અમારા ગામ પળસુંડેમાં સાત અલગ-અલગ જાતિના લોકો રહે છે જેમાં વારલી સમુદાયના લોકો સૌથી વધારે છે. હું આ સાતેય આદિવાસી સમુદાયો - વારલી, કોળી મહાદેવ, કાતકરી, મા ઠાકુર, કા ઠાકુર, ઢોર કોળી અને મલ્હાર કોળી - ની ભાષાઓ શીખ્યો છું. એ બહુ અઘરું નહોતું કારણ કે આ મારી જન્મભૂમિ છે, મારી કર્મભૂમિ છે; મેં અહીં જ શિક્ષણ લીધું હતું.
હું ભાલચંદ્ર રામજી ધનગરે પ્રાથમિક શાળાનો શિક્ષક છું, હું મોખાડાની જિલ્લા પરિષદ પ્રાથમિક શાળામાં ભણાવું છું.
મારા મિત્રો મને ઘણી વાર કહે છે કે, "તું જે પણ ભાષા સાંભળે છે તે બહુ ઝડપથી શીખી જાય છે અને એ ભાષામાં બોલવાનું શરૂ કરી દે છે." હું કોઈ પણ સમુદાયની મુલાકાત લઉં છું ત્યારે લોકો મને તેમની પોતાની ભાષામાં વાત કરતા, તેમની જ માટીના એક માણસ તરીકે જુએ છે.
અમારા આદિવાસી વિસ્તારોના બાળકો સાથે વાતચીત કરતી વખતે મને સમજાયું કે તેમના શાળાકીય શિક્ષણ દરમિયાન તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. મહારાષ્ટ્ર સરકારનો નિયમ છે કે આદિવાસી વિસ્તારોમાં કામ કરતા શિક્ષકોને વિશેષ ગ્રેડ (મુજબ વેતન) આપવામાં આવે છે. આ ગ્રેડ એનાયત કરવામાં આવે છે કારણ કે એ વ્યક્તિએ રોજિંદા જીવનમાં વપરાતી ત્યાંની સ્થાનિક ભાષા શીખવી પડે છે.
અહીં મોખાડામાં ઘણી જગ્યાએ વારલી બોલાય છે અને શાળામાં આ ભાષા બોલતા ઘણા બાળકો છે. જો અમે તેમને અંગ્રેજી શીખવવા માગતા હોઈએ તો પહેલા અમારે તેના માટેના મરાઠી શબ્દથી તેમને પરિચિત કરવા પડે અને પછી તે જ શબ્દ વારલીમાં સમજાવવો પડે. અને પછી અમે એ શબ્દ અંગ્રેજીમાં શીખવીએ છીએ.
આ મુશ્કેલ પરિસ્થિતિ છે પરંતુ અહીંના બાળકો ખૂબ જ બુદ્ધિશાળી અને મહેનતુ છે. એકવાર તેઓ પ્રમાણભૂત ભાષા - મરાઠીથી ઝડપથી ટેવાઈ જાય એ પછી તેમની સાથે વાતચીત કરવાની મઝા આવે છે. જો કે, અહીં શિક્ષણના એકંદર સ્તરે જોઈએ તેવો વેગ પકડ્યો નથી. શિક્ષણ વેગ પકડે એ આજના સમયની માંગ છે. અહીંની લગભગ 50 ટકા વસ્તી હજી આજે પણ અભણ છે અને વિકાસની દ્રષ્ટિએ આ વિસ્તાર પ્રમાણમાં પછાત છે.
1990 ના દાયકા સુધી આ વિસ્તારમાં ભાગ્યે જ કોઈ એવું હતું જેણે 10 મા ધોરણથી આગળ અભ્યાસ કર્યો હોય. નવી પેઢીએ ધીમે ધીમે ઔપચારિક શિક્ષણ લેવાનું શરૂ કર્યું છે. દાખલા તરીકે, ધારો કે 1 લા ધોરણમાં 25 વારલી વિદ્યાર્થીઓ નોંધાયેલા હોય તો તેમાંથી માત્ર આઠ વિદ્યાર્થીઓ જ 10 મા ધોરણ સુધી પહોંચે છે. અધવચ્ચે શાળા છોડી દેતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી મોટી છે (ડ્રોપઆઉટ દર ઘણો ઊંચો છે). એ આઠમાંથી માત્ર 5-6 જ પરીક્ષામાં પાસ થાય છે. 12 મા ધોરણમાં પહોંચતા સુધીમાં બીજા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે તેથી અંતે માત્ર 3-4 વિદ્યાર્થીઓ જ શાળાકીય અભ્યાસ પૂરો કરે છે.
સ્નાતક કક્ષા (અંડરગ્રેજ્યુએટ ડિગ્રી) નો અભ્યાસ તાલુકા સ્તરે થઈ શકે છે - એ માટે લગભગ 10 કિલોમીટરની મુસાફરી કરવી પડે છે. પરંતુ આ વિસ્તારમાં વધુ કંઈ નથી અને વિદ્યાર્થીઓએ આગળના શિક્ષણ માટે થાણે, નાસિક અથવા પાલઘર શહેર જેવા સ્થળો સુધી મુસાફરી કરવી પડે છે. પરિણામે આ તાલુકામાં માત્ર ત્રણ ટકા લોકો પાસે જ સ્નાતક કક્ષાની પદવી છે.
વારલી સમુદાયમાં શિક્ષણનો દર ખાસ કરીને નીચો છે, અને તેને સુધારવાના પ્રયાસો ચાલુ છે. અમે ગામડાંઓમાં જઈને, લોકો સાથે તેમની પોતાની ભાષામાં વાતચીત કરીને, જોડાણ સ્થાપિત કરવા અને વિશ્વાસ ઊભો કરવા વધુ પ્રયત્નો કરી રહ્યા છીએ.
પારી AROEHANના હેમંત શિંગડેનો એમણે દસ્તાવેજીકરણમાં કરેલી મદદ માટે આભાર માને છે.
મુલાકાત: મેધા કાળે
આ વાર્તા પારીના એન્ડેન્જર્ડ લેન્ગ્વેજીસ પ્રોજેક્ટ (લુપ્તપ્રાય ભાષાઓ યોજના) નો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય દેશની સંવેદનશીલ અને લુપ્તપ્રાય ભાષાઓના દસ્તાવેજીકરણનો છે.
વારલી એ ભારતમાં ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવામાં રહેતા વારલી અથવા વરલી આદિવાસીઓ દ્વારા બોલાતી એક ઈન્ડો-આર્યન ભાષા છે. યુનેસ્કો ના એટલાસ ઓફ લેંગ્વેજીસે વારલીને ભારતની સંભવિત રીતે સંવેદનશીલ ભાષાઓમાંની એક તરીકે સૂચિબદ્ધ કરી છે.
અમે મહારાષ્ટ્રમાં બોલાતી વારલી ભાષાનું દસ્તાવેજીકરણ કરવા માગીએ છીએ.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક