૮૨ વર્ષના બાપુ સુતારને ૧૯૬૨નો એ દિવસ સ્પષ્ટપણે યાદ છે. તેમણે એ દિવસે પગથી ચાલતી લાકડાની હેન્ડલૂમ વેચી હતી. એ હેન્ડલૂમ સાત ફૂટ ઊંચી હતી, જેને તેમણે કારખાનામાં પોતાના હાથોથી બનાવી હતી અને કોલ્હાપુરના સાંગાંવ ગામના એક વણકરને ૪૧૫ રૂપિયામાં વેચી હતી.
જો આ તેમણે વેચેલી છેલ્લી હેન્ડલૂમ ન હોત, તો આ એક સુખદ સ્મૃતિ હોત. તે પછી ઓર્ડર આવતા બંધ થઈ ગયા; તેમણે હાથે બનાવેલી પગથી ચાલતી લાકડાની હેન્ડલૂમનો કોઈ ખરીદનાર ન હતો. તેઓ યાદ કરીને કહે છે, “ત્યાવેલી સાગલા મોડલા [તે પછી બધું સમાપ્ત થઈ ગયું].”
આજે, છ દાયકા પછી, મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના રેન્દલમાં ખૂબ ઓછા લોકો જાણે છે કે બાપુ ગામમાં પગથી ચાલતી હેન્ડલૂમ બનાવનારા છેલ્લા બાકી રહેલા કારીગર છે અને એ પણ કે એક જમાનામાં તેમની ખૂબ માંગ હતી. ગામના સૌથી વૃદ્ધ વણકર ૮૫ વર્ષીય વસંત તાંબે કહે છે, “રેન્દલ અને આસપાસના ગામોના અન્ય હેન્ડલૂમ બનાવનારા કારીગરો મૃત્યુ પામ્યા છે.”
લાકડામાંથી હેન્ડલૂમ બનાવવું એ રેન્દલની એક ખોવાયેલી પરંપરા છે. તેમના સાધારણ ઘરની આજુબાજુના કારખાનાઓમાંથી આવતા અવાજ વચ્ચે બાપુનો અવાજ દબાઈ જાય છે, તેઓ કહે છે, “તે [છેલ્લી] હેન્ડલૂમ પણ હવે અસ્તિત્વમાં નથી.”
એક રૂમમાં પથરાયેલું બાપુનું કારખાનું એક વીતેલા યુગનું સાક્ષી રહ્યું છે. કારખાનામાં કથ્થાઈ રંગની વિવિધ જાતો – ઘેરો, કથ્થઈ, બદામી, રાખોડી, લક્કડિયો, મહોગની, ભૂખરો લાલ અને અન્ય - સમય પસાર થવાની સાથે ધીમે ધીમે વિલીન થઈ રહી છે, અને તેમની ચમક ઝાંખી થઈ રહી છે.

























