40 વર્ષીય વણકર અખ્તર અલી કહે છે, “ભદોહી ગાલીચાનો જિલ્લો છે. અહીં બીજું કોઈ કામ નથી થતું. મેં મારું બાળપણ અહીં જ વિતાવ્યું છે અને આ રીતે જ હું વણાટ શીખ્યો છું.” જોકે, ગાલીચા બનાવવાથી થતી આવકમાં ઘટાડો થયો હોવાથી અલીએ હવે સિલાઈ કામ કરવાનું શરૂ કર્યું છે.
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર વિભાગમાં આવેલ ભદોહી જિલ્લો દેશના ગાલીચા વણાટના સૌથી મોટા સમૂહનું કેન્દ્ર છે. આ કેન્દ્રમાં મિર્ઝાપુર, વારાણસી, ગાઝિપુર, સોનભદ્ર, કૌશાંબી, અલાહાબાદ, જૌનપુર, અને ચંદૌલી જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગ લગભગ 20 લાખ ગ્રામીણ કારીગરોને રોજગાર પૂરો પાડે છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો સમાવેશ થાય છે.
અહીંની વણાટ પ્રક્રિયાને જે બાબત અલગ બનાવે છે તે છે હાથવણાટ, જેમાં ગાલીચાઓમાં ચોરસ ઈંચ દીઠ 30 થી 300 ગાંઠો લગાવીને તેમને ઊભી લૂમો પર વણવામાં આવે છે. છેલ્લી બે સદીઓથી પ્રક્રિયા અને કાચો માલ –ઊન, કપાસ અને રેશમની દોરી– માં કોઈ બદલાવ આવ્યો નથી. કારીગરો લૂમ પર હાથેથી ગૂંથવાનું કૌશલ્ય તેમના બાળકોને વારસમાં આપે છે.
તેમની વણાટ પદ્ધતિઓની વિશિષ્ટ પ્રકૃતિની માન્યતામાં, ભદોહીના ગાલીચાઓને 2010માં ભૌગોલિક સંકેત (જીઆઇ) પ્રમાણપત્ર મળ્યું હતું. જીઆઇ ટેગ મળવાથી ઉદ્યોગને પ્રોત્સાહન મળવાની અપેક્ષા હતી. જોકે, તેનાથી ગાલીચા વણનારાઓના વ્યવસાયમાં સુધારો થયો નથી.
ઉદાહરણ તરીકે, 1935માં સ્થપાયેલ મુબારક અલી એન્ડ સન્સ, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન અને જાપાન જેવા દેશોમાં ભદોહીના ગાલીચાની નિકાસ કરતા હતા, પછી તેમણે ઘટી રહેલા ઓર્ડરને કારણે 2016માં દુકાન બંધ કરી દેવી પડી હતી. 67 વર્ષીય ખાલિદ ખાન નિકાસ ઘરના સ્થાપક અને ભૂતપૂર્વ માલિક મુબારકના પૌત્ર છે. તેઓ કહે છે, “મારા દાદા અને પિતા આ વ્યવસાયમાં જ હતા. અમારો ધંધો બ્રિટિશ યુગ દરમિયાન શરૂ થયો હતો જ્યારે ‘મેડ ઇન બ્રિટિશ ઇન્ડિયા’ લેબલ સાથે ગાલીચાની નિકાસ કરવામાં આવતી હતી.”


