તેઓ 104 વર્ષના હતા જ્યારે અમે તેમને મળ્યાં હતાં. હાથમાં ઝાલેલી એક માત્ર લાકડી પર ઝૂકેલું શરીર લઇ રૂમમાંથી બહાર આવી રહેલા તેઓ મદદ કરવા આગળ વધતા તમામ તત્પર હાથને અધીરાઈથી પાછા ધકેલી રહ્યા હતા. મહતોએ જીવનના છેલ્લા શ્વાસ સુધી ન તો કોઈની મદદ માંગી કે ન સ્વીકારી. તે ઉંમરે પણ તેઓ પોતાના બળે ચાલતા, ઊઠતા, બેસતા હતા. ઉલટાનું, પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના ચેપુઆ ગામમાં તેમના વિશાળ સંયુક્ત પરિવારની પેઢીઓ ઘણુંખરું તેમના જીવન અને ભવિષ્યના કેન્દ્રસ્થાને રહેલી આ ખેડૂત ગૃહિણી પર નિર્ભર હતી.
સ્વાતંત્ર્ય સેનાની ભવાની માહાતો 30 ઓગસ્ટ, 2024 ની વહેલી સવારે પરોઢિયું થાય એ પહેલાં જ તેમની ઊંઘમાં શાંતિથી મૃત્યુ પામ્યા. તેઓ 106 વર્ષના હતા. તેમના અવસાન સાથે, મારા પુસ્તક ધ લાસ્ટ હીરોઝ: ફુટ સોલ્જર્સ ઓફ ઈન્ડિયન ફ્રીડમ (પેંગ્વિન નવેમ્બર 2022)ના 16 સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના માત્ર ચાર જ જીવંત રહે છે. એક અર્થમાં ભવાની માહાતો જેમનાં ઇન્ટરવ્યુ PARIની ફ્રીડમ ફાઈટર્સ ગેલેરીમાં નોંધાયેલા છે એ ઘણાં અસાધારણ સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક વિશિષ્ટ વ્યક્તિ હતાં. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ હતાં જેમણે કલાકો સુધી અમારી વાતચીતમાં, તે મહાસંઘર્ષમાં કોઈ પ્રકારની ભૂમિકા ભજવી હોવાનો ભારપૂર્વક ઈન્કાર કર્યો હતો. "મારે તેની સાથે અથવા એના જીવી બીજી કોઈ લડત સાથે શું લેવા દેવા?" માર્ચ 2022 માં જયારે અમે એમને પહેલવહેલી વાર મળ્યાં ત્યારે એમણે પૂછેલું. વાંચોઃ ભવાની માહાતોએ પોષેલી ક્રાંતિ








