમે શું કરીએ? હું કામ શોધીશ, કે લોન લઈશ. અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી.”
અનુવાદક: ફૈઝ મોહંમદ