રસ્તા પર ચાર દિવસો પસાર કરીને અને ૭૫૦ કિલોમીટર મુસાફરી કરીને, ટેમ્પો અને જીપોનો કાફલો રાજસ્થાનના કોટાના એક ગુરુદ્વારામાં બપોરના ભોજન માટે રોકાયો. ૨૪ ડિસેમ્બરે બપોરે ઠંડી છે, અને મુસાફરો – મહારાષ્ટ્રના ખેડૂતો અને ખેતમજૂરો – આખી રાત મુસાફરી કરવાને લીધે થાકી ગયા છે. પરંતુ જ્યારે તેઓ ગુરુદ્વારાના સામુદાયિક રસોડામાં ભોજનની વાટ જોઈ રહ્યા છે, સવિતા ગુંજલ તેમનું જોશ વધારી રહી છે – કામગર ચ્યા કશ્તાના નટવાલા જગલા, જીવન નાહી પોટાલા, કપડા નાહી નેસાયલા (મજૂરોની મજુરી દુનિયાને સુંદર બનાવે છે, પરંતુ તેમની પાસે ખાવા માટે રોટી કે પહેરવા માટે કપડા નથી).
ઘાટા લાલ રંગનું શર્ટ અને વાદળી રંગની જીન્સ પહેરેલ, ૧૬ વર્ષીય ભીલ આદિવાસી ગાયિકા કહે છે કે, “હું અહિં ગાવા માટે નથી આવી.” નાસિક જીલ્લાના ચંદવાડ તાલુકાના ચંદવાડ ગામની સવિતા કહે છે કે, “હું ખેડૂતોને એમના અધિકારો વિષે જાગૃત કરવા માગું છું. હું દુનિયાને અમારી પરિસ્થિતિ વિષે જણાવવા માગું છું.” તેઓ દિલ્લીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે શામેલ થવા માટે, નાસિકથી ૨૧ ડિસેમ્બરે ખેડૂતોના ગાડીઓના જથ્થા સાથે રવાના થઇ હતી. લાખો ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. સૌ પ્રથમ પાંચ જૂને વટહુકમ તરીકે બહાર પાડેલ આ કાયદાઓ ૧૪ સપ્ટેમ્બરે સંસદમાં ખરડા તરીકે રજુ કરવામાં આવ્યા અને એ જ મહિનાની ૨૦ તારીખે મંજૂરી આપીને કાયદો બનાવી દેવામાં આવ્યા.
સવિતા પોતાના ઘરે, સપ્તાહના અંતે અને રજાઓ દરમિયાન ખેતમજૂર તરીકે કામ કરે છે અને એક દિવસમાં ૧૫૦-૨૦૦ રૂપિયા કમાય છે. તે કહે છે કે, “જો કામ હોય, તો હું ખેતરમાં જાઉં છું.” કોવીડ-૧૯ લોકડાઉન દરમિયાન તેમણે પોતાનો મોટાભાગનો સમય ચંદવાડના ખેતરોમાં કામ કરીને પસાર કર્યો. તે કહે છે કે, “લોકડાઉન દરમિયાન કામ ખૂબ જ ઓછું હતું. મને જેટલું કામ મળી શકતું હતું એ મેં કર્યું, અને જેટલું કમાઈ શકતી હતી તેટલું કમાઈ.” તેણે આજ વર્ષે (૨૦૨૦માં) હાઈસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, પરંતુ મહામારીને લીધે કૉલેજનો અભ્યાસ શરુ કરી શકી નથી.




