“એ કૈસે હોર નુ જીતા રહે ને, સાડે આગે કોઈ હોર કુડી નહીં સી [તેઓ બીજા કોઈને જીતાડે છે, અમારાથી આગળ કોઈ છોકરી હતી જ નહીં]." ખેલાડીઓ જસપાલ, રમનદીપ અને સખીઓ એક અવાજમાં તેમના પ્રશિક્ષકને ફરિયાદ કરી રહ્યા છે. ચંદીગઢમાં યોજાયેલ મેરેથોનમાં ભાગ લેવા અમૃતસર જિલ્લાના એક ડઝન જેટલા યુવા ખેલાડીઓએ 200 કિલોમીટરની મુસાફરી કરી હતી, અને તેઓ દેખીતી રીતે ઉશ્કેરાયેલા હતા.
એક તરફ પાંચ કિલોમીટરની સ્પર્ધામાં બીજા ઈનામના વિજેતા તરીકે મંચ પરથી જસપાલ કૌરના નામની જાહેરાત થઈ રહી છે ત્યારે જ બીજી તરફ આ બધું ચાલી રહ્યું છે. તેઓ જાણે છે કે છેક અંતિમ રેખા સુધી જસપાલ સતત આગળ રહ્યા હતા આથી તેઓ વિજેતા છે, નહીં કે રનર-અપ. પરંતુ વિજેતા માટેનો 5000 રુપિયાનો રોકડ પુરસ્કાર કોઈ બીજાને નામે જાહેર કરાઈ રહ્યો છે.
જસપાલ મંચ પર જવાની અને બીજું ઇનામ સ્વીકારવાની ના પાડી દે છે, મંચ પર જઈને બીજું ઈનામ સ્વીકારવાને બદલે તેઓ અને તેમના પ્રશિક્ષક મંચની ઉપરથી નીચે, એક વ્યક્તિની પાસેથી બીજી વ્યક્તિ પાસે ને બીજી વ્યક્તિ પાસેથી ત્રીજી પાસે, આમથી તેમ જાય છે, આયોજકોના નિર્ણય પર સવાલ ઉઠાવે છે, તેમની પોતાની વાત વિગતે કહે છે, અને જસપાલને થયેલો અન્યાય દૂર કરવામાં મદદ માગે છે. અંતે પોતાના પ્રશિક્ષકની વિનંતીથી જસપાલ બીજું ઇનામ, રુપિયા 3100નો આંકડો લખેલો એક વિશાળ ફોમ બોર્ડ ચેક સ્વીકારી લે છે.
એક મહિના પછી એપ્રિલ 2023 માં જસપાલના આશ્ચર્ય વચ્ચે તેમને પોતાના ખાતામાં 5000 જમા થયાની જાણ થાય છે. નથી જસપાલને કોઈ ખુલાસો આપવામાં આવ્યો કે નથી કોઈ સ્થાનિક અખબારોમાં કોઈ નોંધ લેવામાં આવતી. રુનિઝન ટાઈમિંગ સિસ્ટમની પરિણામની વેબસાઇટ પર લીડરબોર્ડ પર 5-કિલોમીટરની સ્પર્ધાના વિજેતા તરીકે 23.07 મિનિટના ગનટાઇમ (રેસ ટાઈમ) સાથે જસપાલનું નામ જોઈ શકાય છે. તે વર્ષના પુરસ્કાર વિતરણ ફોટોગ્રાફ્સમાં જસપાલ નથી. પરંતુ જસપાલને મળેલા અનેક ચંદ્રકોની સાથે તેમની પાસે હજી આજે પણ એ વિશાળ ચેક છે.
2024 માં આગલી મેરેથોનમાં આ છોકરીઓ સાથે ગયેલા આ પત્રકારને આયોજકો પાસેથી જાણવા મળ્યું કે તેઓએ વીડિયો ફૂટેજની તપાસ કર્યા પછી એ વર્ષે પાછળથી જસપાલની પ્રતિસ્પર્ધીને સ્પર્ધામાં ગેરલાયક ઠેરવી હતી. તેઓને સમજાયું હતું કે આ છોકરીઓની વાત સાચી હતી. રેસ બિબમાં કશીક છેતરપિંડી થઈ હતી. આ ખુલાસાથી જસપાલને મળેલ ઈનામની રોકડ રકમનું રહસ્ય સમજાઈ ગયું.
જસપાલને માટે રોકડ ઈનામો મહત્વપૂર્ણ છે. જો તેઓ પૂરતા પૈસા બચાવી શકે તો તેઓ ફરીથી કોલેજ જઈ શકે છે. બે વર્ષ પહેલા જસપાલ ખાનગી યુનિવર્સિટીમાં ઓનલાઈન બીએ (આર્ટ્સ) ના અભ્યાસક્રમમાં જોડાયા હતા. તેઓ કહે છે, "પરંતુ હું પહેલા સેમેસ્ટરથી આગળ ભણી શકી નથી. પરીક્ષામાં બેસવા માટે મારે દર સેમેસ્ટરમાં લગભગ 15000 રુપિયા ચૂકવવા પડે છે. પહેલા સેમેસ્ટરમાં મેં [રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જીતવા બદલ ગામના પ્રતિનિધિઓ અને શાળા તરફથી આપવામાં આવેલા] રોકડ પુરસ્કારોના પૈસા ફી ભરવા માટે વાપર્યા. પરંતુ એ પછી હું બીજું સેમેસ્ટર પૂરું ન કરી શકી કારણકે મારી પાસે પૈસા જ નહોતા.
22 વર્ષના જસપાલ એ તેમના પરિવારની કોલેજમાં જનાર પહેલી પેઢી છે અને તેમના ગામના મઝહબી શીખ સમુદાયની કોલેજમાં જનાર બહુ ઓછી મહિલાઓમાંથી એક છે, મઝહબી સમુદાય પંજાબમાં સૌથી વંચિત અનુસૂચિત જાતિ સમુદાય તરીકે સૂચિબદ્ધ છે. જસપાલના માતા 47 વર્ષના બલજિન્દર કૌરે 5 મા ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે અને તેમના પિતા 50 વર્ષના બલકાર સિંહ ક્યારેય શાળાએ ગયા નથી. જસપાલના મોટા ભાઈ, 24 વર્ષના અમૃતપાલ સિંહે તેમના ગામ કોહાલીની આસપાસ બાંધકામના સ્થળોએ શ્રમિક તરીકેનું કામ કરી તેમના પિતાને મદદ કરવા માટે 12 મા ધોરણ પછી અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો; જસપાલના નાના ભાઈ, 17 વર્ષના આકાશદીપ સિંહ 12 મા ધોરણ સુધી ભણ્યા છે.
આ પરિવાર, જેમાં હવે જસપાલના મોટા ભાઈના પત્ની અને બાળકનો પણ સમાવેશ થાય છે તેની આવક આ બે પુરુષોને કેટલી વખત કામ મળે છે તેના પર આધાર રાખે છે, અને કેટલી વાર કામ મળશે એ ઘણીવાર નક્કી નથી હોતું. જ્યારે તેમની પાસે કામ હોય ત્યારે પરિસ્થિતિ કંઈક ઠીક હોય છે, અને તેઓ દર મહિને 9000-10000 રુપિયાની વચ્ચે કંઈપણ કમાય છે.
જસપાલને મળતી ઈનામી રકમમાંથી ઘણી વખત સ્પર્ધાઓની દાખલ ફી અને સ્પર્ધાઓ માટેની મુસાફરી જેવા કેટલાક ખર્ચા અને તેમના પોતાના શિક્ષણનો ખર્ચો નીકળે છે. તેઓ કહે છે, "જ્યારે અમે સ્પર્ધા માટે નોંધણી કરાવીએ ત્યારે અમને ટી-શર્ટ મળે છે, પરંતુ શોર્ટ્સ, ટ્રેકસૂટ પેન્ટ અને શૂઝ માટે અમારે અમારા માતા-પિતા પાસેથી પૈસા માગવા પડે છે." તેઓ મેદાન પર પ્રેક્ટિસ માટે તેમના રમતગમતના કપડાંમાં સજ્જ થઈ રહ્યા છે.
અમારી આસપાસ અમે યુવા ખેલાડીઓ જોઈએ છીએ, કેટલાક વોર્મઅપ કરી રહ્યા છે, કેટલાક મેદાન ફરતે ધીમા ચક્કર લગાવી રહ્યા છે અને કેટલાક દૈનિક તાલીમ માટે તેમના પ્રશિક્ષક રજિન્દર સિંહની આસપાસ ભેગા થયા છે. તે બધા જુદા જુદા ગામોમાંથી આવે છે. જસપાલ 400 મીટર, 800 મીટર અને 5-કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે અને છેલ્લા સાત વર્ષમાં તેમણે ઘણા ઈનામો અને ચંદ્રકો જીત્યા છે. પોતાના ગામમાં જસપાલ ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. તેમના ચંદ્રકો, પ્રમાણપત્રો અને રોકડ પુરસ્કારોએ ગરીબ પરિવારોના ઘણા લોકોને તેમના બાળકોને તાલીમ અપાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
પરંતુ જસપાલ માટે તેમણે અત્યાર સુધીમાં જીતેલી કોઈ પણ રકમ તેમના પરિવારને મદદ કરવા માટે પૂરતી નથી. ફેબ્રુઆરી 2024 થી જસપાલે અમૃતસર નજીકની ગૌશાળામાં મહિને 8000 રુપિયાના પગારે હિસાબ લખવા માટે જવાનું શરુ કર્યું છે. તેઓ કહે છે, "મારા પરિવારની આવકમાં હું કંઈક ફાળો આપી શકું એ માટે મેં આ કામ લીધું છે. પણ હવે મને ભણવાનો પણ સમય મળતો નથી."
તેઓ જાણે છે કે ઘરની જવાબદારીઓ સાથે આ નવી નોકરીનો પગાર પણ તેમને જરૂરી સેમેસ્ટર ફીના પૈસા માટે ઓછો પડશે.
માર્ચ 2024 માં તેઓ ફરી એકવાર ચંદીગઢમાં 10-કિમીની સ્પર્ધામાં દોડવાનું નક્કી કરે છે. આ વખતે તેઓ સેકન્ડ રનર તરીકેનું 11000 નું રોકડ ઇનામ જીતે છે.
*****
60 વર્ષના રજિન્દર સિંહ છિના, હરસે છિના ગામમાં જે ખેલાડીઓને નિઃશુલ્ક તાલીમ આપી રહ્યા છે તે લગભગ 70 ખેલાડીઓના જૂથમાં તેઓ નક્કી એક 'સ્ટાર' છે. રજિન્દર પોતે 1500 મીટરની સ્પર્ધાના આંતરરાષ્ટ્રીય ખેલાડી છે, તેઓ છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી વંચિત સમુદાયોના યુવાનો અને યુવતીઓને તાલીમ આપી રહ્યા છે.
ચંદીગઢના એક વરિષ્ઠ અધિકારીએ ગ્રામીણ પંજાબના યુવાનોમાં વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા ડ્રગના દુષણ અંગે કરેલી ટીકાએ આ ખેલાડીને 2003 માં નાના બાળકોને તાલીમ આપવા પ્રેર્યા. અમૃતસરના હરસે છિના ગામની કોમરેડ અચ્ચર સિંહ છિના ગવર્મેન્ટ સિનિયર સેકન્ડરી સ્માર્ટ સ્કૂલના મેદાનનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે. "પહેલાં તો હું એ બાળકોને આ મેદાન પર લાવ્યો. એ બાળકો જે આ શાળામાં ભણતા નહોતા - વંચિત સમુદાયના, શ્રમિકોના બાળકો. મેં તેમને આ શાળામાં પ્રવેશ અપાવ્યો, તેમને તાલીમ આપવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે આ પ્રવૃત્તિ વધતી ગઈ."
રજિન્દર કહે છે, “સરકારી શાળાઓમાં હવે વંચિત સમુદાયોના ઘણા બાળકો છે. તેઓ મહેનતુ અને ખડતલ હોય છે. તેઓએ ઓછામાં ઓછું રાજ્ય સ્તર સુધી તો પહોંચવું જોઈએ એમ વિચારીને મેં ટીમો બનાવવાનું શરૂ કર્યું. મારી પાસે ગુરુદ્વારામાં સેવા આપવાનો સમય નહોતો. હું માનું છું કે જો કોઈ વ્યક્તિ બાળકોને તેમના શિક્ષણમાં મદદ કરી શકે એમ હોય તો તેણે એમ કરવું જોઈએ."
છિના ગર્વથી કહે છે, “મારી પાસે ઓછામાં ઓછા 70 ખેલાડીઓ છે જેમને હું પ્રશિક્ષણ આપું છું. મારા કેટલાક ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને સારી નોકરીઓ મેળવી છે. કેટલાક પ્રો કબડ્ડી લીગમાં છે." તેઓ કહે છે, "અમને કોઈની પાસેથી કશી જ મદદ મળતી નથી. લોકો આવે છે, બાળકોનું સન્માન કરે છે, મદદ કરવાનું વચન આપે છે પરંતુ પછી કંઈ થતું નથી. અમે અમારી જાતે જે કરી શકીએ તે કરીએ છીએ."
તેમની પાસે બીએએમએસની પદવી છે અને તેઓ અમૃતસર નજીક રામ તીરથમાં પોતાનું દવાખાનું ચલાવે છે. તેઓ કહે છે કે તેમાંથી થતી આવક તેમના ઘરનો અને આ મેદાનનો ખર્ચ ઉઠાવવા માટે પૂરતી છે. તેઓ ઉમેરે છે, "હું દર મહિને આશરે 7000-8000 રૂપિયા સાધનો - વિઘ્નો (હર્ડલ્સ), વજન, જમીનને ચિહ્નિત કરવા માટે ચૂનો વગેરે પાછળ ખર્ચું છું." તેમના ત્રણેય બાળકો મોટા થઈ ગયા છે અને કામ કરે છે, તેઓ પણ સમયાંતરે યોગદાન આપે છે.
“હું નથી ઈચ્છતો કે કોઈ પણ બાળકો ડ્રગ્સ લે. હું ઇચ્છું છું કે તેઓ આ મેદાન પર આવે જેથી તેઓ કંઈક બની શકે."
પ્રશિક્ષક રજિન્દર સિંહ અને પંજાબની યુવા મહિલા ખેલાડીઓની તેમની ટીમ તેમની સફર વિશે વાત કરે છે
*****
જો કે મેદાન પર પહોંચવા માટે યુવાન જસપાલને ખૂબ જ મહેનત કરવી પડે છે, તેમનું ગામ કોહાલી લગભગ 10 કિલોમીટર દૂર છે. જસપાલ કહે છે, “અંતરને કારણે મને મુશ્કેલી પડે છે. મારું ગામ આ મેદાનથી ઘણું દૂર છે." તેઓ તેમના ગામની સીમમાં આવેલા તેમના બે રૂમના ઈંટના ઘરની સામે બેઠા છે. તેઓ ઉમેરે છે, "મેદાન સુધી ચાલીને જવામાં લગભગ 45 મિનિટ અને પાછા આવવામાં બીજી 45 મિનિટ લાગે છે. હું દરરોજ સવારે 3:30 વાગ્યે ઉઠું છું. હું સવારે 4:30 વાગ્યે મેદાન પર હોઉં છું. મારા માતા-પિતા મને સાવચેત રહેવાનું કહે છે, પરંતુ હું ક્યારેય અસુરક્ષિતતા અનુભવતી નથી. નજીકમાં એક અખાડો છે જ્યાં છોકરાઓ પહેલવાની [કુસ્તી] ની પ્રેક્ટિસ કરે છે. તેમના કારણે માર્ગ ક્યારેય નિર્જન રહેતો નથી. અમે બે કલાક પ્રેક્ટિસ કરીએ છીએ અને સવારે 7:30 વાગ્યાની આસપાસ હું ઘેર પાછી જાઉં છું."
બે વર્ષ પહેલાં તેઓ તેમના પિતાની સેકન્ડહેન્ડ બાઇક ચલાવતા શીખી ગયા હતા. ત્યારથી તેઓ ક્યારેક-ક્યારેક મોટરબાઈક લઈને ટ્રેનિંગ ગ્રાઉન્ડ પર જઈ શકે છે, અને જો તેઓ મોટરબાઈક પર જાય તો ટ્રેનિંગ ગ્રાઉન્ડ પહોંચતા માત્ર 10 મિનિટ લાગે છે. પરંતુ ઘણી વખત એવા સારા દિવસોએ જસપાલને તાલીમ અધવચ્ચે છોડીને તાત્કાલિક ઘેર પાછા ફરવું પડે છે, કારણ કે ઘરના પુરુષોને બાઇકની જરૂર હોય છે. આ રીતે તેઓ તેમના કેટલાક તાલીમ સત્રો ચૂકી ગયા છે.
આ પ્રશિક્ષક કહે છે, “હજી પણ કેટલાક ગામો એવા છે જ્યાં સરકારી કે ખાનગી બસ સેવા નથી. પરિણામે યુવા ખેલાડીઓને મેદાન સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે અને તેમાંથી ઘણાને આ કારણે તેમના અભ્યાસમાં પણ મુશ્કેલી પડે છે." નજીકમાં કોઈ કોલેજ ન હોવાને કારણે પણ આ ગામોની ઘણી છોકરીઓ 12 મા ધોરણ પછી અભ્યાસ અધવચ્ચે છોડી દે છે. જસપાલ માટે સૌથી નજીકનું બસ-સ્ટેશન ગામની બીજી બાજુ છે. અને તેઓ સમજાવે છે કે તેમને જરૂર હોય તે સમયે તેમને મેદાન સુધી પહોંચડતી બસો મળવી એ બીજી સમસ્યા છે.
આ જ ગામના એક બીજા યુવા ખેલાડી રમનદીપ કૌર પણ તાલીમમાં ભાગ લેવા દિવસમાં બે વાર દસ કિલોમીટર ચાલે છે. તેઓ સમજાવે છે, “કેટલીકવાર હું પાંચ કિલોમીટર ચાલીને પછી ચૈનપુર ગામની કોમલપ્રીત નામની બીજી છોકરી સાથે સ્કૂટી [ગિયર વિનાની બાઈક] પર મેદાન પર જાઉં છું. પ્રશિક્ષણ પછી હું બીજા પાંચ કિલોમીટર ચાલીને પાછી જાઉં છું."
રમનદીપ કહે છે, “ડર તોં લગદા ઈકલ્લે આંદે-જાંદે, પર કિસે કોલ ટાઈમ નહિ નાલ જાન ઔણ લાએં [મને એકલા જતા-આવતા ડર તો લાગે છે, ખાસ કરીને અંધારામાં પણ પરિવારમાં કોઈને મારી સાથે દરરોજ આવવા-જવાનો સમય નથી]." તાલીમ અને પછી જે વધારાના 20 કિમી ચાલવું પડે છે તેની તેમના પર ગંભીર અસર પડે છે. તેઓ કહે છે, "હું આખો વખત થાકેલી ને થાકેલી જ હોઉં છું."
ઉપરાંત, તેમનું કામ તેમની દોડ માટેની તાલીમની સાથે પૂરું નથી થતું, 21 વર્ષના રમનદીપને ઘેર પણ મદદ કરવી પડે છે, તેમણે પરિવારની ગાય અને ભેંસની સંભાળ લેવી પડે છે. ઘરની સામે 3-4 ફૂટ પહોળા ઈંટના રસ્તાની પેલે પાર એક નાની જગ્યા છે જ્યાં તેઓ તેમના ઢોર રાખે છે.
રમનદીપ પણ મઝહબી શીખ સમુદાયમાંથી છે. તેમનો દસ જણનો પરિવાર બે ભાઈઓની આવક પર ચાલે છે, જેઓ શ્રમિક તરીકે કામ કરે છે. રમનદીપ કહે છે, “તેઓ મોટાભાગે સુથારીકામ કરે છે અથવા બીજું જે કોઈ નાનું-મોટું કામ મળે એ કરે છે. જ્યારે તેઓને કામ મળે ત્યારે દરેક ભાઈ દિવસના લગભગ 350 રુપિયા કમાઈ શકે છે."
2022 માં તેમના પિતાનું અવસાન થયું ત્યારે 12 મું ધોરણ પૂરું કર્યા પછી રમનદીપે અભ્યાસ છોડી દીધો હતો. તેઓ ખેદપૂર્વક કહે છે, "અમને પોસાય તેમ નહોતું." રમનદીપ ગામના દૂરના છેવાડે પોતાના બે ઓરડાના મકાનમાં બેઠા છે. મકાનની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે. તેઓ ઉમેરે છે, “મારી મા મને રમતગમતના કપડાં ખરીદી આપે છે, તેમને 1500 રુપિયા વિધવા પેન્શન મળે છે.
તેઓ હાલ વાપરે છે તે, પોતાના કડક થઈ ગયેલા પગરખાં તરફ ઇશારો કરીને કહે છે, “કેશ પ્રાઈઝ જીત્ત કે શુઝ લૈ સી 3100 દે, હું ટુટ્ટ ગયે, ફેર કોઈ રેસ જીતુંગી તે શુઝ લઉંગી [એક સ્પર્ધામાં 3100 રુપિયાનું રોકડ ઇનામ જીતી હતી ત્યારે મેં આ શુઝ ખરીદ્યા હતા, હવે આ ફાટી ગયા છે, ફરીથી સ્પર્ધા જીતીશ પછી શુઝ ખરીદીશ]." પગરખાં હોય કે ન હોય તેઓ અત્યારે છે તેના કરતા વધુ સારી સ્થિતિમાં જીવવા માટે દોડે છે.
રમનદીપ કહે છે, “હું પોલીસદળમાં નોકરી મેળવવા માટે દોડું છું.
અને તે જ રીતે ચૈનપુરના 15 વર્ષના કોમલપ્રીત કૌર, ગામ કોહાલીના 15 વર્ષના ગુરકિરપાલ સિંહ, ગામ રાણેવાલીના 20 વર્ષના મનપ્રીત કૌર અને ગામ સૈંસરા કલનના 20 વર્ષના મમતા પણ પોલીસદળમાં નોકરી મેળવવા માટે દોડે છે. આ બધા પ્રશિક્ષક છિના હેઠળ તાલીમ લેવા આવે છે. આ દરેક યુવા ખેલાડી માટે સરકારી નોકરીનો અર્થ બદલાયેલ સામાજિક દરજ્જા ઉપરાંત સમગ્ર પરિવાર માટે નાણાકીય સુરક્ષા પણ છે. પરંતુ આ નોકરીઓ માટેની પ્રવેશ પરીક્ષાઓ એ એક બીજી વિઘ્ન દોડ છે.
ખેલાડી માટે ખાસ ત્રણ ટકા નિયત હિસ્સા માટે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયનશિપ ટ્રોફી જીતવી જરૂરી છે, જેને માટે વિવિધ પ્રકારના સંસાધનોની પહોંચની જરૂર છે. આ છોકરીઓ એ સંસાધનો વિના સખત મહેનત કરે છે અને રાજ્યભરની અલગ-અલગ મેરેથોનમાં 5 અને 10 કિમીની દોડની સ્પર્ધામાં ભાગ લે છે. તેમણે જીતેલા ઇનામો અને ચંદ્રકો તેમને પોલીસ દળમાં ઇચ્છિત નોકરીઓ મેળવવા માટે શારીરિક યોગ્યતા પરીક્ષણમાં મદદ કરશે.
આ નોકરીઓમાં મઝહબી શીખો માટે પણ અનામત હોય છે. 2024 રાજ્ય ભરતી અભિયાનમાં ઉમેદવારો માટે પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ માટે જાહેરાત કરાયેલ કુલ 1746 ખાલી જગ્યાઓમાંથી 180 આ એસસી સમુદાય માટે અનામત છે. અને 180 માંથી 72 બેઠકો આ જ સમુદાયની મહિલાઓ માટે અનામત છે.
2022 ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ કે જે દરેક રાજ્યના ન્યાય સાથે સંકળાયેલ મુખ્ય તંત્રો, જેમ કે પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાનૂની સહાય માટે ક્ષમતા નિર્માણમાં પ્રગતિનું મૂલ્યાંકન કરે છે અને તે અનુસાર રાજ્યોને ક્રમાંક આપે છે, તે દર્શાવે છે કે 2019 અને 2022 ની વચ્ચે પંજાબ 4 થા ક્રમાંક પરથી 12 મા ક્રમાંક પર, આઠ ક્રમાંક નીચે આવી ગયું છે. આ અહેવાલ ઉમેરે છે કે "પછી તે જાતિ હોય કે લિંગ, દરેક જગ્યાએ સમાવેશકતા ઓછી છે અને સુધારાની ગતિ અતિશય ધીમી છે. દાયકાઓની ઉગ્ર ચર્ચા છતાં, વ્યક્તિગત રાજ્યો એક અથવા બીજી શ્રેણી પૂરી કરી શકે છે, પરંતુ કોઈપણ રાજ્ય બધી સબસિસ્ટમમાં ત્રણેય ક્વોટા પૂરા કરી શકાતું નથી. મહિલાઓ ક્યાંય પણ સમાનતાની નજીક પણ નથી. પોલીસમાં મહિલા કર્મચારીઓનો હિસ્સો 3.3 ટકાથી વધીને 11.8 ટકા થવામાં જાન્યુઆરી 2007 થી જાન્યુઆરી 2022 સુધીના પંદર વર્ષ લાગ્યા છે." 2022માં પંજાબમાં મહિલાઓ માટે આ આંકડો 9.9 ટકા છે.
જસપાલ અને રમનદીપ બંને પંજાબ પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ માટે ગયા વર્ષથી અરજી કરી રહ્યાં છે. 2023 માં તેઓ બંનેએ પંજાબીમાં લેખિત પરીક્ષા આપી હતી પરંતુ તેઓ તેમાં પાસ થયા નહોતા રમનદીપ કહે છે, "હું ઘેર બેઠા લેખિત પરીક્ષાની તૈયારી કરું છું."
ભરતી અભિયાન માટેની 2024ની જાહેરાતમાં ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયાના પહેલા તબક્કા તરીકે કોમ્પ્યુટર આધારિત પરીક્ષાનો ઉલ્લેખ છે. અનુસૂચિત જાતિ (શિડ્યુલ્ડ કાસ્ટ) અને પછાત વર્ગ (બેકવર્ડ ક્લાસ) ના ઉમેદવારો બીજા તબક્કામાં આવતી શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપન કસોટી માટે પાત્ર થઈ શકે એ માટે પહેલા તબક્કાની પરીક્ષામાં તેમના ઓછામાં ઓછા 35 ટકાના જરૂરી ગુણ હોવા જરૂરી છે. શારીરિક પરીક્ષણોમાં દોડ, લાંબી કૂદ, ઊંચો કૂદકો, વજન અને ઊંચાઈનો સમાવેશ થાય છે.
રમનદીપની માતા તેમની દીકરીના પ્રદર્શન વિશે ચિંતિત છે કારણ કે તેઓ કહે છે કે રમણદીપ બરોબર ખાતી નથી. યુવા ખેલાડીઓની પોષણ અને શક્તિની જરૂરિયાતોને પહોંચી વળવા શાકભાજી, ફળો, કઠોળ, કઠોળ, અનાજ, ઓછી ફેટવાળા માંસ, માછલી અને ડેરી ઉત્પાદનોના વિવિધ આહારની ભલામણ કરતી એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની પોષણ પરની માર્ગદર્શિકા બાબતે ખાસ કંઈ જાણતા નથી. આમાંનું ઘણું બધું તેમને પરવડી શકે તેમ નથી. માંસ ઘરમાં મહિનામાં એકવાર આવે છે. રમનદીપ કહે છે, “ડાઈટ નહીં મિલદી બસ રોટી જા જો વી ઘરે મિલ જાંદા [અમને યોગ્ય આહાર મળતો નથી; બસ ચપાટી અથવા જે કંઈ ઘેર રાંધવામાં આવે છે તે ખાઈએ છીએ]." જસપા લ ઉમેરે છે, “અમે ઘેર જે કંઈ રાંધવામાં આવે છે એ અને પલાળેલા ચણા ખાઈએ છીએ.
આ વર્ષે જાહેરાતમાં ઉલ્લેખિત કોમ્પ્યુટર-આધારિત પરીક્ષા વિશે આ બે છોકરીઓમાંથી કોઈનેય ખબર નથી. જસપાલ તેમના અગાઉના અનુભવને યાદ કરતાં કહે છે, "ગયા વર્ષે પંજાબીમાં લેખિત પરીક્ષા હતી, કોમ્પ્યુટર આધારિત પરીક્ષા નહોતી. અમારી પાસે કમ્પ્યુટર્સની પહોંચ નથી." ગયા વર્ષે જસપાલે તેમને લેખિત પરીક્ષા પાસ કરવામાં મદદ કરવા માટે બે મહિનાના કોચિંગ પાછળ 3000 રુપિયા ખર્ચ્યા હતા.
આ વર્ષના પરિપત્ર મુજબ પ્રથમ તબક્કામાં પંજાબી ભાષાના ક્વોલિફાઇંગ પેપર ઉપરાંત એક પેપરનો સમાવેશ થશે. એ પેપર ઉમેદવારોની જનરલ અવેરનેસ, કવોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એન્ડ ન્યુમેરિકલ સ્કિલ્સ. મેન્ટલ એબિલિટી એન્ડ લોજીકલ રીઝનિંગ, ઈંગ્લિશ લેંગ્વેજ સ્કિલ્સ, પંજાબી લેંગ્વેજ સ્કિલ્સ અને ડિજિટલ લિટરસી એન્ડ અવેરનેસ અંગેનું પરીક્ષણ કરશે.
જસપાલ કહે છે, " ફિઝિકલ ટેસ્ટ રિટન ટેસ્ટ ક્લિઅર હોં તોં બાદ લેંદે ને, રિટન ટેસ્ટ હી ક્લિઅર નહીં સી હોયા ઈસ કરકે ફિઝિકલ ટેસ્ટ તક પોહંચે હી નહિ [તમે લેખિત પરીક્ષા પાસ કરો એ પછી શારીરિક કસોટી લેવામાં આવે છે, તમે લેખિત પરીક્ષા જ પાસ ન કરી શકો તો શારીરિક કસોટી લેવાનો સવાલ જ ક્યાં ઊભો થાય છે]?"
રમનદીપ કહે છે, “મારી પાસે ગયા વર્ષના પુસ્તકો છે. આ વર્ષે પણ મેં [પોલીસ દળની ખાલી જગ્યાઓ માટે] અરજી કરી છે." તેઓ ઉમેરે છે, "જોઈએ, શું થાય છે આ વખતે." તેમનો અવાજ રુંધાઈ જાય છે. તેમના અવાજમાં જેટલી શંકા છે એટલી જ આશા છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક