નવેમ્બર 2015 માં શિખા મંડલના પતિ અસિતનું મૃત્યુ થયું હતું. તેઓ કહે છે, “તેઓ બીજા બે માણસો સાથે ગરાલ નદીમાંથી કરચલા પકડવા બગનબારી જંગલમાં ગયા હતા. બીજા બે માણસો પાછા ફર્યા હતા અને મને કહ્યું હતું કે એક વાઘ મારા પતિને ઉપાડી ગયો હતો.” અસિત મંડલનું મૃત્યુ થયું ત્યારે તેઓ 32 વર્ષના હતા, પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય અને શાળાએ જતા બે દીકરાના પિતા.
પશ્ચિમ બંગાળના ગોસાબા બ્લોકના જહાર કોલોની ગામના રહેવાસી શિખાએ વળતરનો દાવો કરવાનું નક્કી કરી તેમને મદદ કરવા માટે એક વકીલને 10000 રુપિયા ચૂકવ્યા હતા. "અમારે સંખ્યાબંધ દસ્તાવેજો ભેગા કરવાના હતા - પોલીસ અને વન-વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી), વીમા કાર્ડ, ગામના પ્રધાન તરફથી એક પત્ર અને મૃત્યુનું પ્રમાણપત્ર."
વકીલ વીમા કંપની પાસેથી 1 લાખ રુપિયાનું વળતર મેળવવામાં સફળ રહ્યા હતા. પરંતુ શિખાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એનઓસી નકારવામાં આવ્યું હતું કારણ કે તેમના પતિનું મૃત્યુ મુખ્ય વિસ્તાર (વન વિભાગ દ્વારા વ્યાખ્યાયિત કરાયેલ સૌથી ઊંડા જંગલ વિસ્તાર) માં થયું હતું. વીમા કંપનીએ હજી સુધી તેમના દસ્તાવેજો પરત કર્યા નથી.
શિખા હવે કરચલા અને ઝીંગા પકડે છે, નાનાં-મોટાં કામ કરે છે અને ખેત મજૂરી કરે છે અને ગમે તે રીતે તેમના દીકરાઓને શાળાએ મોકલવાની વ્યવસ્થા કરે છે. સ્વતંત્ર ઘર ચલાવવાનું પોસાય તેમ ન હોવાથી શિખા અને તેમના બાળકો કાકા ને ઘેર રહે છે.
સુંદરવનમાં હજારો મહિલાઓએ આ રીતે વાઘના હુમલામાં પોતાના પતિ ગુમાવ્યા છે. આ મુખત્રિકોણ પ્રદેશ પૂર્વીય ભારતમાં લગભગ 4200 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને અહીં વિશ્વના સૌથી મોટા મેન્ગ્રોવ જંગલો છે, જે વાઘનો પર્યાય બની ગયાં છે.
જ્યારે આ પુરુષો મુખ્ય વિસ્તારોમાં ત્યાં મૃત્યુ પામે છે ત્યારે પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે, કારણ, અહીંના ગ્રામજનોને કોઈ પણ સંજોગોમાં આ વિસ્તારોમાં પ્રવેશવાની મંજૂરી નથી, પછી તેમની પાસે પરવાનગી હોય કે ન હોય
પોતાની રોજિંદી જરૂરિયાતો અને આજીવિકા માટે જંગલો પર નિર્ભર ગામલોકો માટે હિંગલગંજ, ગોસાબા, કુલતલી, પાથાર પ્રતિમા અને બસંતી બ્લોકના જંગલોમાંના વાઘ એ એક ખતરો છે. આ બ્લોક્સ સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન (નેશનલ પાર્ક) (અને વાઘ આરક્ષિત ક્ષેત્ર) ની નજીક છે, તેમાં લગભગ 1700 ચોરસ કિલોમીટરનો મુખ્ય વિસ્તાર અને જ્યાં આજીવિકા સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવેલી છે એવા લગભગ 900 ચોરસ કિલોમીટરના બફર વિસ્તારનો સમાવેશ થાય છે. માછલી અને કરચલા પકડવા અથવા મધ અને લાકડું ભેગું કરવા સામાન્ય રીતે અહીંના ગામડાઓના પુરુષો જ જંગલોમાં જાય છે. વાઘનો સામનો કરવામાં મોટેભાગે પુરુષ જ મૃત્યુ પામે છે.
સુંદરવનમાં આ રીતે વિધવા થયેલી મહિલાઓની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી, પરંતુ સ્થાનિકો, બિન-સરકારી સંસ્થાઓ અને બીજાઓનો અંદાજ છે કે ત્રણ દાયકામાં આ સંખ્યા ઓછામાં ઓછી 3000 - અથવા દર વર્ષે 100 જેટલી છે.
'વાઘના હુમલાને કારણે વિધવા' થયેલી મહિલાઓના કલ્યાણ માટે કામ કરતા એક એનજીઓ સુંદરબન ગ્રામીણ વિકાસ (રુરલ ડેવલપમેન્ટ) સોસાયટીનું કામ સાંભળતા અર્જુન મંડલ કહે છે, "ગોસાબાના લાહિરીપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં [જેમાં 22 ગામોનો સમાવેશ થાય છે તેમાં] 2011 થી લગભગ 250 મહિલાઓએ વાઘના હુમલામાં તેમના પતિ ગુમાવ્યા છે." તેઓ ઉમેરે છે, "તેમાંથી એકેયને વળતર મળ્યું નથી."
પશ્ચિમ બંગાળ સરકારના વન વિભાગ, મત્સ્યોદ્યોગ વિભાગ અને સરકારની વ્યક્તિગત અકસ્માત જૂથ વીમા યોજના તરફથી બધું મળીને આ મહિલાઓ અંદાજે કુલ 4-5 લાખ રુપિયાના વળતરની હકદાર છે. જો કે, એમાં ઘણી શરતો છે; અર્જુન થોડીક શરતોની યાદી આપે છે: “પતિનું મૃત્યુ મુખ્ય વિસ્તારમાં થયું હોવું ન જોઈએ, તેમની પાસે બોટ લાયસન્સ સર્ટિફિકેટ (બીએલસી) અને વન વિભાગની પરવાનગી હોવી જોઈએ. વધુમાં વળતર મેળવવા માટે પત્નીએ જુદા જુદા વિભાગોમાં ઘણા દસ્તાવેજો પૂરા પાડવા જરૂરી છે.”
ગામના લોકો હંમેશા મુખ્ય વિસ્તારમાં આવતા-જતા રહે છે. અર્જુન, જેઓ પોતે એક માછીમાર છે, તેઓ કહે છે, “અમને ખ્યાલ નથી આવતો કે બફર ઝોન ક્યાં પૂરો થાય છે અને મુખ્ય વિસ્તાર ક્યાંથી શરૂ થાય છે. સરકાર બહુ ઓછા બીએલસી જારી કરે છે, અને દરેક જણને બીએલસી લેવાનું પરવડી શકે તેમ નથી. પરવાનગી મળવાનો આધાર પણ વન વિભાગની મરજી પર છે.”
તેથી જે પુરૂષો પાસે બીએલસી અથવા પરવાનગી નથી તેમની પત્નીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે આ પુરુષો મુખ્ય વિસ્તારોમાં મૃત્યુ પામે છે ત્યારે પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે, કારણ, અહીંના ગ્રામજનોને કોઈ પણ સંજોગોમાં આ વિસ્તારોમાં પ્રવેશવાની મંજૂરી નથી, પછી તેમની પાસે પરવાનગી હોય કે ન હોય.
ગોસાબા બ્લોકના પાથારપારા ગામના 40 વર્ષના નમિતા બિસ્વાસ સાથે આવું જ થયું હતું. ફેબ્રુઆરી 2015 માં તેમના પતિ મનોરંજન, એક માછીમાર, પર મુખ્ય વિસ્તારમાં એક વાઘ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ બચી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ રજા આપ્યાના થોડા દિવસો પછી તેમનું મૃત્યુ થયું હતું. નમિતા સમજાવે છે, “તેમને માથાની ઈજાથી થયેલ ચેપ રૂઝાયો નહોતો. મારા પતિ પાસે બીએલસી હતું, પણ પોલીસે મારું નિવેદન લેવાનો ઇનકાર કર્યો હતો. અમે અમારા તમામ દસ્તાવેજો અને તબીબી બિલો વળતર માટે વન વિભાગને આપ્યા હતા. હજી પૈસા આવવાના બાકી છે. મારા જેવી ઘણી બધી વિધવાઓ છે. સરકારે ઓછામાં ઓછું અમને માસિક પેન્શન તો આપવું જોઈએ.
શિખા અને નમિતા હજી વળતરની રાહ જોઈ રહ્યા છે જ્યારે પાથારપારાના 55 વર્ષના પુર્મિલા બર્મને વળતર મેળવવાની આશા છોડી દીધી છે. માર્ચ 2016 માં તેમના માછીમાર પતિ શુભેન્દુને મુખ્ય વિસ્તારમાં વાઘે મારી નાખ્યા હતા. પુર્મિલા કહે છે, “શુભેન્દુનું મૃત્યુ થયું ત્યારે એક વચેટિયાએ મને મદદ કરવાનું વચન આપ્યું હતું. તેઓ મદદ કરશે એમ માનીને મેં મારા બધા દસ્તાવેજો એકઠા કરીને તેમને આપી દીધા હતા." ત્યારથી એ દલાલ તેમના તમામ દસ્તાવેજો સાથે ગાયબ છે અને તેમને કોઈ વળતર મળ્યું નથી.
સુંદરવન આવી વાર્તાઓથી ભરેલું છે. કેટલાક પરિવારોમાં પરિવારોની દરેક પેઢીના પુરુષ સભ્યો વાઘના હુમલામાં માર્યા ગયા છે. મોટા ભાગના ગામો જ્યાં આમ બન્યું છે ત્યાં બિધોબા પાડા અથવા 'વિધવા વિસ્તારો' છે. મોટાભાગના પરિવારોમાં મહિલાઓનું જીવન સંકટ અને કારમી ગરીબાઈથી ભરેલું છે. તેમને માટે ફરીથી લગ્ન કરવાનું પણ મુશ્કેલ છે કારણ કે પુનર્લગ્નની મંજૂરી નથી.
જુલાઈ 2016 માં આ લેખકે માહિતી અધિકાર (રાઈટ ટુ ઈન્ફર્મેશન - આરટીઆઈ) હેઠળ પશ્ચિમ બંગાળ સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ, વન વિભાગ અને સુંદરવન સંબંધિત બાબતોના વિભાગમાં વાઘના હુમલાને કારણે વિધવા થયેલી મહિલાઓના વળતર બાબતે પૂછપરછ કરતી ત્રણ અલગ-અલગ અરજીઓ દાખલ કરી હતી.
માત્ર મત્સ્ય ઉદ્યોગ વિભાગે જ જવાબ આપ્યો હતો: છેલ્લા છ વર્ષમાં, માત્ર પાંચ મહિલાઓએ વળતર માટે વિભાગમાં અરજી કરી છે - જેમના પતિ દર વર્ષે વાઘ દ્વારા માર્યા જાય છે એવી અંદાજિત 100 મહિલાઓનો આ એક સાવ નાનકડો હિસ્સો છે. તેમાંથી માત્ર ત્રણ મહિલાઓને દરેકને વળતર પેટે 1 લાખ રુપિયા મળ્યા હતા. બીજી બે મહિલાઓને વળતર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો કારણ કે તેમના પતિઓના શબ પરીક્ષણ અહેવાલો (પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ) ઉપલબ્ધ નહોતા.
પરંતુ મત્સઉદ્યોગ વિભાગના આંકડાઓથી વિપરીત મેં જે મહિલાઓ સાથે વાત કરી તેમાંથી મોટાભાગની મહિલાઓએ કહ્યું કે તેઓએ વળતર માટે અરજી કરી છે – તેથી અધૂરા દસ્તાવેજો અથવા બીજી શરતો પૂરી કરવામાં નિષ્ફળ જવાને કારણે તેમના દાવા સ્વીકારવામાં ન આવ્યા હોય એ શક્ય છે.
દક્ષિણબંગા મત્સ્યજીબી ફોરમના પ્રદિપ ચેટર્જી કહે છે, “સમગ્ર પ્રક્રિયા જટિલ અને થકવી નાખનારી છે, એમાં ઘણા બધા દસ્તાવેજો પૂરા પાડવાના હોય છે અને ઘણી દોડધામ કરવી પડે છે. મહિલાને ગેરમાર્ગે દોરવામાં આવી શકે છે અથવા તેઓ પ્રક્રિયાથી અજાણ હોઈ શકે છે." (ફિશવર્કર્સ ફોરમ ઓફ સાઉથ બેંગાલ સંસ્થા 'વાઘના હુમલાને કારણે વિધવા' થયેલી મહિલાઓને વળતરનો દાવો કરવામાં અને કામ શોધવામાં મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે). તેઓ કહે છે, "દરમિયાન, વાઘના હુમલાને કારણે દર વર્ષે વધુ ને વધુ મૃત્યુ નોંધાતા રહે છે, પરિણામે વિધવા મહિલાઓની સંખ્યામાં વધારો થતો રહે છે."
ચેટર્જી ઉમેરે છે કે કેટલીક મહિલાઓ વન વિભાગની પૂછપરછથી ડરીને તેમના પતિના મૃત્યુના સમાચાર જ 'દબાવી દે છે', ખાસ કરીને જો તેમના પતિ મુખ્ય વિસ્તારમાં માર્યા ગયા હોય તો - વળતરનો દાવો કરવાની વાત તો જવા દો, તેઓ સત્તાવાળાઓ પાસે એ મૃત્યુની નોંધણી પણ કરાવતા નથી.
પરંતુ પાથારપારા ગામના રણબીબાલા મંડલે વળતરનો દાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘણા વર્ષો પહેલા તેમના પતિ પર વાઘે હુમલો કર્યો હતો. તેઓ કહે છે, "આટલા વર્ષો પછી સરકારે મને કંઈ આપ્યું નથી. તમે એ બાબતે કંઈક કરી શકો?"
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક