પ્રવીણ કુમાર સ્કૂટર પર તેમની કાંખઘોડી સાથે એક હાથમાં પીંછી લઈ આસપાસના લોકો સાથે વાત કરતા બેઠા છે તેની નજીકમાં એક મોટું - 18 ફૂટ લાંબુ - કેનવાસ છે. તેના પર તેમણે સિંઘુમાં વિરોધ કરી રહેલા ખેડૂતોના ચિત્રો દોર્યા છે.
પ્રવીણે લુધિયાણાથી સિંઘુની લગભગ 300 કિલોમીટરની મુસાફરી કરી છે. તેઓ લુધિયાણામાં એક કલા શિક્ષક અને કલાકાર છે. તેમનું કહેવું છે કે ખેડૂત આંદોલનમાં યોગદાન આપવાની પોતાની ફરજ છે એમ જણાતા તેઓ 10 મી જાન્યુઆરીએ હરિયાણા-દિલ્હી સરહદ પર વિરોધ સ્થળે પહોંચી ગયા હતા.
તેઓ કહે છે, “હું પ્રસિદ્ધિનો ભૂખ્યો નથી, ઈશ્વરે મને ઘણું આપ્યું છે, મને એ બાબતે કોઈ ચિંતા નથી. હવે હું આ આંદોલનનો ભાગ છું એ વાતની મને ખુશી છે.”
તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે પોલિયોને કારણે લકવાગ્રસ્ત થઈ ગયેલા તેમના પગ તરફ ઈશારો કરતા તેઓ કહે છે, "હું 70 ટકા વિકલાંગ છું." ન તો તેમની વિકલાંગતા કે ન તો તેમના પરિવારની શરૂઆતની નારાજગી તેમને સિંઘુ સુધીની મુસાફરી કરતા રોકી શકી.
43 વર્ષના પ્રવીણે લુધિયાણામાં મોટા કેનવાસ પર પેઇન્ટિંગ શરૂ કર્યું અને તેને સિંઘુ લઈ આવ્યા. ત્યાં આંદોલનકારીઓની વચ્ચે રસ્તા પર બેસીને - જ્યાં સુધી પેઇન્ટિંગ તૈયાર ન થયું ત્યાં સુધી - તેઓ તેના પર કામ કરતા રહ્યા.



