તુલુનાડુ એ અરબી સમુદ્રના કિનારે આવેલો વિસ્તાર છે, આ વિસ્તાર દરિયાઈ વ્યાપારનો લાંબો અને સુસ્થાપિત ઈતિહાસ ધરાવે છે. અહીં સદીઓથી ભૂત (પ્રેતાત્મા) પૂજાની પરંપરા અનુસરવામાં આવે છે.
સૈયદ નાસિર કહે છે, “ભૂત વિધિમાં સંગીત વગાડીને હું ઘર ચલાવું છું. તેઓ તુલુનાડુમાં મુસ્લિમ સમુદાયના સભ્યો દ્વારા સંચાલિત સંગીત મંડળી સાથે જોડાયેલા છે. તેઓ કહે છે, "આ વિધિ દરમિયાન સંગીત રજૂ કરવામાં અમને કોઈ તકલીફ નથી."
મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન, કર્ણાટકના રિસર્ચ એસોસિએટ (સહયોગી સંશોધક) નિતેશ આંચન કહે છે કે ભૂત પૂજા નિમિત્તે અનેક સમુદાયો ભેગા થાય છે. આંચન કહે છે, “અલગ-અલગ જગ્યાએથી લોકો તુલુનાડુમાં સ્થાયી થયા હોવાના અને તેમણે સ્પષ્ટપણે તુલુ વિધિઓમાં ભાગ લીધો હોવાના આ ઉદાહરણો છે."
નાસીરનો પરિવાર ચાર પેઢીઓથી ભૂત વિધિમાં નાદસ્વરમ અને બીજા વાદ્યો વગાડતો આવ્યો છે. આ કળા તેમને પોતાના પિતા તરફથી વારસામાં મળી છે અને પરિવારના આ સંગીત વારસાને આગળ ધપાવનાર તેઓ તેમના પરિવારના છેલ્લા સભ્ય છે. તેઓ કહે છે, "યુવા પેઢીને આ સંગીતમાં કોઈ રસ નથી." પચાસ-પંચાવન વર્ષના આ સંગીતકાર ઉમેરે છે, "હવે પહેલાના જેવા સંજોગો પણ રહ્યા નથી, હાલની પરિસ્થિતિ વધુ ને વધુ ખરાબ થઈ રહી છે."
આંચન કહે છે, “તુલુનાડુના લોકો ભૂતને દેવતા માને છે." તેઓ ઉમેરે છે કે અહીં ભૂતની પૂજા થાય છે એટલું જ નહીં પરંતુ ભૂત એ અહીંના લોકોના જીવનનો અભિન્ન ભાગ છે. ભૂત પૂજામાં કોઈ મહિલા કલાકારો હોતા નથી, જો કે ભૂત પૂજા સાથે સંકળાયેલ એક વિધિ, કોલામાં મહિલા પાત્રો હોય છે. આ મહિલા પાત્રોની ભૂમિકા પુરુષો દ્વારા ભજવવામાં આવે છે.
આ ફિલ્મ તુલુનાડુમાં વિવિધ ભૂત વિધિઓમાં નાસિર અને તેમની મંડળીએ રજૂ કરેલ પ્રસ્તુતિને આવરી લે છે.
મુખપૃષ્ઠ છબી: ગોવિંદ રાદેશ નાયર
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમએમએફ) એ આપેલ ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક