“આંદોલને મને આગળ આવીને મારી પોતાની લડાઈ જાતે લડવાનું શીખવ્યું. તેનાથી અમને સન્માન મળ્યું છે.” અહીંયાં ‘અમને’ એટલે રાજીન્દર કૌર અને તેમના જેવી મહિલાઓની વાત છે કે જેઓ સપ્ટેમ્બર ૨૦૨૦માં પસાર કરવામાં આવેલા કેન્દ્રના કૃષિ કાયદાઓ વિરુદ્ધના આંદોલનમાં ભાગીદાર બની હતી. પંજાબના પટિયાલા જિલ્લાના ૪૯ વર્ષના ખેડૂત રાજિન્દર કૌર ઘણી વખત ૨૨૦ કિલોમીટરનું અંતર કાપીને સિંધુ સુધી જતાં હતા, અને વિરોધ સ્થળ પર ભાષણો આપતા હતા.
દૌન કલાન ગામમાં તેમના ૫૦ વર્ષીય પાડોશી, હરજીત કૌરે દિલ્હી-હરિયાણા સરહદ પર આવેલ સિંઘુ ખાતે ૨૦૫ દિવસ વિતાવ્યા હતા. તેઓ કહે છે કે, “મને એવો સમય યાદ નથી કે જ્યારે મેં અનાજની ખેતી ન કરી હોય. મેં જે પણ પાક લણ્યો, તેની સાથે હું થોડી મોટી થતી ગઈ પરંતુ આ આ પ્રકારનું આંદોલન મેં પ્રથમ વખત જોયું હતું અને તેમાં ભાગ લીધો. મેં વિરોધ પ્રદર્શનમાં બાળકો, વૃધ્ધો અને મહિલાઓને આવતા જોયા.” હરજીત ૩૬ વર્ષથી ખેતી કરે છે.
દેશની રાજધાનીના બહારના ભાગમાં લાખો ખેડૂતો એકઠા થયા હતા, અને કેન્દ્ર સરકારને વિવાદાસ્પદ કાયદાઓ પાછા ખેંચવાની માંગ કરી હતી. મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ નવેમ્બર ૨૦૨૦ થી નવેમ્બર ૨૦૨૧ માં કાયદાઓ રદ ન થાય ત્યાં સુધી એક વર્ષ માટે ત્યાં ધામા નાખ્યા હતા. ખેડૂતોનો વિરોધ ઐતિહાસિક હતો, અને તાજેતરની યાદમાં સૌથી મોટી લોક ચળવળોમાંની એ એક હતી.
પંજાબની મહિલાઓ આંદોલનમાં સૌથી મોખરે હતી. તેઓ કહે છે કે તેઓએ જે એકતાનો અનુભવ કર્યો હતો તે આજે પણ અકબંધ છે, આ સિવાય આંદોલનમાં ભાગ લેવાના કારણે એમને જે હિંમત અને સ્વતંત્રતા મળી છે તેના કારણે તેઓ વધુ મજબૂત બન્યા છે. માણસા જિલ્લાના ૫૮ વર્ષીય કુલદિપ કૌર કહે છે કે, “જ્યારે હું ત્યાં (આંદોલનમાં) હતી ત્યારે મને ક્યારેય ઘરની યાદ નહોતી આવી. હવે જ્યારે હું અહીંયાં ઘેર પાછી આવી છું, ત્યારે હું આંદોલનને ખૂબ યાદ કરું છું.”
પહેલાં, બુધલાડા તાલુકામાં રાલી ગામમાં ઘરે કામના ભારણના લીધે તેમનો મિજાજ બદલાતો રહેતો હતો. કુલદિપ કહે છે કે, “અહીં મારે એક પછી એક કામ કરવું પડે છે, કે પછી ઘેર આવનાર મહેમાનોની કાળજી લેવી પડે છે, અને તેમની સાથે ઔપચારિકતા નિભાવવી પડે છે. ત્યાં તો હું મુક્ત હતી.” વિરોધ પ્રદર્શનના સ્થળો પર, તેમણે સમુદાયના રસોડામાં સ્વૈચ્છિક સેવા આપી. તેઓ કહે છે કે તેઓ જીવનપર્યંત ત્યાં કામ કરી શકે છે. “હું વડીલોને જોઈને વિચારતી હતી કે હું મારા માતાપિતા માટે રસોઈ બનાવી રહી છું.”












