શશી રૂપેજા સંપૂર્ણપણે ચોક્કસ નથી પરંતુ તેમને લાગે છે કે જ્યારે તેઓ એક વાર ભરતકામ કરી રહ્યાં હતાં ત્યારે તેમના પતિની તેમના પર નજર પડી હતી અને તેઓ તેમના પ્રેમમાં પડી ગયા હતા. શશી તેમના હાથમાં અડધી તૈયાર ફુલકારી સાથે આ સુખદ સ્મૃતિ પર ખુશ થતાં કહે છે, “તેમણે મને ફુલકારી ભરતાં જોઈ હશે, અને લાગ્યું હશે કે હું મહેનતુ છું.”
હાલ પંજાબમાં શિયાળાનો ઠંડો દિવસ છે અને શશી તેમના પાડોશમાં તેમની સહેલી બિમલા સાથે બેસીને હળવા શિયાળાના તડકાનો આનંદ માણી રહ્યાં છે. તેમના રોજિંદા જીવનની ચર્ચા કરતી વેળાએ તેમના હાથ વ્યસ્ત છે. જોકે, કાપડ પર તીક્ષ્ણ સોય વડે રંગીન દોરીઓથી ફુલકારીની ભાત બનાવતી વેળાએ તેમનું ધ્યાન ક્ષણભર માટેય વિચલિત નથી થતું.
લાલ દુપટ્ટા પર ભરતકામ કરતાં કરતાં ફૂલમાં વધુ ટાંકો ઉમેરતાં પટિયાલા શહેરનાં આ 56 વર્ષીય રહેવાસી કહે છે, “એક સમય હતો જ્યારે અહીં દરેક ઘરની મહિલાઓ ફુલકારીના ટુકડાઓમાં ભરતકામ કરતી હતી.”
ફુલકારી એ ફૂલોની ભાત સાથેની ભરતકામની શૈલી છે અને તેનો ઉપયોગ સામાન્ય રીતે દુપટ્ટા, સલવાર કમીઝ અને સાડી જેવાં વસ્ત્રો પર થાય છે. ડિઝાઇન સૌપ્રથમ કોતરણી કરેલા લાકડાના બ્લોકનો ઉપયોગ કરીને શાહીવાળા વસ્ત્રો પર જોવા મળે છે. ત્યાર બાદ કારીગરો પટિયાલા શહેરમાંથી સ્થાનિક રીતે મેળવેલા રંગબેરંગી રેશમ અને સુતરાઉ દોરાઓ સાથે નિશાનીઓની અંદર અને તેની આસપાસ ભરતકામ કરે છે.
લગભગ ચાર દાયકા પહેલાં લગ્ન કરીને પડોશી રાજ્ય હરિયાણાથી પંજાબના પટિયાલા જિલ્લામાં આવેલાં શશી કહે છે, “અમારો વિસ્તાર ત્રિપુરી હંમેશાં ફુલકારી માટે પ્રખ્યાત રહ્યો છે. મેં ત્રિપુરીની સ્ત્રીઓનું અવલોકન કરીને જ આ કૌશલ્ય શીખ્યું છે.” શશીનાં બહેન આ વિસ્તારમાં પરણેલાં છે. શશી જ્યારે તેમને મળવા આવ્યાં હતાં ત્યારે તેમણે પહેલ વહેલીવાર ફુલકારીની કળામાં રસ લીધો હતો. તે સમયે તેઓ 18 વર્ષનાં હતાં અને એકાદ વર્ષ પછી અહીંના સ્થાનિક રહેવાસી વિનોદ કુમાર સાથે તેમનાં લગ્ન થયાં હતાં.
આ કળા માટે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને 2010માં ભૌગોલિક સૂચકાંક (GI) ટેગ મળ્યો છે. તે આ પ્રદેશની મહિલાઓમાં સામાન્ય છે, જેઓ ઘરેથી કામ કરવા માંગે છે. તેઓ સામાન્ય રીતે 20-50 કારીગરોના સમૂહ બનાવે છે અને ભરતકામના કાર્યને તેમનામાં વિભાજિત કરે છે.
શશી કહે છે, “આજકાલ ગણ્યા ગાંઠ્યા લોકો જ હાથથી ફુલકારી બનાવે છે.” સસ્તા મશીન-નિર્મિત ભરતકામે તેના પર કબજો કરી લીધો છે. તેમ છતાં, બજારો હસ્તકલાથી ભરેલાં છે — ત્રિપુરીમાં મુખ્ય બજારમાં ફુલકારીનાં વસ્ત્રો વેચતી અસંખ્ય દુકાનો છે.
શશીએ 23 વર્ષની ઉંમરે આ કળાથી પોતાની પ્રથમ કમાણી મેળવી હતી. તેમણે સલવાર કમીઝના 10 સેટ ખરીદીને તેમાં ભરતકામ કર્યું હતું અને તેમને સ્થાનિક ગ્રાહકોને વેચ્યા હતા, જેનાથી કુલ 1,000 રૂપિયાની કમાણી થઈ હતી. ફુલકારી કરવાથી મુશ્કેલ સમયમાં તેમના પરિવારને ટેકો આપ્યો છે, શશી કહે છે − “બાળકોને ભણાવવા ઉપરાંત, અન્ય ઘણા ખર્ચ પૂર કરવાના હતા.”
શશીના પતિ દરજી હતા અને જ્યારે તેમણે પહેલી વાર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને નુકસાન ગયું હતું. જ્યારે તેમની તબિયત બગડી અને તેમને ઓછું કામ કરવાની ફરજ પડી એટલે શશીએ કાર્યભાર સંભાળી લીધો. શશી કહે છે, “જ્યારે મારા પતિ તીર્થયાત્રા કરીને ઘરે પરત ફર્યા, ત્યારે તેમને એ જાણીને આશ્ચર્ય થયું કે મેં તેમની ટેલરિંગની દુકાનનું સેટિંગ બદલ્યું છે.” તેઓ યાદ કરે છે કે કેવી રીતે તેમણે તેમનું સીવણ મશીન દૂર કરીને ટ્રેસિંગ ડિઝાઇન માટે દોરા અને બ્લોક ઉમેર્યા હતા. તેમણે આ બધું તેમની 5,000 રૂપિયાની બચતમાંથી કર્યું હતું.
આ નીડર ભરતકામનાં કારીગરને તેમણે બનાવેલી ફુલકારીનો માલ વેચવા માટે પટિયાલા શહેરના લાહોરી ગેટ જેવા વ્યસ્ત વિસ્તારોમાં મુસાફરી કરવાનું યાદ છે. તેઓ ઘરે ઘરે વેચાણ કરવા માટે તેઓ ટ્રેનની મુસાફરી કરીને 50 કિલોમીટર દૂર અંબાલા જિલ્લામાં પણ ગયાં હતાં. તેઓ ઉમેરે છે, “મેં મારા પતિ સાથે જોધપુર, જેસલમેર અને કરનાલમાં ફુલકારીનાં વસ્ત્રોના પ્રદર્શનોનું આયોજન કર્યું હતું.” આખરે વ્યસ્ત સમયપત્રકથી થાકીને, તેમણે ફુલકારીનાં વસ્ત્રો વેચવાનું બંધ કરી દીધું અને હવે તેઓ તેને માત્ર શોખ ખાતર બનાવે છે. તેમનો પુત્ર, 35 વર્ષીય દીપાંશુ રૂપેજા ફુલકારીનાં વસ્ત્રો વેચવાનો વ્યવસાય સંભાળે છે અને સમગ્ર પટિયાલામાં કારીગરો સાથે કામ કરે છે.
દીપાંશુ નોંધે છે કે, “મશીનથી ભરતકામ કરેલાં કપડાં આવવાથી હાથથી બનાવેલાં ફુલકારી કપડાંની માંગ ઘટી છે.” કુશળતા ઉપરાંત, બંને શૈલીઓ વચ્ચેનો તફાવત તેમની કિંમતમાં પણ છે. હાથથી બનાવેલા ફુલકારી દુપટ્ટા 2,000 રૂપિયામાં વેચાય છે, પરંતુ મશીનથી બનાવેલા દુપટ્ટા 500 થી 800 રૂપિયામાં વેચાય છે.
દીપાંશુ સમજાવે છે, “અમે ભરતકામ કરેલાં ફૂલોની સંખ્યા અને ડિઝાઇનની જટિલતાના આધારે ચૂકવણી કરીએ છીએ.” તેઓ કારીગરની કુશળતા પર પણ આધાર રાખે છે − જેમાં એક ફૂલના 3 થી 16 રૂપિયા મળે છે.
દીપાંશુ જે કારીગરો સાથે કામ કરે છે તેમાંથી એક 55 વર્ષીય બલવિંદર કૌર છે. પટિયાલા જિલ્લાના મિયાલ ગામના રહેવાસી, બલવિંદર દર મહિને લગભગ 3-4 વખત લગભગ 30 કિલોમીટર દૂર ત્રિપુરીમાં દીપાંશુની દુકાન પર જાય છે. ત્યાંથી તેઓ શાહીવાળા ફુલકારી ડિઝાઇનવાળા દોરા અને વસ્ત્રો મેળવે છે, જેના પર તેઓ ભરતકામ કરે છે.
એક કુશળ ભરતકામ કારીગર બલવિંદર માત્ર બે દિવસમાં સલવાર કમીઝ પર 100 ફૂલો મૂકી શકે છે. 19 વર્ષની ઉંમરથી આ કામ કરતાં બલવિંદર કહે છે, “મને ઔપચારિક રીતે કોઈએ ફુલકારી ભરતકામ કરવાનું શીખવ્યું નથી.” ત્રણ બાળકો ધરાવતાં બલવિંદર કહે છે, “મારા પરિવાર પાસે ન તો જમીન હતી અને ન તો અમારી પાસે સરકારી નોકરી હતી.” તેમના પતિ દૈનિક મજૂર હતા, પરંતુ જ્યારે બલવિંદરે પહેલી વાર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓ બેરોજગાર હતા.
બલવિંદર તેમનાં માતાને યાદ કરીને કહે છે, “હું જો તેરી કિસ્મત હૈ તેનુ મિલ ગયા હૈ. હું કુજ ના કુજ કર, તે કા [તારા નસીબમાં જે છે તે તને મળી ગયું છે. હવે તને જે કામ મળે તે કર, અને પોતાનું પેટ ભર].” તેમના કેટલાક પરિચિતો ત્રિપુરીમાં વસ્ત્રોના વિક્રેતાઓ પાસેથી ફુલકારી ભરતકામ માટે જથ્થાબંધ ઓર્ડર લેતા હતા. “મેં તેમને કહ્યું કે મને પૈસાની જરૂર છે અને પૂછ્યું કે શું તેઓ મને એક દુપટ્ટો ભરતકામ કરવા આપશે. અને તેઓએ મને આપ્યો પણ ખરો.”
જ્યારે બલવિંદરને શરૂઆતમાં ફુલકારીના કામ માટે વસ્ત્રો આપવામાં આવ્યાં, ત્યારે વિક્રેતાઓ તેમની પાસેથી સુરક્ષા ડિપોઝિટ માંગતા હતા. આ માટે તેમણે ઘણી વાર 500 રૂપિયા જમા કરાવવા પડતા હતા. પરંતુ ટૂંક સમયમાં, “વિક્રેતાઓને મારી કુશળતામાં વિશ્વાસ આવ્યો.” બલવિંદર કહે છે કે હવે ત્રિપુરીમાં ફુલકારી વસ્ત્રોના દરેક મોટા વિક્રેતા તેમને ઓળખે છે. તેઓ કહે છે, “હાલ કામની કોઈ અછત નથી.” તેઓ ઉમેરે છે કે તેમને દર મહિને લગભગ 100 કપડાં ભરતકામ માટે આપવામાં આવે છે. તેમણે ફુલકારી કારીગરોની એક ટુકડી પણ બનાવી છે, જેમને તેઓ ઘણી વાર તેમને આપવામાં આવેલું કામ સોંપે છે. તેઓ કહે છે, “હું કોઈના પર નિર્ભર રહેવા નથી માંગતી.”
જ્યારે તેમણે લગભગ 35 વર્ષ પહેલાં આ કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે બલવિંદર એક દુપટ્ટાનું ભરતકામ કરવા માટે 60 રૂપિયામ લેતાં હતાં. હવે તેમાં જેટલા જટિલ કામની જરૂર હોય તે પ્રમાણે તેની કિંમત 2,500 રૂપિયા સુધી પહોંચે છે. બલવિંદર હાથથી જે ભરતકામ કરે છે તેને વિદેશમાં મુસાફરી કરતા લોકો ભેટ તરીકે લઈ જાય છે. તેઓ ગર્વથી કહે છે, “મારી કૃતિઓ અમેરિકા, કેનેડા જેવા ઘણા દેશોમાં જાય છે. મને એ સારું લાગે છે, કે ભલે હું જાતે ત્યાં ન ગઈ હોય તેમ છતાં મારું કામ વિદેશમાં જઈ રહ્યું છે.”
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (MMF)ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે
અનુવાદક: ફૈઝ મોહંમદ