સુકુમાર બિસ્વાસ કોઈ સામાન્ય નારિયેળ વેચનાર નથી. સંગીત પ્રત્યે તેમને એવો તો પ્રેમ છે કે તેઓ કહે છે, "હું ખાધા વિના જીવી શકું પણ ગાયા વિના નહીં," અને એટલે જ તરસ્યા ખરીદદારો માટે નારિયેળ કાપે છે ત્યારે પણ સંગીત પ્રત્યેનો તેમનો આવો પ્રેમ તેમને સતત ગાતા રાખે છે. શાંતિપુરના લંકાપાડા વિસ્તારમાં અને તેની આસપાસના વિસ્તારમાં તેઓ 'ડાબદાદુ' (નારિયેળ દાદા) તરીકે જાણીતા છે.

70 વર્ષના આ વૃદ્ધ સ્ટ્રો સાથેના લીલા નારિયેળ તમારા હાથમાં આપે છે, અને એકવાર તમે એનું પાણી પી લો એ પછી તેઓ નારિયેળ કાપીને તેમાંથી તમારા માટે નારિયેળની નરમ, મુલાયમ મલાઈ બહાર કાઢી આપે છે, અને આ બધો જ સમય તેઓ લોકગીતો ગાતા રહે છે. તેઓ લાલોન ફકીર, સંગીતકાર શાહ અબ્દુલ કરીમ, ભાબા ખ્યાપા જેવા સૂફી સંતોએ રચેલા ગીતો ગાય છે. તેઓ કહે છે કે આ ગીતોમાં તેમને તેમના જીવનનો અર્થ જડે છે અને એક ગીતનો અર્થ ટાંકીને તેઓ પારીને કહે છે: “આપણે સત્ય સુધી ત્યારે જ પહોંચી શકીએ જ્યારે આપણે જાણીએ કે ખરેખર સત્ય શું છે. અને સત્ય જાણવા માટે સૌથી પહેલા આપણે આપણી જાત સાથે પ્રામાણિક થવું પડે.  અપ્રમાણિકતાથી છુટકારો મેળવીશું તો જ આપણે બીજાઓને પ્રેમ કરી શકીશું."

પોતાની ટોલી (ટ્રાઇસિકલ સાથે જોડાયેલ વાન) ચલાવીને તેઓ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જાય છે ત્યારે પણ ગાવાનું ચાલુ રાખે છે. તેમનું ગાયન સાંભળીને લોકોને જે-તે વિસ્તારમાં તેમની હાજરીની જાણ થઈ જાય છે.

ખરીદદારો સાથે ધંધાનું કામ નિપટાવતા તેઓ ઉમેરે છે, “એવા લોકો પણ છે જેઓ નારિયેળ ખરીદતા નથી પણ થોડો સમય ઊભા રહીને મારા ગીતો સાંભળે છે. (મને એનો કોઈ વાંધો નથી,) તેમણે નારિયેળ ખરીદવા જ એવું જરૂરી નથી. મને વધુ પડતા વેચાણની અપેક્ષા પણ નથી. જેટલું વેચાણ થાય છે તેટલાથી હું ખુશ છું."

Left: Sukumar selling coconuts on the streets of Santipur.
PHOTO • Tarpan Sarkar
Right: Back home, Sukumar likes to sing while playing music on his harmonium and dotara
PHOTO • Tarpan Sarkar

ડાબે: શાંતિપુરની શેરીઓમાં નારિયેળ વેચતા સુકુમાર. જમણે: ઘેર સુકુમાર ને તેમના હાર્મોનિયમ અને દોતારા પર સંગીત વગાડતા વગાડતા ગીતો ગાવાનું ગમે છે

સુકુમારનો જન્મ (હાલના) બાંગ્લાદેશના કુષ્ટિયા જિલ્લામાં થયો હતો, ત્યાં તેમના પિતા આજીવિકા માટે માછલી પકડતા હતા, અને જે મોસમમાં તેઓ માછીમારી કરી શકતા નહોતા ત્યારે તેઓ દાડિયા મજૂર તરીકે કામ કરતા હતા. જ્યારે (હાલના) બાંગ્લાદેશ (તત્કાલીન પૂર્વ પાકિસ્તાન) માં 1971 નું યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે મોટી સંખ્યામાં લોકોએ ભારતમાં આશરો લીધો હતો. સુકુમાર તેમાંના એક હતા. તેઓ કહે છે, “જ્યારે અમે આ દેશમાં આવ્યા ત્યારે દરેકની નજરમાં અમે શરણાર્થી હતા. મોટાભાગના લોકોએ અમને દયાભાવથી જોતા." જ્યારે તેઓ ભારત આવ્યા ત્યારે તેઓ માછીમારી માટેની માત્ર એક જાળ જ સાથે લાવી શક્યા હતા.

(ભારત આવ્યા બાદ) સુકુમારનો પરિવાર પહેલા પશ્ચિમ બંગાળના શિકારપુર ગામમાં આવ્યો હતો. થોડા મહિનાઓ માટે કૃષ્ણનગરમાં રહ્યા પછી આખરે તેઓ મુર્શિદાબાદ જિલ્લાના જિયાગંજ-આઝીમગંજ ખાતે સ્થાયી થયા. પોતાના પિતાની ગંગામાં માછીમારી વિશેની વાત કરતા સુકુમારની આંખોમાં ચમક આવી જાય છે. તેઓ કહે છે કે પછીથી, “સ્થાનિક બજારમાં જઈને (તેઓ) એ માછલીઓ ઊંચા ભાવે વેચી દેતા. એકવાર ઘેર આવીને તેમણે અમને કહ્યું કે હવે અમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. (એ અનુભવ) જાણે અમે કોઈ લોટરી જીતી લીધી હોય એવો હતો. એ માછલીઓ વેચીને અમને પહેલીવાર 125 રુપિયા મળ્યા હતા. તે સમય માટે આ ખરેખર મોટી રકમ હતી."

જીવનના જુદા જુદા તબક્કે યુવાન સુકુમારે અલગ-અલગ વ્યવસાયોમાં કામ કર્યું: ક્યારેક ટ્રેનોમાં ફેરિયા તરીકે કામ કર્યું, ક્યારેક નદીમાં હોડીઓ હંકારી તો ક્યારેક દાડિયા મજૂર તરીકે કામ કર્યું ને વળી ક્યારેક વાંસળી અને દોતારા જેવા સંગીતનાં વાદ્યો બનાવ્યાં. ગમે તે કામ કર્યું પણ તેમણે ગાવાનું ક્યારેય ન છોડ્યું. બાંગ્લાદેશમાં નદીઓને કિનારે અને લીલાછમ ખેતરોમાં શીખેલા તમામ ગીતો તેમને આજે પણ યાદ છે.

હવે સુકુમાર પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના શાંતિપુરમાં પોતાની પત્ની સાથે રહે છે. તેમને બે દીકરીઓ અને એક દીકરો છે. તેમની દીકરીઓ પરિણીત છે, અને તેમનો દીકરો મહારાષ્ટ્રમાં દાડિયા મજૂરનું કામ કરે છે. સુકુમાર કહે છે, “હું જે કંઈ કરું છું તે તેઓ સ્વીકારે છે, તેઓ મને મારી રીતે જીવવા દે છે. તેઓ હંમેશા મને સહકાર આપે છે. હું મારી રોજેરોજની કમાણીની ચિંતા કરતો નથી. મને જન્મ્યાને ઘણો સમય થઈ ગયો છે. હું માનું છું કે મારી બાકીની જીંદગી પણ હું આ જ રીતે જીવી લઈશ."

ફિલ્મ જુઓ: ગીતો ગાતા ગાતા નારિયેળ વેચનાર ડાબદાદુ

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Tarpan Sarkar

ਤਰਪਨ ਸਰਕਾਰ ਇੱਕ ਲੇਖਕ, ਅਨੁਵਾਦਕ ਤੇ ਗ੍ਰਾਫ਼ਿਕ ਡਿਜ਼ਾਇਨਰ ਹਨ। ਉਨ੍ਹਾਂ ਨੇ ਜਾਵਦਪੁਰ ਯੂਨੀਵਰਸਿਟੀ ਤੋਂ ਕੰਪੈਰਾਟਿਵ ਲਿਟਰੇਚਰ ਵਿੱਚ ਮਾਸਟਰ ਕੀਤੀ ਹੋਈ ਹੈ।

Other stories by Tarpan Sarkar
Text Editor : Archana Shukla

ਅਰਚਨਾ ਸ਼ੁਕਲਾ ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਰੂਰਲ ਇੰਡੀਆ ਵਿਖੇ ਕੰਟੈਂਟ ਸੰਪਾਦਕ ਹਨ। ਉਹ ਪ੍ਰਕਾਸ਼ਨ ਟੀਮ ਨਾਲ਼ ਕਰਦੇ ਹਨ।

Other stories by Archana Shukla
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik