પાસાલા કોંડાન્ના કહે છે, “મેડાપુરમમાં અમે જે રીતે ઉગાદી ઉજવીએ છીએ તેવી ઉજવણી બીજે ક્યાંય થતી નથી." 82 વર્ષના આ ખેડૂત ઉગાદીના તહેવાર વિશે ગર્વથી વાત કરે છે. આંધ્ર પ્રદેશમાં તેમના ગામમાં ઉજવવામાં આવતો આ તહેવાર ઉગાદી એ તેલુગુ નવા વર્ષની શરૂઆત છે. આ તહેવાર માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવે છે.
અહીં શ્રી સત્યસાઈ જિલ્લાના મેડાપુરમ ગામમાં આ સમગ્ર ઉજવણીના સંચાલનની જવાબદારી અનુસૂચિત જનજાતિ સમુદાય (મડિગા સમુદાય) સંભાળે છે.
ઉત્સવની શરૂઆત ઉગાદીની આગલી રાત્રે દેવતાની મૂર્તિને લઈને વાજતે ગાજતે નીકળતી શોભાયાત્રા સાથે થાય છે. ગામની એક ગુફાથી મંદિર સુધીની દેવતાની મૂર્તિની આ યાત્રાને ભક્તો ખૂબ જ આતુરતા અને ઉત્તેજના સાથે નિહાળે છે. આ મંદિરનો વહીવટ સંભાળતા આઠ પરિવારો આ નાનકડા અનુસૂચિત જનજાતિ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. (વસ્તીગણતરી 2011 અનુસાર) 6641 ની વસ્તી ધરાવતા મેડાપુરમમાં આ નાનકડો સમુદાય લઘુમતીમાં હોવા છતાં આ ઉજવણીમાં તેઓ મુખ્ય ભૂમિકા ભજવે છે.
ઉગાદીના દિવસે રંગબેરંગી શણગારથી સજાવેલા વાહનો સાથે ગામ જીવંત બની ઊઠે છે, ઉજવણીના ભાગ રૂપે આ વાહનો મંદિરની પ્રદક્ષિણા કરે છે. ભક્તો પ્રસાદમ વહેંચે છે, જે સહુએ સાથે હળીમળીને, વહેંચીને સંસાધનોનો ઉપયોગ કરવાની ભાઈચારાની સમુદાયિક ભાવનાનું અને આગામી વર્ષ માટે (દૈવી) આશીર્વાદનું પ્રતીક છે. વાહનોની શોભાયાત્રાના સમાપન પછી બપોરે પંજુ સેવાની વિધિ થાય છે. શોભાયાત્રાના એ માર્ગને પવિત્ર કરવાની આ ધાર્મિક વિધિમાં શ્રદ્ધાળુઓ આગલી રાત્રે શોભાયાત્રા માટે જે માર્ગ લેવામાં આવ્યો હતો એ જ માર્ગને સરઘસાકારે અનુસરે છે.
દેવતાની મૂર્તિ ગામમાં લાવવાની આખીય વાર્તાને ફરીથી રજૂ કરીને, આ તહેવાર દરેકને મડિગા સમુદાયના સંઘર્ષની યાદ અપાવે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક