કમલ બરારે કહ્યું કે, "ટિકરી બોર્ડર પર રસ્તાની બંને બાજુ 50 કિલોમીટર સુધી ટ્રેકટરોની કતાર છે." તેઓ હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના તેમના ગામના 20 અન્ય ખેડૂતો સાથે 24 મી જાન્યુઆરીએ પાંચ ટ્રેક્ટર અને બે ટ્રોલી લઈને ટિકરી પહોંચ્યા હતા.
હરિયાણા-દિલ્હી સરહદ પર સ્થિત ટિકરી એ રાષ્ટ્રીય રાજધાનીની બહારના ત્રણ મુખ્ય સ્થળોમાંનું એક છે, જ્યાં 26 મી નવેમ્બર 2020 થી હજારો, લાખો ખેડૂતો સપ્ટેમ્બર 2020 માં સંસદમાં પસાર કરાયેલા કૃષિ કાયદાને રદ કરવા આંદોલન કરી રહ્યા છે.
વિરોધ પ્રદર્શનના ભાગ રૂપે ખેડૂતોએ 26 મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિને રાજધાનીમાં અભૂતપૂર્વ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે.
આ રેલીમાં ભાગ લેવાનું વિચારી રહેલાઓમાં નિર્મલ સિંહ પણ છે. પંજાબના ફાઝિલ્કા જિલ્લાના અબોહર બ્લોકના તેમના ગામ વહાબવાલાથી ચાર ટ્રેકટર સાથે આવેલા નિર્મલ સિંહને ટિકરીમાં પાર્કિંગની જગ્યા શોધવા માટે ઘણા કલાકો લાગ્યા હતા. તેઓ કિસાન મઝદુર એકતા સંઘના બેનર હેઠળ વહાબવાલાના 25 લોકો સાથે આવ્યા છે. તેમણે કહ્યું કે, “હજી ઘણા લોકો આવી રહ્યા છે. તમે જોજો તો ખરા, ટ્રેક્ટરોની સંખ્યા અનેકગણી વધી જશે.







