દીવો હોલવાઈ ન જાય તેની ખાતરી કરવા માટે એક યુવાન સ્ક્રીનની પાછળ દોડે છે, અને દીવો હોલવાઈ તેની સહેજ જ પહેલાં ત્યાં પહોંચે છે. એક કલાકના પ્રદર્શન દરમિયાન તેમણે આવું ઘણી વખત કરવું પડે છે, અને એ પણ સાધનસામગ્રી અને તેમના સાથી કામદારોને ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખીને.
તે બધા તોલ્પાવકૂત કઠપૂતળીના કલાકારો છે, જેઓ તેમના પ્રેક્ષકોની નજરથી છૂપા રહીને પ્રદર્શન કરે છે.
કઠપૂતળીના કલાકારો હાથમાં ચામડાની કઠપૂતળીઓ સાથે આ સફેદ સુતરાઉ પડદાની બીજી બાજુએ સતત ફરતા રહે છે. તેમના પગની નજીક લગભગ 50-60 અન્ય કઠપૂતળીઓ હોય છે, જેઓ જરૂર પડે ઉપયોગમાં આવવા માટે તૈયાર હોય છે. વાર્તાને વક્તાઓ દ્વારા વર્ણવવામાં આવે છે, અને પડછાયાઓ દ્વારા તેની અનુભૂતિ કરાવવામાં આવે છે.
આ કલાની પ્રકૃતિ એવી છે કે વાસ્તવિક પ્રદર્શન પર કોઈનું ધ્યાન જતું નથી. તેથી જ્યારે કઠપૂતળીના કલાકાર રામચંદ્ર પુલાવરને 2021માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા, ત્યારે તે ઉજવણીનું કારણ અને સ્વીકૃતિ માટેનો સમય હતો. તેમના ભાષણમાં, તોલ્પાવકૂતના કલાકારે કહ્યું હતું, “આ માન્યતા... આ કઠપૂતળીની રંગભૂમિના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે વર્ષોથી સમગ્ર મંડળી દ્વારા કરવામાં આવેલા સામૂહિક પ્રયાસોને ફાળે જાય છે.”
જો કે, પુલાવર અને તેમની ટુકડીની સફળતા એમને એમ નથી આવી. વિવેચકો અને સમર્થકો બન્નેએ તેમના પર કલાને વ્યવસાયમાં ફેરવવાનો આરોપ લગાવ્યો છે. રામચંદ્ર ટીકાને લઈને વધારે ચિંતિત નથી. તેઓ કહે છે, “અમારા માટે પેટનો ખાડો પૂરવા અને અમારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આને વ્યવસાય બનાવવું જરૂરી છે. જો અભિનેતાઓ અને નર્તકો તેઓ જે પ્રસ્તુતિ કરે છે તેના માટે પૈસા વસૂલી શકતા હોય, તો કઠપૂતળી કલાકારો તેવું કેમ ન કરી શકે?”
તોલ્પાવકૂત પરંપરાગત રીતે માત્ર મંદિર પરિસરમાં અને કેરળમાં લણણીના તહેવાર દરમિયાન જ કરવામાં આવતું હતું. પરંતુ છેલ્લા 20 વર્ષોમાં, 63 વર્ષીય રામચંદ્ર અને તેમની ટુકડીએ પલક્કડ જિલ્લાના કવલાપ્પરા પપેટ્રી ટ્રૂપમાં આધુનિક અવકાશમાં તોલ્પાવકૂતનું અસ્તિત્વ ટકી રહે તે સુનિશ્ચિત કરવા માટે ઘણા પ્રયાસો કર્યા છે. આજે શેડો પપેટ રંગમંચની કળામાં શૈલી સાથે ઘણા ફેરફારો અને પ્રયોગો થયા છે. આ પરંપરાગત તહેવાર પ્રદર્શન વિષે વધુ જાણો: તોલ્પાવકૂત કઠપૂતળીના ખેલ સૌને માટે છે .
રામચંદ્રના પિતા કૃષ્ણકુટ્ટી પુલાવરે તોલ્પાવકૂતને બહારની દુનિયા સામે ખુલ્લી મુકવાનો નિર્ણય લીધો હતો. વાર્તાઓની વિશાળ શ્રેણી દર્શાવવા માટે નાટકો રામાયણ જેવા હિન્દુ મહાકાવ્યોના પઠનથી આગળ વધીને અન્ય કથાઓ પણ વર્ણવે છે. કેરળની પરંપરાગત કઠપૂતળી શૈલીમાં મહાત્મા ગાંધીની વાર્તા સૌપ્રથમ ઓક્ટોબર 2004માં એડપ્પાલ ખાતે રજૂ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં તેનું 220થી વધુ વખત મંચ પર પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
લોકોએ આ નાટકને જે સ્વીકૃતિ આપી છે તેનાથી કવલાપ્પરા મંડળ માટે નવા રસ્તા ખુલ્યા હતા. તેઓએ પટકથાઓ વિકસાવવાનું શરૂ કર્યું, કઠપૂતળીઓ બનાવવા માટે કઠપૂતળીના રેખાચિત્રોની રચના કરી, કલાકારીની તકનીકોમાં નિપુણતા મેળવી, અને સ્ટુડિયોમાં વાર્તાનું વર્ણન કર્યું અને ગીતો કંપોઝ કર્યાં અને રેકોર્ડ કર્યાં. આ ટુકડીએ ઈસુ ખ્રિસ્તના જન્મ, મહાબલી, પંચતંત્રમ વગેરેને આવરી લેતી વિવિધ વાર્તાઓ માટે પટકથાઓ તૈયાર કરી છે.
કવલાપ્પારામાં કઠપૂતળી કલાકારોએ બુદ્ધના આધ્યાત્મિક પ્રભાવને દર્શાવતી કુમારનાશનની ‘ચંડાલભિક્ષુકી’ કવિતા જેવી વાર્તાઓ દ્વારા સામાજિક જાગૃતિ પણ લાવી હતી. ત્યારબાદ, 2000ના દાયકાથી, તેઓ એચ.આઈ.વી. વિશે જાગૃતિ લાવવા, વનનાબૂદીને સંબોધવા અને તે જ વર્ષે ચૂંટણી અભિયાનમાં યોગદાન આપવા જેવા નિર્ણાયક મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યા છે. કઠપૂતળીઓ કલાકારોએ વિવિધ કલા સ્વરૂપો અને કલાકારો સાથે પણ કામ કર્યું હતું, અને ફ્યુઝન પ્રદર્શન (કલાઓનું મિશ્રણ) રચ્યું હતું.
આજના વિશ્વમાં નવીનતા, દૃઢતા અને તોલ્પાવકૂતની અવિરત ભાવનાની વાર્તા પર એક દસ્તાવેજી ફિલ્મ.
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમ.એમ.એફ.)ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ