લોકખી કાંતો મહાતોનો અવાજ 97 વર્ષની ઉંમરના ગાયક માટે એકદમ ચોખ્ખો ને ગુંજી ઉઠે એવો છે. પ્રભાવશાળી ચહેરો ધરાવતો આ સુંદર માણસ, તેના ચહેરાની રૂપરેખા તમને રવીન્દ્રનાથ ટાગોરની યાદ અપાવી જાય.
માર્ચ 202 માં જ્યારે અમે લોકખી ને મળ્યા, ત્યારે તેઓ પશ્ચિમ બંગાળના પીરા ગામમાં એક ઓરડાના જર્જરિત કાચી માટીના ઘરમાં ચારપોય પર તેમના સૌથી પ્રિય મિત્ર થેલુ મહાતોની બાજુમાં બેઠો હતા.
ત્યારે થેલુની ઉંમર 103 વર્ષની હતી. 2023 માં તેમનું અવસાન થયું. વાંચો: થેલુ મહાતોનો કૂવો
થેલુ દાદુ (દાદા) આ પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના આખરી સેનાની હતા. એંસી વર્ષ પહેલાં, તેમણે પુરુલિયા (પુરુરલિયા તરીકે પણ જાણીતા) જિલ્લાના પોલીસ સ્ટેશન સુધી લઇ જતું એક સરઘસ કાઢ્યું હતું. એ વર્ષ 1942નું હતું અને તેમનું બળવાખોરીનું કૃત્ય ભારત છોડો ચળવળના સ્થાનિક પ્રકરણનો એક ભાગ હતો.
યુવાન લોકખી એ પોલીસ સ્ટેશનની ઘટનામાં ભાગ લીધો નહોતો કારણ એ કે તેઓ મોટેભાગે ઘેરાવમાં ભાગ લેવા માટે આંદોલનના નેતાઓ દ્વારા નિર્ધારિત 17 વર્ષની ઉંમરમર્યાદા કરતાં થોડા નાના હતા.
થેલુ કે લોકખી બંનેમાંથી એકેય કોઈ બીબાઢાળ સ્વાતંત્ર્ય સેનાની જેવા નથી. અને રાજ્ય અને ભદ્ર સમાજ દ્વારા ઊભા કરી દેવામાં આવેલાઓમાંના તો તેઓ અવશ્ય નથી. તેઓ માત્ર વિરોધ પ્રદર્શનોમાં જઈ જઈને સંખ્યા ઉમેરતા હોય એવા એક જ પાસાં વાળા વ્યક્તિઓ નથી. બંને તેમના રસના વિષયો પર સંપૂર્ણ જાણકારી સાથે ને વિશ્વાસથી બોલે છે: થેલુ ખેતી અને પ્રદેશના ઇતિહાસ વિષે અને લોકખી સંગીત અને સંસ્કૃતિ વિષે.
લોકખી એ પ્રતિકારના સાંસ્કૃતિક પ્રવાહમાં સહભાગી હતા. તેઓ એક એવી મંડળીનો હિસ્સો હતા જે ધમસા (મોટું ઢોલ) અને માડોલ (હાથથી વગાડતું નગારું) જેવા આદિવાસી વાદ્યો સાથે રજૂઆત કરતી હતી. આવા વાદ્યોનો ઉપયોગ સામાન્ય રીતે સંથાલો, કુર્મીઓ, બિરહોર્સ અને અન્ય આદિવાસી સમુદાયો દ્વારા કરવામાં આવતો હતો. તેમની મંડળીઓએ આ જુઓ તો ઘણા નિર્દોષ લાગે એવા લોકગીતો ગાયાં. પણ તે સમયના સંદર્ભમાં આ ગીતોએ એક અલગ જ અર્થ લીધો.
ઢોલ વગાડનારા સંદેશવાહકો અને ગાયકો પણ અંગ્રેજ રાજ સામે વિદ્રોહનો સંદેશ કેવી રીતે ફેલાવતા એ સમજાવતા લોકખી કહે છે, "અમે અવારનવાર 'વંદે માતરમ' ના નારા પણ લગાવતા હતા." અમને ના તો એ નારા માટે કે એના તો ગીત માટે કોઈ આગવો લગાવ હતો, "પરંતુ તેનાથી અંગ્રેજો ગુસ્સે થતા." તેઓ યાદ કરીને હસે છે.
બંનેને સ્વાતંત્ર્ય સેનાનીને અપાતા પેન્શનમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. અને તેમણે પણ લાંબા સમય પહેલાંજ એ મેળવવાનો પ્રયાસ કરવાનું છોડી દીધું છે. થેલુ 1,000 રૂપિયાના વૃદ્ધાવસ્થાના પેન્શન પર જીવે છે. લોકખીને એક મહિના માટે તેનું વૃદ્ધાવસ્થા પેન્શન મળ્યું હતું. પછી તે રહસ્યમય રીતે બંધ થઈ ગયું છે.
જે વિવિધ પૃષ્ઠભૂમિમાંથી લોકો અંગ્રેજ શાસનનો અંત લાવવા આગળ આવ્યા, એમાં થેલુ અને લોકખી જેવા યુવાનોનો પણ સમાવેશ થાય છે - આદર્શોમાં ડાબેરી અને વ્યક્તિત્વમાં ગાંધીવાદી. તેઓ બંને કુર્મી સમુદાયના છે, જે લોકો ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સામે થનારામાં સૌથી પહેલા હતા.
લોકખી આપણા માટે ટુસુ ગાન ગાય છે, જે કુર્મી સમુદાયના ટુસુ અથવા લણણીના તહેવાર સાથે જોડાયેલું છે. ટુસુ એ કોઈ ધાર્મિક તહેવાર નથી, એ લોકોનો ઉત્સવ છે. આ ગીતો એક સમયે ફક્ત અપરિણીત છોકરીઓ દ્વારા જ ગવાતા હતા, પરંતુ આજે આ ગીતો એક સમુદાયથી પણ આગળ નીકળીને લોકોમાં ગવાતા થઇ ગયા છે. લોકખી જે ગીતો ગાય છે તેમાં ટુસુ એક યુવાન સ્ત્રીના ભાવ રૂપે જોવા મળે છે. બીજું ગીત આ તહેવારના અંતને ચિહ્નિત કરે છે.
টুসু নাকি দক্ষিণ যাবে
খিদা লাগলে খাবে কি?
আনো টুসুর গায়ের গামছা
ঘিয়ের মিঠাই বেঁধে দি।
তোদের ঘরে টুসু ছিল
তেই করি আনাগোনা,
এইবার টুসু চলে গেল
করবি গো দুয়ার মানা।
મેં સાંભળ્યું કે ટુસુ દક્ષિણ તરફ જઈ રહી છે
એ ભૂખી હશે તો તે શું ખાશે?
ટુસુનો ગમછો લાવો*
હું ઘીની મીઠાઈઓ બાંધી આપું.
હું તારા ઘર તરફ જતો હતો
કારણ ત્યાં ટુસુ રહેતી હતી
પણ હવે ટુસુ ચાલી ગઈ છે
ને મારા માટે એ ઘરનું કોઈ કામ નથી.
*એક પાતળું, બરછટ સુતરાઉ કપડું, જે પરંપરાગત રીતે ટુવાલ, સ્કાર્ફ અથવા તો પાઘડી તરીકે ઉપયોગમાં લેવાય છે. અને આ ગમછો નવા વસ્ત્રો સાથે નવી અદાથી પહેરાતું કપડું પણ છે.
કવર ફોટોઃ સ્મિતા ખતોર
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા