તુત્તકુડી શહેરની શેરીઓમાં લોકોની ભીડ રસ્તાઓ પર ઉતરી આવી હતી - જેમ તમિલનાડુમાં ઠેક ઠેકાણે - ત્યારે એક નાનો છોકરો દોડીને તેમની સાથે જોડાયો. થોડી વારમાં તે ઉદ્દામવાદી સૂત્રોચ્ચાર કરતા વિરોધ પ્રદર્શનનો ભાગ બની ગયો. તેઓ કહે છે, "તમે કદાચ જાણતા ન હો, આજે એ સમજી ન શકો, પણ ભગતસિંહને આપયેલી ફાંસી તમિલનાડુ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાવનાત્મક વળાંક લાવી. લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘણાની આંખમાં આંસુ હતા.”
"ત્યારે હું માત્ર 9 વર્ષનો હતો," તેઓ હસી પડ્યા.
આજે, તે 99 વર્ષના છે (15 જુલાઈ, 2020), પરંતુ એ જોશ અને ભાવના જેણે તેમને એક સ્વાતંત્ર્ય સેનાની, ભૂગર્ભ ક્રાંતિકારી, લેખક, વક્તા અને કટ્ટરવાદી બૌદ્ધિક બનાવ્યા, તે તેમણે આજે પણ ટકાવી રાખ્યા છે. તેઓ 14 ઓગસ્ટ, 1947 ના રોજ બ્રિટીશ જેલમાંથી છૂટ્યા હતા. “તે દિવસે ન્યાયાધીશ સીધા સેન્ટ્રલ જેલમાં આવ્યા અને અમને છોડી મૂક્યા. મદુરાઇ ષડયંત્ર કેસમાં અમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા . હું મદુરાઈ સેન્ટ્રલ જેલની બહાર આવતાની સાથે જ સ્વાતંત્ર્ય સરઘસમાં જોડાયો હતો. ”
જીવનની સદીના અંતે અણનમ એન.સંકરૈયા આજે ય બૌદ્ધિક રીતે સક્રિય છે. તેઓ હજી પ્રવચનો કરે છે અને વાર્તાલાપો આપે છે, 2018 માં પણ, ચેન્નઈના પરા, ક્રોમપેટમાં આવેલા તેમના ઘેરથી - જ્યાં અમે તેનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ - તમિલનાડુના પ્રગતિશીલ લેખકો અને કલાકારોના સંમેલનને સંબોધવા તેમણે મદુરાઈ સુધીની મુસાફરી કરી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવાને કારણે પોતાનો સ્નાતક કક્ષાનો અભ્યાસ ક્યારેય પૂરો ન કરી શકનાર સંકરૈયાએ પાછળથી અનેક રાજકીય નિબંધો, પુસ્તિકાઓ, પત્રિકાઓ અને પત્રકારત્વના લેખ લખ્યા.
1941માં નરસિમ્હાલુ સંકરૈયા ધ અમેરિકન કોલેજ, મદુરાઈની ઈતિહાસમાં સ્નાતકની પદવી મેળવવાની તૈયારીમાં હતા ત્યારે માત્ર બે અઠવાડિયા માટે, અંતિમ પરીક્ષાઓ આપવાનું ચૂકી ગયા. "હું કોલેજના વિદ્યાર્થી સંઘનો જોઇન્ટ સેક્રેટરી હતો." એક તેજસ્વી વિદ્યાર્થી જેણે કેમ્પસમાં કવિતા સમાજની સ્થાપના કરી, ફૂટબોલમાં કોલેજનું પ્રતિનિધિત્વ પણ કર્યું, અને બ્રિટીશ શાસન વિરોધી ચળવળમાં ખૂબ સક્રિય હતા. “મારા કોલેજના દિવસો દરમિયાન, મેં ડાબેરી વિચારધારાવાળા ઘણા લોકો સાથે મિત્રતા કરી. હું સમજી ગયો હતો કે ભારતીય સ્વતંત્રતા વિના સામાજિક સુધારણા પૂર્ણ થશે નહીં. ” 17 વર્ષની વયે, તેઓ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય હતા. (તે સમયે આ પક્ષ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ભૂગર્ભમાંથી ગુપ્ત રીતે તેનું સંચાલન કરવામાં આવતું હતું).
તેઓ યાદ કરે છે કે અમેરિકન કોલેજનું વલણ સકારાત્મક હતું. “ફક્ત ડિરેક્ટર અને કેટલાક શિક્ષકો અમેરિકન હતા, બાકીના બધા તમિલ. તેઓ તટસ્થ હોવા જોઈએ પણ તેઓ અંગ્રેજોની તરફેણમાં ન હતા. વિદ્યાર્થી પ્રવૃત્તિઓને ત્યાં મંજૂરી આપવામાં આવી હતી.... ” 1941માં, મદુરાઈમાં બ્રિટિશ વિરોધી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ અન્નમલાઇ યુનિવર્સિટીની વિદ્યાર્થીની મીનાક્ષીની ધરપકડ કરવામાં આવી હતી અને એની નિંદા કરતી એક બેઠક મળી હતી. “અમે એક પત્રિકા બહાર પાડી હતી. અમારા છાત્રાલયના ઓરડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, અને (મારા મિત્ર) નારાયણસ્વામી પાસે પત્રિકા હોવાના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. પાછળથી અમે તેની ધરપકડની નિંદા કરવા માટે એક વિરોધ બેઠક યોજી હતી…”








