હું પુરુલિયામાં ભવાની માહાતોને પૂછું છું, "ભારત છોડો ચળવળમાં તમારા પતિ વૈદ્યનાથને 13 મહિના જેલમાં રાખવામાં આવ્યા હતા તે સમય તમારે માટે ખૂબ મુશ્કેલ હશે નહીં? આટલું મોટું સંયુક્ત કુટુંબ સંભાળવું અને..."

તેઓ શાંતિથી પરંતુ દ્રઢતાપૂર્વક કહે છે, "જ્યારે તેઓ ઘેર પાછા આવ્યા તે સમય ઘણો વધારે મુશ્કેલ હતો. તેઓ તેમના મિત્રોને (ઘેર) લાવતા જ રહેતા અથવા મારે તેમના (વૈદ્યનાથના મિત્રો) માટે રસોઈ બનાવવાની અને તેઓ (મિત્રો) એ લઈ જતા. ક્યારેક 5, 10, 20 અથવા વધારે લોકો. મને એક ઘડીનો ય આરામ મળતો નહીં.”

"પરંતુ ભારત છોડો ચળવળ સાથેનું તમારું જોડાણ..."

"મારે એની સાથે કે એના જેવી કોઈ પણ ચળવળ સાથે શી લેવાદેવા? ભવાની પૂછે છે. "મારે ચળવળ સાથે કોઈ લેવાદેવા નહોતી, મારા પતિ વૈદ્યનાથ માહાતો એ બધું કરતા હતા. હું ખૂબ જ વ્યસ્ત હતી, એક મોટા પરિવારની, એ બધા લોકોની સંભાળ રાખવામાં, કેટલી બધી રસોઈ કરવાની હતી મારે - રોજેરોજ વધારે ને વધારે રસોઈ કરવાની થતી! યાદ રાખજો, (આ બધા કામ સાથે) હું ખેતર પણ સંભાળતી હતી," તેઓ કહે છે.

અમે નિરાશ છીએ. અમારી નિરાશા કદાચ અમારા ચહેરા પર દેખાઈ રહી છે. અમે હજી આજે પણ જીવંત એવા સ્વાતંત્ર્ય સેનાનીઓની શોધમાં પશ્ચિમ બંગાળના આ અંતરિયાળ ભાગમાં ઘણે દૂરથી આવ્યા હતા. અને અહીં માનબજાર-1 બ્લોકના ચેપુઆ ગામમાં એ ભૂમિકા માટે યોગ્ય આ મહાન ઉમેદવાર ભારતને સ્વતંત્રતા અપાવનાર ઐતિહાસિક સંઘર્ષ સાથેના એમના કોઈપણ જોડાણને નકારી રહ્યા હતા.

101 થી 104 વર્ષની વયની વચ્ચેની એક વ્યક્તિના પ્રમાણમાં ભવાની માહાતો ખૂબ સ્પષ્ટતા અને નિર્ણાયકતા સાથે વાત કરી રહ્યા હતા. આદર્શ સંજોગોમાં પણ દૂરના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ લોકોની ઉંમરનું દસ્તાવેજીકરણ કરવું મુશ્કેલ છે. એક સદી પહેલા જ્યારે તેમનો જન્મ થયો હતો ત્યારે ભાગ્યે જ (જન્મનું) દસ્તાવેજીકરણ થતું. પણ અમે ભવાનીની ઉંમરના એ અંદાજ પર પહોંચીએ છીએ, તેમના સ્વર્ગસ્થ પતિની નોંધાયેલી વિગતો દ્વારા, અને 70 ના દાયકામાં પહોંચેલા તેમના પુત્ર સહિત તેમના મોટા પરિવારના સભ્યો પાસેથી, અને પુરુલિયામાં (જેની જોડણી પુરુલીઆ તરીકે પણ થાય છે) અમે જે થોડાઘણા ગામોની મુલાકાત લઈએ છીએ તે ગામોમાં રહેતા ભવાનીથી ઉંમરમાં થોડા નાના તેમના સમકાલીન લોકો પાસેથી.

અહીંની નિષ્ક્રિય આધાર કાર્ડ પ્રણાલી દ્વારા તેમની પેઢીના લોકોની મન ફાવે તેમ નોંધાયેલી વય કરતાં આ કોઈ પણ રીતે વધુ વિશ્વસનીય ગણતરી છે. આધાર કાર્ડમાં ભવાનીના જન્મનું વર્ષ 1925 નોંધવામાં આવ્યું છે. એ મુજબ તેઓ 97 વર્ષના થાય.

તેમના પરિવારનું કહેવું છે કે તેઓ 104 વર્ષના છે.

Bhabani’s age is somewhere between 101 and 104. Here she is with her son Shyam Sundar Mahato who is in his 70s
PHOTO • P. Sainath

ભવાનીની ઉંમર 101 અને 104 ની વચ્ચે ક્યાંક છે. અહીં તેઓ તેમના પુત્ર શ્યામ સુંદર માહાતો સાથે છે, જેમની ઉંમર 70 ના દાયકામાં છે

તેઓ કહે છે, “અમારું એક મોટું સંયુક્ત કુટુંબ હતું. બધી જવાબદારીઓ મારે માથે હતી. હું બધા જ કામ કરતી. હું બધું જ સંભાળતી. બધું જ. હું પરિવાર ચલાવતી. 1942-43માં જ્યારે આ બધી ઘટનાઓ બની ત્યારે મેં જ બધાનું ધ્યાન રાખ્યું. ભવાની  ‘ઘટનાઓ’નું નામ લેતા નથી. પરંતુ તેમાં બીજી ઘટનાઓ ઉપરાંત ભારત છોડો ચળવળનો પણ સમાવેશ થાય છે. અને તે સમયે પણ બંગાળના સૌથી વંચિત પ્રદેશોમાંના એક પ્રદેશના 12 પોલીસ સ્ટેશનો પર સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા ત્રિરંગો લહેરાવવાના સપ્ટેમ્બર 30,1942ના પ્રખ્યાત પ્રયાસનો પણ.

એક એવો જિલ્લો કે જેમાં આજે પણ તમામ પરિવારોમાંથી ત્રીજા ભાગના પરિવારો  ગરીબી રેખાની નીચે જીવે છે. અને હજી આજે પણ આખા પશ્ચિમ બંગાળમાં આ જિલ્લામાં સૌથી વધુ  ગરીબી છે. ભવાનીના વિશાળ પરિવાર પાસે કેટલાક એકર જમીન હતી - અને હજી આજે પણ છે. તે કારણે તેઓ બીજા ઘણા લોકો કરતા પ્રમાણમાં વધુ સધ્ધર સ્થિતિમાં છે.

તેમના પતિ વૈદ્યનાથ માહાતો સ્થાનિક નેતા હતા. તેઓ બ્રિટિશ રાજ વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ હતા. પુરુલિયામાં હજી જીવંત બે સ્વાતંત્ર્ય સેનાનીઓ, ઠેલુ માહાતો અને ‘લોખી’ માહાતો, પિરડા ગામમાં અમને જણાવે છે કે કોઈપણ પ્રકારના સમાચાર દૂરના પ્રદેશો સુધી પહોંચવામાં ઘણો સમય લાગતો. ઠેલુ માહાતો કહે છે, "ભારત છોડોની હાકલ કરાઈ તેના કદાચ એક મહિના પછી  અહીં અમને એ વિશે જાણ થઈ હશે."

અને તેથી તેના પ્રતિસાદરૂપે આયોજિત કાર્યવાહી 30 મી સપ્ટેમ્બર, 1942ના રોજ થઈ. 8 મી ઓગસ્ટ, 1942ના રોજ મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાનમાં મહાત્મા ગાંધીએ અંગ્રેજોને 'ભારત છોડો' ની હાકલ કર્યાના પૂરા 53 દિવસ પછી. અને ત્યારપછી કરાયેલા દમનમાં વૈદ્યનાથની ધરપકડ કરાઈ તેમને ખૂબ સહન કરવા વારો આવ્યો. આઝાદી પછી તેઓ શાળાના શિક્ષક બનવાના હતા. તે સમયે શિક્ષકો રાજકીય ગતિવિધિમાં મુખ્ય ભૂમિકા ભજવતા. એક એવી ભૂમિકા કે જે સ્વતંત્ર ભારતમાં પણ કેટલાક દાયકાઓ સુધી ભજવાવાની હતી.

*****

Bhabani ran the family’s farm for decades right from preparing the soil for sowing, to supervising the labour and the harvesting. She even transported the produce back home herself
PHOTO • P. Sainath

તેમણે દાયકાઓ સુધી પરિવારનું ખેતર સાંભળ્યું જમીન તૈયાર કરવાથી લઈને, વાવણી કરવી, મજૂરો પર ધ્યાન આપવું, નીંદણ કરવું, લણણી કરવા સુધીનું. તે ઉપરાંત તેઓ (ખેતરોમાંથી) ખતપેદાશો તેમને ઘેર લઈ જતા હતા

પોલીસ સ્ટેશનો પર કબજો કરીને તેના પર ધ્વજ ફરકાવવાના પ્રયાસમાં વિવિધ જૂથો સામેલ હતા. શોષણકારી બ્રિટિશ શાસનથી કંટાળેલી જનતા હતી. વિવિધ પૃષ્ઠભૂમિના બીજા લોકો હતા. ડાબેરી ક્રાંતિકારીઓ અને ગાંધીવાદીઓ હતા. અને ઠેલુ અને ‘લોખી’ માહાતો જેવા લોકો પણ, જેઓ અમે સમજ્યા એમ, બીજા ઘણા લોકોની જેમ, રાજનૈતિક મનોવૃત્તિમાં ડાબેરી અને વ્યક્તિત્વે  ગાંધીવાદી હતા.

તેમની રાજનીતિ, તેમનો જુસ્સો ડાબેરીઓના પક્ષે હતો. તેમના નૈતિક નિયમો અને જીવનશૈલી ગાંધી દ્વારા માર્ગદર્શિત હતી. આ બેમાંથી કોઈ એક માર્ગ પસંદ કરવામાં  તેઓ ઘણીવાર મૂંઝવણ અનુભવતા હતા. તેઓ અહિંસામાં માનતા હતા પરંતુ કેટલીકવાર અંગ્રેજો સામે હિંસાથી બદલો લેતા હતો. તેઓ કહે છે: “જુઓ, તેઓએ અમારા પર ગોળીબાર કર્યો. અલબત્ત લોકો જ્યારે  મિત્રો, કુટુંબીજનો અથવા સાથીઓ પર પોલીસ દ્વારા તેમની નજર સામે ગોળીબાર કરાતો જુએ ત્યારે તેઓ બદલો લેવાના જ છે.” ઠેલુ અને ‘લોખી’ બંને કુર્મી છે.

ભવાનીના પરિવારજનો પણ કુર્મી છે, જે પશ્ચિમ બંગાળના જંગલમહાલ ક્ષેત્રમાં સૌથી મોટો સમુદાય છે.

બ્રિટિશ રાજે તેમને 1913માં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ કર્યા હતા. જો કે 1931ની વસ્તી ગણતરીમાં રાજે તેમને એ જૂથમાંથી પડતા મૂક્યા હતા. 1950ના ભારતમાં તેઓ વિચિત્ર રીતે અન્ય પછાત જાતિ (ઓબીસી) તરીકે સૂચિબદ્ધ થયા હતા. તેમનો આદિવાસી દરજ્જો પુનઃસ્થાપિત કરવો એ આ રાજ્યના કુર્મીઓની મુખ્ય માંગ છે.

અહીં સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ કુર્મીઓ મોખરે હતા. સપ્ટેમ્બર 1942 ના છેલ્લા બે દિવસોમાં 12 પોલીસ સ્ટેશનો પરની કૂચમાં સંખ્યાબંધ કુર્મીઓએ ભાગ લીધો હતો..

Baidyanath Mahato was jailed 13 months for his role in the Quit India stir
PHOTO • Courtesy: the Mahato family

ભારત છોડો આંદોલનમાં તેમની ભૂમિકા બદલ બૈદ્યનાથ મહતોને 13 મહિનાની જેલ થઈ હતી

70 ના દાયકાની ઉંમરના તેમના દીકરા શ્યામ સુંદર માહાતો કહે છે, "વૈદ્યનાથે એ પછીના 13 મહિના જેલમાં વિતાવ્યા. તેમને ભાગલપુર કેમ્પ જેલમાં રાખવામાં આવ્યા હતા." આ જ એ ક્ષણ હતી જયારે અમે ભવાનીને પતિના કારાવાસના સમયમાં એમને પડેલી તકલીફો વિશેનો પેલો પ્રશ્ન પૂછેલો, અને જ્યારે તેમણે અમને એમ કહીને અચંબામાં બાખી દીધા હતા કે ખરો કપરો સમય તો તેમના પતિના ઘરે  તે ઘરે પાછા આવ્યા તે હતો.

“એટલે વધારે ને વધારે લોકો આવતા. વધારે લોકોને જમાડવાના. વધારે લોકોની સંભાળ રાખવાની. તેઓ જ્યારે પાછા આવ્યા ત્યારે હું ખૂબ રડી અને મારો ગુસ્સો  વ્યક્ત કર્યો કે તેઓ આ બધી મહાન બહાદુરી બતાવતા હતા એ બધું મારા ભોગે, તેમના પરિવારના ભોગે થઈ રહ્યું હતું. અને તેમના પાછા ફરવાથી મારું કામ વધી ગયું હતું."

અમે અમારું ધ્યાન ફરીથી ભવાની પર કેન્દ્રિત કરીએ છીએ. શું તેમની (ભવાનીની) વિચારસરણી પર ગાંધીજીની અસર પડી હતી? સત્યાગ્રહ અને અહિંસા વિશે તેમનું  શું માનવું હતું?

શાંત હોવા છતાં ભવાની તેમની લાગણીઓ સ્પષ્ટપણે અને સુસંગત રીતે વ્યક્ત કરે છે. તેમની સૌમ્યતા કોઈક રીતે એવી છાપ આપે છે કે તેઓ પોતાની વાત ઓછી બુદ્ધિવાળા બાળકોને સમજાવી રહી છે જેઓ તેને સમજી શકતા નથી.

તેઓ પૂછે છે, "ગાંધી... તમારા કહેવાનો અર્થ શું છે? તમે કહેવા શું માગો છો?" પોતાની વાત પર ભાર મૂકવા અમારી તરફ હાથ હલાવી તેઓ કહે છે, "તમને શું લાગે છે કે હું બેઠી બેઠી તેના વિશે વિચાર કરતી હોઈશ અને આ મુદ્દાઓ પર ચિંતન કરતી હોઈશ? અરે મારે જેમની જરૂરિયાતો પૂરી કરવાની હતી, જેમની સેવા કરવાની હતી, સંભાળ રાખવાની હતી, જેમના માટે રસોઈ કરવાની હતી એવા લોકોની સંખ્યા રોજેરોજ વધતી જતી હતી."

“જરા સમજો, મારા લગ્ન થયા ત્યારે હું નવ વર્ષની હતી. ત્યારે હું આવી મહાન બાબતો વિશે ક્યાંથી વિચારતી હોઉં? તે પછી દાયકાઓ સુધી હું એકલા હાથે વિશાળ સંયુક્ત કુટુંબની સંભાળ રાખતી હતી. મહેરબાની કરીને સમજી લો કે હું  ખેતર સંભાળતી હતી. જમીન તૈયાર કરવાથી લઈને, વાવણી કરવી, મુનિશ (મજૂરો) પર ધ્યાન આપવું, નીંદણ કરવું, લણણી કરવા સુધીનું ..." તે ઉપરાંત તેઓ ખેત મજૂરોને જમાડતા હતા.

વળી લગભગ જંગલોને છેવાડે આવેલા ખેતરોમાંથી ખતપેદાશો તેમને ઘેર લઈ જતા હતા.

અને આ બધું તેમણે એવા યુગમાં કર્યું જયારે તેમની પાસે કોઈ યાંત્રિક ઉપકરણો નહોતા - ઈલેક્ટ્રિક ઉપકરણો વિષે તો કોઈએ સાંભળ્યું ય નહોતું. અને ખેતરોમાં આ તમામ શારીરિક શ્રમ તેમણે માનવામાં ન આવે એટલા જૂના સાધનો અને ઓજારો સાથે કર્યો હતો, જે સાધનો અને ઓજારો મોટા પુરુષ હાથો તૈયાર કરાયેલ હતા - અને હજી આજે પણ એ જ રીતે તૈયાર થાય છે. અને આ બધું અસમાનતા અને ભૂખમરાથી ઘેરાયેલા અત્યંત દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાં.

વૈદ્યનાથ સાથે તેમના લગ્નના લગભગ ત્રણ દાયકા પછી વૈદ્યનાથે ફરીથી લગ્ન કર્યા. આ વખતે તેમણે ભવાનીની જ બહેન ઉર્મિલા સાથે લગ્ન કર્યા, જે ભવાનીથી ઉંમરમાં  લગભગ 20 વર્ષ નાની હતી. તેમના સંબંધીઓ કહે છે કે એક મોટી કૌટુંબિક કટોકટી ઊભી થતા આમ બન્યું હતું. દરેક બહેને ત્રણ-ત્રણ બાળકો થયા.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

પુરુલિયા જિલ્લાના ચેપુઆ ગામમાં તેમના ઘરે ભબાની

અમને ધીમે ધીમે સમજાય છે. ભવાની માહાતોએ તેમના પરિવાર માટે - અને બીજા  ઘણા લોકો માટે જે અનાજ રાંધ્યું હતું તે ઉગાડ્યું હતું, લણ્યું હતું અને તેનું પરિવહન પણ કર્યું હતું. તેઓ આ બધું કરતા હતા 1920 ના અંતમાં અને 1930 ના દાયકામાં. અને 1940 ના દાયકામાં પણ.

તેમણે કેટલા એકર જમીન પર કામ કર્યું તેની વિગતો થોડી અસ્પષ્ટ છે. પરિવારે એ જમીન ખેતી કરી હતી જેને તેઓ પોતાની ગણતા હતા પરંતુ તેના માટે તેમની પાસે કોઈ માલિકીના દસ્તાવેજ નહોતા. જમીનદારની રહેમ નજરથી તેઓ  તેના પર કામ કરતા. 20 થી વધુ સભ્યો ધરાવતું તેમનું વિશાળ કુટુંબ જનડામાં ભવાનીના પોતાના પરિવારની અને ચેપુયામાં તેમના સાસરાના પરિવારની એમ બંને જમીન પર કામ કરી ગુજારો કરતા હતા. બંને ગામોમાં મળીને કુલ 30 એકર જમીન હતી.

તેમના પર પડતો કામનો અમાનુષી બોજ તેમના દરેક જાગતા કલાક ખાઈ જતો હતો. અને તે ઘણા હતા.

તો શું તેઓ સવારે 4 વાગે ઊઠી જતા? તેઓ કટાક્ષ કરે છે "એના કરતા કંઈક વહેલી. એનાકરતા કંઈક વહેલી." તેઓ મોડામાં મોડા સવારે 2 વાગ્યા સુધીમાં ઊઠી જતા હતા એવું લાગે છે. "અને રાત્રે 10 વાગ્યા પહેલા ક્યારેય સૂવા પામતી નહીં. સામાન્ય રીતે એનાથી ઘણું મોડું."

તેમના પહેલા બાળકનું મૃત્યુ મરડાના ખરાબ હુમલા પછી થયું હતું. “અમે પોતાની પ્રાકૃતિક શક્તિઓથી રોગ મટાડનાર કવિરાજ નામના એક ફકીર પાસે ગયા હતા. પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નહોતો. તે (બાળકી) મૃત્યુ પામી ત્યારે તે માત્ર એક વર્ષની હતી.

હું તેમને ગાંધી અને ચળવળ વિશે ફરીથી પૂછવાનો પ્રયત્ન કરું છું. તેઓ કહે છે, "મા બન્યા પછી મને ચરખો ચલાવવાનો અને એ તમામ પ્રકારની જે પ્રવૃત્તિઓ હું કરતી હતી તે ચાલુ રાખવા માટે સમય મળતો નહોતો." તેઓ અમને ફરી એકવાર યાદ કરાવે છે - "જ્યારે મારા લગ્ન થયા ત્યારે હું 9 વર્ષની હતી."

પરંતુ તે પછી તેઓ જે સંજોગોમાં જીવ્યા હતા, તેમણે જે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તે જોતાં, તે યુગમાં તેઓ જે ત્રણ અસાધારણ અનુભવોમાંથી પસાર થયા તે વિશે ભવાની ચોક્કસપણે વાત કરી શકે.

“હું દરેક ક્ષણે ભાવનામાં તણાઈ જતી.  મારું જીવન કેવું હતું એ જરા સમજો. તમને શું લાગે છે, હું બેસીને એ વિષે વિચારવાની હતી? આ વિશાળ પરિવાર કેમ ચલાવવો, કેમ સંભાળવો એનું ધ્યાન મારે રાખવાનું હતું. વૈદ્યનાથ અને બીજા લોકો સંઘર્ષમાં સામેલ હતા. હું બધાને જમાડતી.”

જ્યારે અતિશય બોજ અને દમ ઘૂટતું દબાણ તેમના પર હાવી થઈ જતું ત્યારે તેઓ  શું કરતા? “હું મારી મા પાસે બેસીને રડતી. એક વાત સમજી લો, જ્યારે મારે વૈદ્યનાથે તેમની સાથે લાવેલા વધારે ને વધારે લોકો માટે રસોઇ કરવી પડી હતી  - ત્યારે હું ચિડાતી નહોતી. મને ફક્ત રડું આવતું.”

તેઓ ઈચ્છે છે કે અમે તેમને સારી રીતે સમજીએ અને એ માટે તેઓ એ શબ્દોને પુનરાવર્તિત કરે છે - "હું ચિડાતી નહોતી, મને ફક્ત રડું આવતું."

*****

1940ના દાયકામાં ગ્રેટ બંગાળ દુષ્કાળના વર્ષો દરમિયાન તેમને માથે સૌથી વધુ ભાર હતો. તે સમયગાળામાં તેમણે  જે મુશ્કેલીઓ સહન કરી હશે તેની તો કલ્પના પણ ન થઈ શકે

જુઓ વિડિયો – પુરુલિયાના આનાકાની કરતા આઝાદીના લડવૈયા

અને જેવા અમે ત્યાંથી નીકળવા માટે અમારી ખુરશીઓ પરથી ઊભા થવા જઇએ છીએ ત્યારે જ તેમના પૌત્ર પાર્થ સારથી માહાતો જેઓ - વૈદ્યનાથ જેવા - શિક્ષક હતા તેઓ અમને બેસવા માટે કહે છે. ‘પાર્થ દા’ એ અમને કંઈક કહેવું છે.

અને આખરે અમને કંઈક સમજાય છે.

તેઓ તેમના મોટા પરિવાર સિવાય જે બીજા લોકો માટે રસોઈ બનાવતા રહ્યા એ લોકો કોણ હતા?  ક્યારેક જે પાંચ-દસ-વીસ લોકોને વૈદ્યનાથ લઈ આવતા અને ભવાની તેમને માટે જમવાનું બનાવતા એ લોકો  કોણ હતા?

પાર્થ દા કહે છે, "તેઓ જે ભોજન બનાવતા એ ક્રાંતિકારીઓ માટે હતું. (ક્રાંતિકારીઓ) જેઓ ભૂગર્ભ પ્રતિકારમાં હતા, ઘણીવાર નાસતા ફરતા હતા અથવા જંગલમાં છુપાઈને રહેતા હતા."

અમે થોડીવાર કંઈ જ બોલ્યા વગર ત્યાં બેસી રહ્યા. આ મહિલાના નિર્ભેળ બલિદાનથી સંપૂર્ણપણે અભિભૂત, જેમને 9 વર્ષની ઉંમરથી માંડીને લગભગ તેમના આખા જીવનમાં ક્યારેય કંઈ વિચારવા માટે નહોતો મળ્યો થોડો સમય, નહોતી મળી થોડીક નિરાંત કે શાંતિ કે નહોતો મળ્યો પોતાની જાત ખાતર ઘડીનો ય સમય.

1930 અને 40 ના દાયકામાં તેમણે જે કંઈ કર્યું તેને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો એમ ન કહેવાય તો બીજું શું કહેવાય?

તેમનો દીકરો અને બીજા લોકો અમારી તરફ જુએ છે, (તેમને) નવાઈ લાગે છે કે અમે આ વાત સમજી નહોતા શક્યા. તેઓએ માની લીધું હતું કે અમે જાણતા જ હોઈશું.

શું ભવાનીને ખબર હતી કે તેઓ શું અને કોના માટે કરી રહ્યા છે?

આમ જુઓ તો વાસ્તવમાં, હા. તેમને  ફક્ત તેમના નામની ખબર નહોતી અથવા તેમને વ્યક્તિઓ તરીકે ઓળખતા નહોતા. વૈદ્યનાથ અને તેમના સાથી બળવાખોરોએ ગામની મહિલાઓ અને ભાગતા ફરતા ક્રાંતિકારીઓ બંનેને શક્ય તેટલું રક્ષણ આપવાના હેતુથી ગામની મહિલાઓ દ્વારા રાંધવામાં આવેલ રસોઈ એ ક્રાંતિકારીઓ સુધી પહોંચાડવાનું આયોજન કર્યું હતું.

પાર્થ દા, જેમણે તે સમયની પુરુલિયાની પરિસ્થિતિ પર સંશોધન કર્યું છે તેઓ  અમને પછીથી સમજાવે છે: “ગામના પ્રમાણમાં સારી (આર્થિક) સ્થિતિવાળા માત્ર થોડાક જ પરિવારોએ જ કોઈ એક ચોક્કસ દિવસે ત્યાં છુપાયેલા જેટલા પણ કાર્યકરો હોય તેમને માટે ભોજન તૈયાર કરવાનું હતું. અને આ ભોજન તૈયાર કરતી મહિલાઓને રાંધેલી રસોઈ તેમના રસોડામાં છોડી દેવાનું કહેવામાં આવતું હતું.

“તેઓ જાણતા ન હતા કે એ કોણ હતું જે આવીને જમવાનું લઈ ગયું હતું, ન તો તેઓ એ જાણતા હતા કે તેઓ કોના માટે રસોઈ કરી રહ્યા હતા. પ્રતિરોધે ક્યારેય જમવાનું લઈ જવાનું કામ ગામના લોકો પાસે કરાવ્યું નહોતું. ગામમાં અંગ્રેજોના જાસૂસો અને બાતમીદારો હતા. તેમ જ તેમના સહયોગી સામંતવાદી જમીનદારો પણ હતા. આ બાતમીદારો જંગલમાં જમવાનું લઈ જતા સ્થાનિકોને ઓળખી જાય. પરિણામે  મહિલાઓ અને ભૂગર્ભમાં ગયેલ કાર્યકરો બંને જોખમમાં મૂકાય. તેમ જ તેઓ જે લોકોને જમવાનું લઈ આવવા માટે - કદાચ રાતના સમયે - મોકલતા હતા તેઓને કોઈ ઓળખી જાય તેમ ન હતું. મહિલાઓએ ક્યારેય જોયું નહોતું કે ભોજન કોણ લઈ જાય છે.

“આ રીતે બંનેને ખુલ્લા પડી જવામાંથી સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. પરંતુ મહિલાઓ જાણતી હતી કે શું ચાલી રહ્યું છે. ગામની મોટાભાગની મહિલાઓ રોજ સવારે તળાવો અને નાળાઓ, ટેન્કો નજીક ભેગી થતી - અને આ પ્રવૃત્તિઓમાં સામેલ મહિલાઓ નોંધો અને અનુભવોની આપલે કરતી. તેઓ જાણતા હતા કે તેઓ શું અને શા માટે કરી રહ્યા છે - પરંતુ ક્યારેય ચોક્ક્સ કોને માટે કરી રહ્યા છે એ જાણ્રતા નહોતા.

*****

PHOTO • P. Sainath

ભવાની તેમના પૌત્ર પાર્થ સારથી માહાતો સહિત તેમના હાલના પરિવારના બીજા 13 સભ્યો સાથે (નીચે જમણે). જ્યારે ફોટો લેવામાં આવ્યો ત્યારે પરિવારના કેટલાક સભ્યો હાજર ન હતા

'મહિલાઓ' માં માંડ 15-17 વર્ષની કિશોરવયની યુવતીઓ પણ સામેલ હતી. તેઓ  બધા જ ખૂબ ગંભીર પરિણામોનું જોખમ લઈ રહયા હતા. જો પોલીસ ભવાનીને ઘેર  આવી પહોંચે તો? તેમનું અને તેમના કહેવા પ્રમાણે 'બધી વસ્તુઓ માટે' તેમના પર જ નિર્ભર કુટુંબનું શું થાત? જોકે, મોટેભાગે ભૂગર્ભ વ્યવસ્થા સફળ રહેતી.

તેમ છતાં, સ્વદેશી, ચરખા અને અંગ્રેજો સામે પ્રતિકારના બીજા પ્રતીકો અપનાવતા પરિવારો હંમેશા દેખરેખ હેઠળ રહેતા. જોખમો વાસ્તવિક હતા.

તો ભૂગર્ભમાં રહેલા લોકો માટે ભવાનીએ શું રાંધ્યું? તેઓએ પાર્થ દાને અમારી મીટિંગ પછી એ સમજાવવા કહ્યું. જોનાર (મકાઈ), કોદો (ખાઈ બાજરી અથવા ભારતીય ગાયનું ઘાસ), માડોયા (રાગી અથવા બાજરી), અને મહિલાઓ મેળવી શકે તે કોઈપણ શાકભાજી. એનો અર્થ એ  કે ભવાની અને તેના મિત્રોને કારણે તેઓ (ભૂગર્ભમાં રહેલા લોકો) ઘેર જમવામાં જે મુખ્ય વસ્તુઓ ખાતા હતા તે જ વસ્તુઓ અવારનવાર ખાઈ શક્યા હતા.

કેટલાક પ્રસંગોએ તેઓએ મમરા કે પૌંઆ - બંગાળીમાં ચિંડે  (પૌંઆ) - ખાધા હતા. મહિલાઓ ક્યારેક તેમને ફળ પણ મોકલતી. તે સિવાય તેઓ જંગલી ફળ અને બોર જેવા ફળ ખાતા. જૂના જમાનાના લોકો યાદ કરે છે તે એક વસ્તુ છે ક્યાન્દ (અથવા તિરિલ). એક કરતાં વધુ આદિવાસી ભાષામાં તેનો સરળ અર્થ છે જંગલનું ફળ.

પાર્થ દા કહે છે કે  એક યુવાન પતિ તરીકે તેમના દાદા અચાનક આવી જતા અને ભવાનીને રસોઈ બનાવવાનું કહેતા. જ્યારે આ જંગલમાંના મિત્રો માટે હોય ત્યારે તેનો અર્થ અનિવાર્યપણે ઘણા વધુ લોકો માટે રસોઈ બનાવવાનો  હતો.

અને માત્ર અંગ્રેજો જ સમસ્યા હતા એવું નહોતું. 1940ના દાયકામાં ગ્રેટ બંગાળ દુષ્કાળના વર્ષો દરમિયાન તેમને માથે સૌથી વધુ ભાર હતો. તે સમયગાળામાં તેમણે  જે મુશ્કેલીઓ સહન કરી હશે તેની તો કલ્પના પણ ન થઈ શકે.

તેમના સાહસો આઝાદી પછી પણ ચાલુ રહ્યા. 1950ના દાયકામાં, જ્યાં પરિવાર હજી આજે પણ રહે છે ત્યાં એક ભીષણ આગથી આખો મહોલ્લો નષ્ટ થઈ ગયો. આગને કારણે ત્યાંના લોકો પાસે સંઘરેલા અનાજનો તમામ જથ્થો નાશ પામ્યો. ભવાની જનડા ગામમાં પોતાના પરિવારની જમીનમાંથી અનાજ અને ઉપજ લાવ્યા. અને આગામી લણણી સુધી અઠવાડિયાઓ સુધી આખા સમુદાયને ટકાવી રાખ્યો.

1964માં બિહારમાં જમશેદપુર નજીક એક મોટી સાંપ્રદાયિક હિંસા ભડકી ઊઠી હતી. તેની જ્વાળાઓએ પુરુલિયાના કેટલાક ગામોને પણ સળગાવ્યા હતા. ભવાનીએ તેમના ગામના ઘણા મુસ્લિમોને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો.

બે દાયકા પછી પહેલેથી જ વૃદ્ધ ભવાનીએ સ્થાનિકોના પશુધન પર હુમલો કરતી એક જંગલી બિલાડીને મારી નાખી હતી. પાર્થ દા કહે છે તેમણે (ભવાનીએ) લાકડાના જાડા ટુકડાથી તેને મારી નાખી હતી. તે એક ખોટાશ અથવા જંગલમાંથી બહાર આવતી નાની ભારતીય સિવેટ હોવાની જાણ થઈ હતી.

*****

PHOTO • Courtesy: the Mahato family

ભવાની માહતો (મધ્યમાં) એમના પતિ વૈદ્યનાથ અને બહેન ઊર્મિલ સાથે 1980માં. આ પહેલાંના સમયના પરિવારના કોઈ ફોટો લભ્ય નથી

અમે ભવાની માહાતોને નવા આદર સાથે જોઈએ છીએ. સ્વતંત્રતા સેનાની ગણપતિ યાદવ પર મેં કરેલી વાર્તા મને યાદ આવી ગઈ. સતારામાં ભૂગર્ભમાં ગયેલા ક્રાંતિકારીઓના વાહક તરીકે તેઓ જંગલમાં છુપાયેલા લડવૈયાઓ માટે ત્યાં ભોજન  લઈ ગયા હતા.  હું તેમને મળ્યો ત્યારે  98 વર્ષની ઉંમરે પણ તેઓ દિવસમાં 20 કિલોમીટર સાઈકલ ચલાવતા હતા. એ અદ્ભુત માણસ પર તે વાર્તા કરવાનું મને ગમ્યું હતું. પરંતુ મારે તેમને પૂછવાનું રહી ગયું હતું: તેઓ ભારે જોખમે જંગલોમાં આટલું બધું ભોજન લઈ ગયા હતા પરંતુ એ રસોઈ કરનાર તેમની પત્નીનું શું?

જ્યારે હું તેમને (ગણપતિને) મળવા ગયો હતો ત્યારે તેઓ (તેમના પત્ની) સંબંધીઓ સાથે દૂર હતા.

ગણપતિ મૃત્યુ પામ્યા છે, પણ ભવાની સાથેની અમારી મુલાકાત મને એક વાતનો અહેસાસ કરાવે છે. મારે પાછા જઈને વત્સલા ગણપતિ યાદવ સાથે વાત કરવી જોઈએ. અને તેમને તેમની પોતાની વાર્તા કહેવા દેવી જોઈએ.

ભવાની મને ઓડિયા સ્વાતંત્ર્ય સેનાની લક્ષ્મી પાંડા, જેઓ નેતાજી બોઝની ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા હતા અને બર્મા (હવે મ્યાનમાર) અને સિંગાપોરના જંગલોમાં તેમની છાવણીઓમાં હતા, તેમના એ શક્તિશાળી શબ્દો પણ યાદ દેવડાવે  છે.

“હું ક્યારેય જેલમાં નથી ગઈ, મેં રાઈફલની તાલીમ લીધી છે પણ ક્યારેય કોઈની પર ગોળી ચલાવી નથી, તેનો અર્થ શું એ છે કે હું સ્વતંત્રતા સેનાની નથી? મેં ફક્ત આઈએનએ ફોરેસ્ટ કેમ્પમાં જ કામ કર્યું છે, જે બ્રિટિશ બોમ્બિંગના નિશાન હતા. શું તેનો અર્થ એ છે કે મેં સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ યોગદાન આપ્યું નથી? 13 વર્ષની ઉંમરે હું કેમ્પના રસોડામાં એ બધા લોકો માટે રસોઈ બનાવતી હતી જેઓ બહાર જઈને લડી રહ્યા હતા, શું હું તેનો (લડતનો) ભાગ નહોતી ?

લક્ષ્મી પાંડા, સલિહાન, હૌસાબાઈ પાટીલ અને વત્સલા યાદવની જેમ ભવાનીને ક્યારેય તે સન્માન અને ઓળખ મળ્યા ન હતા જેને તે ખરેખર લાયક હતી. ભારતની આઝાદીની લડતમાં એ બધા લડ્યા અને પોતાને બીજા કોઈ પણ લડવૈયાની જેમ સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કર્યા. પરંતુ તેઓ મહિલાઓ હતી. મહિલાઓ પ્રત્યે પૂર્વગ્રહો અને રૂઢ ધારણાથી ભરેલા સમાજોમાં તેમની ભૂમિકા ભાગ્યે જ મૂલ્યવાન હતી.

જો કે ભવાની માહાતોને એની પડી નથી. કદાચ તેમણે તે મૂલ્યોને આત્મસાત કર્યા  છે? કદાચ તે જ તેમને તેમના પોતાના અનન્ય યોગદાનનું મૂલ્ય ઓછું આંકવા તરફ દોરી જાય છે?

પરંતુ અમે જતા હતા એ સમયે તેમણે અમને જે છેલ્લી વાત કહી તે આ છે: “મેં શું ઉછેર્યું એ તો જુઓ. આ મોટો પરિવાર, આ બધી પેઢીઓ, અમારું ખેતર, બધું જ. પણ આ યુવાન લોકો...”  અમારી આસપાસ કેટલીક પૌત્રવધૂઓ ખૂબ જ ખંતથી કામ કરતી હોય તેમ જણાય છે. તેઓ દેખીતી રીતે જ તેમનાથી શક્ય બધું જ કરી રહ્યા  છે. જોકે તેમણે (ભવાનીએ) તેમના સમયમાં એ (બધું કામ) એકલે હાથે કર્યું છે.

તેઓ હકીકતમાં તેમને અથવા બીજા કોઈને ય દોષી ઠેરવી રહ્યા નથી. તેમને માત્ર એ જ અફસોસ છે કે બહુ ઓછા લોકો છે જે 'બધું' જ કરી શકે છે.


આ લેખમાં એમની મદદ તેમજ ભવાની માહતોના બોલના ત્વરિત અને સરળ અનુવાદ બદલ હું સ્મિતા ખતોરનો આભારી છું. તેમજ શરૂઆતની માહિતી માટે કરેલ યાત્રાઓ જેને કારણે અમારી મીટીંગ અને ઇન્ટરવ્યુ શક્ય બની શક્યા, તેમજ તેમના વિશેષ સહકાર  માટે જોશુઆ બોધીનેત્રાનો હું આભારી છું. સ્મિતા અને જોશુઆ વિના આ લેખ શક્ય ના બન્યો હોત.

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik