હૃદયરોગના અચાનક આવેલા હુમલાથી પતિનું મૃત્યુ થયા પછી 30 વર્ષના મીરાં ઉત્તર પ્રદેશના ફરુખાબાદ નગરમાંથી ત્રણ બાળકોને લઈને 2012 માં દિલ્હી આવ્યા હતા. હાલ તેઓ જેટલા ગુસ્સામાં છે એટલા જ થાકેલા પણ છે. તેઓ કહે છે, "અમે દેહ વ્યાપાર કરીએ છીએ એટલે બસ તેઓ માની લે છે કે અમારે કોઈ પણ વસ્તુની ચૂકવણી અમારા શરીરથી કરવી જોઈએ"
હોસ્પિટલમાં પુરૂષ સહાયકો અને વોર્ડ સહાયકો જે રીતે તેમના શરીરને ફંફોસે છે એ યાદ આવતા જ 39 વર્ષના અમિતા અણગમા સાથે મોઢું મચકોડીને કહે છે, "જ્યારે તેઓ મને મારી દવાઓ આપે છે ત્યારે તેઓ આ જ કરે છે." અને પોતાના શરીરની બાજુ પર હળવેથી હથેળી પસવારતા તેઓ હોસ્પિટલમાં પુરૂષ સહાયકો અને વોર્ડ સહાયકો જે રીતે તેમના શરીરને ફંફોસે છે તેની નકલ કરે છે. આ પ્રકારના અપમાનથી તેઓ ખૂબ ડરે છે, પરંતુ સ્વાસ્થ્ય-ચિકિત્સા માટે અથવા દવાઓ લેવા માટે જાહેર હોસ્પિટલમાં પાછા આવે છે.
45 વર્ષના કુસુમ, દેહ વ્યાપારનો વ્યવસાય કરતી 4.5 લાખ મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતી 16 રાજ્યોની સામુદાયિક સંસ્થાઓના સંગઠન ઓલ ઈન્ડિયા નેટવર્ક ઓફ સેક્સ વર્કર્સ (એઆઈએનએસડબલ્યુ - AINSW) ના ભૂતપૂર્વ પ્રમુખ છે. તેઓ કહે છે, “અમે અમારા એચઆઈવી ટેસ્ટ માટે જઈએ ત્યારે જો તેમને ખબર પડે કે અમે દેહ વ્યાપાર કરીએ છીએ તો તેઓ મદદ કરવાની તૈયારી બતાવે. તેઓ દાવો કરે, ‘પીછે સે આ જાના, દવાઈ દિલવા દૂંગા. [‘પાછલા દરવાજેથી આવી જા, હું તને દવા લાવી આપીશ.'] ને પછી તેઓ અયોગ્ય રીતે અડકવા આ તકનો લાભ લે." કુસુમ આ વાત કરે છે ત્યારે ઘણી મહિલાઓ ડોકું હલાવી સહમત થાય છે.
દિલ્હીના ઉત્તર પશ્ચિમ જિલ્લાના રોહિણી વિસ્તારમાં એક જાહેર આશ્રયસ્થાનમાં પારી (PARI) દેહ વ્યાપાર કરતી મહિલાઓના એક જૂથને મળે છે, ઘણું કરીને મહામારીને કારણે તેમને કામ મળતું નથી. શિયાળાની બપોરે હૂંફ મેળવવા ટૂંટિયું વાળીને બેઠેલ મહિલાઓ સ્ટીલના ટિફિન બોક્સમાં પેક કરેલ ઘેર બનાવેલા શાકભાજી, દાળ અને રોટલાનું ખાવાનું વહેંચીને ખાઈ રહ્યા છે.













