વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન (દેખીતાં કામ, અદ્રશ્ય મહિલાઓ) પ્રદર્શનમાં આપનું સ્વાગત છે
આ દ્રશ્ય પ્રવાસ દરમિયાન દર્શકો ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોની વિશાળ શ્રેણી દર્શાવતા મૂળ ફોટોગ્રાફ્સનું સમગ્ર પ્રદર્શન જોઈ શકે છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. આ ફોટોગ્રાફ્સનો સમયગાળો આશરે આર્થિક સુધારાના પ્રથમ દાયકાનો છે અને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના (નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી સ્કીમ) ની શરૂઆતના બે વર્ષ પહેલા પૂરો થાય છે.
આ પ્રદર્શનના મૂળ સંસ્કરણમાં સમાવિષ્ટ ફોટોગ્રાફ્સના ચાર સેટ વર્ષ 2002 થી માંડીને આજ સુધીમાં માત્ર ભારતમાં જ 700000 થી વધુ દર્શકોએ જોયા છે. આ પ્રદર્શનો બસ અને રેલ્વે સ્ટેશનો પર, ફેક્ટરીના દરવાજે, ખેતમજૂરો અને બીજા શ્રમિકોની સામૂહિક રેલીઓના સ્થળે, શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં યોજાયા છે. હવે આખું કામ પહેલી જ વખત આ સાઈટ પર ઓનલાઈન રજૂ કરવામાં આવ્યું છે.
વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન એ કદાચ આ પ્રકારનું સૌથી પહેલું સંપૂર્ણ ડિજિટાઇઝ્ડ, ક્યુરેટેડ, સ્ટિલ-ફોટો પ્રદર્શન છે, જે મૂળ પ્રદર્શનને (જેમાં વિગતવાર લખાણ અને ખૂબ મોટા ફોટોગ્રાફ્સ છે) લઈને તેને સર્જનાત્મક રીતે ઓનલાઇન રજૂ કરે છે. દરેક પેનલનો પોતાનો એક વિડિયો છે, જે સરેરાશ 2-3 મિનિટનો છે. છેલ્લી પેનલ જ્યાં આ પ્રદર્શન પૂરું થાય છે તેમાં લગભગ 7 મિનિટનો વીડિયો છે.
પ્રસ્તુતિ દરમિયાન તમે, એટલે કે દર્શક વિડિયો જોઈ શકે છે, સાથેસાથે ફોટોગ્રાફરની ટિપ્પણી સાંભળી શકે છે, સંબંધિત લખાણ વાંચી શકે છે અને દરેકેદરેક સ્ટિલ-ફોટોગ્રાફને વધુ સારા રેઝોલ્યુશનમાં જોઈ શકે છે.
વીડિયો જોયા પછી પૃષ્ઠ નીચે સ્ક્રોલ કરીને તમે આ કરી શકો છો. દરેક પૃષ્ઠ પર વીડિયોની નીચે તમને તે પેનલનું મૂળ લખાણ અને સ્ટિલ-ફોટોગ્રાફ્સ મળશે.
જો તમે ઈચ્છો તો તમે નીચેની દરેક લિંક પર વારાફરતી ક્લિક કરીને એક સમયે એક પેનલ પણ જોઈ શકો છો. આ રીતે તમે તમારા રસ-રુચિ મુજબના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. પરંતુ જો તમે ઈચ્છો તો તમે આખું પ્રદર્શન એકસાથે એક સળંગ વીડિયોમાં પણ જોઈ શકો છો - નીચેની શ્રેણીમાં આપેલ છેલ્લી લિંક આ માટેની છે.
અથવા
આખું પ્રદર્શન એકસાથે (આમાં 32 મિનિટ લાગે છે પરંતુ તમે આખું પ્રદર્શન, એક પછી એક પેનલના ક્રમાનુસાર જોઈ શકશો). સંબંધિત લખાણ વાંચવા માટે તમારે દરેક પેનલના પૃષ્ઠ પર જવું પડશે. પરંતુ અહીં 32-મિનિટના આ સમગ્ર પ્રદર્શનની લિંક છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક