“મેં તેઝ દોડ કે આઉંગા, ઔર કુનો મેં બસ જાઉંગા [હું ઝડપથી દોડીને આવીશ અને કુનોમાં વસી જઈશ].”
આ ચિન્ટુ નામનો એક ચિત્તો એક પોસ્ટર દ્વારા જેઓ સાંભળવા ઇચ્છુક હોય કે વાંચવા સક્ષમ હોય એ બધાની સાથે વાત કરી રહ્યો છે,.
આ પોસ્ટર મધ્યપ્રદેશના વન વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓના સત્તાવાર આદેશ પર અમલ કરીને લગભગ છ મહિના પહેલા લગાવવામાં આવ્યું હતું. આ પોસ્ટર કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસના બધા ગામોમાં પહોંચી ગયું છે - જે પોસ્ટરમાં મૈત્રીપૂર્ણ પાત્ર‘ચિન્ટુ ચિત્તો’તેનું ઘર વસાવવાની યોજના બનાવી રહ્યો છે.
ચિન્ટુની સાથે ઉદ્યાનમાં ૫૦ અન્ય આફ્રિકન ચિત્તાઓ પણ રહેશે. પણ ત્યાં બાગચા ગામના ૫૫૬ માનવીઓ માટે જગ્યા નથી - કારણ કે તેઓ અહીંથી વિસ્થાપિત થઈને અન્ય જગ્યાએ સ્થળાંતરિત થવાના છે. મુખ્યત્વે સહરિયા આદિવાસીઓની, જેમની દુનિયા જંગલો સાથે ખૂબ નજીકથી જોડાયેલી છે, આવી હકાલપટ્ટી જે તેમની આજીવિકા અને રોજિંદા અસ્તિત્વને ખરાબ રીતે વિક્ષેપિત કરશે.
પરંતુ આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આયાતી ચિત્તાઓ જોવા માટેની મોંઘી સફારી રાઇડ્સ ફક્ત પ્રવાસીઓને જ પરવડે તેમ છે. આનાથી, મૂળભૂત રીતે સ્થાનિક રહેવાસીઓ બાકાત રહેશે, કારણ કે તેમાંથી મોટાભાગના ગરીબી રેખા નીચે જીવે છે.
આ દરમિયાન“વ્હાલી લાગે એવી” ટપકાંવાળી બિલાડીના પોસ્ટર અને કાર્ટૂનોએ અભયારણ્યની બહાર ૨૦ કિલોમીટર દૂર આવેલા પૈરા જાટવના આઠ વર્ષના સત્યન જાટવ જેવા કેટલાકને મૂંઝવણમાં મૂકી દીધા છે, જેઓ આ પોસ્ટર જોઇને તેમના પિતાને પૂછે છે, “શું આ બકરી છે?” તેમનો માંડ ચાર વર્ષનો નાનો ભાઈ, અનુરોધ, કહે છે કે કે તે એક પ્રકારનો કૂતરો હોવો જોઈએ.














