કોરાઈ ઘાસ કાપવામાં કુશળતા ધરાવતા લોકોને આ છોડ કાપવામાં ૧૫ સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે, તેને ખંખેરવામાં અડધી મિનિટ, અને એના પૂળા (બંડલ) બનાવવામાં બીજી કેટલીક મિનિટ થાય છે. ઘાસ જેવા આ છોડ એનાથી લાંબા હોય છે, અને દરેક પૂળા નું વજન લગભગ પાંચ કિલો હોય છે. મહિલાઓ એને સરળ બનાવી દે છે, અને એક વખતમાં ૧૨-૧૫ પૂળા પોતાના માથે લઈને સખત તાપમાં લગભગ અડધો કિલોમીટર પગપાળા ચાલે છે - પૂળા દીઠ ૨ રૂપિયા કમાવવા માટે.
દિવસના અંત સુધીમાં, તે બધાં કોરાઈના લગભગ ૧૫૦ પૂળા બનાવી દે છે, જે તમિલનાડુના કરુર જિલ્લાના નદી વિસ્તારમાં પુષ્કળ માત્રામાં ઉગે છે.
કાવેરી નદીના તટ પર, કરુરના મનવાસી ગામની એક વસાહતમાં, નાથમેડું માં કોરાઈ કાપનારા - લગભગ બધી જ મહિલાઓ - કોઈ પણ આરામ વગર, દિવસમાં આઠ કલાક કામ કરે છે. તેઓ ઘાસ થી ભરેલા એ ખેતરોમાં એને કાપવા માટે નીચે ઝુકે છે, પોતાના હાથોથી એને ખંખેરે છે અને પૂળા બનાવે છે, જેને તેઓ સંગ્રહ કરવાની જગ્યાએ લઇ જાય છે. આ માટે કુશળતા અને તાકાત જોઈએ. અને આ સખત મહેનત માંગી લે એવું કામ છે.
તેઓ કહે છે કે તેમાંથી મોટા ભાગની મહિલાઓ, નાની ઉંમરથી જ કોરાઈ કાપવાનું કામ કરી રહી છે. ૫૯ વર્ષીય સૌભાગ્યમ્ કહે છે,“હું જે દિવસે પેદા થઈ, એ જ દિવસથી કોરાઈ કાડુ [‘જંગલ’] મારી દુનિયા રહી છે. મે દસ વર્ષની ઉંમરથી જ ખેતરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું, અને પ્રતિદિન ત્રણ રૂપિયા કમાતી હતી.” એમની આવક હવે પાંચ સભ્યોના પરિવારનું પેટ ભરે છે.
વિધવા અને બે શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓની મા, ૩૩ વર્ષીય એમ. માગેશ્વરી યાદ કરે છે કે એમના પિતા એમને ગાયો ચરાવવા અને કોરાઈ કાપવા માટે મોકલતા હતા. તેઓ કહે છે, “મે શાળામાં કોઈ દિવસ પગ નથી મુક્યો. આ ખેતરો મારું બીજું ઘર છે.” ૩૯ વર્ષીય આર. સેલ્વી પોતાની મા ના પગલે ચાલી રહયાં છે. “તે પણ કોરાઈ કાપતી હતી,” તેઓ કહે છે, “મેં મારા જીવનમાં આ કામ પહેલેથી જ કરવાનું શરૂ કરી દીધું હતું,”























