શિયાળાનો થીજવી નાખે એવો ઠંડો પવન વાય છે. વરસાદથી રસ્તા પરની ધૂળ કાદવમાં ફેરવાઈ ગઈ છે. સિંઘુ પ્રદર્શન સ્થળે ખુલતા એક સાંકડા રસ્તાના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયું છે. આ ભીની જમીન પરથી પસાર થયા વિના લોકોનો છૂટકો નથી - અને એટલે તેમના જૂતા અને સેન્ડલ કાદવવાળા થઈ જાય છે.
હરિયાણા-દિલ્હી સરહદ પર સિંઘુ વિરોધ સ્થળે વિવિધ ખેડૂત સંગઠનોના સંયુક્ત કિસાન મોરચાનો મંચ પાર કરે ત્યારે તેમને થોડીક રાહત મળે છે. આશરે ૧૦૦ મીટર આગળ જસવિન્દર સિંહ સૈની અને પ્રકાશ કૌર તેમની સેવામાં હાજર હોય છે – જૂતાની સફાઈ અને પોલિશ કરવા માટે.
હસ્તકલાની વસ્તુઓની નિકાસ કરનાર વેપારી 62 વર્ષના જસવિન્દર કહે છે કે, “૧૯૮૬માં જે દિવસે અમારે ત્યાં બાળકનો જન્મ થયો, તે દિવસથી મેં મારી બાકીની જીંદગી માનવતાના કાર્યોમાં સમર્પિત કરી દેવાનું નક્કી કર્યું હતું.”
તેથી લગભગ ૩૫ વર્ષથી આ યુગલ સેવા આપવા ગુરુદ્વારામાં જાય છે, ખાસ કરીને તેઓ ઉપાસકોના જૂતા સાફ કરવાની સેવા આપે છે. હાલ દિલ્હીમાં રહેતા તેમના ચાર સભ્યોના પરિવારની હરિયાણાના અંબાલા જીલ્લામાં નારાયણગઢ ખાતે ૨૦ એકર જમીન છે.
સમર્પિત સેવાદારો (ગુરુદ્વારા અથવા સમુદાયના કાર્યક્રમોમાં સેવા આપતા સ્વયંસેવકો) તરીકેના તેમના દાયકાઓની વાત કરતા જસવિન્દર કહે છે, "મારી પત્નીએ, મારી જીવનસંગીનીએ, તો કોઈ કલ્પના પણ ન કરી શકે એટલી સેવા આપી છે." તેઓ (જસવિંદર) વાત કરી રહ્યા છે ત્યારે 50 વર્ષના પ્રકાશ જૂતાની જોડી સાફ કરવાનું ચાલુ રાખે છે.તેમની મદદ દિલ્હીના દરવાજે પૂરી પડાતી અસંખ્ય પ્રકારની નિઃશુલ્ક સેવા - માનવતાની સેવા - પૈકી એક છે. આ સેવાઓ એકતા દર્શાવવા માટે પણ છે, ખેડૂતો તરફથી અને સૈની જેવા સ્વયંસેવકો તરફથી.
સિંઘુ અને દિલ્હીની આસપાસના અન્ય વિરોધ સ્થળોએ લાખો ખેડુતો ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે, આ કાયદાઓ પહેલા 5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. આ ત્રણ કાયદાઓ છે: કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 .
મોટા નિગમોને ખેતી પર વધારે વર્ચસ્વ જમાવવા માટેનો વ્યાપ વિસ્તારી આપતા આ કાયદાઓને ખેડૂતો તેમની આજીવિકા માટે ઘાતક ગણે છે. આ કાયદાઓ ખેડૂતને ટેકાના મુખ્ય સ્વરૂપોને પણ નબળા પાડે છે, જેમાં ન્યુનતમ ટેકાના ભાવ (એમએસપી), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી), રાજ્ય ખરીદી અને અન્યનો સમાવેશ થાય છે. આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ 32 ને નબળી પાડીને તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરી ને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.
આ કાયદાઓ પ્રત્યેની નારાજગીએ આંદોલનકારી ખેડૂતોને છેલ્લા 2 મહિનાથી રાજધાનીના દરવાજે પડાવ નાખીને બેઠેલા જોયા છે. અને તેમણે સ્વ-અનુશાસનની આશ્ચર્યજનક ક્ષમતા બતાવી છે, મદદ માટેની સરકારી અપીલો ફગાવી દીધી છે – અને તાજેતરના વર્ષોમાં સૌથી ઠંડા સમયગાળામાં પોતાના ખોરાક અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું છે. આવા સમયે અહીં અનેક સ્વરૂપોમાં અપાતી સેવા અમૂલ્ય છે.જસવિન્દર કહે છે કે, “દરેક જણ કોઈને કોઈ રીતે લોકોની સેવા કરે છે – લંગર, તબીબી સેવાઓ, તંબુઓ, રેઇનકોટ વગેરે. અમે ત્રણ દાયકાથી પણ વધુ સમયથી જે કરતા આવ્યા છીએ અને અમને જે સૌથી સારું આવડે છે તેનાથી અમે તેમની સેવા કરીએ છીએ.”
હરિયાણા કુરુક્ષેત્રના ખેડૂત પરિવારની દીકરી પ્રકાશ કહે છે કે, “હું ખેડૂતોની દીકરી છું. હું તેમને તકલીફમાં જોઈ શકતી નથી. હું તેમના જૂતા પોલિશ કરું છું.”
લાંબા સમયથી કમરના દુઃખાવાથી પીડાતા જસવિન્દર ઉમેરે છે કે, “હું સામાન્ય રીતે એક કલાકથી વધુ સમય સુધી સીધો બેસી શકતો નથી. પરંતુ એક વખત અમે અહીં આવીએ છીએ પછી હું છ કલાક સુધી જૂતાની સફાઈ કરું છું અને આમ કરતી વખતે કોઈ દુખાવો થતો નથી.”
જસવિન્દરઆજુબાજુથી પસાર થતા લોકોને તેમના જૂતા પોલિશ કરવા માટે તેને આપવાનું કહે છે, તેમાંના કેટલાક શરૂઆતમાં ખચકાય છે અને શરમાય છે – “અરે અરે, મને (જૂતાની) જોડી અહીં આપો. એ ચમકવા લાગશે. એ મને આપો!”
તેઓ એક વૃદ્ધ ખેડૂત, જે દ્વિધામાં છે, તેને કહે છે: “બાબાજી, લાઓ જી લાઓ. કોઈ ગલ નહિ જી [બાબાજી, જૂતા મને આપી દો. એમાં કોઈ વાંધો નથી].” આ વૃદ્ધ માણસ એકદમ સારી રીતે પોલિશ થયેલા અને ચમકદાર થઈ ગયેલા તેના જૂતા પહેરી આગળ વધે છે.
જસવિન્દર આસપાસથી પસાર થતા બીજા લોકોને પૂછે છે, “હું પણ માણસ છું. તમે પણ માણસ છો. તો શા માટે મેલા જૂતા પહેરો છો?” જ્યારે લોકોને ગળે વાત ઉતરે ત્યારે તેઓ તેમના જૂતા કાઢીને તેમને સોંપી દે છે અને જસવિન્દર અને પ્રકાશ એમની આ નાનકડી સફળતા પર સ્મિતની આપલે કરે છે.
આ સેવા આપવામાં અમુક ખેડૂતો પણ એમની સાથે જોડાય છે. સિંઘુમાં બે યુવાન માણસો અને પંજાબથી આવેલા બીજા વૃદ્ધ લોકો પણ છે જેઓ પણ તેમની એકતાના પ્રતીક તરીકે જૂતા સાફ કરે છે.પોતાને વેપારી અને ખેડૂત બંને તરીકે જોતા જસવિન્દર કહે છે કે, “નોટબંધી, જી.એસ.ટી. [ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ] અને મોટા ધંધાઓને સસ્તા ભાવે બધું આપી દઈને સરકારે સાબિત કરી દીધું છે કે તે ફક્ત મોટા નિગમોનું જ ધ્યાન રાખે છે.”
તેઓ ઉમેરે છે કે, “વિજય માલ્યા, નીરવ મોદી અને અન્ય લોકો ભાગેડુ તરીકે દેશ છોડીને ચાલ્યા ગયા અને હવે આ ત્રણ કાયદાઓ અંબાણી અને અદાણી અમારો જીવ લઈ લે એટલા માટે જ બનાવવામાં આવ્યા છે. સરકારની માનવતા મરી પરવારી છે. પણ અમે ખેડૂતો છીએ, અમારામાં હજી માનવતા બચી છે.”
પ્રકાશ કહે છે કે, “આપણે મૃત્યુ પામીએ પછી, શું છેવટ સુધી પૈસા આપણી સાથે આવશે? ના. ફક્ત આપણા કામ જ સાથે આવશે. માટે સેવા [કરવાની.]”
“અને ગુરુ ગોવિંદ સિંહે આપણને શીખવ્યું છે કે કોઈની પણ ઉપર કોઈ પણ અત્યાચાર થતો હોય, તો આપણે એનો વિરોધ કરવો જોઈએ. જો આપણી સાથે અન્યાય થતો હોય તો તો આપણે તેની વિરુદ્ધ લડવું જોઈએ. ખેડૂતોનો વિરોધ એ અત્યાચાર વિરુદ્ધની લડત છે.”
જ્યારે જૂતાની સફાઈ થઈ રહી હોય, ત્યારે જે લોકોના જૂતાની સફાઈ થતી હોય તેઓ તેમના પગને કાદવથી બચાવવા માટે સપાટ કરેલા પૂંઠા ઉપર ઊભા રહે છે. પોલિશ કરેલા જૂતાની જોડી તેના માલિકને પાછી આપતી વખતે જસવિન્દર અને પ્રકાશ આદરમાં એમનું માથું નમાવે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ