સુખરાની સિંહને એવું એકે ય વર્ષ યાદ નથી કે જ્યારે તેમણે જંગલમાંથી મહુઆના ફૂલો ભેગા ન કર્યા હોય. 45 વર્ષના સુખરાની કહે છે, “નાની હતી ત્યારથી હું મારી માતા સાથે જંગલમાં જતી. હવે હું મારા બાળકોને મારી સાથે લાવું છું." વહેલી સવારે મહુવાના ફૂલો વૃક્ષો પરથી ઝરવા માંડે ત્યારે જ સવારે 5 વાગ્યે તેઓ મહુઆના ચમકીલા પોપટી ફૂલો લેવા ઘેરથી નીકળ્યા હતા. વધતી જતી ગરમીમાં નીચે ઝરતા ફૂલોને ભેગા કરતા તેઓ બપોર સુધી ત્યાં હતા. ઘેર પહોંચ્યા પછી તેઓ ફૂલોને તડકામાં સૂકવવા માટે જમીન પર ફેલાવે છે.
મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં બાંધવગઢ ટાઇગર રિઝર્વની નજીક રહેતા સુખરાની જેવા નાના ખેડૂતો માટે મહુઆના ફૂલો આજીવિકાનો એક નિશ્ચિત સ્ત્રોત છે. માનપુર બ્લોકમાં આવેલા તેમના ગામ પારસીથી 30 કિલોમીટર દૂર આવેલા ઉમરિયા બજારમાં સુખરાની સુકા ફૂલો વેચીને એક કિલોના આશરે 40 રુપિયા કમાય છે. સામાન્ય રીતે એપ્રિલમાં લગભગ 2 - 3 અઠવાડિયા સુધી ચાલતી આ ફૂલોની સિઝનમાં તેઓ લગભગ 200 કિલો ફૂલો ભેગા કરે છે. સુખરાની કહે છે, "આ વૃક્ષ અમારે માટે ખૂબ કિંમતી છે." તેના ફૂલો ઉપરાંત ફળ અને વૃક્ષની છાલ તેમના પોષક અને ઔષધીય ગુણો માટે મહત્ત્વના છે.
મહુઆના ફૂલોની સિઝન દરમિયાન સુખરાની જંગલમાંથી બપોરે 1 વાગ્યાની આસપાસ ઘેર પાછા આવે છે અને રસોઈ કરીને તેમના પતિ અને પાંચ બાળકોના પરિવારને ખવડાવે છે. ઘઉંની લણણી અને ઘઉં એકઠા કરવાના કામમાં પતિ સાથે જોડાવા તેઓ લગભગ બપોરે 3 વાગ્યે ફરી બહાર નીકળે છે. સુખરાની અને તેમના પતિ ગોંડ આદિવાસી સમુદાયના છે, તેમની પાસે લગભગ ચાર વીઘા (આશરે એક એકર)જમીન છે, ત્યાં તેઓ મુખ્યત્વે પોતાના પરિવારના વપરાશ માટે વરસાદી પાણીની મદદથી ઘઉંની ખેતી કરે છે.











