ભારતના પ્રથમ કાયદા મંત્રી, ડૉ. બી.આર. આંબેડકર, (જો હાજર હોત તો) નવા સંસદ ભવનમાં થયેલ કાર્યવાહી પર શંકાસ્પદ નજર કરતા. કેમ કે, તેમણે જ કહ્યું હતું કે, “જો મને બંધારણનો દુરુપયોગ થતો જોવા મળશે, તો સૌથી પહેલાં હું જ તેને બાળી નાખીશ.”
પારી લાઇબ્રેરી 2023માં સંસદમાં પસાર કરાયેલા મહત્ત્વપૂર્ણ નવા ખરડાઓ, કે જે નાગરિકોના બંધારણીય અધિકારોને જોખમમાં મૂકે છે, તેના પર એક નજર નાખે છે.
વન (સંરક્ષણ) સુધારા અધિનિયમ, 2023નું જ ઉદાહરણ લો ને. જો ભારતનાં જંગલ હવે સરહદોની નજીક આવેલાં હોય, તો તેઓ પહેલાંની જેમ અભેદ નથી રહ્યાં. બહુવિધ દેશો સાથે આંતરરાષ્ટ્રીય સરહદો ધરાવતા ભારતના પૂર્વોત્તર વિસ્તારનું ઉદાહરણ લો. પૂર્વોત્તરનાં ‘બિનવર્ગીકૃત જંગલો’ ભારતના નોંધાયેલા 50 ટકાથી વધુ વન વિસ્તાર બનાવે છે, જેમને હવે કાયદામાં સંશોધન પછી લશ્કરી અને અન્ય ઉપયોગો માટે વાપરી શકાય તેવી જોગવાઈ કરી દેવામાં આવી છે.
ડિજિટલ ગોપનીયતાની વાત કરીએ, તો એમાં ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતીય) સંહિતા અધિનિયમ, નામનો એક નવો કાયદો તપાસ એજન્સીઓ માટે તપાસ દરમિયાન ફોન અને લેપટોપ જેવાં ડિજિટલ ઉપકરણોને જપ્ત કરવાનું સરળ બનાવે છે, જે નાગરિકોના ગોપનીયતાના સૌથી મૂળભૂત અધિકારને જોખમમાં મૂકે છે. એ જ રીતે નવો ટેલિકોમ્યુનિકેશન એક્ટ સંચાર સેવાઓની અધિકૃત સંસ્થા દ્વારા ચકાસી શકાય તેવા બાયોમેટ્રિક આધારિત ઓળખનો ઉપયોગ કરવાનું નિર્ધારિત કરે છે. બાયોમેટ્રિક રેકોર્ડ્સનું સંપાદન અને સંગ્રહ કરવું એ ગોપનીયતા અને સાયબર સુરક્ષાની ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.







