દક્ષિણ કોલકતાના એક બહુસાંસ્કૃતિક લેક માર્કેટમાં મીના યાદવ પોતાના મિત્રો સાથે, ક્યાંક પહોંચવાનો રસ્તો તેમને પૂછવા માટે રોકાતા અજાણ્યા લોકો સાથે, અને પોતાના ગ્રાહકો સાથે ક્યારેક ભોજપુરી, ક્યારેક બંગાળી અને ક્યારેક હિન્દીમાં વાત કરે છે. એક સ્થળાંતરિત તરીકે રોજિંદા જીવનમાં તેમને ભોગવવી પડતી મુશ્કેલીઓની વાત કરતા તેઓ કહે છે, "કોલકાતામાં આવી [ભાષાની] કોઈ તકલીફ નથી."
“યે સિર્ફ કહેને કા બાત હૈ કિ બિહારી લોગ બિહાર મેં રહેગા [આ બધી બોલવાની વાત છે કે બિહારી લોકો બિહારમાં જ રહેશે]. હકીકત એ છે કે સખત શારીરિક મજૂરીવાળા તમામ કામ અમે કરીએ છીએ. બધા જ હમાલો, પાણી વાહકો અને કુલીઓ બિહારી છે. આ બંગાળીઓનું કામ નહીં. તમે ન્યુ માર્કેટ, હાવરા, સિયાલદહ જાઓ ... તમને ભારે વજન ઊંચકીને લઈ જતા બિહારીઓ જ જોવા મળશે. પરંતુ આટઆટલી મહેનત કર્યા પછી પણ તેમને જરાય માન મળતું નથી. બિહારીઓ બધાને બાબુ કહે છે...પણ બિહારીઓને નીચા દરજ્જાના લોકો તરીકે જોવામાં આવે છે. કેરીનું ફળ, કેરીનો રસ બંગાળીઓ માટે ને બાકી રહ્યો ગોટલો તે અમારે માટે"
મીના યાદવ સહજ રીતે જ ભાષાની વાત પરથી ઓળખની રાજનીતિની વાત પર અને પછી ફરી પાછી ભાષાની વાત પર આવી જાય છે.
"ચેન્નાઈમાં અમને [વાતચીત કરવામાં] મુશ્કેલી પડતી હતી.” મીના કહે છે, “અમે હિન્દી કે ભોજપુરીમાં બોલીએ તો તેઓ જવાબ આપતા નહીં. તેઓ તેમની ભાષામાં જ બોલે રાખતા જે અમે જાણતા નથી. પરંતુ અહીં આવી તકલીફ નથી," બિહારના છપરાના 45 વર્ષના આ મકાઈ વેચનાર કહે છે. “જુઓ, બિહારની પોતાની કોઈ એક બિહારી ભાષા નથી. ઘેર અમે 3-4 ભાષાઓમાં વાત કરીએ છીએ. ક્યારેક ભોજપુરી, ક્યારેક હિન્દી, ક્યારેક દરભંગિયા (મૈથિલી) અને ક્યારેક બાંગ્લા. પરંતુ અમને દરભંગિયા બોલવાનું વધારે ફાવે છે."
તેઓ એક બહુભાષાવિદ (અનેક ભાષા જાણનાર વ્યક્તિ)ની માફક નવાઈ પમાડે એવી સરળતાથી બોલે છે, “અમે આરાહ અને છપરા બોલી પણ વાપરીએ છીએ. કોઈ તકલીફ નથી, અમારે જે ભાષામાં વાત કરવી હોય તેમાં કરીએ છીએ." અને તેમ છતાં આ બધી ભાષાઓનું જ્ઞાનને તેમની અસાધારણ કુશળતાનું પ્રમાણ છે એમ માનવાની ભૂલ તેઓ નથી કરતા.
'વિશ્વને તેની બહુવિધતામાં અભિવ્યક્તિ કરવાની વિશિષ્ટ રીતોની ઉજવણી કરવાની' વાત કરવાનું (આંતરરાષ્ટ્રીય વિશ્વ ભાષા દિવસનું આયોજન કરતા) તો યુનેસ્કોના ડિરેક્ટર જનરલ પૂરતું ભલે રહ્યું. મીનાની વાત તો સાવ સીધી છે. તેમને તેમના ઉપરીની, શેઠની, ગ્રાહકોની અને તેમની આસપાસના સમુદાયની ભાષા શીખવી પડે છે. તેઓ કહે છે, "ઘણી બધી ભાષાઓ જાણવી સારું હશે, પરંતુ અમે તો એ શીખ્યા કારણ કે અમારે ટકી રહેવાનું હતું."
આ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે પારીએ મીના જેવા - દેશના વિવિધ ભાગોમાં રહેતા ગરીબ સ્થળાંતરિતો, ઘણીવાર તેમના પોતાના જ દેશમાં બહારના ગણાતા, અને તેઓ જે ભાષામાં જન્મ્યા હતા તેનાથી વિખૂટા પડી ગયેલા લોકો - સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. અમે તેઓ જે ભાષાકીય વિશ્વમાંમાં વસે છે, જેને સાચવે છે, સર્જે છે તેમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.
પુણેમાં સ્થળાંતરિત શ્રમિક તરીકે કામ કરતા શંકર દાસ આસામના કછર જિલ્લાના બોરખોલા બ્લોકમાં પોતાને ઘેર પાછા ફરતાં પછી એક વિચિત્ર પડકારનો સામનો કરે છે. જ્યારે તેઓ તેમના ગામ જરાઈલતલામાં ઉછરતા હતા ત્યારે તેમની ચારે બાજુ લોકો બંગલા ભાષા બોલતા લોકો હતા. તેથી તેઓ ક્યારેય રાજ્યની સત્તાવાર ભાષા આસામી શીખ્યા જ નહોતા. તેઓ વીએક વર્ષના હતા ત્યારે તેમણે ઘર છોડ્યું અને પુણેમાં વિતાવેલ દોઢ દાયકામાં તેમણે તેમનું હિન્દી પાકું કર્યું અને મરાઠી શીખ્યા.
40 વર્ષના શંકર દાસ સમજાવે છે, “હું મરાઠી સારી રીતે જાણું છું. હું પુણેના એકેએક વિસ્તારમાં ફર્યો છું. પણ હું આસામી બોલી શકતો નથી. હું (આસામી) સમજી શકું છું પણ બોલી શકતો નથી." કોવિડ મહામારી દરમિયાન પુણેમાં મશીનની ફેક્ટરીમાં મજૂરીનું કામ છૂટી જતાં તેમને આસામ પાછા ફરવાની અને કામ શોધવાની ફરજ પડી હતી. પોતાના ગામ જરાઈલતલામાં કોઈ કામ ન મળતાં તેઓ ગુવાહાટી ગયા હતા પરંતુ આસામી ભાષાના જ્ઞાન વિના તેમને કોઈ કામ નસીબ થાય તેમ નહોતું.
મીના યાદવ એકદમ સ્પષ્ટ છે. તેમને માટે અભિવ્યક્તિની બહુવિધતાની ઉજવણીનો કોઈ પ્રશ્ન જ નથી. તેઓ કહે છે, 'ઘણી બધી ભાષાઓ જાણવી સારું હશે, પરંતુ અમે તો એ શીખ્યા કારણ કે અમારે ટકી રહેવાનું હતું'
તેઓ કહે છે, "નોકરીએ રાખનાર શેઠ સાથે વાત કરવાની તો વાત જ જવા દો (આસામી ન આવડતી હોય તો) અહીં બસમાં ચડવું પણ મુશ્કેલ છે. હું પુણે પાછા ફરવાનું વિચારી રહ્યો છું. મને કામ પણ મળી જશે અને ભાષાની પણ ખાસ કોઈ સમસ્યા નહીં થાય. હવે એમના અંજળપાણી ને એમનું ઘર બે ની દિશા એક રહી નથી.
ગુવાહાટીથી લગભગ બે હજાર કિલોમીટર દૂર, દેશની રાજધાનીમાં, 13 વર્ષનો પ્રફુલ સુરીન શાળામાં ટકી રહેવા માટે હિન્દી શીખવા સંઘર્ષ કરી રહ્યો છે. એક અકસ્માતમાં તેના પિતાનું મૃત્યુ થયા પછી તેને તેના બુઆ (પિતાના બહેન) સાથે ઝારખંડના ગુમલા (જિલ્લા) ના પહાનટોલી કસ્બામાં આવેલા પોતાના ઘરથી 1300 કિલોમીટર દૂર નવી દિલ્હીના મુનિરકા ગામમાં આવવું પડ્યું હતું. તે કહે છે, "હું અહીં આવ્યો ત્યારે મને સાવ એકલું લાગતું હતું. કોઈને મુંડારી આવડતું નહોતું. અહીં બધા હિન્દી બોલતા હતા."
તે આ શહેરમાં રહેવા આવ્યો તે પહેલા પોતાના ગામની શાળામાં હિન્દી અને અંગ્રેજીના કેટલાક મૂળાક્ષરો શીખ્યો હતો ખરો, પરંતુ એ કશું સમજવા અથવા પોતાની વાત વ્યક્ત કરવા માટે પૂરતું નહોતું. તે કહે છે કે દિલ્હીમાં બે વર્ષનું ભણતર અને બુઆએ શરુ કરાવેલા ટ્યુશન ક્લાસ પછી, તે હવે "શાળામાં અથવા મિત્રો સાથે રમતી વખતે થોડુંઘણું હિન્દી બોલી શકે છે પણ ઘેર બુઆ સાથે હું મુંડારીમાં વાત કરું છું,” તે ઉમેરે છે, “એ મારી માતૃભાષા છે.”
દિલ્હીથી બીજા 1100 કિલોમીટર દૂર છત્તીસગઢમાં 10 વર્ષની પ્રીતિને જે શાળામાં દાખલ કરવામાં આવી છે તે શાળામાં તેને જવું નથી. તે તેના માતા-પિતાની સાથે રહે છે, પરંતુ જે ભાષામાં વાત કરવાથી તેને ઘર જેવું લાગે છે એ ભાષાથી તે ઘણી દૂર રહે છે.
40 વર્ષના લતા ભોઈ અને તેમના પતિ 60 વર્ષના સુરેન્દ્ર ભોઈ મલુઆ કૌંધ આદિવાસી જનજાતિના છે. તેઓ ઓડિસાના કાલાહાંડી સ્થિત કેંદુપારા ગામમાંથી એક ખાનગી ફાર્મહાઉસના રખેવાળ તરીકેનું કામ કરવા રાયપુર આવ્યા છે. તેઓ તેમનું કામ ચાલી જાય એટલું ભાંગ્યુંતૂટ્યું છત્તીસગઢી જાણે છે અને ખેતરના મજૂરો સાથે વાતચીત કરી શકે છે. લતા કહે છે, “અમે 20 વર્ષ પહેલાં રોજી રોટી [આજીવિકા] ની શોધમાં અહીં આવ્યા હતા. મારા પરિવારના તમામ સભ્યો ઓડિશામાં રહે છે. એ બધા ઉડિયા બોલે છે. પરંતુ મારા બાળકો અમારી ભાષા વાંચી-લખી શકતા નથી. તેઓ માત્ર બોલી શકે છે. ઘરમાં અમે બધા ઉડિયા જ બોલીએ છીએ. હું પણ ઉડિયા વાંચી-લખી શકતી નથી. મને ફક્ત બોલતા આવડે છે.” તેમની સૌથી નાની દીકરી પ્રીતિને હિન્દી કવિતા ગમે છે, પરંતુ શાળાએ જવાનું જરાય ગમતું નથી.
તે કહે છે, “હું મારા સહપાઠીઓ સાથે છત્તીસગઢીમાં વાત કરી લઉં છું. પણ હવે મારે અહીં ભણવું નથી. કારણ કે મારા શાળાના મિત્રો મને ‘ઓડિયા- ધોડિયા’ કહીને ચીડવે છે.” છત્તીસગઢીમાં ધોડિયા શબ્દ એ બિનઝેરી સાપની એક પ્રજાતિ માટે વપરાય છે છે, જે સ્વભાવે તદ્દન ડરપોક હોય છે. પ્રીતિના માતા-પિતા જો તેને અનુસૂચિત જનજાતિના કોટા હેઠળ પ્રવેશ મળી જાય તો તેને ઓડિશાની સરકારી નિવાસી શાળામાં મોકલવા માગે છે.
નાની ઉંમરે પોતાના માતા-પિતા, પોતાની જમીન અને પોતાની ભાષાથી અલગ થવું એ લગભગ દરેક સ્થળાંતરિતના જીવનની કથા છે.
21 વર્ષના નાગેન્દ્ર સિંહ માંડ 8 વર્ષના હતા ત્યારે રોજગારની શોધમાં ઘર છોડીને ક્રેન ઓપરેટિંગ સેવામાં મશીનની સફાઈ કરવાના કામમાં લાગ્યા. તેમનું ઘર હતું ઉત્તર પ્રદેશના ખુશીનગર જિલ્લાનું જગદીશપુર ગામ, જ્યાં તેઓ ભોજપુરી બોલતા હતા. તેઓ સમજાવે છે કે, “ભોજપુરી હિન્દીથી તદ્દન અલગ છે. અમે ભોજપુરીમાં વાત કરવાનું શરૂ કરીએ તો તમને એ નહિ સમજાય." તેમનું 'અમે' એટલે તેમની સાથે એક જ રૂમમાં રહેતા તેમના ત્રણ મિત્રો અને સહકાર્યકરો, જેઓ ઉત્તર બેંગ્લોરમાં એક બાંધકામના સ્થળે રંગારાનું કામ કરે છે. 26 વર્ષના અલી, 18 વર્ષના મનીષ અને નાગેન્દ્રની ઉંમર, ગામ, ધર્મ અને જાતિ ભલે અલગ-અલગ છે પરંતુ તેઓ તેમની સમાન માતૃભાષા - ભોજપુરી દ્વારા જોડાયેલા છે.
કિશોરાવસ્થામાં જ તેઓ તેમના ઘર અને ભાષા ગામડાઓમાં પાછળ છોડીને અહીં આવ્યા હતા. અલી કહે છે, “જો તમારી પાસે આવડત હોય તો કોઈ તકલીફ પડતી નથી. હું દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, સાઉદી અરેબિયા પણ ગયો છું. કહેતા હો તો હું તમને મારો પાસપોર્ટ બતાવું. ત્યાં હું અંગ્રેજી અને હિન્દી શીખ્યો.” આ બધું જે રીતે થાય છે તે કેટલું સરળ છે એ સમજાવવા માટે નાગેન્દ્ર અમારી વાતચીતમાં જોડાય છે. તેઓ કહે છે, “જ્યાં કામ હોય ત્યાં અમે જઈએ. ગાંવ કા કોઈ લડકા બુલા લેતા હૈ, હમ આ જાતે હૈ [અમારા ગામનો કોઈ છોકરો અમને બોલાવે અને અમે જઈએ]."
મદુરાઈના માત્ર તમિળ ભાષા જાણતા સહકાર્યકર 57 વર્ષના સુબ્રમણિયમ તરફ ઈશારો કરીને નાગેન્દ્ર કહે છે, “આ કાકા જેવા લોકો પણ હોય છે. અમે સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીએ છીએ. અમારે તેમને કંઈક કહેવું હોય તો અમે કોન્ટ્રેક્ટર સુથારને કહીએ છીએ, અને એ કાકાને સમજાવે છે. પણ અમે અંદરઅંદર અમારી ભોજપુરીમાં વાતો કરીએ છીએ. સાંજે હું રૂમમાં જાઉં છું ત્યારે હું મારું જમવાનું બનાવું છું અને ભોજપુરી ગીતો સાંભળું છું," કહેતા તેઓ પોતાના મનપસંદ ગીતોમાંથી એક ગીત સંભળાવવા માટે પોતાનો મોબાઈલ (ખિસ્સામાંથી બહાર) કાઢે છે.
પરિચિત ખોરાક, ગીતો, તહેવારો અને માન્યતાઓનો એકેમેક સાથેનો ઝાંખો સંબંધ જેને આપણે હંમેશા આપણી સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ તે ઘણીવાર ભાષાકીય અનુભવોમાં થઈને આપણી સમક્ષ આવે છે. અને તેથી, જ્યારે તેમની માતૃભાષા વિશે પૂછવામાં આવ્યું ત્યારે પારી સાથે વાત કરતા હતા એમાંના ઘણા લોકો સંસ્કૃતિ સાથે સંબંધિત વાતો કરવા લાગ્યા હતા.
મુંબઈમાં ઘરેલુ મદદનીશ તરીકે કામ કરવા માટે બિહારમાં પોતાનું ગામ પરતાપુર છોડ્યાના બે દાયકાથી વધુ સમય પછીય મૈથિલીનો ઉલ્લેખ થતા જ 39 વર્ષના બસંત મુખિયાનું મન ઘરના ભોજન અને ગીતોની યાદો ભરાઈ જાય છે. તેઓ કહે છે, "મને સત્તુ [શેકેલા ચણામાંથી બનાવેલો લોટ] અને ચૂરા અથવા પોહા ખૂબ ભાવે છે." તેમાંથી કેટલીક વસ્તુઓ તેમને મુંબઈમાં મળી રહે છે, પરંતુ “એમાં મારા ગામનો સ્વાદ નથી” એમ કહીને બસંત રસોઈના રસ્તે આગળ વધતા પરતાપુર પહોંચી જાય છે. “અમારે ત્યાં દર શનિવારે અમે બપોરના ભોજનમાં ખીચડી અને સાંજના નાસ્તામાં ભુજા ખાઈએ. પૌંઆ, શેકેલી મગફળી અને શેકેલા કાળા ચણાને ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, મીઠું, સરસવનું તેલ અને બીજા મસાલા સાથે ભેળવીને ભુજા બનાવવામાં આવે છે. તેઓ એક ઉનો નિસાસો નાખતાં કહે છે, "મુંબઈમાં તો મને ખબરેય નથી પડતી કે શનિવાર ક્યારે આવે છે અને ક્યારે જાય છે."
બીજું તેમને કંઈ યાદ આવતું હોય તો એ છે તેમના ગામમાં તેઓ હોળી કેવી રીતે રમતા હતા એ. બસંત કહે છે, "એ દિવસે મિત્રોની ટોળી અગાઉથી કશી જ ચેતવણી આપ્યા વિના તમારા ઘરમાં ઘૂસી જાય. અમે ખૂબ ઉત્સાહપૂર્વક રંગોથી રમીએ. અને પછી (હોળીને દિવસે રવો, મેંદો, ખાંડ અને દૂધમાંથી બનાવેલી ખાસ મીઠાઈ) માલપુઆ હોય. અમે હોળીના ગીતો, ફાગુઆ ગાઈએ." બસંત અમારી સાથે તેમના વતનની પોતીકી ભાષામાં વાતો કરતા નથી ને છતાંય તેમની વાતોમાં વતનની છબીઓ સ્પષ્ટપણે જીવંત થઈ ઊઠે છે.
તેઓ દુઃખ વ્યક્ત કરતા કહે છે, "તમારા જ વતનના અને તમારી જ ભાષા બોલતા લોકો સાથે તહેવાર ઉજવવાનો આનંદ કંઈક અલગ જ હોય છે."
અલ્હાબાદના અમીલૌટી ગામના રાજુ, તેમને એ નામે બોલાવીએ એ ગમતું હતું, આ વાત સાથે સંપૂર્ણ સહમત થાય છે. છેલ્લા 30 વર્ષથી તેઓ પંજાબમાં રહીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. આહીર સમુદાયના રાજુ ઘેર અવધીમાં બોલતા હતા. તેઓ પહેલી વાર અમૃતસર આવ્યા ત્યારે તેમને ખૂબ મુશ્કેલી પડી હતી. તેઓ ખુશીથી કહે છે, "પરંતુ આજે હું સરળતાથી પંજાબીમાં વાતચીત કરી શકું છું અને હું બધાને ગમું છું."
અને તેમ છતાં પંજાબના તરનતારન જિલ્લાના પટ્ટી નગરના એક બગીચામાં ફળો વેચનાર રાજુને દુઃખ છે કે તેમના તહેવારોની ઉજવણીમાં ભાગ લઈ શકતા નથી. કામના બોજને કારણે તેઓ ઘણીવાર પોતાને ગામ જઈ શકતા નથી અને તેઓ કહે છે, "અહીં મારા પોતાના તહેવારોની ઉજવણી કરવી અશક્ય છે. 100 લોકો તહેવાર ઉજવાતા હોય તો કોઈ માણસ તેમાં જોડાય પણ ખરો, પરંતુ તમે જ કહો માત્ર બે-ચાર લોકો જ તહેવાર ઉજવવતા હોય તો એમાં કોણ જોડાય?"
દેશના બીજા છેડે કામની શોધમાં પતિ સાથે રાજસ્થાનથી કેરળ આવેલા 38 વર્ષના શબાના શેખ પણ આ જ પ્રશ્ન પૂછે છે. તેઓ પૂછે છે, “અમે અમારા તહેવારો અમારા ગામમાં ઉજવીએ છીએ અને તેમાં કોઈ શરમ જેવું નથી. પરંતુ અહીં કેરળમાં અમે અમારા તહેવારોની ઉજવણી શી રીતે કરીએ? તેઓ કહે છે, “દિવાળી દરમિયાન કેરળમાં બહુ દીવા કરતા નથી. પરંતુ રાજસ્થાનમાં અમે દિવાળીના તહેવાર દરમિયાન માટીના દીવા પ્રગટાવીએ છીએ. તે ખૂબ જ સુંદર લાગે છે." તેમની આંખોમાં યાદો ચમકી રહે છે.
અમે જે જે સ્થળાંતરિતો સાથે વાત કરી તે દરેકને માટે ભાષા, સંસ્કૃતિ અને યાદો વચ્ચેનો સંબંધ ખૂબ ગાઢ છે. પરંતુ ઘરથી દૂર દૂર નાનકડી ખોલીઓમાં રહેતા આ સ્થળાંતરિતોએ પોતાને જીવંત રાખવાની પોતાની આગવી રીતો પણ શોધી કાઢી છે.
નાગપુર, વર્ધા, ચંદનપુર અથવા યવતમાલના મેદાન સિવાય 60 વર્ષના મશરૂ રબારીનું કોઈ કાયમી સરનામું નથી. મધ્ય વિદર્ભના પશુપાલક મશરૂ રબારી ગુજરાતના કચ્છથી આવે છે. કેડિયું, ધોતી અને સફેદ પાઘડીના આગવા રબારી પોશાકમાં સજ્જ તેઓ કહે છે, "એક અર્થમાં હું વર્હાડી છું." વિદર્ભની સ્થાનિક સંસ્કૃતિ સાથે તેમના સંબંધ ઘનિષ્ઠ છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેઓ સ્થાનિક અપશબ્દો બોલી શકે છે અને ગાળો પણ ભાંડી શકે છે! અને તેમ છતાં તેમણે પોતાની ભૂમિની પરંપરાઓ અને સંસ્કૃતિ સાથેના પોતાના સંબંધો અકબંધ રાખ્યા છે. તેઓ એક ખેતરેથી બીજા ખેતરમાં જાય ત્યારે તેમના ઊંટોની પીઠ પર લાદેલા તેમના સામાનમાં લોકકથાઓ, વારસાગત શાણપણ, ગીતો, પ્રાણી વિશ્વ, પર્યાવરણ-વિજ્ઞાન વિગેરે વિશેના પરંપરાગત જ્ઞાનથી ભરેલું પોટલુંય હોય છે.
ઝારખંડના એક એક્સકેવેટર (ઉત્ખનન) ઑપરેટર 25 વર્ષના શનૌલ્લા આલમ હાલ કર્ણાટકના ઉડુપીમાં રહે છે. તેમના કામના સ્થળે તેઓ એકમાત્ર એવા છે જેઓ સરળતાથી હિન્દી બોલી શકે છે. પોતાની ભાષા અને પોતાના લોકો સાથે તેમનું એકમાત્ર જોડાણ એ તેમના મોબાઈલ ફોન દ્વારા છે, જ્યારે તેઓ તેમના પરિવાર અને મિત્રો સાથે હિન્દીમાં કે પછી ઉત્તર છોટાનાગપુર અને ઝારખંડના સાંથાલ પરગણામાં બોલાતી ભાષા ખોરથામાં વાત કરે છે.
ઝારખંડના બીજા એક યુવા સ્થળાંતરિત 23 વર્ષના સોબિન યાદવ પણ જે કંઈ પરિચિત હોય તે બધા સાથે સંપર્કમાં રહેવા માટે તેમના મોબાઇલ પર આધાર રાખે છે. તેઓ કેટલાક વર્ષો પહેલા "ક્રિકેટર ધોનીના ઘરથી લગભગ 200 કિલોમીટર દૂર" આવેલા મજગાંવ ગામથી ચેન્નાઈ સ્થળાંતરિત થયા હતા. ચેન્નાઈમાં એક લોજમાં કામ કરતા સોબિનને ભાગ્યે જ હિન્દી બોલવા મળે છે. દરરોજ સાંજે ફોન પર પત્ની સાથે વાત કરતી વખતે તેઓ પોતાની માતૃભાષાનો ઉપયોગ કરે છે. તેઓ તમિળમાં બોલતા કહે છે, “હું મારા મોબાઈલ ફોન પર હિન્દીમાં ડબ થયેલી તમિળ ફિલ્મો પણ જોઉં છું. સુર્યા મારો પ્રિય અભિનેતા છે."
વિનોદ કુમાર કહે છે, "હિન્દી, ઉર્દૂ, ભોજપુરી... અહીં ક્યારેય કોઈ ભાષા નહીં ચાલે. અંગ્રેજી પણ નહીં. માત્ર દિલની ભાષા જ ચાલે છે." બિહારના મોતિહારી ગામના આ 53 વર્ષના કડિયા કાશ્મીરના બારામુલા જિલ્લાના પટ્ટન બ્લોકમાં સાજિદ ગનીના રસોડામાં બપોરનું ભોજન કરી રહ્યા છે. સાજીદ તેમના સ્થાનિક એમ્પ્લોયર (નોકરીદાતા) છે. સાજીદ તરફ ઈશારો કરીને વિનોદ અમને પૂછે છે, "શ્રમિકની સાથે બેસીને જમતો મકાનમાલિક - બીજે ક્યાંય તમે આવું જોયું છે? મને નથી લાગતું કે તેઓ મારી જાતિ પણ જાણતા હોય. ત્યાં મારા ગામમાં તો લોકો મારું અડકેલું પાણી પણ ન પીએ, અને અહીં સાજીદ મને પોતાના રસોડામાં જમાડી રહ્યા છે અને એ પોતે પણ મારી સાથે બેસીને જમે છે."
વિનોદ પહેલીવાર કામ માટે કાશ્મીર આવ્યા તે વાતને આજકાલ કરતાં હવે 30 વર્ષ થઈ ગયા છે. તેઓ સમજાવે છે, "1993માં હું પહેલીવાર એક શ્રમિક તરીકે કાશ્મીર આવ્યો હતો. મને કાશ્મીર વિશે કશો ખ્યાલ નહોતો. તે સમયે પ્રસારમાધ્યમોની પહોંચ આજના જેટલી નહોતી. અખબારોમાં કેટલીક માહિતી આવતી હોય તો પણ મને શી રીતે ખબર પડે? હું તો વાંચી-લખી શકતો નથી. અમને તો જ્યારે પણ કોઈ ઠેકેદારનો ફોન આવે ત્યારે અમે અમારો રોટલો રળવા જતા."
વિનોદ પોતાના શરૂઆતના દિવસો યાદ કરે છે, "તે સમયે મને અનંતનાગમાં કામ મળ્યું હતું. જે દિવસે અમે પહોંચ્યા તે જ દિવસે અચાનક બધું બંધ થઈ ગયું હતું. ખિસ્સામાં કાણી કોડી વિના થોડા દિવસો માટે મારે કોઈ કામધંધા વિના સાવ બેકાર બેસી રહેવું પડ્યું હતું. પરંતુ અહીંના ગામલોકોએ મને, અમને બધાને મદદ કરી. અમે 12 લોકો સાથે આવ્યા હતા. તેઓએ અમને જમાડ્યા." તેઓ પૂછે છે, "તમે જ કહો, આ દુનિયામાં આ રીતે કોઈ કારણ વિના આજે કોણ મદદ કરે છે?" વિનોદ અમારી સાથે વાત કરે છે ત્યારે સાજિદ વિનોદના નમ્ર ઈનકારને અવગણીને વિનોદની પ્લેટ પર ચિકનનો એક વધારાનો ટુકડો સરકાવવાનો પ્રયાસ કરે છે.
વિનોદ આગળ કહે છે, “મને કાશ્મીરીનો એક શબ્દય સમજાતો નથી. પરંતુ અહીં બધા હિન્દી સમજે છે. અત્યાર સુધી તો બધું બરોબર ચાલ્યું છે."
અમે તેમને પૂછીએ છીએ, "[તેમની માતૃભાષા] ભોજપુરીનું શું?"
તે તરત જવાબ આપે છે, "એમાં શું? જ્યારે મારા ગામના બીજા લોકો આવે છે, ત્યારે અમે ભોજપુરીમાં વાત કરીએ છીએ." તેઓ પૂછે છે, "પણ તમે જ મને કહો, અહીં હું ભોજપુરીમાં વાત કોની સાથે કરું? " અને પછી તે હસીને ઉમેરે છે, "મેં સાજીદભાઈને મારી માતૃભાષા થોડીઘણી શીખવાડી દીધી છે. કા હો સાજીદભાઈ? કઇસન બાનીં? [કહો સાજીદભાઈ? કેમ છો?]"
સાજીદ જવાબ આપે છે, " ઠીક બા [હું મઝામાં છું].”
"આમતેમ થોડીઘણી ભૂલ થાય. પણ તમે ફરી વાર આવશો ત્યારે મારા આ (સાજીદ) ભાઈ અહીં [ભોજપુરી અભિનેતા] રિતેશના ગીતોમાંથી એક ગીત તમને સંભળાવશે!"
આ વાર્તા માટેના અહેવાલ દિલ્હીથી મો. કમર તબરેઝ; પશ્ચિમ બંગાળથી સ્મિતા ખટોર; કર્ણાટકથી પ્રતિષ્ઠા પંડ્યા અને શંકર એન. કેંચનુર; કાશ્મીરથી દેવેશ; તમિળનાડુથી રાજસંગીતન; છત્તીસગઢના નિર્મલ કુમાર સાહુ; આસામથી પંકજ દાસ; કેરળથી રાજીવ ચેલનાત; મહારાષ્ટ્રથી જયદીપ હાર્ડીકર અને સ્વર્ણકાંતા; પંજાબથી કમલજીત કૌર દ્વારા મોકલવામાં આવેલ છે. અને મેધા કાલે, સ્મિતા ખટોર, જોશુઆ બોધિનેત્રા અને સંવિતિ ઐયરની સંપાદકીય સહાય સાથે પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા સંપાદિત કરવામાં આવેલ છે. બીનાઈફર ભરૂચા દ્વારા ફોટો સંપાદન. શ્રેયા કાત્યાયની દ્વારા વીડિયો સંપાદન.
મુખપૃષ્ઠ ચિત્ર: લાબાની જંગી
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક