અમે મહારાષ્ટ્રના રમણીય તિલ્લારી જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છીએ. જંગલ વિસ્તારની સરહદે આવેલા કસબાઓમાં રહેતી મહિલાઓના સ્વાસ્થ્યને લગતા પ્રશ્નોની ચર્ચા કરવા માટે અમે તમને મળવાના હતા, આ કસબાઓ એ પશુપાલકોનું ઘર છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના ચંદગડ નગરના અમારા રસ્તે મેં પચાસેક વર્ષની એક મહિલાને રસ્તાની બાજુમાં એક ઝાડ નીચે બેસી પોતાની ચાર બકરીઓનું ધ્યાન રાખતી જોઈ, મહિલાના હાથમાં એક ચોપડી હતી, મહિલા ખુશખુશાલ જણાતી હતી.
મે મહિનાની વાદળછાયી બપોરે આ નવાઈનું દૃશ્ય જોતાં જ અમે અમારી ગાડી થોભાવીને તેમની તરફ પાછા ચાલ્યા: રેખા રમેશ ચંદગડ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ઘણા સમુદાયોના આદરણીય દેવ વિઠોબાના પરમ ભક્ત છે. અમારી સાથેની વાતચીત દરમિયાન તેઓ અમને સંત નામદેવનો એક અભંગ (ભજન) ગાઈ સંભળાવે છે, વિઠોબાના નામનો જાપ કરે છે. નામદેવ મહારાષ્ટ્રના સંત-કવિ છે અને પંજાબના લોકોને પણ તેમના પ્રત્યે ખૂબ માન છે. વારકરી પંથના પુરસ્કર્તા સંત નામદેવના અભંગ ભક્તિ પરંપરાની અભિવ્યક્તિ માટે જાણીતા છે, આ પરંપરાએ ધર્મગુરુઓના વર્ચસ્વ સામે પડકાર ફેંકીને કર્મકાંડ વિનાની ઉપાસનાને, નામસ્મરણ દ્વારા ભક્તિની ફિલસૂફીને પ્રોત્સાહન આપ્યું હતું. રેખાતાઈ એ ભક્તિ પરંપરાના અનુયાયી (વારકરી) છે.
વારી તરીકે ઓળખાતા આ ભક્તો રાજ્યના ખૂણેખૂણેથી અષાઢ (જૂન/જુલાઈ) અને કાર્તિક (ઓક્ટોબર-નવેમ્બર, દિવાળી પછી) મહિના દરમિયાન જ્ઞાનેશ્વર, તુકારામ અને નામદેવ જેવા સંતોએ રચેલા અભંગ અને ભજનો ગાતા ગાતા નાના નાના જૂથોમાં ભેગા થઈ પદયાત્રા કરે છે. રેખાતાઈ દર વર્ષે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આવેલા પંઢરપુર મંદિર જતા ભક્તો સાથે પદયાત્રામાં અચૂક જોડાય છે.
રેખાતાઈ કહે છે, “મારા છોકરાંઓ કહે છે કે, 'તમારે બકરીઓનું ધ્યાન રાખવાની જરૂર નથી. ઘેર બેસીને આરામ કરો નિરાંતે. પણ મને અહીં બેસીને વિઠોબાનું નામ લેવાનું અને આ ભજનો ગાવાનું ગમે છે. (ભજનો ગાતા ગાતા) વખત ક્યાં પસાર થઈ જાય છે એની ખબર જ પડતી નથી. મન આનંદાને ભરૂન યેતા [મારું મન ખૂબ પ્રસન્ન થઈ જાય છે]." તેઓ દિવાળી પછી કાર્તિક વારીમાં જોડાવાની રાહ જોઈ રહ્યા છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક